લોન લેતી વખતે બૅન્કો વીમો લેવાનું દબાણ કરતી હોય તો આ નિયમો ધ્યાનમાં રાખો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વિજયાનંદ અરુમુગમ
- પદ, બીબીસી તામિલ
- વાંચવાનો સમય: 6 મિનિટ
ચેન્નાઈના ગ્રાહક ફરિયાદ નિવારણ પંચે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.
વીમા કંપની પાસેથી લોન લેનાર વ્યક્તિના પરિવારને રૂપિયા 30,000નું વળતર ચૂકવવાનો આદેશ પંચે આપ્યો છે. પંચે કહ્યું હતું કે આ વળતર કંપની દ્વારા આપવામાં આવેલા માનસિક ત્રાસ બદલ ચૂકવવાનું રહેશે.
સંબંધિત વ્યક્તિ દ્વારા લેવામાં આવેલી 34 લાખ રૂપિયાની લોનની બાકી રકમ રદ્દ કરવાનો આદેશ પણ પંચે બૅન્ક મૅનેજમૅન્ટને આપ્યો છે.
આ કેસમાંના એક મહત્ત્વપૂર્ણ મુદ્દા પર ધ્યાન આપવાની જરૂર છે. કોઈ બૅન્ક ગ્રાહકને લોન આપતી વખતે વીમો લેવા માટે દબાણ કરતી હોય, તો ગ્રાહકે કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ?
લોનધારકના મોત બાદ પરિવારે શું કર્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ચેન્નાઈના ચુલાઇમેટના રહેવાસી બીએમ રામદાસના પુત્ર મહેશકુમારે એક ખાનગી બૅન્કમાંથી રૂપિયા 34 લાખની લોન લીધી હતી. રામદાસે ચેન્નાઈ ઉત્તર ગ્રાહક ફરિયાદ નિવારણ પંચમાં ફરિયાદ નોંધાવી હતી.
રામદાસે ફરિયાદમાં જણાવ્યું હતું, "મારો પુત્ર એક આઇટી કંપનીમાં કામ કરતો હતો. તેનો માસિક પગાર એક લાખ રૂપિયા હતો. બૅન્કે ડિસેમ્બર 2019માં મારા પુત્રને લોનની રકમની ફાળવણી કરી હતી."
સંબંધિત બૅન્કે લોનની આ રકમનો વીમો એક ખાનગી વીમા કંપની પાસે કરાવ્યો હતો. 'ગ્રૂપ સિક્યૉર માઇન્ડ' નામની કંપની દ્વારા મહેશકુમારને એ વીમો આપવામાં આવ્યો હતો.
રામદાસના જણાવ્યા મુજબ, લોનના દસ્તાવેજોની સાથે વીમાનું ફૉર્મ પણ બૅન્કના મૅનેજમૅન્ટે ભરાવ્યું હતું. લોનના માસિક હપ્તાની સાથે વીમાનું પ્રીમિયમ પણ વસૂલવામાં આવશે, એવું પણ બૅન્ક મૅનેજમૅન્ટે જણાવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એ વ્યવસ્થા મુજબ મહેશકુમારના બૅન્ક એકાઉન્ટમાંથી દર મહિને લોનના હપ્તા ઉપરાંત વીમાનું પ્રીમિયમ વસૂલ કરવામાં આવતું હતું.
રામદાસે અરજીમાં જણાવ્યું હતું, "બૅન્ક કે વીમા કંપની દ્વારા અમને વીમા પ્રીમિયમની ચુકવણીની કોઈ રસીદ કે પૉલિસીની વિગત આપવામાં આવી ન હતી."
આ દરમિયાન જૂન 2024માં મહેશકુમારની તબિયત બગડી ગઈ હતી. સતત તબીબી સારવારના અભાવે એ જ મહિનામાં મહેશકુમારનું મૃત્યુ થયું હતું.
રામદાસે ઑગસ્ટ 2024માં મહેશકુમારના સ્વાસ્થ્ય વિશે માહિતી આપતી એક ઑનલાઇન અરજી વીમા કંપનીને મોકલી હતી.
ખાનગી વીમા કંપનીએ 29 ઑગસ્ટે તેનો જવાબ આપતાં જણાવ્યું હતું કે વીમાની અવધિ સમાપ્ત થવાને કારણે તમારી દાવાની અરજી પર આગળની પ્રક્રિયા કરી શકાશે નહીં.
એ પછી રામદાસે ધિરાણ આપનાર બૅન્કનો સંપર્ક કર્યો હતો. બૅન્કે કોઈ માહિતી આપી ન હતી. ઉપરાંત વીમા સંબંધી માહિતી સમયસર ન આપવા બદલ રામદાસને ભારે નાણાકીય નુકસાન થયું હતું અને તેમણે માનસિક વેદના સહન કરવી પડી હતી.
તેમની ફરિયાદ હતી, "ગ્રાહકોને વીમા વિશે સંપૂર્ણ માહિતી પૂરી પાડવાની જવાબદારી બૅન્કની છે. જોકે, બૅન્ક મૅનેજમૅન્ટે આ જવાબદારી નિભાવી ન હતી."
આ વિશેની સ્પષ્ટતા તેમણે ગ્રાહક ફરિયાદ નિવારણ પંચને કરેલી અરજીમાં પણ કરી હતી.
ગ્રાહક ફરિયાદ નિવારણ પંચે આ મામલે બૅન્ક મૅનેજમૅન્ટને નોટિસ પાઠવી હતી, પરંતુ સુનાવણીના દિવસે બૅન્ક તરફથી કોઈ હાજર રહ્યું ન હતું. બૅન્ક દ્વારા કોઈ લેખિત જવાબ પણ રજૂ કરવામાં આવ્યો ન હતો.
વીમા કંપનીએ આરોપ નકાર્યા

ઇમેજ સ્રોત, Getty Images
રામદાસે કરેલા આક્ષેપોને સંબંધિત ખાનગી કંપનીએ સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. ગ્રાહક ફરિયાદ નિવારણ પંચને આપેલા જવાબમાં સંબંધિત કંપનીએ જણાવ્યું છે કે "ફરિયાદી સાથે અમારો કોઈ સીધો સંબંધ નથી."
કંપનીએ જણાવ્યું છે કે વીમા કંપની 'ગ્રૂપ સિક્યૉર માઇન્ડ'ની પૉલિસી શરતો અનુસાર પૉલિસીધારક બૅન્ક મૅનેજમૅન્ટ છે અને લોન લેનારને વીમા કવચ પૂરું પાડવાની જવાબદારી બૅન્ક મૅનેજમૅન્ટની છે.
મૃતક મહેશકુમાર પાસેથી પ્રીમિયમ પેટે રૂપિયા 60,381 મળ્યા હોવાનો ઉલ્લેખ કરીને વીમા કંપનીએ કહ્યું હતું કે "આ વીમાકવચ માત્ર વીમાના સમયગાળા પૂરતું જ લાગુ પડે છે. તેનો વીમાના નિયમો અને શરતોમાં તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે."
મૃતક મહેશકુમારે લીધેલી લોન માટે વીમાનો સમયગાળો 2020થી 2023 સુધીનો હોવાનું જણાવતાં વીમા કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે વીમાનો સમયગાળો સમાપ્ત થઈ ગયો હોવાથી દાવાની પ્રક્રિયા કરવાની અમારી કોઈ જવાબદારી નથી.
'એકેય પુરાવો રજૂ કર્યો નથી'

ગ્રાહક ફરિયાદ નિવારણ પંચના અધ્યક્ષ ગોપીનાથ અને પંચનાં સભ્યો કવિતા કન્નન તથા રામામૂર્તિની બનેલી ખંડપીઠે દલીલો સાંભળ્યા પછી 2025ની 22 ઑક્ટોબરે ચુકાદો આપ્યો હતો.
ચુકાદામાં પંચે જણાવ્યું હતું કે "બૅન્ક મૅનેજમૅન્ટ પૉલિસીધારક છે અને લોન લેનાર વીમાધારક છે, એવું વીમાના દસ્તાવેજો પરથી સ્પષ્ટ થાય છે."
લોન લેનારને વીમા પૉલિસીની નકલ આપવામાં આવી હોવાના કોઈ પુરાવા પંચ સમક્ષ રજૂ ન કરવામાં આવ્યા હોવાની સ્પષ્ટતા ન્યાયાધીશે કરી હતી.
પંચના ન્યાયાધીશે જણાવ્યું હતું, "પૉલિસીના દસ્તાવેજોની માહિતી ન આપીને લોન લેનારના પરિવારને અંધારામાં રાખવામાં આવ્યો હોય એવું લાગે છે."
ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019 હેઠળ ગ્રાહકોને આ માહિતી મેળવવાનો અધિકાર છે, એમ જણાવતાં ગ્રાહક ફરિયાદ નિવારણ પંચે ઉમેર્યું હતું કે આ કિસ્સામાં લોન લેનારને વીમા પૉલિસીની નકલ ઉપલબ્ધ ન કરાવવામાં આવી હોવાથી ઇન્સ્યૉરન્સ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા (ઇરડા) નિયમાવલી 2002ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું પણ ગ્રાહક ફરિયાદ નિવારણ પંચે જણાવ્યું હતું.
ગ્રાહક ફરિયાદ નિવારણ પંચે તેના ચુકાદામાં સ્પષ્ટતા કરી હતી કે "વીમા પૉલિસીની નકલ પૂરી નહીં પાડીને ફરિયાદીને તેના અધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે. તેથી સેવામાં ખામીને કારણે ખાનગી બૅન્ક અને ખાનગી વીમા કંપની સામેની ફરિયાદ માન્ય કરવામાં આવી છે."
'34 લાખ રૂપિયાની લોનનું સેટલમેન્ટ'

