Godwoman રાધેમા : સુખવિંદર કોરથી ગૉડવુમન બનવા સુધીની વણકહી કહાણી
રાધેમા પંજાબના ગુરદાસપુર જિલ્લાના એક નાનકડા ગામ દોરાંગ્લાના મધ્યમવર્ગીય પરિવારમાં જન્મ્યાં હતાં. તેમનાં માતાપિતાએ તેમનું નામ સુખવિંદરકોર રાખ્યું હતું.
સુખવિંદરકોરનાં બહેન રજિંદરકોરે મને જણાવ્યું કે, "જે રીતે બાળકો બોલતાં હોય છે કે, હું પાઇલટ બનીશ, હું ડૉક્ટર બનીશ; દેવીમાજી બોલતાં હતાં : હું કોણ છું? તો પિતાજી તેમને એકસો પાંત્રીસ વર્ષના એક ગુરુજી પાસે લઈ ગયા. તેમણે કહ્યું કે આ બાળકી એકદમ ભગવતીનું સ્વરૂપ છે."
વીસ વર્ષની ઉંમરે સુખવિંદરકોરનાં લગ્ન મોહનસિંહ સાથે થયાં હતાં. ત્યાર પછી તેઓ મુકેરિયાં શહેરમાં રહેવા લાગ્યાં. તેમના પતિ કમાવા માટે વિદેશ જતા રહ્યા.
રાધેમા અનુસાર, "આ દરમિયાન મેં સાધના કરી. મને દેવીમાનાં દર્શન થયાં. ત્યાર બાદ હું પ્રસિદ્ધ થઈ ગઈ."
હવે રજિંદરકોર મુકેરિયાંમાં જ રાધેમાના નામે બનેલા એક મંદિરની દેખરેખ રાખે છે. આ મંદિર રાધેમાના પતિ મોહનસિંહે બનાવડાવ્યું છે.
રજિંદરકોર અનુસાર, "અમે તેમને 'ડૅડી' કહીએ છીએ. તેઓ [રાધેમા] અમારી મા છે, એટલે તેઓ અમારા પિતા થયા."
જ્યારે રાધેમાના પતિ વિદેશમાં હતા ત્યારે તેઓ [સુખવિંદરકોર] પોતાના બંને પુત્રને પોતાની બહેન પાસે મૂકીને પોતે ભક્તોનાં ઘરે રહેવા લાગ્યાં. મોટા ભાગના ભક્ત વેપારી પરિવારના હતા.
એક શહેરથી બીજા શહેર થતાં થતાં તેઓ મુંબઈ પહોંચ્યાં. અહીં તેઓ એક દાયકા કરતાં વધારે સમય સુધી એક વેપારી પરિવારની સાથે રહ્યાં. ત્યાર પછી પોતાના પુત્રો સાથે રહેવા લાગ્યાં.
રાધેમા જે લોકોનાં ઘરે રહ્યાં, તેઓ તેમના આગળ પડતા ભક્ત છે. તેઓ દાવા કરે છે કે તેમના ઘરમાં દેવીમાનાં 'ચરણ પડવા'ના કારણે જ તેમના ઘરમાં સમૃદ્ધિ આવી.
રાધીમાની સફર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો. રાધેમા : બાબાઓ વચ્ચે પોતાનું સ્થાન ઊભું કરનારાં 'દેવીમા'ના ચમત્કારના દાવા અને 'સચ્ચાઈ'ની કહાણી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



