અમદાવાદમાં 'નવું કતલખાનું' બનાવવાના પ્રસ્તાવનો વિરોધ, શું છે સમગ્ર મામલો?

અમદાવાદ કતલખાનું

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • વાંચવાનો સમય: 4 મિનિટ

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના વર્ષ 2026-27ના ડ્રાફ્ટ બજેટમાં હાલનાં કતલખાનાંને અન્ય જગ્યા પર ખસેડી નવું બાંધકામ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો જેને લઈને રાજકીય વિવાદ થયો છે.

છેલ્લાં 20 વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે પણ એએમસીના ડ્રાફ્ટ બજેટમાં પહેલીવાર નવાં કતલખાનાં માટે 32 કરોડ રૂપિયાની નાણાંકીય જોગવાઈ કરવામાં આવી હતી.

કતલખાનાં માટે કરવામાં આવેલી જોગવાઈ સામે એલિસબ્રિજ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય અમિત શાહે વિરોધ નોંધાવ્યો હતો, ત્યાર બાદ માત્ર 24 કલાકમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે નવું કતલખાનું બનાવવા અંગેના પ્રસ્તાવને પરત ખેંચવાની જાહેરાત કરી હતી.

હવે અગામી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ડ્રાફ્ટ બજેટ રજૂ કરાશે જેમાં, સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નવા કતલખાનાના પ્રસ્તાવને પડતો મૂકવાનો સુધારો કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

નવા કતલખાનાનો સમગ્ર મામલો શું છે?

એએમસી કમિશનર બુધવારે 17018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું.

ઇમેજ સ્રોત, AMC PUBLICITY DEPARTMENT

ઇમેજ કૅપ્શન, એએમસી કમિશનર બુધવારે 17,018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બચ્છાનિધિ પાનીએ તા.4 ફેબ્રુઆરી 2026ના દિવસે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એએમસીનું વર્ષ 2026-27નું રૂપિયા17,018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટમાં અમદાવાદ શહેરના ઓલ્ડ સિટીના જમાલપુર વૉર્ડમાં આવેલા 123 વર્ષ જૂના કતલખાનાને શિફ્ટ કરીને બહેરામપુરા વિસ્તારમાં નવા કતલખાનાના બાંધકામ માટે રૂપિયા 32 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.

આ અંગે બુધવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા હયાત કતલખાનાને શિફ્ટ કરીને નવું મૉર્ડન કતલખાનું બનાવવા માટેની જાહેરાત કરવામાં આવી હતી.

બુધવારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની પત્રકાર પરિષદ પૂર્ણ થયાના ગણતરીના કલાકોમાં જ એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને એક મેસેજ કર્યો હતો. જે મેસેજ તેમણે જાહેર કર્યો હતો.

એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે જણાવ્યું હતું કે તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને આ મૅસેજ કર્યો હતો કે, " ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મુંગા પશુઓના વધ માટે સ્લૉટર હાઉસ માટે બજેટ ફાળવાયું તે અસહ્ય છે. અમે આ પ્રસ્તાવ માટે સમંત થતા નથી. આ કામ પરત લો અથવા સ્ટેન્ડિંગ કમિટી ચૅરમૅન પરત કરે." એલિસબ્રિજના ધારાસભ્યનો આ મૅસેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો ત્યાર બાદ તુરંત જ બીજા દિવસે એટલે કે, ગુરુવારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે એએમસીના ડ્રાફ્ટ બજેટમાં નવા કતલખાના માટે કરાયેલો પ્રસ્તાવ રદ કરવાની જાહેરાત કરી હતી.

ઇમરાન ખેડાવાલા અને અમિત શાહે શું કહ્યું?

જમાલપુર ખાડિયા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા

ઇમેજ સ્રોત, IMRAN KHEDAWALA/FACEBOOK

ઇમેજ કૅપ્શન, જમાલપુર ખાડિયા વિધાનસભા બેઠકના કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જોકે, આ સમગ્ર વિવાદ બાદ ગુરુવારે જમાલપુર ખાડિયા વિધાનસભા બેઠકના કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ એક પત્રકાર પરિષદને સંબોધી હતી અને તેમણે ભાજપના ધારાસભ્ય ઉપર કતલખાનાના મુદ્દે રાજનીતિ કરતાં હોવાનો આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, "વર્ષ 1903માં અમદાવાદ મ્યુનિસિપાલિટી હતી તે વખતે જમાલપુર વિસ્તારમાં કતલખાનું બનાવવામાં આવ્યું હતું. હાલમાં આ હયાત કતલખાનાંને 123 વર્ષ થઈ ચૂક્યાં છે."

"અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને અમદાવાદ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં દર મહિને ધારાસભ્યો/સંસદસભ્યોની સંકલન સમિતિની બેઠક મળતી હોય છે."

"હું વારંવાર હયાત કતલખાનાંને શિફ્ટ કરીને બહેરામપુરા વિસ્તારમાં નવું કતલખાનું બનાવવા માટે રજૂઆત કરી ચૂક્યો હતો. જેથી અમારી રજૂઆતને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે ડ્રાફ્ટ બજેટમાં હયાત કતલખાનાને બહેરામપુરા પિરાણા ડમ્પ સાઇટ પાસે શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો હતો."

"જેના માટે નવું કતલખાનું બનાવવા માટે 32 કરોડ રૂપિયાની જોગવાઈ કરી હતી."

ઇમરાન ખેડાવાલાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "અમદાવાદ શહેરના ધાર્મિક લોકોએ મને વારંવાર રજૂઆત કરી હતી કે, હાલમાં શહેરના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર અને ગીતા મંદિરની વચ્ચેના ભાગમાં જમાલપુરમાં કતલખાનું આવેલું છે."

"જેથી ઐતિહાસિક મંદિરોની વચ્ચે આવેલા કતલખાનાને લીધે ધાર્મિક લોકોની લાગણી દુભાય છે. જેથી આ કતલખાનાને બહેરામપુરા પિરાણા ડમ્પ સાઇટ ખાતે શિફ્ટ કરવાની રજૂઆત કરી હતી. જેથી કમિશનરે આ અંગે બહેરામપુરામાં પિરાણા ડમ્પ સાઇટની બાજુમાં જમીન નક્કી કરી દીધી હતી."

"ડ્રાફ્ટ બજેટમાં નવું કતલખાનું બનાવવા માટે 32 કરોડની નાણાંકીય જોગવાઈ કરી હતી પણ ભાજપના ધારાસભ્ય રાજકીય રોટલા શેકવા માટે કતલખાનાને શિફ્ટ કરવાનો વિરોધ કરી રહ્યા છે. માત્ર રાજનીતિ કરી રહ્યા છે."

"ભાજપના નેતાઓ શું એવું ઇચ્છે છે કે, શહેરનાં બે પ્રસિદ્ધ મંદિરોની વચ્ચે કતલખાનું રહે. હાલમાં જે સ્થળે કતલખાનું આવેલું છે તે સ્થળેથી કતલખાનું શિફ્ટ કરીને ખાલી પડેલી જગ્યાએ શહેરીજનો માટે પાર્ટી પ્લૉટ બનાવવામાં આવે તેવી મારી રજૂઆત હતી."

એલિસબ્રિજ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય અમિત શાહ

ઇમેજ સ્રોત, AMIT SHAH/FACEBOOK

ઇમેજ કૅપ્શન, એલિસબ્રિજ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય અમિત શાહ

એલિસબ્રિજ વિભાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય અમિત શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, "હું અમદાવાદનો મેયર હતો તે સમયમાં પણ કતલખાનાને પીપળજ ખાતે ખસેડવા માટેની દરખાસ્ત આવી હતી પરંતુ તે વખતે પણ અમે દરખાસ્તને ફગાવી દીધી હતી."

"ભાજપની હિંદુત્વને વરેલી સરકાર છે ત્યારે આ રીતે મૂંગાં પશુઓના વધ માટે કતલખાનું બનાવવા માટે રૂપિયાની ફાળવણી કરવી યોગ્ય નથી."

"જેથી આ અંગે રજૂઆત કરી હતી. મારી રજૂઆતને માન્ય રાખીને કતલખાનાંનો પ્રસ્તાવ રદ કરાયો છે."

કતલખાનું બે મંદિરોની વચ્ચે છે જેથી હિન્દુઓની લાગણી દુભાય છે આ અંગે વાત કરતાં અમિત શાહે જણાવ્યું હતું કે, "ઇમરાન ખેડાવાલા જગન્નાથ મંદિરની બાજુમાં કતલખાનું હોવાના કારણે લાગણી દુભાય છે તેવી વાત કરી રહ્યા છે. આ કતલખાનું 123 વર્ષ જૂનું છે જ્યારે જગન્નાથ મંદિર પણ વર્ષો જૂનું છે."

"તો અચાનક ઇમરાન ખેડાવાલાને લોકોની લાગણી દુભાય છે તેવું કેમ યાદ આવ્યું?"

અમિત શાહનું કહેવું છે કે ઇમરાન ખેડાવાલા આ કતલખાનું હટાવીને તે જ જગ્યાએ પાર્ટી પ્લૉટ બનાવવાની માંગ કરી રહ્યા છે. અને તેમને પાર્ટી પ્લૉટ બનાવવાનો વાંધો નથી.

અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, "ઇમરાન ખેડાવાલા કતલખાનાને ખસેડીને તે જમીનમાં જ પાર્ટી પ્લૉટની માગણી કરી રહ્યા છે પણ આ કતલખાનાની પાછળ જ અન્ય પ્લૉટ આવેલો છે."

"તે સ્થળે જો પાર્ટી પ્લૉટ બનાવે તો અમને કોઈ વિરોધ નથી. દરેક કૉમ્યુનિટી પોતાના વિકાસનાં કામો માટે જમીન કે પ્લૉટ માગે."

દરખાસ્ત રદ કરવા અંગે સ્ટેન્ડિંગ ચૅરમૅને શું કહ્યું?

ગુરુવારે મળેલી એએમસીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બાદ પત્રકાર પરિષદમાં વાત કરતાં સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, "અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા એએમસીના ડ્રાફ્ટ બજેટમાં રજૂ કરવામાં આવેલો નવા કતલખાનાનો પ્રસ્તાવ પરત કરવાનો નિર્ણય કરાયો છે."

"શહેરમાં નવા કતલખાના બનાવવાના પ્રસ્તાવ અંગે રજૂઆતો મળી હતી. હું તથા મારા સાથી કૉર્પોરેટરો પણ નવા કતલખાનાના બાંધકામ અંગેના પ્રસ્તાવથી સમંત નથી."

"જેથી આ ડ્રાફ્ટ બજેટની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવશે તે વખતે આ પ્રસ્તાવને ડ્રાફ્ટ બજેટમાંથી દૂર કરી દેવાશે. હાલ તો કમિશનરે પણ આ કતલખાનાના પ્રસ્તાવને રદ કરી દેવાની જાહેરાત કરી દીધી છે."

આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બચ્છાનીધિ પાનીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરાયો હતો પણ તેઓ સાથે સંપર્ક થઈ શક્યો ન હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશ