ટી20 વર્લ્ડકપ : ઉસ્માન તારિકની બૉલિંગ સામે ભારતીય ટીમે શું ખાસ તૈયારી કરી છે?

ઇમેજ સ્રોત, Getty Images
ટી20 વર્લ્ડકપમાં રવિવારે શ્રીલંકાના પાટનગર કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનનો મુકાબલો થવા જઈ રહ્યો છે.
પરંતુ મૅચ પહેલાં સૌથી વધુ ચર્ચા પાકિસ્તાની સ્પિનર ઉસ્માન તારિકની થઈ રહી છે.
પાકિસ્તાનના કપ્તાન સલમાન આગાએ શનિવારની પ્રી-મૅચ કૉન્ફરન્સમાં તેમને ટીમના 'ટ્રમ્પ કાર્ડ' ગણાવ્યા હતા.
ઉસ્માન તારિકની બૉલિંગ ઍક્શન સામે ઊઠી રહેલા સવાલો અંગે તેમણે કહ્યું હતું કે તેમની ઍક્શનને બે વખત ક્લીનચિટ મળી ચૂકી છે. છતાં એ નથી સમજાતું કે આ અંગે વારંવાર સવાલ કેમ ઉઠાવાઈ રહ્યા છે.
તેમજ ભારતીય કૅપ્ટન સૂર્યકુમાર યાદવે ઉસ્માન તારિકને 'અભ્યાસક્રમની બહારનો સવાલ' ગણાવ્યા હતા.
ઉસ્માન તારિક વિશે કહેવાઈ રહ્યું છે કે તેઓ પોતાની ડિલિવરી સ્ટ્રાઇડમાં એક ક્ષણ માટે થંભી જાય છે. એટલે કે બૉલ ફેંકતા પહેલાં પોતાનો આગળનો પગ હવામાં રોકી લે છે અને એ બાદ થોડી વાર રહીને બૉલ ફેંકે છે.
પ્રશ્ન એ છે કે ઉસ્માન તારિકની બૉલિંગના જવાબમાં ભારતની વ્યૂહરચના શું હશે.
ઉસ્માન તારિક સામે વ્યૂહરચના શું હશે?

ઇમેજ સ્રોત, Matthew Lewis-ICC/ICC via Getty Images
પ્રી-મૅચ કૉન્ફરન્સમાં ભારતના કપ્તાન સૂર્યકુમાર યાદવે માન્યું હતું કે ટી20 વર્લ્ડકપની પ્રથમ બે મૅચોમાં ભારતની બેટિંગ કમજોર રહી, પરંતુ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતીય બૅટ્સમૅન ઉસ્માન તારિકનો સામનો કરવા માટે તૈયાર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઘણા મીડિયા રિપોર્ટ્સ અને વીડિયો પરથી ખબર પડે છે કે મૅચ પહેલાં પ્રૅક્ટિસમાં પણ સૂર્યકુમાર યાદવે ઉસ્માન તારિકને ધ્યાને રાખીને તૈયારી કરી હતી.
ભારતીય કપ્તાને નેટ્સમાં બૅટ્સમૅનોને પ્રૅક્ટિસ કરાવવા માટે જાતે સ્પિન બૉલરની ભૂમિકા ભજવી.
તેમણે ઉસ્માન તારિક જેવી બૉલિંગ શૈલી અપનાવવાના પ્રયાસ કર્યા, જેથી બૅટ્સમૅન એ પ્રકારની બૉલિંગ માટે તૈયાર થઈ શકે.
28 વર્ષીય ઉસ્માન તારિક અત્યાર સુધી રમાયેલી ટી20 આંતરરાષ્ટ્રીય મૅચોમાં 7.9ની સરેરાશથી 11 વિકેટ લઈ ચૂક્યા છે, જેમાં એક વખત ચાર વિકેટ લેવાની સિદ્ધિ પણ સામેલ છે.

ઇમેજ સ્રોત, Matthew Lewis-ICC/ICC via Getty Images
ટી20 વર્લ્ડકપ 2026માં ઉસ્માન તારિકે અમેરિકા વિરુદ્ધ મૅચમાં રમતી વખતે ચાર ઓવરમાં 27 રન આપીને ત્રણ વિકેટ ખેરવી હતી.
પ્રી-મૅચ પ્રેસ કૉન્ફરન્સમાં સૂર્યકુમાર યાદવને જ્યારે ઉસ્માન તારિક અંગે સવાલ પુછાયો તો તેમણે તેમની સરખામણી 'અભ્યાસક્રમની બહારનો સવાલ' સાથે કરતા કહ્યું કે અલગ શૈલીવાળા બૉલર વિરુદ્ધ પોતાની જાતને ઢાળવું એ ખૂબ જરૂરી છે.
સૂર્યકુમારે કહ્યું, "જુઓ, ક્યારેક-ક્યારેક પરીક્ષામાં એવા પણ સવાલ આવે છે, જે અભ્યાસક્રમની બહારના હોય છે, પરંતુ આપણે એ સવાલને છોડી ન શકીએ. તેમનો સામનો કરવા માટે કંઈક ને કંઈક રીત અપનાવવી પડે છે. આપણે આપણી રીત શોધવાની હોય છે. અમે પણ આવી જ રીતે પ્રયાસ કરીએ છીએ."
તેમણે આગળ કહ્યું, "હા, જ્યારે એ (ઉસ્માન તારિક) બૉલિંગ કરવા આવે છે તો એ અલગ પ્રકારના ખેલાડી લાગે છે, પરંતુ એનો અર્થ એ નથી કે આપણે હાર માની લઈએ. અમે નેટ્સમાં પણ આ જ પ્રકારના બૉલરો અને આ જ પ્રકારની ઍક્શન સાથે અભ્યાસ કરીએ છીએ. મૅચમાં પણ અમે એ જ કરવાનો પ્રયાસ કરીશું જે અમે પ્રૅક્ટિસ સેશનમાં કરીએ છીએ."
ઉસ્માન તારિકના ઍક્શન અંગે ચર્ચા કેમ?

ઇમેજ સ્રોત, Matthew Lewis-ICC/ICC via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે ટી20 વર્લ્ડકપ મૅચમાં ઉસ્માન તારિકની ઍક્શને બધાનું ધ્યાન ખેંચ્યું.
એ બાદ સોશિયલ મીડિયામાં તેમની ઍક્શનની ચર્ચા શરૂ થઈ ગઈ.
કેટલાક યૂઝર્સે ઉસ્માન તારિકની બૉલિંગ ઍક્શન સામે સવાલ ઉઠાવ્યા અને કેટલાકે એવા પણ સવાલ કર્યા કે ઉસ્માન જે પ્રકારે બૉલ ફેંકતા પહેલાં થોડા રોકાય છે, શું એ નિયમો પ્રમાણે ઠીક છે?
શ્રીવત્સ ગોસ્વામીએ ઉસ્માન તારિકની બૉલિંગના એક વીડિયોની સાથે લખ્યું, "ફૂટબૉલમાં પણ ખેલાડીઓને હવે પેનલ્ટી રન-અપ દરમિયાન પૉઝની મંજૂરી નથી. આ કઈ રીતે ઓકે છે? ઍક્શન બરાબર છે, પરંતુ પૉઝ? એ પણ ત્યારે, જ્યારે બૉલ ડિલિવર કરવાનો છે! આ ન ચાલે."
આર. અશ્વિને શ્રીવત્સ ગોસ્વામીની આ પોસ્ટને જ ક્વૉટ કરીને લખ્યું, "એ સાચું કે ફૂટબૉલમાં તેની મંજૂરી નથી, પરંતુ જો કોઈ બૅટ્સમૅનને અમ્પાયરને જાણ કર્યા વિના બૉલને બીજી તરફ સ્વિચ કરવા કે રિવર્સ કરવાની મંજૂરી છે, તો બધા પ્રતિબંધો માત્ર બૉલરો માટે જ કેમ છે? બૉલરને તો અમ્પાયરને જાણ કર્યા વગર બીજા હાથથી બૉલિંગની પણ મંજૂરી નથી. પહેલાં આ નિયમ બદલવો જોઈએ."
તો, પૂર્વ ભારતીય ક્રિકેટર અને કૉમેન્ટેટર આકાશ ચોપડાએ એક વીડિયોમાં પાકિસ્તાની સ્પિન બૉલિંગને મજબૂત ગણાવતાં ઉસ્માન તારિકની ઍક્શનને રસપ્રદ ગણાવી.
તેમણે કહ્યું, "ઉસ્માનની ઍક્શન ઇન્ટરેસ્ટિંગ છે. એવું લાગે છે કે તમે ટીવી જોઈ રહ્યા હો અને અચાનક કોઈએ પૉઝ કરી દીધું હોય. તેઓ અટકી જાય છે અને પછી બૉલ ફેંકે છે. ધીમો ફેંકે છે. મને નથી લાગતું કે તેમાં કોઈ પણ મુશ્કેલી છે. તે બરાબર છે. તમે ઊભા રહીને પૉઝ લઈને બૉલિંગ કરી શકો છો. તેનો કશો નિયમ નથી. અને જે ધીમા બૉલ ફેંકે છે, તેમાં પણ કોણી બેન્ડ (વળતી) થતી નથી દેખાતી."

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, આકાશ ચોપડાએ એમ જરૂર પૂછ્યું કે શું હાથ વાળ્યા વગર બૉલની સ્પીડને 20થી 25 કિલોમીટર સુધી વધારવી શક્ય છે?
ચર્ચા એટલી વધી ગઈ કે આર. અશ્વિને ઍક્સ પર બીજી એક લાંબી પોસ્ટ લખી. તેમણે કહ્યું, "પહેલી વાત તો એ કે ઍક્શન બરાબર છે કે નહીં તેની તપાસ તો આઇસીસીના બૉલિંગ ઍક્શન ટેસ્ટિંગ સેન્ટર પર જ થઈ શકે છે."
"બીજી વાત એ કે એક 15 ડિગ્રીનો નિયમ છે. જેના અનુસાર, બૉલરે પોતાની કોણી સીધી કરવાની હોય છે. અને અમ્પાયર માટે મેદાન પર એ નક્કી કરવું અશક્ય છે કે બૉલર 15 ડિગ્રીએ જ બૉલ ફેંકી રહ્યો છે કે નહીં."
તેમજ ભારતના પૂર્વ કપ્તાન અને દિગ્ગજ બૅટ્સમૅન સુનીલ ગાવસ્કરે ઉસ્માન તારિકની બૉલિંગ ઍક્શન અંગેની ચર્ચાને ખારિજ કરતાં કહ્યું કે તેમની ઍક્શનમાં કંઈ જ ગેરકાયદેસર નથી.
તેમણે કહ્યું કે ભારતીય બૅટ્સમૅનોએ તારિક અંગે બિનજરૂરી દબાણમાં ન આવવું જોઈએ.
"મેં તેને ઠીકથી નથી જોઈ, માત્ર ટીવ પર અમુક ઝલકો જ જોઈ છે, અને ટીવી પર જોવાથી હંમેશાં આખું સત્ય નથી દેખાતું. પરંતુ જુઓ, બૉલરના રોકાઈને બૉલ ફેંકવા વિરુદ્ધ કોઈ નિયમ નથી, બરાબર એ જ રીતે કે બૅટ્સમૅનોને બૉલ ફેંકાય એ પહેલાં હલવાની મનાઈ નથી હોતી."
"તેથી મને નથી લાગતું કે આમાં કોઈ સમસ્યા છે. સામાન્ય રીતે આવી ટિપ્પણીઓ એવા લોકો કરે છે, જેઓ રમતના નિયમોને યોગ્ય રીતે નથી જાણતા."
ઉસ્માનની બૉલિંગનો સામનો કરવા માટે અશ્વિનની સલાહ

ઇમેજ સ્રોત, AFP via Getty Images
આર. અશ્વિને પોતાના યૂટ્યૂબ શોમાં કહ્યું કે ઉસ્માન તારિકની બૉલિંગ દરમિયાન તેમના ઍક્શન અંગે બૅટ્સમૅનોને જો કોઈ શંકા હોય તો તેમને ક્રીઝ પરથી હઠી જવાનો પૂરો અધિકાર છે.
તેમણે કહ્યું, "જો ઉસ્માન બૉલ ફેંકતા પહેલાં રોકાઈ જાય છે તો બૅટ્સમૅન ક્રીઝથી હઠી શકે છે અને કહી શકે છે કે મને લાગે છે કે તેઓ રોકાઈ રહ્યા છે. આ એક રસપ્રદ મામલો હશે અને અમ્પાયર માટે મુશ્કેલી સર્જી દેશે. આવું કરવાથી બૉલર પર પણ માનસિક દબાણ હશે."
અશ્વિને કહ્યું કે જો તેઓ બેટિંગ કરી રહ્યા હોત તો આ જ વ્યૂહરચના અપનાવી હોત.
તેમણે કહ્યું, "જો હું બેટિંગ કરી રહ્યો હતો તો નિયમો પ્રમાણે આવું જ કર્યું હોત. હું એટલું કહેત કે બૉલ ક્યારે ફેંકશે અને હઠી જાત."
તેમણે લખ્યું, "આનો એક જ ઉકેલ છે કે તમે એક રિયલ ટાઇમ કૉમ્પિટિશન ટેસ્ટિંગ ટૂલ લઈ આવો. કેમ કે, આ એક અસ્પષ્ટ મુદ્દો છે અને કોઈના પર પણ આ અસ્પષ્ટ મુદ્દાનો લાભ લેવાનો આરોપ કરવો ખોટું છે. જ્યાં સુધી બૉલનો સવાલ છે કે ક્રીઝની અંદર લીધેલો પૉઝ લીગલ છે કે નહીં?, તો હું માનું છું કે એ પૂર્ણ રીતે માન્ય છે, કેમ કે, આ તેમની રેગ્યુલર બૉલિંગ ઍક્શન છે."
ઉસ્માન તારિકે પોતાની ઍક્શન અંગે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ એક વર્ષ પહેલાં ઉસ્માન તારિકે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમની બૉલિંગ ઍક્શન એટલા માટે સામાન્ય નથી દેખાતી, કારણ કે તેમની 'બે કોણી' છે.
તેમણે જણાવ્યું કે જ્યારે તેમની બૉલિંગ ઍક્શન સામે આપત્તિ વ્યક્ત કરાઈ, તો તેઓ ડૉક્ટર પાસે ગયા અને તેમણે પોતાના બંને હાથની તપાસ કરાવી.
ઉસ્માન તારિક પ્રમાણે, તેમના શરીરની સંરચના કોઈ પણ સામાન્ય વ્યક્તિથી અલગ છે. તેમણે કહ્યું, "આ જન્મજાત છે અને બે કોણીઓને કારણે મારો હાથ સીધો નથી રહી શકતો."
તેમજ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ગત વર્ષે મેંમાં એક નિવેદનમાં કહ્યું હતું ક્વેટા ગ્લેડિએટર્સના સ્પિનર ઉસ્માન તારિકે લાહોરમાં બાયૉમિકૅનિક્સ લૅબમાં ટેસ્ટિંગ કરાવ્યું હતું અને તેમની બૉલિંગ ઍક્શન પાસ કરી દેવાઈ હતી.
પીસીબી પ્રમાણે, 13 એપ્રિલના રોજ પીસીએએલમાં લાહોર કલંદર્સ વિરુદ્ધ મૅચ દરમિયાન ઉસ્માનની અસામાન્ય બૉલિંગ ઍક્શન વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી, જે બાદ આ ટેસ્ટિંગ કરાવાયું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












