કેન્દ્રીય એજન્સીઓ, કોર્ટના નિર્ણયો પર થઈ રહેલા સવાલો પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી શું બોલ્યા?

દિલ્હીમાં ભાજપના કેન્દ્રીય કાર્યાલયના વિસ્તારનું લોકાર્પણ કરતી વખતે વડા પ્રધાન મોદીએ એક વખત ફરી કૉંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષ પર નિશાન સાધ્યું હતું.

લાઇવ કવરેજ

  1. ગૂગલે ચૂકવવી પડશે 1,337.76 કરોડ રૂપિયા પૅનલ્ટી

    ગૂગલ પૅનલ્ટી

    ઇમેજ સ્રોત, Getty Images

    ગૂગલ પર કૉમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયાએ લગાવેલી 1,337.76 કરોડ રૂપિયાની પૅનલ્ટીને નેશનલ કંપની લૉ અપીલેટ ટ્રિબ્યુનલે (એનસીલૅટ) યોગ્ય ઠેરવી છે.

    એનસીલૅટની બે જજોની બૅન્ચે ગૂગલને 30 દિવસમાં રકમ જમા કરાવવાનો આદેશ આપ્યો છે.

    બૅન્ચે ગૂગલની એ દલીલોને રદિયો આપ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે સીસીઆઈનો આદેશ નેચરલ જસ્ટિસના સિદ્ધાંતના વિરોધમાં છે.

    જોકે, તેમણે સીસીઆઈના ઑર્ડરમાં કેટલાક ફેરફાર કર્યા છે.

    એનસીલૅટનું કહેવું છે કે ગૂગલની પ્રતિસ્પર્ધી-વિરોધી નીતિઓ વિશે સીસીઆઈની વાત યોગ્ય છે અને કંપનીએ પૅનલ્ટી ચૂકવવી પડશે પરંતુ તેમણે 10માંથી ચાર ઍન્ટી ટ્રસ્ટ રેમેડીને રદ કરી છે. જે અંતર્ગત ગૂગલને પોતાનું બિઝનેસ મૉડલ બદલવા માટે કહેવામાં આવ્યું હતું.

  2. મૅક્સિકો : માઇગ્રન્ટ ડિટેન્શન સેન્ટરમાં ભીષણ આગ, 39 લોકોનાં મૃત્યુ, કેટલાય ઘાયલ

    મેક્સિકો આગ

    ઇમેજ સ્રોત, Getty Images

    અમેરિકાની સરહદ નજીક ઉત્તર મૅક્સિકોના શહેર સિયુદાદ હુઆરેઝમાં એક અપ્રવાસી અટકાયત કેન્દ્રમાં ભીષણ આગ લાગી છે.જેમાં ઓછામાં ઓછા 39 લોકોના માર્યા જવાના સમાચાર છે.આ ઘટનામાં કેટલાય લોકોને ઈજા પહોંચી છે.

    સમાચાર સંસ્થા એએફપીના એક સંવાદદાતાએ જણાવ્યું છે કે ફાયર-બ્રિગેડ અને બચાવદળના લોકો નેશનલ માઇગ્રેશન ઇન્સ્ટિટ્યૂટના પાર્કિંગમાં ઘણા મૃતદેહોને ધાબળાથી ઢાંકતા જોવા મળ્યા છે.

    આ આગ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇમિગ્રેશનમાં સોમવારે મોડીરાત્રે લાગી હતી.

    આ કેન્દ્ર મૅક્સિકો સિટીને અમેરિકન રાજ્ય ટેક્સાસના અલ પાસો શહેર સાથે જોડનારા સ્ટૅન્ટન ઇન્ટરનેશનલ બ્રિજથી થોડા મીટર જ દૂર છે.

    કેટલાક અહેવાલોમાં જણાવવામાં આવ્યું ચે કે આગ એક શૌચાલયમાં લાગી અને શંકા છે કે તેને લગાવવામાં આવી હતી.

  3. રાહુલ ગાંધીની ટિપ્પણી પર સાવરકરના પૌત્રએ આપ્યા હતા આ પડકારો

    વિનાયક દામોદર સાવરકર

    ઇમેજ સ્રોત, SAVARKARSMARAK.COM

    સાંસદપદ રદ થયા બાદ રાહુલ ગાંધીએ પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. આ કૉન્ફરન્સમાં રાહુલ ગાંધીએ માફી માગવાના સવાલોના જવાબ આપ્યા હતા.

    રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “હું માફી માગીશ નહીં, કારણ કે હું સાવરકર નથી. ગાંધી છું. ગાંધી માફી માગતા નથી.”

    આ નિવેદનના કારણે કૉંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે મતભેદો પણ જોવા મળ્યા હતા.

    હવે આ મામલે સાવરકરના પૌત્ર રણજિત સાવરકરનું નિવેદન આવ્યું છે.

    રણજીત સાવરકરે કહ્યું છે કે, “રાહુલ ગાંધી કહે છે કે તેઓ માફી નહીં માગે, કારણ કે તેઓ સાવરકર નથી. હું રાહુલ ગાંધીને પડકારું છું કે તેઓ એ દસ્તાવેજ બતાવે જેમાં સાવરકરે માફી માગી હોય.”

    રણજીત સાવરકરે કહ્યું કે, “તમારી રાજનીતિ ચમકાવવા માટે દેશભક્તોના નામનો ઉપયોગ કરવો એ ખોટું છે. આ મામલામાં કાર્યવાહી થવી જોઈએ.”

    સાવરકર

    ઇમેજ સ્રોત, SAVARKARSMARAK.COM

    સાવરકરની માફી?

    સાવરકરની વર્ષ 1910માં નાસિકના કલેક્ટરની હત્યામાં સંડોવણી બદલ યુકેમાં ધરપકડ કરવામાં આવી હતી.

    સાવરકરને સજા માટે અંદામાન મોકલવામાં આવ્યા હતા. તેમને અંદામાનની સેલ્યુલર જેલ (કાળાપાણી)માં જે 9 વર્ષને 10 મહિના ગાળ્યા હતા, તેમાં સાવરકરનો અંગ્રેજો સામેનો વિરોધ વધારવાની જગ્યાએ સમાપ્ત થઈ ગયો હતો.

    સાવરકર પર વિશેષ સંશોધન કરનારા નિરંજન તકલેએ બીબીસીને જણાવ્યું હતું કે, “હું સાવરકરના જીવનને ઘણા ભાગોમાં જોવ છું. તેમના જીવનનો પ્રથમ ભાગ રોમેન્ટિક ક્રાંતિકારીનો હતો, જેમાં તેઓએ 1875ના યુદ્ધ પર પુસ્તક લખ્યું હતું. તેમાં તેઓએ ઘણા સારા શબ્દોમાં બિનસાંપ્રદાયિકતાની વકીલાત કરી હતી.”

    તકલેએ કહ્યું હતું કે, “ધરપકડ કરાયા બાદ તેમને વાસ્તવિકતાનો સામનો કરવો પડ્યો હતો. 11 જુલાઈ 1911ના રોજ સાવરકર અંદામાન પહોંચ્યા અને 29 ઑગસ્ટના રોજ તેઓએ તેમનું પ્રથમ માફીનામું લખ્યું હતું. ત્યારબાદ 9 વર્ષની અંદર તેઓએ 6 વખત અંગ્રેજોને માફી પત્ર આપ્યા હતા”

    આ માફીનામાને લઈને સાવરકર હંમેશાં કૉંગ્રેસ સમર્થક અને બીજેપીના ટીકાકારોના નિશાન બન્યા છે.

  4. 'CIBIL સ્કોરને અસર કરી શકે છે', સુપ્રીમ કોર્ટે બૅન્કોને શું કહ્યું?

    સુપ્રીમ કોર્ટ

    ઇમેજ સ્રોત, GETTY IMAGES

    સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે, "ભારતીય બૅન્કોએ લોનખાતાને છેતરપિંડી તરીકે વર્ગીકૃત કરતા પહેલાં ડિફૉલ્ટર્સને સાંભળવા જોઈએ, કારણ કે તે તેમના CIBIL સ્કોરને અસર કરશે."

    બિઝનેસ ટુડેના અહેવાલ અનુસાર, મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું છે કે, "ડિફૉલ્ટરને સુનાવણીનો અધિકાર આપ્યા વિના બૅન્ક નિર્ણય ન લઈ શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તે તેમને બ્લૅકલિસ્ટ કરવા સમાન છે."

    અગાઉ તેલંગણા હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે "સુનાવણીનો અધિકાર ન આપવાથી દેવાદારોના બંધારણીય અધિકારનું ઉલ્લંઘન થાય છે."

    સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, "છેતરપિંડી તરીકે ખાતાનું વર્ગીકરણ માત્ર તપાસ એજન્સીઓને જ ગુનાની જાણ કરતું નથી, પરંતુ ઉધાર લેનારાઓ સામે અન્ય દંડાત્મક અને નાગરિક પરિણામો તરફ દોરી જાય છે."

    કોર્ટે કહ્યું કે "કુદરતી ન્યાયના સિદ્ધાંતોની માગ છે કે લોન લેનારાઓને નોટિસ આપવામાં આવે, જેથી તેમને ફૉરેન્સિક ઑડિટ રિપોર્ટનાં તારણો સમજાવવાની તક મળે અને તેમના ખાતાને મુખ્ય નિર્દેશો હેઠળ છેતરપિંડી તરીકે વર્ગીકૃત કરવામાં આવે તે પહેલાં લોન લેનારાઓને પોતાની રજૂઆત કરવાની છૂટ આપવી જોઈએ."

  5. દર્શન સોલંકી : પોલીસે કહ્યું, આઈઆઈટી-બૉમ્બેના આત્મહત્યા કેસમાં બેચમેટના નામની સુસાઈડ નોટ મળી

    દર્શન સોલંકી

    ઇમેજ સ્રોત, RAMESH SOLANKI

    ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આઈઆઈટી-બૉમ્બેના પ્રથમ વર્ષના વિદ્યાર્થી દર્શન સોલંકીના મૃત્યુની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને તેના રૂમમાંથી એક કથિત "સુસાઈડ નોટ" મળી આવી છે, જેમાં બૅચમેટનું નામ હતું.

    અધિકારીએ જણાવ્યું હતું કે, “3 માર્ચે સોલંકીના રૂમની 10 કલાકની "વિગતવાર તપાસ" બાદ ટેબલ નીચેથી એક સુસાઈડ નોટ મળી આવી હતી.”

    તેઓએ જણાવ્યું હતું કે, "ટેબલ પર કેટલાક પુસ્તકો અને સોલ્વ કરેલા પ્રશ્નપત્રો પડ્યાં હતાં. ત્યાં ટેબલની નીચે અમને એક પાનું મળ્યું હતું, જેના પર બૅચમેટનું નામ લખીને લખ્યું હતું કે,....મને મારી નાખ્યો.”

    ત્યારબાદ તપાસ ટીમે આઈઆઈટી વહીવટીતંત્રનો સંપર્ક કર્યો હતો અને સોલંકીની ઉત્તરવહીઓ માંગી હતી.

    એક અધિકારીએ જણાવ્યું હતું કે, "અમને લખાણમાં કેટલીક સામ્યતાઓ મળી હોવાથી અમે તેના માતા-પિતાને જાણ કરી અને તેઓને અમદાવાદમાં તેમના ઘરેથી તેની જૂની નોટબુક લઈને આવવા કહ્યું હતું.”

    16 માર્ચે સોલંકીના માતા-પિતા પોલીસને મળ્યા અને કથિત સુસાઈડ નોટ પર તેના લખાણની પુષ્ટિ કરી હતી.

    એક અધિકારીએ જણાવ્યું હતું કે, "અમે સુસાઈડ નોટ અને સોલંકીના લખાણના નમૂના નિષ્ણાતોને મોકલી આપ્યા છે અને તેમના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.”

    પોલીસે જણાવ્યું હતું કે, “તેમને સોલંકી અને બેચમેટ વચ્ચેની વોટ્સઍપ ચૅટ પણ મળી આવી છે. અમે તેનો મોબાઈલ ફોન ફૉરેન્સિક તપાસ માટે મોકલી દીધો છે. અમને જાણવા મળ્યું છે કે, ઘટનાના લગભગ એક અઠવાડિયા પહેલાં બંને વચ્ચે ઝઘડો થયો હતોઅને તે ઝઘડો મૃત્યુ સાથે જોડાયેલો છે કે કેમ તે તપાસી રહ્યા છીએ."

    તપાસ ટીમના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “શરૂઆતમાં અમને લાગ્યું હતું કે સોલંકીએ સેમેસ્ટરની પરીક્ષા ખરાબ જવાના કારણે સુસાઈડ કર્યું હતું. જો કે, અમને શંકા છે કે તેણે સુસાઈડ કર્યાની થોડી મિનિટો પહેલા જે નોટ લખી હતી, તે સૂચવે છે કે તેને હેરાન કરવામાં આવ્યો હતો.”

    પોલીસે જણાવ્યું હતું કે, તેઓએ સોલંકીના માતા-પિતાને ફરિયાદ નોંધાવવા કહ્યું છે.

    તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “હવે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કરવામાં આવે તેવી શક્યતા છે.”

    જ્યારે સોલંકીની બહેન જાનવીનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેઓએ કહ્યું કે, "તેણે ક્યારેય SIT દ્વારા કહેવામાં આવેલા નામનો ઉલ્લેખ કર્યો નથી, તેથી હું તે વિશે કંઈ કહી શકું નહીં."

    અગાઉ તેમના પરિવારે આરોપ લગાવ્યો હતો કે, સોલંકી સાથે કેમ્પસમાં જાતિ આધારિત ભેદભાવ કરવામાં આવ્યો હતો, પરંતુ 2 માર્ચના રોજ સબમિટ કરાયેલા વચગાળાના અહેવાલમાં આઈઆઈટી-બૉમ્બે દ્વારા સ્થપાયેલી 12-સભ્યોની સમિતિએ તેમના "કથળતા શૈક્ષણિક પર્ફોર્મન્સ"ને સંભવિત કારણ ગણાવ્યું હતું.

    સોલંકીએ કથિત રીતે તેની સેમેસ્ટર પરીક્ષાઓ પૂરી થયાના એક દિવસ બાદ આઈઆઈટી પરિસરમાં તેની હૉસ્ટેલ બ્લૉકના સાતમા માળેથી કૂદકો માર્યો હતો. પેનલે કહ્યું હતું કે, "સીધા જાતિ આધારિત ભેદભાવના કોઈ ચોક્કસ પુરાવા મળ્યા નથી.”

    અહેવાલને નકારી કાઢતા, સોલંકીના પિતાએ ગયા અઠવાડિયે આઈઆઈટી-બૉમ્બેના ડિરેક્ટરને પત્ર લખીને વિનંતી કરી હતી કે કેસની તપાસ રાજ્ય અથવા કેન્દ્રીય એજન્સી દ્વારા કરવામાં આવે.

  6. અમેરિકા: શાળામાં થયેલા ગોળીબારમાં ત્રણ બાળકો સહિત છ લોકોનાં મોત

    અમેરિકાની શાળામાં ગોળીબાર

    ઇમેજ સ્રોત, Reuters

    અમેરિકાના ટેનેસી પ્રાંતના નૅશવિલમાં એક સ્કૂલ ગોળીબારમાં ત્રણ બાળકો સહિત છ લોકોનાં મૃત્યુ થયાં છે.

    ગોળીબારમાં માર્યા ગયેલા બાળકોની ઉંમર 9 થી 11 વર્ષી સુધીની છે. ગોળીબારમાં માર્યા ગયેલા ત્રણ પુખ્તવયના લોકોની ઉંમર 60-61ની આસપાસ છે.

    પોલીસની જવાબી કાર્યવાહીમાં 28 વર્ષીય હુમલાખોર ઑડ્રે હેલનું મૃત્યુ થયું છે.

    ગોળીબારની ઘટના જે સ્કૂલમાં ઘટી હતી, તે નૅશવિલની એક ખાનગી શાળા છે, જ્યાં 11 વર્ષ સુધીના બાળકો અભ્યાસ છે.

    આ હુમલા બાદ ફરી એકવાર અમેરિકામાં બંદૂક રાખવાના કાયદામાં ફેરફારને લઈને ચાલી આવતા જૂના વિવાદ પર ચર્ચા થઈ રહી છે.

    અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને બંદૂકની હિંસાના મામલામાં પગલાં લેવાની વાત કરી છે.

    અમેરિકાના રાષ્ટ્રપતિએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા માર્ચ મહિનાના અંત સુધી રાષ્ટ્રીયધ્વજને અડધો ઝૂકાવી દેવાના આદેશ આપ્યા છે.

    શાળા નજીક રહેતા એક મહિલા કૅથીએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, “શરૂઆતની આઠ અથવા દસ ગોળીઓનો અવાજ ઘણો તેજ હતો. શાળા અમારા ઘરથી માત્ર બે બ્લૉક દૂર છે. આ ખૂબ જ દુઃખદ છે અને કોઈ પણ સાથે આ થઈ શકે છે.”

    નૅશવિલના પોલીસ ચીફ જૉન ડ્રેકે એનબીસી ન્યૂઝને જણાવ્યું હતું કે, “હુમલાખોરોના રસ્તામાં જે કોઈ પણ આવ્યું, તેમના પર તેણે ગોળીબાર કર્યો છે.”

    પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોરો ટ્રાન્સજેન્ડર હતા.

  7. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    27 માર્ચના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.