ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું
હતું કે, આઈઆઈટી-બૉમ્બેના પ્રથમ વર્ષના
વિદ્યાર્થી દર્શન સોલંકીના મૃત્યુની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની સ્પેશિયલ
ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને તેના રૂમમાંથી એક
કથિત "સુસાઈડ નોટ" મળી આવી છે, જેમાં બૅચમેટનું નામ હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે, “3 માર્ચે સોલંકીના રૂમની 10 કલાકની "વિગતવાર તપાસ" બાદ ટેબલ નીચેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી.”
તેઓએ જણાવ્યું હતું કે, "ટેબલ
પર કેટલાક પુસ્તકો અને સોલ્વ કરેલા
પ્રશ્નપત્રો પડ્યાં હતાં. ત્યાં ટેબલની નીચે અમને એક પાનું મળ્યું હતું, જેના પર બૅચમેટનું નામ લખીને લખ્યું હતું કે,....મને
મારી નાખ્યો.”
ત્યારબાદ તપાસ ટીમે આઈઆઈટી વહીવટીતંત્રનો સંપર્ક કર્યો હતો અને સોલંકીની ઉત્તરવહીઓ માંગી હતી.
એક અધિકારીએ જણાવ્યું હતું કે,
"અમને લખાણમાં કેટલીક સામ્યતાઓ મળી હોવાથી અમે તેના માતા-પિતાને જાણ કરી અને તેઓને અમદાવાદમાં તેમના ઘરેથી તેની જૂની
નોટબુક લઈને આવવા કહ્યું હતું.”
16 માર્ચે સોલંકીના માતા-પિતા પોલીસને મળ્યા અને કથિત સુસાઈડ નોટ પર તેના લખાણની પુષ્ટિ
કરી હતી.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, "અમે સુસાઈડ નોટ અને સોલંકીના લખાણના નમૂના નિષ્ણાતોને મોકલી આપ્યા છે અને તેમના
રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.”
પોલીસે જણાવ્યું હતું કે, “તેમને સોલંકી અને બેચમેટ વચ્ચેની વોટ્સઍપ ચૅટ પણ મળી આવી છે. અમે તેનો મોબાઈલ
ફોન ફૉરેન્સિક તપાસ માટે મોકલી દીધો છે. અમને જાણવા મળ્યું છે કે, ઘટનાના લગભગ એક
અઠવાડિયા પહેલાં બંને વચ્ચે ઝઘડો થયો હતોઅને તે ઝઘડો મૃત્યુ સાથે જોડાયેલો
છે કે કેમ તે તપાસી રહ્યા છીએ."
તપાસ ટીમના એક અધિકારીએ જણાવ્યું
હતું કે, “શરૂઆતમાં અમને લાગ્યું હતું કે સોલંકીએ સેમેસ્ટરની પરીક્ષા
ખરાબ જવાના કારણે સુસાઈડ કર્યું હતું. જો કે, અમને શંકા છે કે તેણે સુસાઈડ કર્યાની થોડી મિનિટો પહેલા જે નોટ લખી હતી,
તે સૂચવે છે કે તેને હેરાન કરવામાં આવ્યો હતો.”
પોલીસે જણાવ્યું હતું કે, તેઓએ
સોલંકીના માતા-પિતાને ફરિયાદ નોંધાવવા કહ્યું છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “હવે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કરવામાં આવે તેવી શક્યતા છે.”
જ્યારે સોલંકીની બહેન જાનવીનો
સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેઓએ કહ્યું કે, "તેણે ક્યારેય SIT દ્વારા કહેવામાં
આવેલા નામનો ઉલ્લેખ કર્યો નથી, તેથી હું તે વિશે કંઈ કહી શકું નહીં."
અગાઉ તેમના પરિવારે આરોપ લગાવ્યો
હતો કે, સોલંકી સાથે કેમ્પસમાં જાતિ આધારિત ભેદભાવ કરવામાં આવ્યો હતો, પરંતુ 2
માર્ચના રોજ સબમિટ કરાયેલા વચગાળાના અહેવાલમાં આઈઆઈટી-બૉમ્બે દ્વારા સ્થપાયેલી
12-સભ્યોની સમિતિએ તેમના "કથળતા શૈક્ષણિક પર્ફોર્મન્સ"ને સંભવિત કારણ ગણાવ્યું
હતું.
સોલંકીએ કથિત રીતે તેની સેમેસ્ટર
પરીક્ષાઓ પૂરી થયાના એક દિવસ બાદ આઈઆઈટી પરિસરમાં તેની હૉસ્ટેલ બ્લૉકના સાતમા
માળેથી કૂદકો માર્યો હતો. પેનલે કહ્યું હતું કે, "સીધા જાતિ આધારિત ભેદભાવના
કોઈ ચોક્કસ પુરાવા મળ્યા નથી.”
અહેવાલને નકારી કાઢતા, સોલંકીના પિતાએ ગયા અઠવાડિયે આઈઆઈટી-બૉમ્બેના ડિરેક્ટરને પત્ર લખીને વિનંતી
કરી હતી કે કેસની તપાસ રાજ્ય અથવા કેન્દ્રીય એજન્સી દ્વારા કરવામાં આવે.