આગિયા શા માટે ચમકે છે? આ 'કુદરતી પ્રકાશ'નું રહસ્ય શું છે?

આગિયાઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, કે. શુભગુણમ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

ઉનાળાની ઉકળાટવાળી રાતે ખેતરોમાં, જંગલોમાં, કળણવાળી જમીનમાં અને નદી કિનારા જેવાં સ્થળોએ "પ્રાકૃતિક પ્રકાશ" હવામાં ઊડતો જોવા મળે છે.

આગિયા મૂળભૂત રીતે 'લેમ્પિરિડિડે' નામના વૈજ્ઞાનિક પરિવાર સંબંધી કિટક છે. ઉત્તર પ્રદેશ જર્નલ ઑફ ઝૂઓલૉજીમાં ગયા વર્ષે મે મહિનામાં પ્રકાશિત થયેલા એક સંશોધનપત્રમાં જણાવ્યા મુજબ, વિશ્વભરમાં પ્રાકૃતિક રીતે પ્રકાશ ઉત્પન્ન કરતા કીટકોની 2,500થી વધારે પ્રજાતિ હોવાનો વિજ્ઞાનીઓનો અંદાજ છે અને તેમાંથી લગભગ 2,200ને આગિયા તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે.

હાલના દિવસોમાં અંધારામાં ચમકારા જોવાનું દુર્લભ બની ગયું છે, પરંતુ આવું થાય છે ત્યારે ઘણા લોકો વિચારે છે કે "આ પ્રકાશ કેવી રીતે શક્ય છે?"

આગિયાઓને પ્રકાશ ઉત્પન્ન કરતી શારીરિક રચના કેવી રીતે મળી? આ જાદુઈ પ્રકાશ પાછળની વૈજ્ઞાનિક પૃષ્ઠભૂમિ શું છે?

તેનો જવાબ છે પ્રકૃતિની સૌથી અદ્ભુત જૈવિક પ્રણાલીઓ પૈકીની એકમાંનો જૈવપ્રકાશ (બાયોલ્યુમિનેસેન્સ).

'મિનગુરુ'ના શરીરમાં થતી રાસાયણિક પ્રતિક્રિયાઓ

નેલિયમપથી રિઝર્વ ફૉરેસ્ટ વિસ્તાર લાખો આગિયાઓને કારણે પીળા અને લીલા રંગનો ચમકે છે

ઇમેજ સ્રોત, SRIRAM MURALI

ઇમેજ કૅપ્શન, નેલિયમપથી રિઝર્વ ફૉરેસ્ટ વિસ્તાર લાખો આગિયાઓને કારણે પીળા અને લીલા રંગનો ચમકે છે

આગિયામાં પ્રકાશ, તેના પેટ પર આવેલા એક નાના, પ્રકાશ ઉત્પન્ન કરતા અંગમાં અત્યંત કાર્યક્ષમ રાસાયણિક પ્રતિક્રિયા દ્વારા સર્જાય છે. પ્રકાશ ઉત્પન્ન કરતા એ ભાગને "ફાનસ" કહેવામાં આવે છે.

વિજ્ઞાનીઓએ દાયકા પહેલાં શોધી કાઢ્યું હતું કે આગિયાના પ્રકાશનો આધાર 'લ્યુસિફેરિન' નામના રસાયણ અને 'લ્યુસિફેરેઝ' નામના ઍન્ઝાઇમ પર હોય છે.

લ્યુસિફેરિન નામનું રસાયણ લ્યુસિફેરેઝ ઍન્ઝાઇમની મદદથી ઑક્સિજન સાથે પ્રતિક્રિયા આપે છે ત્યારે મુક્ત થતી ઊર્જા પ્રકાશ સ્વરૂપે ઉત્સર્જિત થાય છે. તેને આપણી આંખો જોઈ શકે છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સામાન્ય રીતે જોવા મળતા ઇલેક્ટ્રિક બલ્બ કે અગ્નિથી વિપરીત, આ રાસાયણિક પ્રતિક્રિયા ખૂબ ઓછી ગરમી ઉત્પન્ન કરે છે.