ઇમેજ સ્રોત, Getty Images
પંચે તેના ચુકાદામાં જણાવ્યું છે કે ફરિયાદની સુનાવણી દરમિયાનના નુકસાન અને ક્ષતિના નુકસાનનું વળતર ચૂકવવા માટે વીમા કંપની જવાબદાર છે.
બૅન્ક અને વીમા કંપનીની જવાબદારી અલગ-અલગ હોવાની સ્પષ્ટતા કરતાં ગ્રાહક ફરિયાદ નિવારણ પંચે રૂપિયા 34 લાખની લોનની પતાવટ કરવાનો અને ફરિયાદીને નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ આપવાનો આદેશ પણ આપ્યો છે.
સેવામાં ખામી, આર્થિક નુકસાન માનસિક પીડા માટે વળતર તરીકે રૂપિયા 20,000 અને કાનૂની ખર્ચ પેટે રૂપિયા 10,000 ચૂકવવાનો આદેશ પણ બંને કંપનીને આપવામાં આવ્યો છે.
'કંપનીએ ગ્રાહકને વીમો લેવાનું દબાણ ન કરવું જોઈએ'

ઑલ ઇન્ડિયા ઇન્સ્યૉરન્સ ઍમ્પ્લૉઇઝ ઍસોસિયેશનના ઉપપ્રમુખ જી. આનંદે કહ્યું હતું કે "લોન આપતી વખતે કોઈ પણ કંપનીએ ગ્રાહકને વીમો લેવાનું દબાણ ન કરવું જોઈએ. વીમો લેવાની સલાહ જરૂર આપી શકાય, પરંતુ એ વીમો તેમની પાસેથી અથવા તેઓ સૂચવે તે કંપની પાસેથી જ લેવાની ભલામણ કરવાનું કામ તેમનું નથી."
બીબીસી સાથે વાત કરતાં જી. આનંદે કહ્યું હતું, "બૅન્ક પાસેથી લોન લેતી વખતે આપણું ધ્યાન મુખ્યત્વે વહેલી તકે પૈસા મેળવવા પર હોય છે. આ માનસિકતાને કારણે લોકો ઘણી વાર વીમાની વિગતની અવગણના કરતા હોય છે."
તેમના કહેવા મુજબ, "બૅન્ક મૅનેજમૅન્ટ વીમો લેવાનો આગ્રહ કરે તો ગ્રાહકે સ્પષ્ટપણે જણાવી દેવું જોઈએ કે તમે અમને માત્ર લોન આપો. વીમો કોની પાસેથી લેવો તે અમે નક્કી કરીશું."
વીમો લેતી વખતે શું ધ્યાન રાખવાનું?

ઇમેજ સ્રોત, Getty Images
લોન લેતી વેળાએ વીમો લેવો પડે ત્યારે શું ધ્યાન રાખવું જોઈએ તેની વાત કરતાં ગ્રાહક સુરક્ષા સંબંધી વકીલ નટરાજને કહ્યું હતું, "ઇરડાના નિયમ અનુસાર ગ્રાહકને કોઈ ચોક્કસ કંપની પાસેથી વીમો લેવાની ફરજ પાડી શકાય નહીં."
"આવી પરિસ્થિતિ ટાળવા માટે ગ્રાહકોએ ઇરડાના નિયમોથી વાકેફ હોવું જરૂરી છે. ઘણી વાર ક્લેમ દાખલ કરતી વખતે જ ગ્રાહકોને સંબંધિત નિયમોની માહિતી મળતી હોય છે."
જી. આનંદે કહ્યું હતું, "હોમ લોન, કાર લોન, કૉમર્શિયલ લોન વગેરે માટે વીમો લેવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. લોનની ચુકવણીના સમયગાળા દરમિયાન લોન લેનારનું મૃત્યુ થાય તો બાકીની લોન વીમા કંપનીઓ ચૂકવે છે. તેથી હોમ લોનના કિસ્સામાં ફૉર-ક્લૉઝરની કાર્યવાહી ટાળી શકાય છે."
'લોન અને વીમો અલગ-અલગ છે'

ઇમેજ સ્રોત, Getty Images
વીમા કંપનીઓ પાસે ક્લેમ કરવામાં ઘણી વાર મુશ્કેલીઓ આવતી હોય છે, એમ જણાવતાં જી. આનંદે ઉમેર્યું હતું કે "વીમા કંપનીઓનો મુખ્ય ઉદ્દેશ નફો કમાવાનો છે. તેથી ઘણી વખત તેઓ દાવાને નકારવાના પ્રયાસ કરે છે."
"લોન અને વીમો બે અલગ-અલગ બાબત છે એ આપણે સમજવું પડશે. વર્તમાન પરિસ્થિતિમાં પ્રામાણિક ગ્રાહકો આગળ આવે ત્યારે જ બૅન્કો લોન આપવા તૈયાર હોય છે," એમ આનંદે કહ્યું હતું.
નટરાજનના કહેવા મુજબ, વીમો લેતી વખતે વીમા પૉલિસીની નકલ મેળવવી જરૂરી છે.
તેમણે ઉમેર્યું હતું કે "દાવો કેટલા દિવસમાં સબમિટ કરવાનો છે, એ જાણવું પણ મહત્ત્વપૂર્ણ છે. લોન લેનારના મૃત્યુનું પ્રમાણપત્ર અને મૃત્યુના કારણ સહિતના તમામ દસ્તાવેજો યોગ્ય રીતે સબમિટ કરવા જરૂરી છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












