ભારતીય જનતા પક્ષના મુખ્ય કેન્દ્રીય કાર્યાલયના વિસ્તારનું
લોકાર્પણ કરતી વખતે વડા પ્રધાન મોદીએ ફરી એકવાર કૉંગ્રેસ સહિત વિપક્ષ પર નિશાન
સાધ્યું છે.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે, “જે લોકો ભ્રષ્ટાચારમાં લિપ્ત છે, જ્યારે તેમની પર એજન્સીઓ કાર્યવાહી કરે છે,
ત્યારે એજન્સીઓ પર હુમલો કરવામાં આવે છે.”
તાજેતરના દિવસોમાં આવેલા કોર્ટના
નિર્ણયનો ઉલ્લેખ કર્યા વિના વડા પ્રધાન મોદીએ આ અંગે પણ પોતાની પ્રતિક્રિયા આપી
છે.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે, “જ્યારે કોર્ટ કોઈ નિર્ણય આપે છે, ત્યારે કોર્ટ પર સવાલો ઊભા થાય છે. કેટલાક પક્ષોએ
સાથે મળીને ભ્રષ્ટાચારી બચાવો અભિયાન શરૂ કર્યું છે.”
વડા પ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે,
“બંધારણીય સંસ્થાઓ આપણા દેશનો પાયો છે. તેથી જ આજકાલ આ સંસ્થાઓ પર પ્રહાર
કરવામાં આવે છે. તેને બદનામ કરવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમની
વિશ્વસનીયતા ખતમ કરવાનું કાવતરું રચવામાં આવે છે.”
વિપક્ષી એકતા પર આરોપ લગાવતા વડા
પ્રધાન મોદીએ કહ્યું કે, “આજે તમામ ભ્રષ્ટાચારી એક મંચ પર
આવી રહ્યા છે. ભાજપ સરકારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ શરૂ કરેલા અભિયાને આજે ભ્રષ્ટાચાર અને
ભ્રષ્ટાચારીઓ બંનેના મૂળિયા હલાવી દીધા છે.”
વડા પ્રધાન મોદીએ કહ્યું, “દુનિયામાં ભારતના વાગી રહેલા ડંકાને કારણે ભારત વિરોધી શક્તિઓનું એકજૂથ થવું
સ્વાભાવિક છે. આ શક્તિઓ કોઈક રીતે ભારત પાસેથી વિકાસનો કાળખંડ છીનવી લેવા માગે છે.”
વડા પ્રધાન મોદીએ બીજું શું કહ્યું?
દેશની જનતા જોઈ રહી છે કે અગાઉની
સરકારે ભ્રષ્ટાચારના નામે માત્ર ખાનાપૂર્તિ કરી છે.
કૉંગ્રેસના નેતાઓ એક સમયે કહેતા
હતા- તેઓ જનસંઘને મૂળમાંથી ઉખાડીને ફેંકી દેશે. આજની કૉંગ્રેસ કહે છે- મોદી, તમારી
કબર ખોદવામાં આવશે.
લોકોના આશીર્વાદથી જ આપણે ટકી
શક્યા છીએ અને ખીલ્યા છીએ. દેશવાસીઓના પ્રેમથી વધ્યા છીએ. આ આપણી મૂડી છે.
દેશવાસીઓના આશીર્વાદથી આપણે પ્રગતિ કરી છે, પ્રગતિ કરી રહ્યા છે અને કરતા જ
રહીશું.
ભાજપ એવો પક્ષ નથી, જે અખબારો અને
ટીવી સ્ક્રીનની ચમકથી પેદા થયો હોય. ભાજપ પોતાના કાર્યકરોના બળ પર અને જમીન પર કામ
કરીને આગળ વધ્યું છે. તે ગરીબોની સાથે ખભે ખભા મિલાવીને આગળ વધ્યું છે.