રાજલ બારોટની સફળતા પાછળના સંઘર્ષની કહાણી

વીડિયો કૅપ્શન, રાજલ બારોટની સફળતા પાછળના સંઘર્ષની કહાણી

રાજલ બારોટની સફળતા પાછળના સંઘર્ષની કહાણી તેમનાં શબ્દોમાં.

'મને રાજલ બારોટ તરીકે નહીં ઓળખે તો ચાલશે, પરંતુ મણિરાજ બારોટની દીકરી તરીકે ઓળખશે તો વધારે ગર્વ થશે.'

"અમારી પરિસ્થિતિ બહુ ખરાબ હતી. પહેલો પ્રોગ્રામ મેં 200 રૂપિયામાં કર્યો હતો. દુઃખ થતું કે કેમ અમારી સાથે જ આવું થાય છે? બીજાં બાળકોને તેમનાં મા-બાપ સાથે જોતી ત્યારે થતું કે અમારાં પણ મા-બાપ હોત તો... "

આ શબ્દો ગુજરાતનાં લોકપ્રિય લોકગાયિકા રાજલ બારોટના છે. બીબીસી ગુજરાતી સંવાદદાતા સાગર પટેલ સાથેની ખાસ મુલાકાતમાં રાજલ પોતાની સંઘર્ષગાથાની વાત કરે છે:

બીબીસી ગુજરાતી : તમે તમારી નાની બન્ને બહેનોનું કન્યાદાન કર્યું. તમારો સાથે સંબંધ કેવો છે?

રાજલ : અમે ચારેય બહેનો વચ્ચે એકદમ ગાઢ સંબંધ છે. અમે મસ્તી પણ બહુ કરીએ, લડીએ પણ ખૂબ અને અમારા વચ્ચે પ્રેમ પણ એટલો જ છે. અમારે ભાઈ નથી, તેની કોઈ ખોટ પણ નથી. અમે ચારેય બહેનો દર વર્ષે એકમેકને રાખડી બાંધીને દરેક પરિસ્થિતિમાં સાથે રહેવાનું વચન આપીએ છીએ."

બીબીસી ગુજરાતી : તમે તમારી બહેનોનું કન્યાદાન આપ્યું. તમે આ નિર્ણય ક્યારે કર્યો અને આયોજન કેવી રીતે કર્યું?

રાજલ બારોટ : પપ્પાના અવસાન સમયે હું તો બહુ નાની હતી. હું ભણતી હતી અને મારા પ્રોગ્રામો, શૂટિંગ અને રેકૉર્ડિંગ પણ ચાલુ હતું. બધું સાથેસાથે મૅનેજ કરતી હતી. અમારા સપોર્ટમાં કોઈ હતું જ નહીં એટલે નક્કી કરી લીધું કે જે કરવું તે જાતે કરવું છે. આ જ ફિલ્ડમાં આગળ વધવું છે. પપ્પાનું નામ ઉજાળવું છે. મને એમ હતું કે લોકો મને રાજલ બારોટ તરીકે નહીં ઓળખે તો ચાલશે, પરંતુ મણિરાજ બારોટની દીકરી તરીકે ઓળખશે તો વધારે ગર્વ થશે. મેં નક્કી કરી લીધું હતું કે હું પહેલાં મારા વિશે ક્યારેય નહીં વિચારું, મારી ત્રણેય બહેનો માટે પહેલાં કામ કરીશ, એમનું ભવિષ્ય બહેતર બનાવીશ. તેમને ભણાવી-ગણાવીને પરણાવીશ અને પછી જ હું મારા વિશે વિચારીશ. બસ, આ રીતે જ બહેનોનું કન્યાદાન કર્યું. બહેનોની પણ એવી ઇચ્છા હતી કે રાજલે અમારા માટે આટલું બધું કર્યું છે તો રાજલ જ અમારું કન્યાદાન કરે. મેં એમની ઈચ્છા સંતોષી. કન્યાદાન વખતે પપ્પા અને મમ્મીને દિલથી યાદ કરતી હતી. હું તેમને મનમાં કહેતી હતી કે હું કન્યાદાન કરી રહી છું. તમે મારી સાથે જ રહેજો. મારા દરેક કામમાં પડખે રહેજો. બસ, મેં મમ્મી-પપ્પાને યાદ કરીને જ કન્યાદાન કર્યું હતું.

પિતાની યાદો

બીબીસી ગુજરાતી: તમારા પિતા મણીરાજ બારોટ સાથેના ક્યા પ્રસંગો તમારા સ્મરણમાં છે?

રાજલ બારોટ : ઘણી બધી યાદો છે. એક પ્રસંગ કહું જે મેં કોઈને કહ્યો નથી. હું 11-12 વર્ષની હોઈશ. હું અને મારી બહેન એક ફિલ્મ જોઈ રહ્યાં હતાં. કન્યાવિદાયનું દૃશ્ય આવ્યું અને હું અચાનક રડવા લાગી. એ વખતે પપ્પા પ્રોગ્રામમાં જવાની તૈયારી કરી રહ્યા હતા. મારી બહેન તેમને કહી આવી કે પપ્પા, રાજલ રડે છે. પછી હું પપ્પા પાસે દોડી ગઈ અને એમને વળગી પડી. પપ્પાએ પૂછ્યું કે કેમ રડે છે, બેટા? ખબર નહીં એ સમયે મગજમાં શું આવ્યું કે ભગવાને મારી પાસે શું બોલાવ્યું. મેં કહ્યું કે પપ્પા, તમે અમારાં લગ્ન વખતે હશો ને? મારાથી સહજ રીતે આવું બોલાઈ ગયું. એ સાંભળીને પપ્પા હસવા લાગ્યા અને કહ્યું કે બેટા, આવું કેમ બોલે છે? આપણે તમારાં લગ્ન ધામધૂમથી કરીશું. એ સાંભળીને હું વધુ રડવા લાગી હતી. મારાં મોટાંબહેનના લગ્ન થયાં ત્યારે પણ મને એ શબ્દો યાદ આવ્યા હતા. બીજી બે બહેનોના લગ્ન વખતે પણ મને એ શબ્દો યાદ આવ્યા હતા. પપ્પાએ વચન આપ્યું હતું અને અત્યારે તેઓ હાજર નથી એ વિચારીને મને બહુ રડવું આવ્યું હતું.

બીબીસી ગુજરાતી : તમે નાનાં હતાં ત્યારે તમારાં પિતાની સાથે તેમના કાર્યક્રમોમાં જતાં હતાં?

રાજલ બારોટ : હા, ક્યારેક પપ્પા મને સાથે લઈ જતા હતા. કોઈ શહેરમાં કે પછી ક્યાંક સંબંધીને ત્યાં કાર્યક્રમ હોય ત્યારે પપ્પા સાથે લઈ જતા હતા. એક પ્રસંગ કહું. હું સ્કૂલમાં ભણતી હતી ત્યારે પપ્પાએ મને લોકગીત - હેલ ભરીને હું તો હાલું ઉતાવળી - શિખવાડ્યું હતું. પપ્પા સાથે હું અમદાવાદના સરખેજમાં એક પ્રોગ્રામમાં ગઈ હતી. પપ્પાએ અચાનક મને કહ્યું કે બેટા, મેં તને પેલું ગીત શિખવાડ્યું છે તે ગા. એ સાંભળીને હું તો એકદમ ડરી ગઈ. સામે વિશાળ ઑડિયન્સને જોઈને મારા તો ધબકારા વધી ગયા. મને કશું દેખાય જ નહીં. હું ન ગાઈ શકી. આજે મને અફસોસ થાય છે કે પપ્પાએ કહ્યું છતાં મેં એ ગીત ન ગાયું. પપ્પાએ લોકગીત પણ શિખવાડ્યું હતું અને તાલ પણ શિખવાડ્યો હતો, પરંતુ હું એટલી ડરી ગયેલી કે ગીત ગાઈ જ ન શકી.

બીબીસી ગુજરાતી : તમે સ્ટેજ પરથી ગાવાનું ક્યારે નક્કી કર્યું?

રાજલ બારોટ : પપ્પાના ચાહકો, મિત્રોએ ગાવા માટે બહું આગ્રહ કર્યો અને સપોર્ટ પણ મળ્યો. મારા પર પપ્પાની લોકચાહનાને અકબંધ રાખવાનું પ્રેશર હતું. કારણ કે લોકો મને જોઈને વિચારવાના કે મણીરાજ બારોટની દીકરી છે તો કેવું ગાશે? શું પહેરશે? શું કરશે? અંદરથી એવું થતું હતું કે મારે મારું બેસ્ટ આપવાનું છે, મારે મારા પપ્પાનું નામ, એમની પ્રતિષ્ઠા ખરાબ થવા દેવાની નથી. લોકો પણ રાજલ બારોટમાં મણીરાજ બારોટની ઝલક જોવા માંગતા હોય છે. હું પ્રયાસ કરું કે ચાહકોને નિરાશ ન કરું. મારા પપ્પાનાં ગીતો રજૂ કરું. મારા પપ્પાની એક આગવી છાપ હતી. પાઘડી પહેરવી, શાલ ઓઢવી, તલવારથી પટ્ટાબાજી કરવી, રંગીલું ફેરવવું. એ બધું હું કાયમ મારી સાથે જ રાખું છું. એમની યાદ તરીકે. હું દસ મિનીટ માટે ક્યાંય ગઈ હોઉં તો પણ મારી કારમાં એ બધું મારી સાથે જ હોય. મારા પપ્પા સશરીર મારી સાથે નથી પણ આ ચીજવસ્તુઓના સ્વરૂપમાં મારી સાથે હોય છે.

પિતાના વારસા પર ગર્વ

બીબીસી ગુજરાતી: મણીરાજ બારોટે સ્ટેજ ગાયકીનો આખો માહોલ બદલ્યો. તેમના કારણે ઉત્તર ગુજરાતનાં લોકગીતો સૌરાષ્ટ્રના લોકો પણ સાંભળતા થયા. અમે નાના હતા ત્યારે સાંભળવામાં આવતું કે મણીરાજ બારોટનો કાર્યક્રમ છે એવી ખબર પડે એટલે ટ્રકો ભરીને લોકો ઉમટી પડતા હતા. એ માહોલ વિશેના તમારા સંસ્મરણો?

રાજલ બારોટ : પપ્પા એવા કાર્યક્રમો કરતા ત્યારે કદાચ મારો જન્મ પણ થયો ન હતો. મેં બાદમાં જેટલી વાતો સાંભળી તેના આધારે કહું છું કે સૌરાષ્ટ્રમાં મોટાભાગે ડાયરા, સંતવાણી, ભજનના કાર્યક્રમો થતા હતા. આપણે જે ઊભા રહીને ગાઈએ છીએ તેવા કાર્યક્રમો ત્યાં થતા ન હતા. મારા પપ્પાએ એવો ચીલો પાડ્યો, અલગ માહોલ બનાવ્યો. ભજન હોય, સંતવાણી હોય કે ડાયરો હોય, મારા પપ્પાએ તેમાં ઊભા રહીને ગાવાની શરૂઆત કરી હતી. પપ્પાને સૌરાષ્ટ્રમાં અને અહીં ઉત્તર ગુજરાતમાં પણ લોકોનો સપોર્ટ મળ્યો. પપ્પાના ઘણા ચાહકો આજે પપ્પાનું અનુસરણ કરે છે. પપ્પાનાં ગીતો ગાઈને લોકોનું મનોરંજન કરે છે. આ બધું સાંભળું છું ત્યારે બહુ ગર્વ થાય છે કે હું મણીરાજ બારોટની દીકરી છું.

બીબીસી ગુજરાતી: તમારી કારકિર્દીની શરૂઆત કેવી મુશ્કેલ રહી?

રાજલ બારોટ : સ્મરણો તો ઘણાં બધાં છે. આપણે ગમે તેટલા સુખી થઈએ, પણ આપણે જે દુઃખ ભોગવ્યું હોય તેને આપણે ક્યારેય ભૂલવું ન જોઈએ. કારણ કે પપ્પાના ગયા પછી અમારા સ્થિતિ ઘણી નબળી પડી ગઈ હતી. મેં મારો પહેલો જ કાર્યક્રમ 200 રૂપિયામાં કર્યો છે. પપ્પાની કાર વેચી નાખી હતી એટલે હું બસમાં અને રીક્ષામાં દૂરદૂર, બનાસકાંઠામાં કાર્યક્રમો આપવા જતી હતી. ક્યારેક સવારની શાળા પૂરી કરીને દૂરનો કાર્યક્રમ હોય તો ત્યાં જવા નીકળી જતી. બનાસકાંઠામાંથી સુરેન્દ્રનગર એમ અલગ-અલગ જગ્યાએ કાર્યક્રમ હોય તો બસમાં ફટાફટ પહોંચી જતી. વહેલી સવારે પાંચ વાગ્યે ઘરે પાછી ફરતી. પરીક્ષાનો સમય હોય તો સ્કૂલે પહોંચી જતી. ઘણી ખરાબ પરિસ્થિતિનો સામનો કર્યો છે અને ધીરે-ધીરે બધું મૅનેજ કર્યું છે. અત્યારે બધાના સાથ-સહકારથી ઘણું સારું છે.

હતાશા અને સંઘર્ષ પછી સફળતા

બીબીસી ગુજરાતી: મુશ્કેલ સમયમાં બહેનોને મોટી કરતાં, બધી જવાબદારી નિભાવતાં નિરાશા આવતી? તેમાંથી કેવી રીતે બહાર આવતાં?

રાજલ બારોટ : હા, મુશ્કેલીઓ ઘણી આવી, પણ અમે ક્યારેય નિરાશ નથી થયાં. કારણ કે અમે માની લીધુ હતું કે જે છે તે આ છે અને જિંદગી જીવવાની જ છે. બીજું કોઈ હતું નહીં તો પાછળ વળીને જોવાનો કોઈ અર્થ ન હતો. હા, ક્યારેક રડી પડતી. ક્યારેક બહેનો સામે તો ક્યારેક એકલી. પપ્પાને યાદ કરતી. એવું દુઃખ થતું કે કેમ અમારી સાથે જ આવું થયું? બીજા લોકોને પરિવાર સાથે જોતાં ત્યારે થતું કે અમારાં પણ મમ્મી-પપ્પા હોત તો અમે પણ તેમની સાથે જીવનને માણત. હરવાં-ફરવાં જાત. જોકે હિંમત હાર્યાં વગર મમ્મી-પપ્પાને યાદ કરીને કામકાજ કરતાં રહ્યાં છીએ.

લોકગાયિકા રાજલ બારોટ કોઈ પણ ગીતને પોતાનો કંઠ આપીને યાદગાર બનાવી દે છે. ગુજરાતી લોકો એમની કળાના ભારે પ્રશંસક છે અને દેશવિદેશમાં તેઓ કાર્યક્રમ કરતાં રહે છે. સંઘર્ષમય જીવન જીવીને એમણે સફળતા હાંસલ કરી છે અને કેટલાક લોકોને પ્રેરિત પણ કર્યા છે. જુઓ, એમનાં સંઘર્ષ અને સફળતાની કહાણી.

વીડિયો : સાગર પટેલ

હવે તમારી પાસે પણ તક છે તમારી પ્રતિભા દર્શાવવાની અને વિશ્વને પ્રેરિત કરવાની, જે રીતે રાજલ પોતાનાં ગીતો થકી લોકોને પ્રેરિત કરે છે, એમ જ.

જો તમે પણ આવી કોઈ પ્રતિભા ધરાવો છો કે આવી પ્રતિભા ધરાવતી કોઈ વ્યક્તિને ઓળખો છો તો અમારી સુધી તેમની કહાણી પહોંચાડો.

આમારા ઈમેઇલ આઈડી [email protected] પર નીચે મુજબની માહિતી મોકલી આપો.

નામ :

ઉંમર :

આપ કોને નૉમિનેટ કરી રહ્યા છો? : પોતાને/ કોઈ અન્યને

જો તમે કોઈ અન્યને નૉમિનેટ કરો છો, તો એમની સાથે તમારો શો સંબંધ છે? :

પ્રેરણાદાયી કહાણી જણાવો:

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો