યુનિફૉર્મ સિવિલ કોડ : લિવ-ઇન રિલેશનશિપ અને છૂટાછેડાના નિયમો મહિલાઓની મુશ્કેલી વધારશે કે ફાયદો થશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
- વાંચવાનો સમય: 6 મિનિટ
ગુજરાત વિધાનસભામાં યુનિફૉર્મ સિવિલ કોડનું બિલ પસાર થઈ ગયું છે અને હવે તે કાયદો બનવા જઈ રહ્યું છે.
આ બિલ વિશે જાહેર માધ્યમોમાં કે વિધાનસભામાં બોલતી વખતે સરકારના મંત્રીઓએ સતત આ બિલથી મહિલાઓને ફાયદો થશે એવી વાત કરી છે.
જોકે, આ બિલ પસાર થયા બાદ મહિલાઓની સ્થિતિ અને લિવ-ઇન રિલેશનશિપ વિશે પણ ગુજરાતમાં ચર્ચા શરૂ થઈ છે.
કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે આ બિલથી મહિલાઓને કોઈ મોટો ફાયદો નહીં થાય અને સામાજિક સમસ્યાઓ વધશે. તો બીજી તરફ કેટલાકનું કહેવું છે કે આ બિલથી કચડાયેલા વર્ગની મહિલાઓને ફાયદો થશે.
ગુજરાત વિધાનસભામાં યુનિફૉર્મ સિવિલ કોડનું જે બિલ પસાર થયું તેમાં મહિલાઓ માટે કઈ મહત્ત્વની જોગવાઈઓ છે અને તેમને કયા નવા અધિકારો આપવાની વાત છે. તેના વિશે કાયદાના નિષ્ણાતોનું શું કહેવું છે? જાણીએ આ અહેવાલમાં...
યુનિફૉર્મ સિવિલ કોડમાં મહિલાઓ માટે કઈ ખાસ જોગવાઈ છે?
યુનિફૉર્મ સિવિલ કોડમાં મહિલાઓ માટે અનેક જોગવાઈઓ છે. જેમ કે...
- દરેક મહિલાને વારસામાં સમાન હિસ્સો મળશે, ધર્મને આધારે તેના માટે અલગ નિયમો નહીં ચાલે.
- સામાજિક પરંપરા મુજબ અપાયેલા છૂટાછેડાને બદલે કોર્ટમાંથી અપાયેલા છૂટાછેડા જ માન્ય રહેશે.
- દરેક ધર્મમાં એમના રિવાજ મુજબ લગ્ન કરી શકાશે, પરંતુ લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે
- લિવ-ઇનમાં રહેનારાં મહિલાને ત્યજવામાં આવે તો તેમને ભરણપોષણના અધિકારો મળશે અને બાળકને પણ વારસો મળશે
- પૈતૃક સંપત્તિનું વસિયતનામું ન થયું હોય તો મહિલાને સ્થાવર અને જંગમ મિલકતમાં સમાન હક મળશે.
- દરેક ધર્મમાં એક પત્ની હોય તો બીજી પત્ની નહીં કરવાનો નિયમ બનાવવામાં આવ્યો છે અને ત્યજી દેવાયેલાં મહિલાઓને ન્યાય આપવાની પણ વાત કરવામાં આવી છે. એક કરતાં વધુ લગ્ન અને નિકાહ-હલાલા પ્રથા બંધ કરવાની વાત છે .
'ફરજિયાતપણે કોર્ટમાંથી જ છૂટાછેડાથી મુશ્કેલી પડશે'

ઇમેજ સ્રોત, Getty Images
આ મુદ્દે નિવૃત જજ જ્યોત્સના યાજ્ઞિકે બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, "યુનિફૉર્મ સિવિલ કોડમાં સામાજિક રીતે છૂટાછેડા માન્ય રાખવાને બદલે કોર્ટમાંથી છૂટાછેડા ફરજિયાત બનાવાયા છે. પરંતુ હાલની સ્થિતિ જોઈએ તો ફૅમિલી કોર્ટમાં છૂટાછેડાના અઢળક કેસ છે. ત્યારે આવનારા દિવસોમાં છૂટાછેડાના કેસનું ભારણ વધશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
"હાલમાં આપણે ત્યાં ઘણી જ્ઞાતિઓમાં સામાજિક રીતે છૂટાછેડા થાય છે એ અમાન્ય ગણાશે, એટલે ફૅમિલી કોર્ટમાં કેસના નિકાલમાં વધુ સમય લાગશે. કેટલાક કેસમાં નાની ઉંમરની છોકરી અથવા પુરૂષનો છૂટછેડાનો કેસ સાચો હોય છે, આવા સંજોગોમાં કેસ લાંબા સમય સુધી ચાલશે જેના કારણે ઘણા કેસમાં છૂટાછેડા બાદ ફરી લગ્ન કરવાની તક ઘટી જશે."
જ્યોત્સના યાજ્ઞિક કહે છે, "આપણે ત્યાં ઘણા સમાજોમાં લેખણી તથા સાટાપાટાની પ્રથા ચાલુ છે. 2021ના અંતમાં ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલા અને નાણાવટીની ખંડપીઠે લેખણી પ્રથા જેવી રૂઢિગત પ્રણાલીથી છૂટાછેડાની પ્રક્રિયામાં શોષણ થતું હોવાનું નોંધ્યું છે. પરંતુ સમાજમાં આજે પણ આ પ્રથા ચાલે છે. ઓછું ભણેલી અને સ્વમાન માટે છૂટાછેડા લેનારી મહિલાઓ આ રીતે છૂટાછેડા લઈને ટૂંકા ગાળામાં લગ્ન કરી શકે છે. કોર્ટમાં આવા કેસનું ભારણ વધશે, જજની સંખ્યા ઓછી હશે તો અમુક જ્ઞાતિની મહિલાઓને તકલીફો પડશે."
ફૅમિલી કોર્ટનાં વરિષ્ઠ વકીલ પૂજા પ્રજાપતિએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "ગુજરાતમાં આવેલા યુનિફૉર્મ સિવિલ કોડથી મહિલાઓને કોઈ બહુ મોટા ફાયદા નહીં થાય, કારણ કે ફૅમિલી કોર્ટમાં ઉજળિયાત વર્ગના લોકોમાં છૂટાછેડાના કેસનું પ્રમાણ વધુ જોવા મળે છે, જયારે અન્ય સંખ્યાબંધ જ્ઞાતિઓમાં આજે પણ સામાજિક રીતિરિવાજ પ્રમાણે છૂટાછેડાના રિવાજ ચાલુ છે."
"માત્ર ગ્રામીણ જ નહીં, પરંતુ શહેરી વિસ્તારમાં રહેતા ચોક્કસ જ્ઞાતિના લોકો આજે પણ શિક્ષિત હોવા છતાં સાટાપાટા, લેખણી અને દાપું જેવી પ્રથામાં માને છે, એટલે બહુ ઓછી મહિલાઓને આનો લાભ મળશે."
લિવ-ઇન રિલેશનશિપ નવી સમસ્યાઓ ઉત્પન્ન કરશે?

ઇમેજ સ્રોત, Getty Images
જાણકારોનું કહેવું છે કે લિવ-ઇન રિલેશનશિપને કારણે મહિલાઓ માટે નવી સમસ્યાઓ પણ ઉત્પન્ન થઈ શકે છે.
વકીલ પૂજા પ્રજાપતિનું કહે છે કે, "મહિલાઓ માટે સૌથી વધુ જોખમી જોગવાઈ હોય તો એ લિવ-ઇન રિલેશનશિપની માન્યતાની છે. આ સંબંધમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનાવ્યું છે. એટલે પહેલાં લોકો લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા તેમને સમાજનો ડર રહેતો હતો. પરંતુ હવે ખુલ્લેઆમ કાયદેસર રીતે એ લિવ-ઇન સંબંધોમાં રહી શકશે. નવી પેઢીમાં લિવ-ઇન રિલેશનશિપને આ પ્રકારે માન્યતા મળશે, તો સમાજમાં લોકોને એક તાંતણે બાંધતી લગ્નપ્રથા તૂટતી જશે, જે આવનારા દિવસો માટે જોખમી છે."
તેઓ કહે છે, "આ કાયદામાં લિવ-ઇન રિલેશનશિપમાં જન્મેલા બાળકને પણ હક આપવાની વાત છે. આ સંબંધોથી જન્મેલાં બાળક અંગે સ્ત્રી અને પુરુષ નવા અન્ય કાનૂની વિવાદો ઊભા કરશે. લિવ-ઇનમાં રહેલી સ્ત્રી સામે આક્ષેપો થશે તો નવા વિવાદ ઊભા થવાની સંભાવના પણ છે. તેના કારણે મહિલાઓને વધુ નુકસાન થઈ શકે છે. એટલું જ નહીં, લિવ-ઇનના કાયદામાં 18થી 21 વર્ષની ઉંમરનાં યુગલ રજિસ્ટ્રેશન કરાવે તો એમનાં માતાપિતાને જાણ કરવાની જોગવાઈ છે. જેના કારણે નવા સામાજિક વિખવાદ પણ ઊભા થશે. આ યુનિફૉર્મ સિવિલ કોડથી લાંબા ગાળે ફાયદો થવાને બદલે લગ્નપ્રથા પર ખતરો ઊભો થશે."
"યુનિફૉર્મ સિવિલ કોડને કારણે મહિલાઓને છૂટાછેડાના કેસમાં તાત્કાલિક ભરણપોષણ અને લગ્નના એક વર્ષ પછી જ છૂટાછેડાનો કેસ દાખલ કરવાનું પગલું સારું છે. પરંતુ મહિલાઓને કોઈ મોટા ફાયદા હોય એવું દેખાતું નથી."
વારસાગત મિલકતના નિયમોથી શું ફરક પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
વારસાગત મિલકતની જોગવાઈ વિશે વાત કરતાં નિવૃત્ત જજ જ્યોત્સના યાજ્ઞિક કહે છે, "2005થી પૈતૃક વારસાગત સ્થાવર અને જંગમ મિલકતમાં મહિલાઓને ભાગ હતો એટલે આ કોઈ નવો કાયદો નથી બન્યો. કેટલાક ધર્મમાં મહિલાઓને વારસાની રકમનો ચોક્કસ ભાગ નક્કી કરેલો છે જેનાથી આ કાયદાથી ફાયદો થશે, પરંતુ કોઈ મોટો ફરક નહીં પડે."
તેમનું કહેવું છે કે તેનાથી ગુજરાતના લોકો વસિયતનામા માટે જાગૃત થશે અને કૌટુંબિક દીવાની કેસ ઓછા થશે.
તો ગુજરાત હાઇકોર્ટના વકીલ આશિષ શુક્લનું માનવું છે કે આ કાયદાને કારણે મહિલાઓને વારસામાં મળનારી મિલકત અંગે જે કૌટુંબિક વિખવાદો થાય છે એ બંધ થઈ જશે.
તેઓ કહે છે, "ઘણી વાર ધર્માંતરણ કરી ઘણા લોકો એકથી વધુ લગ્ન કરે છે, અને છોકરીને ત્યજી દે છે એ અટકશે. એટલું જ નહીં, કેટલાક કિસ્સામાં યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી ધાર્મિક જોગવાઈનો ફાયદો ઉઠાવી બે વાર લગ્ન કરી એને ધાર્મિક વિધિ મુજબ છૂટાછેડા આપી દેવાના કિસ્સા પણ અટકશે. તો છેતરપિંડીથી છોકરીઓનાં લગ્નો પણ અટકશે."
જોકે, તેમનું પણ માનવું છે કે લિવ-ઇન રિલેશનશિપને માન્યતા આપવાથી લગ્નપ્રથા પર તેની મોટી અસર પડશે.
મુસ્લિમ-આદિવાસી મહિલાઓમાં અલગ પ્રકારની સમસ્યાઓ સર્જાઈ શકે

ઇમેજ સ્રોત, Getty Images
મુસ્લિમ સમાજના અગ્રણી અને ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ વકીલ હાશિમ કુરેશીનું કહેવું છે કે આ કાયદામાં નવું કઈ નથી.
તેમણે કહ્યું હતું કે, "લઘુમતી સમાજમાં ચાર લગ્નની છૂટ છે, પરંતુ કેટલા મુસ્લિમો ચાર પત્ની ધરાવે છે તેની સંખ્યા કોઈની પાસે છે? માત્ર આંગળીના વેઢે ગણાય એટલા મુસ્લિમો બહુપત્નીત્વમાં માને છે. હકીકતમાં તો બહુમતી સમાજના લોકો ધર્મપરિવર્તન કરીને મુસ્લિમ લૉ નો ફાયદો ઉઠાવતા હોવાના કિસ્સા ઘણા છે."
હાશિમ કુરેશી કહે છે, "શરિયતમાં દીકરીને પિતાના વારસાનો હિસ્સો આપવાની જોગવાઈ પહેલેથી છે. શરિયત મુજબ દીકરીને વારસો અને નિકાહ વખતે મહેર મળે છે, પરંતુ હક તો સમાન જ છે. બહુપત્નીત્વની પ્રથા દૂર કરીને લોકોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ લઘુમતી સમાજની શરિયતના કાયદામાં ફેરફારની વાત કરી એમની લાગણીઓને ઠેસ પહોંચાડવાની વાત છે."
"આ કાયદામાં નિકાહ અને હલાલાને નાબૂદ કરવાની વાત કરવામાં આવી છે, પરંતુ મુસ્લિમ સમાજમાં હલાલાનો કોઈ કેસ પોલીસ સ્ટેશનમાં આવ્યો નથી. ત્યારે માત્ર આવી વાતો કરી મુસ્લિમ સમાજની શરિયત સાથે જોડાયેલી લાગણીઓને ઠેસ પહોંચાડાઈ રહી છે. બીજા નિયમો લાગુ પડી જ રહ્યા છે ત્યારે યુનિફૉર્મ સિવિલ કોડ લાવવાથી મુસ્લિમ મહિલાને કોઈ મોટો ફાયદો થવાનો નથી."
જાણીતા સામાજિક કાર્યકર્તા અને વિચરતી વિમુક્ત જનજાતિઓ માટે કામ કરતા વિલ્સન ક્રિશ્ચિયનનું કહેવું છે કે યુનિફૉર્મ સિવિલ કોડથી ખ્રિસ્તી સમાજની મહિલાઓને કોઈ મોટો ફાયદો કે નુકસાન નથી, પરંતુ વિચરતી વિમુક્ત જનજાતિઓની મહિલાઓને મોટું નુકસાન થશે.
તેમનું કહેવું છે કે, "આ લોકોનું કોઈ સ્થાયી ઠેકાણું નથી હોતું. આ લોકો પાસે તેમના આધાર-પુરાવા પણ નથી હોતા અને શિક્ષણના અભાવે તેમનામાં જાગૃતિ પણ નથી હોતી. આવા સંજોગોમાં આ લોકોનાં લગ્નની નોંધણી એ નવી મુશ્કેલીઓ લઈને આવશે. તેમનામાં પણ સામાજિક રીતરિવાજથી છૂટાછેડાનું ચલણ વધુ છે. કોર્ટના ધક્કા ખાવાની તેમનામાં ક્ષમતા નથી. આ બધું લાંબા ગાળાના હિસાબે સારું છે, પણ મહિલાઓને તેનાથી કોઈ મોટો ફાયદો નહીં થાય."
તો આદિવાસી સમાજ માટે કામ કરતાં સામાજિક કાર્યકર્તા નીતા હાર્ડિકરે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "યુનિફૉર્મ સિવિલ કોડમાંથી આદિવાસીઓને બાકાત રાખવામાં આવ્યા છે, પરંતુ એમની લગ્નપ્રથા અંગેના સામાજિક રીતરિવાજો અલગ છે."
તેમનું કહેવું છે કે, "એક રિવાજ એવો છે કે કોઈ મહિલા બીજાં લગ્ન કરે તો આંગળિયાત બાળકને સાથે લઈને આવે છે. મહિલાના આંગળિયાત બાળક માટે વારસામાં કોઈ જોગવાઈ નથી. એટલે આ કાયદામાં લગ્નની બાબતે ભલે આદિવાસી સમાજને છૂટ આપી હોય પણ એમનામાં આંગળિયાત બાળકો, અને દાપું જેવી પ્રથા માટે કોઈ જોગવાઈ કરાઈ નથી એટલે આદિવાસી મહિલાઓને આ કાયદાથી કોઈ ફાયદો થાય એવું દેખાતું નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















