ઇથિયોપિયામાં ફાટેલા જવાળામુખીનાં રાખનાં વાદળો હજારો કિલોમીટર દૂર ગુજરાત સુધી કેવી રીતે પહોંચ્યાં?

ઇમેજ સ્રોત, Reuters/AP/NASA
આફ્રિકના દેશ ઇથિયોપિયામાં ફાટેલા હાયલી ગુબ્બી જવાળામુખીની રાખનાં વાદળો ભારત સુધી પહોંચ્યાં છે અને આ પહેલાં તે ગુજરાત પરથી પસાર થયાં હતાં.
પૂર્વ આફ્રિકાના દેશ ઇથિયોપિયાના અફાર વિસ્તારમાં 23 નવેમ્બરના રોજ આ જવાળામુખી ફાટ્યો હતો. જવાળામુખી સક્રિય થવાને કારણે ખૂબ મોટી સંખ્યામાં રાખનાં વાદળો સર્જાયાં હતાં.
આ વાદળો આશરે દરિયાની સપાટીથી 14 કિલોમીટર ઉપર એટલે કે લગભગ 45000 ફૂટની ઊંચાઈ સુધી પહોંચ્યાં હતાં. ઇથિયોપિયાથી આગળ વધીને આ વાદળો રાતા સમુદ્ર તરફ ગયાં અને પછી અરબી દ્વીપકલ્પ અને ભારતીય ઉપખંડ તરફ આવ્યાં હતાં.
ટુલૂઝ વૉલ્કેનિક એશ ઍડવાઇઝરી સેન્ટરના જણાવ્યા મુજબ આ વાદળો આગળ વધીને ચીન તરફ જઈ રહ્યાં છે અને તેની અસર ખાસ કરીને વિમાની સેવાને થવાની શક્યતા છે.
ભારતમાં મૅટ વૉચ ઑફિસ દ્વારા ઍરપોર્ટ્સ માટે આ મામલે ઍડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી અને ભારતમાં કેટલીક ફ્લાઇટ્સ કૅન્સલ કરવી પડી હતી.
ઇથિયોપિયાથી ગુજરાત સુધી વાદળો કેમ પહોંચ્યાં?

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે 23 નવેમ્બરના રોજ ઇથિયોપિયામાં હાયલી ગુબ્બી જવાળામુખી સક્રિય થયો ત્યારે તેમાંથી ખૂબ મોટી સંખ્યામાં રાખનાં વાદળો બન્યાં અને તે જમીનથી ખૂબ ઊંચે સુધી પહોંચ્યાં હતાં.
હવામાનનાં જાણકારોના કહેવા મુજબ આ વાદળ આકાશમાં 35 હજાર ફૂટથી લઈને 45 હજાર ફૂટની ઊંચાઈમાં ફેલાયેલાં હતાં. તેમાં મુખ્યત્વે જ્વાળામુખીની રાખ, સલ્ફર ડાયૉક્સાઇડ અને કેટલાક કાચ અથવા ખડકના નાના કણ સામેલ છે.
આ વાદળો વાતાવરણમાં ખૂબ ઊંચાઈએ પહોંચ્યાં અને આ ઊંચાઈ પર મજબૂત અને ખૂબ ઝડપથી પવનો ફૂંકાતા હોય છે. આ તાકતવર પવનો પશ્ચિમથી પૂર્વ તરફ ફૂંકાઈ રહ્યા છે. જેથી રાખનાં વાદળો આ પવન સાથે ગુજરાત સુધી પહોંચ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વાદળો સૌથી પહેલાં રાતા સમુદ્ર, તે બાદ યમન-ઓમાન, જે બાદ અરબી સમુદ્ર થઈને ગુજરાત સુધી આવ્યાં હતાં. જે બાદ રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ, નેપાળ થઈને તે ચીન તરફ જશે. જેથી 26 નવેમ્બરથી તેની અસર ભારત પર રહેશે નહીં.
ગુજરાત પરથી આ વાદળો પસાર થઈ ગયાં છે અને હવામાન વિભાગની માહિતી પ્રમાણે સામાન્ય રીતે આની અસર સીધી જ આપણે થતી નથી. તેની સૌથી વધારે અસર વિમાની સેવાને થાય છે.
જાપાનની જવાળામુખી પર નજર રાખતી સંસ્થાએ આપેલી માહિતી પ્રમાણે આ વાદળો 35,000 ફૂટ ઊંચે છે અને આ ઊંચાઈએ સામાન્ય રીતે પ્લેન ઉડતાં હોય છે. હાલની સ્થિતિ પ્રમાણે આ ઊંચાઈએ રહેલાં વાદળો આશરે 200 કિમીની ઝડપે આગળ વધી રહ્યાં છે.
ઇથિયોપિયા ગુજરાતથી પશ્ચિમ તરફ હૉર્ન ઑફ આફ્રિકામાં આવેલો એક દેશ છે. જેની પાસે રાતો સમુદ્ર અને એડનના અખાત આવેલા છે.
ભારતમાં અસર

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જ્વાળામુખી ફાટવાના કારણે કેટલાક રૂટ પર આકાશમાં ધૂળનાં વાદળો છવાયાં છે. તેના કારણે ઍર ઇન્ડિયાએ અમુક ફ્લાઇટ રદ કરી છે.
રદ કરાયેલી ઇન્ટરનૅશનલ ફ્લાઇટમાં AI 106 – નેવાર્ક-દિલ્હી, AI 102 – ન્યૂ યૉર્ક (JFK)–દિલ્હી, AI 2204 – દુબઈ–હૈદરાબાદ, AI 2290 – દોહા-મુંબઈ, AI 2212 – દુબઈ-ચેન્નાઈ, AI 2250 – દમ્મમ-મુંબઈ અને AI 2284 – દોહા–દિલ્હી સામેલ છે.
જ્યારે ડૉમેસ્ટિક ફ્લાઇટ્સમાં AI 2822 – ચેન્નાઈ-મુંબઈ, AI 2466 – હૈદરાબાદ–દિલ્હી, AI 2444 / 2445 – મુંબઈ-હૈદરાબાદ-મુંબઈ અને AI 2471 / 2472 – મુંબઈ–કોલકાતા–મુંબઈ સામેલ છે.
સમાચાર સંસ્થા પીટીઆઈ મુજબ ઉડ્ડયન સેક્ટરના નિયમનકાર ડીજીસીએએ ઍરલાઇન્સને આ અંગે નિર્દેશ જારી કર્યા છે.
આકાશા ઍર, ઇન્ડિગો, કેએલએમ જેવી ઍરલાઇન્સે સોમવારે રાખનાં વાદળોને કારણે કેટલીક ઉડાન રદ કરી છે.
આ પહેલાં હવામાન વિભાગના વડા એમ મોહપાત્રએ હિંદુસ્તાન ટાઇમ્સને જણાવ્યું હતું કે "આગામી કેટલાક કલાકોમાં તેની અસર ગુજરાત અને દિલ્હી-એનસીઆરના ભાગોમાં જોવા મળશે. તે પહેલેથી ગુજરાતની નજીક પહોંચી ગયું છે. કેટલાક કલાકોમાં તેની અસર ઉત્તર ભારતમાં પણ જોવા મળશે."
"તેમણે કહ્યું કે સપાટી પર તેની ખાસ અસર નહીં દેખાય. આકાશમાં તે ધુંધળા વાદળ જેવું દેખાશે અને કેટલાક કલાકો સુધી તેની અસર રહેશે."
જોકે, હવે રાખનું આ વાદળ ઉત્તર ભારત પરથી પસાર થઈને ચીન તરફ આગળ વધી ગયું છે.
ઇન્ડિયા મેટ સ્કાય વેધરે સોમવારે ઍક્સ પર લખ્યું હતું કે "હાયલી ગુબ્બી જ્વાળામુખી ક્ષેત્રથી ગુજરાત સુધી એક મોટું રાખનું વાદળ જોવા મળે છે. જ્વાળામુખીનો વિસ્ફોટ તો અટકી ગયો છે, પરંતુ રાખનું વાદળ વાયુમંડળમાં ઉપર સુધી પહોંચ્યું છે. તે 100થી 120 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર ભારત તરફ આગળ વધી રહ્યું છે."
"આ વાદળ આકાશમાં 15 હજાર-25 હજાર ફૂટથી લઈને 45 હજાર ફૂટની ઊંચાઈમાં ફેલાયેલું છે. તેમાં મુખ્યત્વે જ્વાળામુખીની રાખ, સલ્ફર ડાયૉક્સાઇડ અને કેટલાક કાચ/ખડકના નાના કણ સામેલ છે."
ઇન્ડિયા મેટ સ્કાય વેધરે લખ્યું હતું કે આ રાખનું વાદળ હિમાલય અને બીજા ક્ષેત્રોને પણ અસર કરી શકે છે. આકાશ સામાન્ય કરતાં વધુ ધુંધળું દેખાશે. તેનાથી દિલ્હીની હવા વધુ ખરાબ થઈ શકે છે.
પાકિસ્તાનની ઍરસ્પેસ બંધ હોવાથી ભારતને કેવી અસર પડી?

ઇમેજ સ્રોત, AP
અંગ્રેજી અખબાર હિંદુસ્તાન ટાઇમ્સે પોતાની વેબસાઈટ પર એક રિપોર્ટમાં લખ્યું છે કે "રાખનાં વાદળો રાતો સમુદ્ર પાર કરીને મધ્ય પૂર્વ અને મધ્ય એશિયા તરફ આગળ વધ્યાં, ત્યાર પછી ઍરલાઇન્સે બપોર પછીથી જ ઉડાનો રદ કરવાનું શરૂ કરી દીધું હતું. ઇન્ડિગોએ છ ઉડાનો રદ કરવી પડી."
તેમાંથી એક ફ્લાઇટ મુંબઈથી હતી, જ્યારે બાકીની રદ કરવામાં આવેલી ફ્લાઇટો દક્ષિણ ભારતથી આવી રહી હતી.
મુંબઈ ઍરપૉર્ટના એક અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાનનો હવાઇમાર્ગ ભારતીય ઍરલાઇનો માટે બંધ છે, તેથી ભારતીય ઍરલાઇનો પર તેની અસર પડવાની શક્યતા છે."
ઍર ઇન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું છે કે, "ઇથિયોપિયામાં જ્વાળામુખી વિસ્ફોટ પછી કેટલાક પ્રદેશમાં રાખનાં વાદળ જોવાં મળ્યાં છે. અમે સ્થિતિ પર નજર રાખીએ છીએ અને ક્રૂ મેમ્બરના સંપર્કમાં છીએ."
ઍર ઇન્ડિયાએ કહ્યું કે "અમે અમારા પ્રવાસીઓ, ક્રૂ મેમ્બર અને વિમાનોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લઈશું. અમારા નેટવર્કમાં કાર્યરત ગ્રાઉન્ડ ટીમો પ્રવાસીઓને મદદ કરવાનું ચાલુ રાખશે અને સતત ફ્લાઇટ વિશે માહિતી આપશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