ઊર્જા ગરમી સ્વરૂપે વેડફાઈ જવાને બદલે તેમાં લગભગ સંપૂર્ણપણે પ્રકાશમાં રૂપાંતરિત થઈ જાય છે. આ જ કારણસર વિજ્ઞાનીઓ આગિયાઓ દ્વારા ઉત્સર્જિત પ્રકાશને "શીત પ્રકાશ" કહે છે.

વૈજ્ઞાનિક અભ્યાસોના તારણ અનુસાર, પ્રકૃતિમાં જ્ઞાત સૌથી કાર્યક્ષમ જૈવિક પ્રણાલીઓ પૈકીની એક આગિયાઓમાં હોય છે.

કનેક્ટિકટ કૉલેજના બાયોકેમિસ્ટ બ્રુસ ફ્રાન્સિનીના જણાવ્યા મુજબ, આ ચમક પાછળના ચોક્કસ રસાયણશાસ્ત્રને સમજવામાં વિજ્ઞાનીઓને લગભગ 60 વર્ષ થયાં છે.

આખરે સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઑક્સિજન સંબંધિત એક ચોક્કસ પરમાણુ, જેને 'સુપરઑક્સાઇડ આયન' કહેવામાં આવે છે તે, આ પ્રકાશ ઉત્પન્ન કરતી રાસાયણિક પ્રતિક્રિયામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

આ રાસાયણિક પ્રતિક્રિયા ફોટોસાઇટ્સ નામના વિશિષ્ટ કોષોમાં થાય છે.

આ કોષોમાં લ્યુસિફેરિન, લ્યુસિફેરસ અને એડેનોસિન ટ્રાઇફોસ્ફેટ (એટીપી) નામનો સેલ્યુલર ઊર્જા પરમાણુ હોય છે.

પ્રકાશ ઉત્પન્ન કરતી રાસાયણિક પ્રતિક્રિયા શરૂ થતાંની સાથે જ પ્રકાશના સૌથી નાના કણો (ફોટોન) ઉત્સર્જિત થાય છે.

વિજ્ઞાનીઓ તેને એક એવી જૈવિક પ્રણાલી તરીકે વર્ણેવે છે, જે "માઇક્રોસ્કોપિક નેચરલ એલઇડી સિસ્ટમ" જેવી લાગે છે.

એ પ્રકાશને કેવી રીતે નિયંત્રિત કરે છે?

આગિયાઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

આગિયા સામાન્ય રીતે તેની પીઠમાંથી પ્રકાશ ઉત્સર્જિત કરતા હોય છે. તેના પેટ પર 'ફાનસ' નામનું અંગ વિકસિત થઈ ચૂક્યું હોવાથી આવું થાય છે.

આગિયાની ઘણી પ્રજાતિઓમાં પેટની નીચેના ભાગમાં પરાવર્તક સ્તરો હોય છે, જે પ્રકાશને અસરકારક રીતે પ્રસારિત કરવામાં મદદ કરે છે.

આગિયાની શરીરરચનાનો અભ્યાસ કરતા વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે કે તે 'ફાનસ' ફક્ત ચમકતી ત્વચા નથી, પરંતુ બહુવિધ સ્તરોથી બનેલું એક અનન્ય અંગ છે.

એટલે કે પ્રકાશ ઉત્પન્ન કરતા ફોટોરિસેપ્ટર્સ, પ્રકાશ ઉત્સર્જિત કરતા પરાવર્તક સ્ફટિકો, ઑક્સિજન પ્રદાન કરતા સઘન વાયુમાર્ગો અને પ્રકાશ ઉત્સર્જનની પ્રક્રિયાને નિયંત્રિત કરતી નર્વસ સિસ્ટમ.

ચીનમાં મળી આવતી ઍક્વાટિકા લી નામની આગિયાની પ્રજાતિના તાજેતરના આનુવંશિક અભ્યાસમાં આ 'ફાનસ' અંગની રચના અને ચોક્કસ સ્થાન માટે જવાબદાર જનીનોને ઓળખી કાઢવામાં આવ્યાં છે.

ચીની જીવવિજ્ઞાની શિન્હુઆ ફુ અને તેમની ટીમે શોધી કાઢ્યું છે કે પેટમાં પ્રકાશની ઉત્પત્તિ ક્યાંથી થાય છે તે 'alpti-B' અને 'alnk-4' જનીનો નક્કી કરે છે.

તેમનું કહેવું છે કે લાખો વર્ષોની ઉત્ક્રાંતિએ તેમની પીઠને "ચમકદાર ગુણવત્તા" પ્રદાન કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

પ્રકાશના પ્રસારણ દરમિયાન શું થાય છે?

આગિયાઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

આગિયા વિશે લોકોના મનમાં બીજો એક મહત્ત્વપૂર્ણ સવાલ એ હોય છે કે "આગિયા પ્રકાશને આટલો સચોટ રીતે કેવી રીતે ઝબકાવતા હશે? તેઓ પ્રકાશના કાર્યને કેવી રીતે નિયંત્રિત કરે છે?"

આગિયા વિવિધ રીતે પ્રકાશ ઉત્સર્જિત કરે છે. તેમાં નાના ઝબકારા, બેવડા ઝબકારા, લયબદ્ધ તરંગો અને સંગીતમય લયનો સમાવેશ થાય છે.

કેટલીક પ્રજાતિઓ મોટાં સમૂહોમાં એકઠી થાય છે અને એકસાથે પ્રકાશ ઉત્સર્જિત કરે છે. તેનાથી શાનદાર દૃશ્યો સર્જાય છે.

વિજ્ઞાનીઓ માને છે કે આગિયા પ્રકાશ ઉત્પન્ન કરતા કોષોમાં જતા ઑક્સિજનના પ્રવાહને નિયમન કરીને તેમના શરીરમાં પ્રકાશને નિયંત્રિત કરે છે.

'ફાનસ' નામના અંગની પેશીઓમાં ઑક્સિજન ઝડપથી પ્રવેશે છે ત્યારે લ્યુસિફેરિન સક્રિય થઈ જાય છે અને પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઑક્સિજનનો પુરવઠો ઓછો થાય ત્યારે પ્રકાશ બંધ થઈ જાય છે.

આ પ્રક્રિયાને અસાધારણ ચોકસાઈ સાથે નિયંત્રિત કરવામાં આગિયાનું મજ્જાતંત્ર મુખ્ય ભૂમિકા ભજવે છે.

લાઇટ બલ્બો વચ્ચેના સમન્વય વિશેના સંશોધનથી કેટલીક રસપ્રદ ગાણિતિક પૅટર્ન પણ બહાર આવી છે.

અભ્યાસ દર્શાવે છે કે નર આગિયા તેમના પ્રકાશના લયને તેમની નજીકના અન્ય આગિયાની ચમકને આધારે સમાયોજિત કરે છે, જે "જૈવિક સંચાર નેટવર્ક"ની માફક કામ કરે છે.

વિશ્વભરમાં આગિયાની લગભગ 2,200 પ્રજાતિઓ જોવા મળે છે.

પ્રત્યેક પ્રજાતિમાં એક લાર્વા અવસ્થા હોય છે, જે પ્રકાશ ઉત્સર્જિત કરે છે.

જોકે, સ્મિથસોનિયન સામયિકમાં પ્રકાશિત એક લેખમાં જણાવ્યા મુજબ, બધી પ્રજાતિઓના આગિયામાં પૂર્ણપણે વિકસિત થયા પછી પણ પ્રકાશ ઉત્સર્જિત કરવાની ક્ષમતા હોતી નથી.

ફ્લોરિડાના કૃષિ અને ગ્રાહક સેવા વિભાગના જીવવિજ્ઞાની ઑલિવર કેલર વિશ્વભરમાં જોવા મળતી આગિયાની પ્રજાતિઓની યાદી તૈયાર કરી રહ્યા છે.

તેમના જણાવ્યા અનુસાર, કુલ પૈકીની લગભગ 60થી 75 ટકા પ્રજાતિઓ પરિપક્વ થયા પછી તેમનું તેજ જાળવી રાખે છે.

ઑલિવર કેલરે કહ્યું હતું, "આ પ્રજાતિઓ મુખ્યત્વે એશિયા અને ઉત્તર અમેરિકાના ખડકાળ પર્વતોના પૂર્વનાં ક્ષેત્રોમાં જોવા મળે છે. હવા અને માટી ભેજવાળી હોય ત્યાં આગિયા વિકસતા હોય છે."

આગિયાની 'પ્રેમભાષા'

આગિયાઓ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SRIRAM MURALI

ઘણા લોકો આગિયાને ચમકતા અને ઊડતા જ જુએ છે, પરંતુ તેમનું મોટા ભાગનું જીવન ભૂગર્ભમાં અથવા ખરી પડેલાં પાંદડાંની વચ્ચે પસાર થતું હોય છે.

માદા આગિયા ભેજવાળી માટે, શેવાળ અથવા સડેલાં પાંદડાંમાં ઈંડાં મૂકે ત્યારે તેમનું જીવન ચક્ર શરૂ થાય છે.

ઉત્તર અમેરિકામાં આગિયાના સંરક્ષણ માટે કાર્યરત્ સંસ્થા ફાયરફ્લાય એટલાસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, "ઈંડાંમાંથી બહાર નીકળ્યા પછી આગિયા નાના, ચમકદાર જંતુઓ (લાર્વા) તરીકે પોતાનું જીવન શરૂ કરતા હોય છે."

આગિયાનું આયુષ્ય તેમની પ્રજાતિના આધારે થોડા મહિનાથી બે કે ત્રણ વર્ષ સુધીનું હોય છે. તેમનો મોટા ભાગનો સમય લાર્વાના તબક્કામાં પસાર થાય છે.

એ દરમિયાન તેઓ ગોકળગાય, કરોળિયા, અન્ય નાના જંતુઓ અને અપૃષ્ઠવંશી પ્રાણીઓનો શિકાર કરે છે તથા તેનો આહાર કરે છે.

અનેક પ્રકારના આગિયા તેમના શિકારને આરોગતા પહેલાં પોતાના શરીરમાં પાચક રસ અથવા ચોક્કસ પ્રકારના રસાયણો ઇન્જેક્ટ કરે છે, જ્યારે સંપૂર્ણ વિકસિત આગિયા તેમનું ટૂંકું જીવન મુખ્યત્વે ફૂલોના રસ અને પરાગનો આહાર કરીને વિતાવે છે અથવા ક્યારેક કશું પણ ખાધા વિના પણ વિતાવી નાખે છે.

મોટા ભાગના પ્રજાતિઓમાં આ જંતુઓ સંપૂર્ણ વિકાસ પછી થોડાંક અઠવાડિયાં સુધી જ જીવતા રહે છે.

એ અવસ્થામાં તેમનું મુખ્ય લક્ષ્ય માત્ર પ્રજનન કરવાનું હોય છે.

તેમના દ્વારા ઉત્પન્ન પ્રકાશ પ્રજનન પ્રક્રિયાના ભાગરૂપે થતા સંચારમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

વિશ્વના અગ્રણી આગિયા સંશોધકો પૈકીના એક અને 'સાઇલન્ટ સ્પાર્ક્સઃ ધ વન્ડરફૂલ વર્લ્ડ ઑફ ફાયરફ્લાઇઝ' નામનાં પુસ્તકનાં લેખિકા સારા લુઇસ આગિયાઓની ચમકનું વર્ણન "પ્રેમની ભાષા" તરીકે કરે છે.

તેમના મતાનુસાર, દરેક પ્રજાતિ તેના વિશિષ્ટ પ્રકાશ સંકેતો મારફત સંવાદ કરે છે.

નર આગિયા અનોખી રીતે પ્રકાશ ઉત્સર્જિત કરે છે, જ્યારે માદા આગિયા તેની સામે પ્રતિક્રિયા આપે છે અને પોતાના સાથીને પસંદ કરે છે.

દાખલા તરીકે, કેટલીક પ્રજાતિઓમાં નર આગિયા ઊડતી વખતે દર થોડી સેકન્ડે પોતાનો પ્રકાશ ફેલાવે છે.

તેઓ ચોક્કસ અંતરાલ જાળવી રાખે છે, જેથી માદા આગિયા પ્રતિક્રિયા આપી શકે.

માદા આગિયા તેના સાથીને સફળતાપૂર્વક શોધી શકે એટલા માટે આ સમયાવધિ ખૂબ જ ચોક્કસ હોવી જરૂરી છે.

સંશોધકોએ લખ્યું છે, "નર આગિયો માદાને આકર્ષશે કે નહીં, પ્રજનન થશે કે નહીં તે ચમકના સમયગાળામાંનો એક સુક્ષ્મ ફેરફાર નક્કી કરે છે." આ અનોખું અનુકૂલન આગિયાઓને કોઈ અન્ય પ્રજાતિ સાથે સંવનન કરતા રોકે છે.

સરળ શબ્દોમાં કહીએ તો આગિયાની વિવિધ પ્રજાતિઓ રહે છે તેવાં ગાઢ જંગલો અથવા ભીનાં મેદાનોમાં પ્રકાશની આ અલગ-અલગ પૅટર્ન 'આઇડેન્ટિટી કાર્ડ' તરીકે કામ કરે છે.

સુરક્ષા કવચ તરીકે 'જીવનનો પ્રકાશ'

આગિયા, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SRIRAM MURALI

કોઈને એ વાતનું આશ્ચર્ય થઈ શકે કે "આગિયા દ્વારા ઉત્સર્જિત આ કુદરતી પ્રકાશ તેને દુશ્મન માટે સ્પષ્ટ રીતે દૃશ્યમાન નથી બનાવતો, જેનાથી તે અન્ય જીવોના આસાન શિકાર બની જાય?"

ઑક્સફૉર્ડ ઍકેડૅમિક જર્નલમાં જૂન, 2024માં પ્રકાશિત એક સંશોધન લેખમાં જણાવ્યા મુજબ, આગિયાઓમાં લ્યૂસિફુગાસિન નામનું સ્વ-બચાવ રસાયણ હોય છે.

એ રસાયણ પક્ષીઓ, કરોળિયા, દેડકાં અને ગરોળી જેવા શિકારીઓ માટે આગિયાઓને અપ્રિય સ્વાદવાળા બનાવી દે છે. તેના માટે આગિયાઓને ઝેરીલા પણ બનાવી દે છે.

અર્થાત્, ઝેરી ડાર્ટ દેડકાં, અને કેટલાંક પ્રકારનાં પતંગિયાંમાં જોવા મળતા ચમકતા રંગોની માફક આગિયાઓની ચમક દુશ્મનો માટે 'ચેતવણીના સંકેત'નું કામ કરે છે.

આગિયામાં આ જૈવિક પ્રકાશ મુખ્યત્વે પ્રજનન માટેના સંદેશાવ્યવહારના માધ્યમ તરીકે ઓળખાય છે.

જોકે, સંશોધન સૂચવે છે કે ઈંડાં અને લાર્વાના તબક્કા દરમિયાન પણ તે જે પ્રકાશ ઉત્સર્જિત કરે છે તે એક રક્ષણાત્મક કવચ અને શત્રુઓ માટે ચેતવણીના સંકેત તરીકે કામ કરે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન