વડોદરામાં આ યુવાન અચાનક ગટરમાં કેવી રીતે પડી ગયો?
વડોદરા શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક ઊંડી ગટરમાં પડી જવાના કારણે એક વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
વડોદરાના માંજલપુર ગામમાં રહેતા વિપુલસિંહ ઝાલા પોતાના પરિવાર સાથે જમવા માટે માંજલપુર સ્પૉર્ટ્સ કૉમ્પ્લેક્સ વિસ્તારમાં ગયા હતા. તેઓ પોતાની કાર પાર્ક કરી રહ્યા હતા ત્યારે તેઓ 30 ફૂટ ઊંડી ગટરમાં પડી ગયા હતા.
પરિવારના સભ્યો અનુસાર જ્યાં ઘટના બની ત્યાં કોઈ બેરિકેડિંગ કે ચેતવણી બોર્ડ નહોતાં. મંગળવાર સાંજે પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરી હતી.
મૃતક વિપુલસિહનાં પત્ની માધવીબા ઝાલાએ માંજલપુર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી અને કૉન્ટ્રેક્ટર અને મહાનગરપાલિકાના કર્મચારીઓ સામે કાર્યવાહીની માગ કરી હતી.
માંજલપુર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 (54) મુજબ ગુનો નોંધી આ મામલે તપાસ હાથ ધરી છે.
બીજી તરફ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓનું પણ કહેવું છે કે તેઓ દોષિતો સામે પગલાં ભરશે.

ઇમેજ સ્રોત, Hardik
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



