એવું શું કારણ છે કે એક કલાકમાં 60 મિનિટ જ હોય છે?

એવું શું કારણ છે કે એક કલાકમાં 60 મિનિટ જ હોય છે? ટાઇમ ઘડિયાળ વોચ ક્લોક બીબીસી ગુજરાતી ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, જોસેલિન ટિમ્પરલી
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 9 મિનિટ

5,000 વર્ષ જૂના એક રહસ્યમય નિર્ણયને પગલે આપણે આજે પણ તે ચોક્કસ રીત પ્રમાણે સમયની ગણતરી કરીએ છીએ.

ઑક્ટોબર, 1793માં નવા પ્રસ્થાપિત થયેલા ફ્રૅન્ચ પ્રજાસત્તાકે એક પ્રતિકૂળ પ્રયોગ શરૂ કર્યો. તેણે સમયને બદલવાનો નિર્ણય કર્યો.

ક્રાંતિકારીઓએ નક્કી કર્યું કે, હવેથી દિવસને 24ને બદલે 10 કલાકમાં વિભાજીત કરવામાં આવશે. દરેક કલાકમાં 100 મિનિટ હશે, જે 100 સેકન્ડ્ઝના બનેલા હશે.

આ સમય વ્યવસ્થા એક વ્યાપક ક્રાંતિકારી કૅલેન્ડરનો ભાગ હતી, જેનો આશય વર્ષના માળખાંને તર્કસંગત કરવાનો (અને ખ્રિસ્તી ધર્મથી મુક્ત કરવાનો) હતો), તેમાં નવા દસ દિવસના સપ્તાહનો પણ સમાવેશ થતો હતો. હાલની ઘડિયાળોને દશાંશ પદ્ધતિમાં રૂપાંતરિત કરવાનું કામ ટૂંક સમયમાં જ શરૂ થઈ ગયું. નગર પાલિકાઓમાં દશાંશ ઘડિયાળો લગાવવામાં આવી અને સત્તાવાર પ્રવૃત્તિઓની નોંધ નવા કૅલેન્ડર મુજબ કરવામાં આવી.

રૉયલ ઑબ્ઝર્વેટરી જ્યાં આવેલી છે અને ગ્રીનવિચ મીનટાઇમની સ્થાપના જ્યાં થઈ હતી, તે બ્રિટનમાં લંડનના રૉયલ મ્યૂઝિયમ ગ્રીનવિચ ખાતેના સાયન્સ કમ્યુનિકેટર ફિન બરિજ જણાવે છે કે, ઉપરોક્ત વ્યવસ્થાને કારણે થોડા જ સમયમાં અગણિત સમસ્યાઓ ઊભી થવા માંડી.

વર્તમાન ઘડિયાળોને ફરીથી ડિઝાઇન કરવાનું અને તેમને રૂપાંતરિત કરવાનું કામ અત્યંત મુશ્કેલ બન્યું. આ વ્યવસ્થાએ ફ્રાન્સને પાડોશી દેશોથી અળગું કરી દીધું. બીજી તરફ, હવે છેક દર દસમા દિવસે રજા મળશે, એ વિચાર ગ્રામીણ લોકોને પસંદ પડ્યો નહીં. આથી, ફ્રાન્સમાં દશાંશ વ્યવસ્થા માંડ એક વર્ષ કરતાં થોડા વધુ સમય સુધી અસ્તિત્વમાં રહી.

આપણે એક દિવસમાં 24 કલાક, એક કલાકમાં 60 મિનિટ અને એક મિનિટમાં 60 સેકન્ડ ગણવાની શરૂઆત કેવી રીતે કરી, તે સમજવા માટે આપણે સમય માપવાનો પ્રારંભ થયો, તે સમયકાળ પૂર્વેના યુગમાં જવું પડશે. આ સૌથી પ્રારંભિક નંબર સિસ્ટમ પૈકીની એક કહાણી છે, જેણે આપણને આ માર્ગે લાવી મૂક્યા. સાથે જ આ જટિલ પ્રણાલી તેની શોધ કરનારી સભ્યતાઓ પછી પણ લાંબા સમય સુધી કેવી રીતે ટકી રહી, તે સમજાવે છે.

60નો આધાર

દશાંશ આધારિત એક ઘડિયાળ 18મી સદીમાં ફ્રાન્સની ક્રાંતિકારી સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી નવી સમય વ્યવસ્થા દર્શાવે છે

ઇમેજ સ્રોત, The Fitzwilliam Museum, University of Cambridge

ઇમેજ કૅપ્શન, દશાંશ આધારિત એક ઘડિયાળ 18મી સદીમાં ફ્રાન્સની ક્રાંતિકારી સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી નવી સમય વ્યવસ્થા દર્શાવે છે

આ સભ્યતાઓનો પ્રારંભ ઈસુ પૂર્વે 5300-1940ની આસપાસ મેસોપોટેમિયા (હાલના ઈરાક)માં વસતી સુમેરિયન સંસ્કૃતિ સાથે થયો, જેનો સમાવેશ શહેરોનું નિર્માણ કરનારી પ્રથમ સંસ્કૃતિઓમાં થાય છે. સિંચાઈ અને હળ સહિતની અન્ય ઘણી શોધ ઉપરાંત પ્રથમ જ્ઞાત લેખન પ્રણાલીનું શ્રેય પણ તેમને જાય છે. તેમાં 60ની સંકલ્પના પર આધારિત સંખ્યા વ્યવસ્થાનો પણ સમાવેશ થાય છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તમારા હાથને સામે રાખીને એક આંગળીને વાળતાં તમે જોશો કે તેમાં ત્રણ વેઢા હોય છે. એક હાથની (અંગૂઠા સિવાયની) આંગળીઓના તમામ વેઢાની ગણતરી કરો, તો સરવાળો 12 થશે. હવે બીજા હાથની એક આંગળીનો ઉપયોગ કરીને 12ને એક તરીકે ગણીને ફરીથી પ્રથમ હાથ પર 12 સુધીની ગણતરી કરો, જ્યાં સુધી બીજા હાથની પાંચેય આંગળીઓનો ઉપયોગ ન થઈ જાય. કેટલી સંખ્યા સુધી ગણતરી થઈ? સાઇઠ.

સુમેરિયન પ્રજાએ શા માટે તેમની ઊભરી રહેલી ગાણિતિક પદ્ધતિનો આધાર 10ને બદલે 60 રાખ્યો, તેની આ એક અટકળ આધારિત થિયરી છે – સમયની આપણી ગણતરી પર આ નિર્ણયની અસર હજુયે અકબંધ છે. (આનંદ જગતિયાના લેખમાં જાણોઃ તમારી ગણતરી કરવાની રીત તમારા વિશે શું જણાવે છે)

કૅનેડાની યુનિવર્સિટી ઑફ ન્યૂ બ્રુન્સવિકમાં ક્યૂનિફૉર્મ (પ્રાચીન મધ્ય પૂર્વની પ્રારંભિક લેખન પ્રણાલી)ના નિષ્ણાત માર્ટિન વિલિસ મોનરો જણાવે છે કે, લેખિત આંકડાઓમાં તેમણે સાધેલો વિકાસ વૃદ્ધિ સાધી રહેલાં તેમનાં શહેરોને સહાયક વિશાળ અને જટિલ ખેતી વ્યવસ્થાનો રેકૉર્ડ રાખવાની ઊભી થયેલી જરૂરિયાતથી પ્રેરિત હતો.

આંકડાઓનો હિસાબ રાખવા માટે તે લોકો માટીની નાની તકતીનો ઉપયોગ કરતા હતા, જે સ્માર્ટફોન કે તેનાથી નાના કદની રહેતી હતી. નરમ માટીમાં વિગતો અંકિત કરી દેવાતી. તેના થોડા જ સમય પછી ચિત્રાત્મક સંકેતો પણ ઉમેરાયા, જે સમય જતાં સુમેરિયનોના પ્રસિદ્ધ ક્યૂનિફૉર્મ લખાણ તરીકે વિકસ્યા.

માટીની આ તકતીઓ છેક 19મી સદીના મધ્ય ભાગમાં મળી આવી અને તેને ઉકેલવાનું કાર્ય શરૂ થયું. મોનરોના મતે, આ પરથી જાણી શકાય છે કે, સુમેરિયનો ઘણી બધી સંખ્યા પદ્ધતિઓનો ઉપયોગ કરતા હતા, પણ તેમાં સેક્સાગેસિમલ (60ના આધારવાળી) પદ્ધતિ ગણિત, ખગોળશાસ્ત્ર તેમજ સમય માટેની સૌથી પ્રમુખ પદ્ધતિ બની ગઈ.

આપણે અત્યારે જે રીતે 10નો ઉપયોગ કરીએ છીએ, તે રીતે સુમેરિયનો 60નો ઉપયોગ કરતા હતા. અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટી ખાતે પ્રાચીન વિજ્ઞાનના ઇતિહાસમાં તાજેતરમાં જ ડૉક્ટરેટ સંપન્ન કરનારાં ઍરિકા મેઝારૉસ કહે છે, "જ્યારે આપણે નવ સુધી પહોંચીએ છીએ, ત્યારે આપણે ડાબી બાજુ ખસીએ છીએ, ત્યાં એક લખીએ છીએ અને જમણી બાજુ શૂન્ય ઉમેરીએ છીએ. સેક્સાગેસિમલ પદ્ધતિમાં પણ આવું જ છેઃ તેઓ 59 સુધી પહોંચે, તે પછી 59 કરતાં મોટો આંકડો લખવાને બદલે એક જગ્યા આગળ એકનો ઉપયોગ કરે છે."

ઉપર જણાવેલી આંગળીઓથી ગણતરી કરવાની થિયરી આકર્ષક હોવા છતાં, સુમેરિયન પ્રજાએ 60ના આધારવાળી પદ્ધતિ જ શા માટે પસંદ કરી, એ સ્પષ્ટ નથી. "60નો આંક ક્યાંથી આવ્યો, તે વિશે ખાસ પુરાવા મોજૂદ નથી," એમ મોનરો જણાવે છે. કેટલાક વિદ્વાનોએ સૂચવ્યું છે કે, સેક્સાગેસિમલ પદ્ધતિ સુમેરિયનોના સમયગાળા પૂર્વેની પણ હોઈ શકે છે.

જોકે, તેનો વપરાશ સરળ છે. 60ને અપૂર્ણાંક કે દશાંશની જરૂર વગર 1, 2, 3, 4, 5, 6, 10, 12, 15, 20, 30 અને 60 વડે ભાગી શકાય છે. તેની સરખામણી 10 સાથે કરો, જેને માત્ર 1, 2, 5 અને 10 વડે જ ભાગી શકાય છે, ત્યારે તેના ફાયદા સ્પષ્ટ થવા માંડે છે. મેઝારૉસ કહે છે, "જો તમે હિસાબ, કરવેરા કે ખેતરોની માપણી કરવા તેમજ તમારા પુત્રોના વારસા માટે ખેતરોના ભાગ કરવા જેવા વ્યવહારુ હેતુઓ માટે આંકડાઓ વિકસાવી રહ્યા હો, તો આ ગાણિતિક ક્રિયાઓની સરળ રીત ઘણી મદદરૂપ થઈ શકે છે."

સમયનો ઉદ્ભવ

સમયનું માપન કરનારાં અત્યંત પ્રારંભનાં જાણીતાં સાધનો પૈકીનું એક સનડાયલ (સૂર્ય ઘડિયાળ) ઈસુ પૂર્વે 1500ની આસપાસ ઈજિપ્તમાં દેખાવા માંડ્યું હતું.

ઇમેજ સ્રોત, The Board of Trustees of the Science Museum, London

ઇમેજ કૅપ્શન, સમયનું માપન કરનારાં અત્યંત પ્રારંભનાં જાણીતાં સાધનો પૈકીનું એક સનડાયલ (સૂર્ય ઘડિયાળ) ઈસુ પૂર્વે 1500ની આસપાસ ઈજિપ્તમાં દેખાવા માંડ્યું હતું.

મનરોના જણાવ્યા મુજબ, સુમેરિયનો સમયનો ઉપયોગ કરતા હોવાનું સૂચવતા કોઈ સ્પષ્ટ પુરાવા નથી. છતાં, ઈસુ પૂર્વે 1000ની આસપાસ બેબિલોનના લોકો (સુમેરિયનો પછી આવેલી પ્રાચીન મેસોપોટેમિયન સંસ્કૃતિ) દ્વારા સૂર્ય ઘડિયાળ તથા જળ ઘડિયાળ (વૉટર ક્લૉક)ના પ્રથમ દસ્તાવેજી ઉપયોગ પૂર્વે પણ આ પ્રદેશમાં સમયની ગણતરીનું અસ્તિત્વ હોઈ શકે છે.

સ્વિટ્ઝર્લૅન્ડની યુનિવર્સિટી ઑફ બૅસલનાં પુરાતત્વ-ખગોળશાસ્ત્રી રીટા ગૌચી જણાવે છે કે, દિવસને કલાકોમાં વહેંચનારી પ્રથમ જાણીતી સંસ્કૃતિ પ્રાચીન ઇજિપ્તવાસીઓની હતી, જેનો આધાર ઈસુ પૂર્વે 2500નાં ધાર્મિક લખાણોમાં જોવા મળે છે. કલાકો સાથે સંબંધિત પ્રથમ જાણીતી ચીજો દિવસના 12 કલાકનો સંદર્ભ દર્શાવતી હ. તેમાં ઈ.સ. પૂર્વે 2100 અને 1800ની વચ્ચેના ગાળામાં ઇજિપ્તના ઉમરાવોની શબપેટીઓના અંદરનાં ઢાંકણા પર જોવા મળતી ડાઇગોનલ સ્ટાર ક્લૉક્સ હતી, એમ ગૌચી જણાવે છે.

ઇજિપ્તવાસીઓએ શા માટે 12નાં પેટા-વિભાજનો જ પસંદ કર્યાં - જે આખરે આખા દિવસના 24 કલાકમાં પરિણમ્યાં - તે સ્પષ્ટ નથી. ઈજિપ્તવાસીઓ 12 નક્ષત્રોનું રાશિચક્ર ધરાવતા હતા, પણ તે 12 કલાકના પ્રથમ સંદર્ભ પછી રજૂ થયું હોવાની શક્યતા છે. એક હાથની આંગળીઓના વેઢાનો ઉપયોગ કરીને 12ની ગણતરી કરવી, એ અન્ય એક શક્યતા છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે, 10 દિવસના સપ્તાહની તેમની પસંદગી અને અમુક તારાઓની હાજરી વચ્ચેના સંબંધને કારણે આવું બન્યું હોઈ શકે છે.

ગૌચીના મતે, સમય માપવા માટેનાં પ્રાચીનતમ જાણીતાં સાધનો - સૂર્ય ઘડિયાળ અને જળ ઘડિયાળ ઈસુ પૂર્વે આશરે 1500માં ઈજિપ્તમાં દેખાવા માંડ્યાં હતાં. આ પૈકીનાં કેટલાંક સાધનો રોજિંદાં કાર્યો દરમિયાન વપરાતાં હતાં, પણ મોટાભાગનાં સાધનો સમય જાળવવાને બદલે "ધાર્મિક ક્ષેત્ર અને વિધિઓ" સાથે વધુ સંબંધિત હતાં. તેઓ કહે છે, "અંગતપણે મારું માનવું છે કે, તે પૈકીનાં ઘણાં સાધનો દેવોને ચઢાવાયેલી (માનતાની) ભેટો હતાં. તે યુગના વૈજ્ઞાનિક સમય માપન વિશે આપણી પાસે વધુ જાણકારી નથી."

ગૌચી જણાવે છે તેમ, શરૂઆતમાં, રોજીંદા જીવનના વ્યવહાર વિશેનાં લખાણોમાં, સમયનો સૌથી નાનો એકમ સામાન્યપણે વર્ક શિફ્ટ (કામનો સમયગાળો) રહેતો હતો. આ સમયગાળો સાધારણ રીતે સવારનો કે બપોરનો ગણવામાં આવતો હતો. પણ પ્રાચીન ઇજિપ્તના રોમન સમયગાળા (ઈસુ પૂર્વે 30થી) સુધીમાં, કલાકો સ્ટાન્ડર્ડ બન્યા અને અડધા કલાકનો ઉપયોગ પણ શરૂ થયો.

મિનિટનું આગમન

સુર્ય ઘડીયાળની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

આ દરમિયાન, બેબિલોનમાં પણ કલાકોનો ઉપયોગ વિકસી રહ્યો હતો. કલાકને સૌપ્રથમ વખત નાનાં એકમોમાં વિભાજીત કરનાર તેઓ હતા. જોકે, તે પાછળનો હેતુ સમય પાલનનો નહોતો.

