'અમને લાગ્યું કે આ તો એક બૉલ છે' - બૉમ્બનો ભોગ બનતાં બાળકોની કંપાવી દેતી વ્યથા
#BBCEye ની તપાસમાં એવા અહેવાલો મળ્યા છે જેમાં ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં છેલ્લાં ત્રણ દશકમાં ક્રૂડ બૉમ્બને કારણે સેંકડો બાળકો મૃત્યુ પામ્યાં છે, વિકલાંગ બન્યાં છે અથવા ઘાયલ થયાં છે.
આ પ્રદેશના રાજકારણમાં હાથે બનાવેલા દેશી બૉમ્બના ઉપયોગનો લાંબો ઇતિહાસ રહ્યો છે. ઘરગથ્થુ રીતે બનાવવામાં આવતા આ કથિત ક્રૂડ બૉમ્બમાં ધારદાર ઘાતક વસ્તુઓ બાંધી દેવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર સમયે તેનો રાજકીય કાર્યકર્તાઓ દ્વારા વિરોધી રાજકીય પક્ષોની સભાઓમાં અરાજકતા ફેલાવવા માટે, વિરોધીઓને ડરાવવા માટે અથવા નજીકના વિસ્તારોમાં પોતાની ધાક અને અંકુશ જમાવવા માટે નિયમિત રીતે ઉપયોગ થાય છે.
આવા વિનાશક બૉમ્બને મોટેભાગે એવી જગ્યાએ સંતાડી દેવામાં આવે છે, જ્યાં રમતાં બાળકોને તે મળી જાય તો તેઓ તેમને રમકડું કે બૉલ સમજીને પકડી લે છે અને અજાણતાં તેને ઉચકવામાં કે ફેંકવામાં તેનો વિસ્ફોટ થાય છે.
પશ્ચિમ બંગાળમાં ક્રૂડ બૉમ્બનો ભોગ બનેલાં બાળકોનો કોઈ જાહેર ડેટા ઉપલબ્ધ નથી, આથી બીબીસીએ બે બંગાળી અખબારોમાં વર્ષ 1996થી 2024 દરમિયાન છપાયેલા સમાચારો ચકાસીને અહેવાલો મેળવ્યા જેમાં છેલ્લાં ત્રણ દાયકામાં કુલ 565 બાળકો મૃત્યુ પામ્યાં હતાં અથવા ઘાયલ થયાં હતા.
આ હિસાબે સરેરાશ દર 18 દિવસે એક બાળક બૉમ્બનો ભોગ બન્યું હતું. બીબીસીને તપાસમાં એ પણ જાણવા મળ્યું હતું કે આ અખબારોમાં પ્રકાશિત ન થયા હોય તેવી ઘટનાઓમાં પણ બાળકો ભોગ બન્યા છે, આથી ભોગ બનેલાં બાળકોનો વાસ્તવિક આંકડો વધારે ઊંચો હોવાની સંભાવના છે.

ઇમેજ સ્રોત, Ronny Sen for the BBC
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