ઈસુ પૂર્વે 2000થી 540 સુધી પ્રગતિ સાધનારી બેબિલોનિયન પ્રજાએ સુમેરિયનોની ક્યૂનિફૉર્મ લિપિ તથા સેક્સાગેસિમલ સંખ્યા પદ્ધતિ અપનાવી હતી. મેઝારૉસ કહે છે કે, ઈસુ પૂર્વે 1000 સુધીમાં તેમણે - સૂર્યને આકાશમાં સમાન સ્થાન પર પરત ફરવામાં લાગતા સમયના આધારે એક કૅલેન્ડર વિકસાવ્યું હતું, જે 360 દિવસો કરતાં થોડું વધારે હતું.

60 ઉપર આધારિત ગણન પદ્ધતિ વાપરતી સંસ્કૃતિઓ માટે તે હાથવગો આંકડો હતો. મેઝારૉસ કહે છે, "લાજવાબ, સેક્સાગેસિમલ પદ્ધતિમાં તે કેટલું સરસ છે? વાસ્તવમાં, તેના કારણે 30 દિવસના 12 મહિના બનાવવાનું સરળ બન્યું. વળી, ચંદ્રની સાઇકલ સાથે પણ તેનો મેળ બેસે છે."

બેબિલોનિયન પ્રજાએ રોજ-બરોજ માટે વ્યવહારુ સમય વ્યવસ્થા વિકસાવી હતી, જેમાં ઇજિપ્તવાસીઓની માફક દિવસ અને રાતને 12-12 ભાગમાં વહેંચવામાં આવ્યા હતા. આ "મોસમી કલાકો"ની લંબાઈમાં દિવસ અને રાતની લંબાઈના આધારે ભિન્નતા પ્રવર્તતી હતી. મેઝારૉસ કહે છે, "આપણે દિવસને 12 ભાગમાં વહેંચ્યો, કારણ કે, આપણે રાતના આકાશને 12 માસ અને 12 રાશિઓમાં વહેંચીએ છીએ."

અન્ય ઘણી પ્રાચીન સંસ્કૃતિઓ મોસમી કલાકોનો ઉપયોગ કરતી હતી અને 15મી સદીના યુરોપ તેમજ 19મી સદીના જાપાનમાં પણ તેનું ચલણ હતું. જોકે, મોનરો નોંધે છે કે, આ મોસમી સમયને કદીયે વ્યવહારુ ઉપયોગ માટે નાનાં એકમોમાં વિભાજીત કરવામાં આવ્યો નહોતો.

"આધુનિક યુગનાં મંડાણ સુધી નાનાં એકમોનું અસ્તિત્વ જ નહોતું... મેસોપોટેમિયા અને અન્ય પ્રાચીન સંસ્કૃતિઓમાં તે નહોતાં, કારણ કે, ખરેખર તેની કોઈ જરૂર જ નહોતી."

બેબિલોનના લોકોએ ખગોળીય ઘટનાઓની ગણના અને માપન કરવા માટે બીજી એક સમય પદ્ધતિ પણ વિકસાવી હતી, જે રોજીંદા વપરાશ માટે નહોતી. તેમાં દિવસને 12 "બેરુ"માં વિભાજીત કરવામાં આવ્યો હતો, જેની સરખામણી અત્યારના બે કલાક સાથે કરી શકાય. તેમનો ઉપયોગ કરનાર બેબિલોનવાસીઓ એકલા નહોતા, પ્રાચીન ચીન અને જાપાનમાં પણ તેનો ઉપયોગ થતો હતો.

ગણતરીને વધુ ચોકસાઈપૂર્ણ બનાવવાની જરૂરિયાતને પગલે બેબિલોને આ બેરુ (બેવડા કલાકો)ને 'ઉશ' તરીકે ઓળખાતી 30 પ્રાચીન મિનિટોમાં વહેંચવાનું શરૂ કર્યું. પ્રત્યેક ઉશ હાલની ચાર મિનિટ બરાબર હતી. તે પછી તેને વધુ 60 નાનાં એકમોમાં વિભાજીત કરવામાં આવ્યાં, જે નિન્ડા તરીકે ઓળખાતાં. દરેક નિન્ડા હાલની ચાર સેકન્ડ સમાન ગણાતી. આ પેટા-વિભાજનનો ઉપયોગ કદાચ એટલા માટે થયો, "કારણ કે, આપણે સેક્સાગેસિમલ પદ્ધતિમાં દરેક વસ્તુને 60ના સમૂહમાં વહેંચીએ છીએ," એમ મેઝારોસે કહ્યું હતું.

જોકે, મોનરો નોંધે છે કે, બેબિલોનિયનો "તેને સમયના પેટા-વિભાજનની દ્રષ્ટિએ નહોતા જોતા. "તેઓ તેને આકાશમાં અંતર માપવા કે ગ્રહોની ગતિ માપવા માટે અંકોના વિભાજન તરીકે જોતા હતા."

ગૌચી કહે છે કે, સમયના આ તમામ પ્રાચીન વિકાસમાં કોણે કોના ઉપર આધાર રાખ્યો, તે ચોક્કસપણે કહેવું મુશ્કેલ છે. "ઈસ પૂર્વે 330થી ઍલેક્ઝાન્ડ્રિયામાં વિજ્ઞાનના નવા કેન્દ્ર સાથે ઇજિપ્ત એક એવું મિશ્રણ કેન્દ્ર બન્યું, જ્યાં તમામ પ્રદેશોના લોકો અને તેમના વિચારો પરસ્પરમાં ભળી ગયા. તેને જ આપણે હેલેનિસ્ટિક વર્લ્ડ કહીએ છીએ."

તેમ છતાં, એ સ્પષ્ટ છે કે, પ્રાચીન ગ્રીકમાં બેબિલોનની ખગોળીય સમય પદ્ધતિ અપનાવવામાં આવી હતી, એમ મેઝારૉસ કહે છે. તેઓ ઉમેરે છે, "તેમણે તે જ વિભાજન યથાવત્ રાખ્યું, કારણ કે, તેનાથી તેઓ હાલનાં અવલોકનોમાં નવાં અવલોકનો સરળતાથી ઉમેરી શકતા હતા... બેબિલોનિયાના લોકોને આ પદ્ધતિ એટલી અનુકૂળ આવી ગઈ હતી કે, તેમના પછી આવેલા લોકોએ પણ ખગોળીય ડેટા અને પરંપરાઓને સ્વીકારવા માટે આ પદ્ધતિને અપનાવી લીધી હતી."

ચોક્કસ સમયની સમયરેખા

ઈસુ પૂર્વે 3200 આસપાસની આ સુમેરિયન તકતીમાં ગણિતના અત્યાર સુધીના સૌથી જૂના જાણીતા દાખલા જોવા મળે છે

ઇમેજ સ્રોત, Cuneiform Digital Library Initiative

ઇમેજ કૅપ્શન, ઈસુ પૂર્વે 3200 આસપાસની આ સુમેરિયન તકતીમાં ગણિતના અત્યાર સુધીના સૌથી જૂના જાણીતા દાખલા જોવા મળે છે

સેકન્ડ્ઝની ગણના

France, Eure et Loir, Chartres, Notre Dame de Chartres Cathedral listed as World Heritage by UNESCO -

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

લોકોને બોલવા માટે સમાન સમય મળી રહે, તે સુનિશ્ચિત કરવા માટે ગ્રીક અદાલતોમાં રેતી ઘડિયાળ (સેન્ડ ક્લૉક્સ) રાખવામાં આવતી હતી, પણ તેમણે અપનાવેલી બેબિલોનિયન સમય પદ્ધતિનો ઉપયોગ મુખ્યત્વે જ્યોતિષીઓ દ્વારા કરવામાં આવતો હતો અને રોજીંદા જીવન માટે તે ખાસ સુસંગત નહોતી, એમ ગૌચી જણાવે છે.

પરંતુ, હેલેનિસ્ટિક મેલ્ટિંગ પોટમાંથી ઉદ્ભવેલી કલાકો, મિનિટો અને સેકન્ડ્ઝની સંકલ્પના સદીઓ પસાર કરીને વર્તમાન સમય સુધી પહોંચી છે. હજુ તો અમુક સૈકાઓ પહેલાં જ સમય પાલનનાં સાધનો એટલાં ચોકસાઈપૂર્ણ બન્યાં કે, રોજીંદા જીવનમાં મિનિટો અને સેકન્ડનો ઉપયોગ શરૂ થયો.

અગણિત વૈજ્ઞાનિક પરિભાષાઓમાં હવે સેકન્ડનો ઉપયોગ થાય છે અને એક વખત સેકન્ડ કરતાં પણ નાનાં એકમોની ગણતરી કરવાનું શરૂ થયું, તે પછી વિજ્ઞાનીઓ મૅટ્રિક સિસ્ટમ (દશાંશ પદ્ધતિ) તરફ વળ્યા અને તેને મિલીસેકન્ડ (સેકન્ડના હજારમા) તથા માઇક્રૉસેકન્ડ (સેકન્ડના દસ લાખમા ભાગ)માં વિભાજીત કરી.

20મી સદીમાં પરમાણુ ઘડિયાળોએ વિજ્ઞાનીઓને સેકન્ડને વધુ ચોકસાઈથી પરિભાષિત કરવાની સુવિધા પૂરી પાડી. સૂર્યના ભ્રમણ પર આધારિત વ્યાખ્યાને બદલે તે હવે સીઝિયમ-133 પરમાણુઓ દ્વારા માઇક્રૉવેવ રેડિયેશનના શોષણ તથા ઉત્સર્જનના ચોક્કસ મૂલ્ય ઉપર આધારિત છે. આજે, પરમાણુ ઘડિયાળોનું આપણું વૈશ્વિક નેટવર્ક ઇન્ટરનેટ, જીપીએસથી લઈને અત્યંત સચોટ એમઆરઆઇ ઇમેજીંગ સુધીની દરેક વસ્તુ પાછળ કામ કરે છે.

સમય પાલનનો ઈતિહાસ તપાસતાં એ સ્પષ્ટ થાય છે કે, તે વાસ્તવમાં માનવ સર્જિત અને માનવીય નિર્ણયો દ્વારા નક્કી થયેલી સંરચના છે. કલાકો, મિનિટો અને સેકન્ડો શ્રેણીબદ્ધ પસંદગીઓ, સંયોગો અને આકસ્મિક પ્રસંગો થકી આપણી પાસે આવ્યા છે. પરંતુ તે એક ઉપયોગી વારસા તરીકે સદીઓથી આપણી સાથે રહ્યા છે. પ્રાચીન સમયની આ અસર આપણા જીવનમાં એટલી ઊંડી ઊતરી ગઈ છે કે, આ પદ્ધતિ બદલવી કદાચ આપણા માટે અશક્ય છે.

18મી સદીમાં ફ્રાન્સે સમયને દશાંશ પદ્ધતિમાં ફેરવવાનો પ્રયત્ન કર્યો હોવા છતાં આ નવી પદ્ધતિનો વ્યવહારમાં ભાગ્યે જ ઉપયોગ થયો હતો. બીજી તરફ, અંતરના માપ અને ચલણને દશાંશમાં ફેરવવાના ફ્રૅન્ચ રિપબ્લિકના સમાન પ્રયાસો સફળ રહ્યા અને આજે પણ તે વપરાય છે. દશાંશ સમય માત્ર 17 મહિના જ ટક્યો હતો, જોકે, તેનું કૅલેન્ડર આશરે એકાદ દાયકા સુધી થોડું વપરાશમાં રહ્યું હતું. "તેનો પ્રયાસ કરવામાં આવ્યો, પણ તેમાં સફળતા ન મળી," એમ બરિજે જણાવ્યું હતું.

1795માં ફ્રૅન્ચ નૅશનલ કન્વેન્શનના સભ્ય ક્લોડ-ઍન્ટોઇન પ્રિયર દ્વારા આપવામાં આવેલું વક્તવ્ય દશાંશ સમયના અંતનું નિર્ણાયક કારણ બન્યું. તેમણે દલીલ કરી કે, દશાંશ પદ્ધતિથી કોઈને ખાસ લાભ થયો નહોતો, એટલું જ નહીં, તેનાથી અન્ય નવી મૅટ્રિક માપન પદ્ધતિઓ પર પણ નકારાત્મક અસર પડતો હતો, જે તેની સરખામણીમાં ઉપયોગી હતી.

* જોસેલિન ટિમ્પરલી બીબીસીના વિજ્ઞાન સંબંધિત સમાચારોની ટીમમાં વરિષ્ઠ પત્રકાર છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન