You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

રાહુલ ગાંધીને સરકારી બંગલો ખાલી કરવા નોટિસ અપાઈ

લોકસભા સેક્રેટેરિયેટે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને એમના સરકારી આવાસને ખાલી કરવા જણાવ્યું છે.

લાઇવ કવરેજ

  1. રાહુલ ગાંધીને સરકારી બંગલો ખાલી કરવા નોટિસ અપાઈ

    લોકસભા સેક્રેટેરિયેટે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને એમના સરકારી આવાસને ખાલી કરવા જણાવ્યું છે.'મોદી' અટક પર કરેલી ટિપ્પણી અંગેના માનહાની કેસમાં રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ કરી દેવાયા બાદ લોકસભા હાઉસિંગ કમિટીએ સોમવારે રાહુલને સરકારી બંગલો ખાલી કરવા માટે નોટિસ આપી છે.

    કમિટિએ 22 એપ્રિલ સુધી 12 તુગલક રોડસ્થિત સરકારી આવાસ ખાલી કરવાનો આદેશ આપ્યો છે. સાંસદ તરીકે રાહુલ ગાંધી અહીં રહેતા હતા.

    નોંધનીય છે કે ગત ગુરુવારે સુરતની કોર્ટે ‘મોદી’ અટક મામલે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ગુનાહિત બદનક્ષીના આરોપમાં બે વર્ષની સજા સંભળાવી હતી. સજાની જાહેરાત થયા બાદ શુક્રવારે લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ રદ કરવા અંગે જાહેરનામું બહાર પાડ્યું હતું.

  2. મોરબી પુલ દુર્ઘટના : મૃતકોના પરિવારને 10 લાખ રૂ.નું વળતર ચૂકવવા હાઈકોર્ટનો આદેશ

    મોરબી પુલ દુર્ઘટનામાં ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો પિટિશનની સુનાવણી કરતી વેળા પુલ દુર્ઘટનાના પીડિત પરિવારોને 10 લાખ રૂપિયાનું વળતર, જ્યારે ઇજાગ્રસ્તના પરિવારને 2 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા ઓરેવા કંપનીને આદેશ આપ્યો છે.

    પુલ દુર્ઘટનાના કુલ 135 પીડિત પરિવારોમાંથી 127 પરિવારોનું કોર્ટમાં પ્રતિનિધિત્વ કરતા વકીલ ઉત્કર્ષ દવે અનુસાર વળતર 7 દિવસમાં ચૂકવી દેવા કંપનીને આદેશ અપાયો છે.

    આ માટે પુલ ઑપરેટ કરનારી ઓરેવા કંપનીને 15 કરોડ રૂપિયા જમા કરાવી દેવા પડશે અને ગુજરાત લીગલ સોસાયટી મારફતે વળતરના નાણા આપવામાં આવશે.

    મોરબી દુર્ઘટના શું હતી?

    ગત વર્ષે 30 ઑક્ટબરની રાત્રે મોરબીના મચ્છુ નદી પરનો પુલ તૂટી ગયો હતો. ઑક્ટોબર 30નો દિવસ સ્કૂલોમાં દિવાળી વેકેશનનો છેલ્લો દિવસ અને રવિવાર હતો, જેને કારણે માંડ છ-સાત દિવસ પહેલાં ખુલ્લા મુકાયેલા એ પુલ પર જવા માટે સેંકડો માણસો તેમના પરિવારજનો અને સંતાનો સાથે પહોંચ્યાં હતાં.

    પુલ અચાનક તૂટી ગયો હતો અને એમાં સરકારી આંકડા પ્રમાણે 135 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

    લગભગ દોઢસો વર્ષ જૂના ઝૂલતા પુલનું સમારકામ વર્ષોથી થયું નહોતું, જેને કારણે કાટ ખાઈ ગયેલા પુલના કૅબલ અને ઢીલા પડી ગયેલા નટબોલ્ટ એ દિવસે પુલ જોવા પહોંચેલા લગભગ 'ત્રણ હજાર માણસની અવરજવર' સહન ન કરી શક્યો અને તૂટી પડ્યો હતો.

    સમગ્ર દેશ અને દુનિયાભરમાં સમાચાર બની ગયેલી આ દુર્ઘટના પાછળના જવાબદાર લોકોને છાવરવામાં આવ્યા હોવાની વાત અને પુલને યોગ્ય મેન્ટનન્સ અને મંજૂરીઓ વિના જ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો જેવા વિવાદો પણ થયા હતા.

    આ પુલના મેન્ટનન્સ અને સંચાલનનો કૉન્ટ્રેક્ટ મોરબીના જાણીતા ઔદ્યોગિકગૃહ ઓરેવા ગ્રૂપને આપવામાં આવ્યો હતો.

    દુર્ઘટના બાદ સરકારે પગલાં ભરતાં નવ લોકોની ધરપકડ કરી હતી. જેમાં ત્રણ સિક્યૉરિટી ગાર્ડ, બે ટિકિટ આપનારા ક્લાર્ક, પુલનો કૉન્ટ્રેક્ટ લેનારા બે કૉન્ટ્રેક્ટર અને ઓરેવા ગ્રૂપના બે મૅનેજરનો સમાવેશ થાય છે.

  3. ગુજરાત વિધાનસભામાં આખા ય સત્ર માટે કૉંગ્રેસના તમામ ધારાસભ્યો સસ્પેન્ડ કરાયા

    પાટણના ધારાસભ્ય કિરણ પટેલ અને કૉંગ્રેસના અન્ય ધારાસભ્ય શૈલેષ પરમારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યા અનુસાર ગુજરાત વિધાનસભામાં આખાય સત્ર માટે વિધાનસભા અધ્યક્ષે તમામ કૉંગ્રેસી ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા છે.

    સસ્પેન્ડ કૉંગ્રેસના ધારાસભ્યો અધ્યક્ષને મળવા ગયા હતા. વિધાનસભા અધ્યક્ષે ધ્વનિમતથી પ્રસ્તાવને પાસ કર્યો.

    આરો્ગ્યમંત્રી ઋષિકેશ પટેલે કૉંગ્રેસના ધારાસભ્યોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવા માટેનો પ્રસ્તાવ ગૃહમાં રજૂ કર્યો હતો, જેને બળવંતસિંહ રાજપૂતે ટેકો આપ્યો હતો.

    ધારાસભ્યો જે રીતે તેમને સસ્પેન્ડ કરાયા તેની સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. અને કહ્યું કે કિરણ પટેલ મુદ્દે સવાલ ન પૂછવામાં આવે એટલે આવું કરાયું છે.

    પણ બીજી તરફ ગુજરાત સરકારના મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે સંસદીય પ્રણાલી મુજબ નિર્ણય લેવાયો છે અને ધારાસભ્યોએ કાળા કપડાં પહેરી હોબાળો કરી સત્રને ખલેલ કરતા આ નિર્ણય લેવાયો છે.

    આ વિશે કૉંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ પણ કર્યું હતું.

    'મોદી અને અદાણી વચ્ચે શું સંબંધ છે? વડા પ્રધાન જવાબ આપે'

    અગાઉ કૉંગ્રેસના નેતા અમિત ચાવડાએ આજે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ભાજપની સરકાર સામે પ્રહાર કર્યાં હતા. તેમણે રાહુલ ગાંધીના સંસંદસભ્ય પદ રદ થવા વિશે પણ વાત કરી.

    તેમણે કહ્યું, ‘ભાજપની સરકાર દેશમાં તાનાશાહી શાસન લાવી છે. કોઈ પણ વ્યક્તિ વિરોધ ન કરી શકે એવી સ્થિતિ લાવી દેવાઈ છે. દેશમાં મિત્રકાળ ચાલે છે અને એમાં અદાણી જેવા મિત્રને ઍરપૉર્ટ, પૉર્ટ સહિતના આર્થિક લાભ નીતિ નિયમો નેવે મૂકીને આપવામાં આવે છે.’

    ‘મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ એ મિત્રોના પ્લૅનમાં ફર્યાં હતા.’

    ‘એટલે આઝાદી પહેલા જેમ ગાંધીજીનું નેતૃત્ત્વ મળ્યું. અહિંસક રીતે લાંબી લડાઈ અંગ્રેજો સામે લડાઈ.’

    ‘એવી જ રીતે રાહુલ ગાંધી યુવાઓ, ખેડૂતો, મહિલાઓના અન્યાય અને અધિકારો મામલે અવાજ બન્યા છે.’

    ‘એટલે સામાજિક, રાજકીય આર્થિક મુદ્દે જ્યારે રાહુલ ગાંધી અવાજ ઉઠાવે ત્યારે તેમનો અવાજ દબાવવાની કોશિશ થાય છે.’

    ‘રાહુલ ગાંધીએ સંસદમાં અદાણી મુદ્દે તપાસની માગણી કરી હતી. જેપીસી તપાસની માગણી નથી સ્વીકારાઈ.’

    ‘ખરેખર બોલી ન શકે એટલે રાહુલ ગાંધી સામે વિવિધ રાજ્યોમાં ખોટા કેસો ઊભા કરવામાં આવ્યા.’

    ‘સુરતના કેસની વાત કરીએ તો એક રાજ્યમાં કેસ બીજામાં કેસ થયો. એ પહેલાં તપાસ થવી જોઈતી હતી. વળી બીજી બાજુ ફરિયાદી સુનાવણી સમયે હાઈકોર્ટમાં જાય છે અને કેસ વિલંબમાં જાય છે. એ દરમિયાન જજની બદલી થઈ જાય છે. પછી ફરિયાદીપક્ષ હાઈકોર્ટનો સ્ટે ઉઠાવી લેવા જાતે જ કહે છે. અને પછી નવા જજ આવે છે અને ચુકાદો આવે છે અને તેમને સજા થાય છે.’

    ‘મેહુલ ચોક્સી, અદાણી જેવા મોટા માથા અને લલિત કે નીરવ મોદી હોય તેમના સંબંધિત વિવાદો સામે રાહુલ ગાંધી અવાજ ઉઠાવે છે.’

    ‘રાહુલ ગાંધી સમાજની સેવા કરવા માગે છે એના માટે સંસદ હોવું જરૂરી નથી એ રાહુલ ગાંધી પહેલા જ કહી ચૂક્યા છે.‘

    ‘પણ દેશના વડા પ્રધાન જવાબ આપે કે એમના અને અદાણી વચ્ચે શું સંબંધો છે?’

    ‘અમે ન્યાયિક લડાઈ લડતા રહીશું. પણ શાસકપક્ષે લોકોને અવાજ કેમ દબાવાય છે એનો જવાબ આપવો પડશે.’

  4. મોરબી : કૂવો ખોદતી વખતે ભેખડો ધસી પડતા 3 શ્રમિજીવીઓનાં મૃત્યુ

    મોરબીના વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે કૂવો ખોદવાની કામગીરી કરી રહેલા ત્રણ શ્રમિકોનાં એકાએક ભેખડો ધસી પડવાથી મૃત્યુ થયાં હતાં.

    ગઈકાલે સાંજે આ દુર્ઘટના બની હતી. ત્રણેય મૃતકો પણ કોટડાનાયાણી ગામના જ રહેવાસી હોવાનું પ્રાથમિક ધોરણે બહાર આવ્યું છે.

    ગામમાં એક વ્યક્તિની વાડીમાં કૂવો ખોદવામાં આવી રહ્યો હતો, ત્યારે એકાએક ઉપરથી ભેખડો ધસી પડી હતી અને તેમાં 44 વર્ષીય શ્રમિક મનસુખભાઈ સોલંકી અને 45 વર્ષીય નાગજીભાઈ સીતાપરાના ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા. જ્યારે ત્રીજા શ્રમિક વિનુભાઈ ગોરીયાને રાજકોટ સારવાર માટે લઈ જવાયા પણ ત્યાં તેમનું મૃત્યુ થયું હતું.

    જે વ્યક્તિની વાડીમાં કૂવો ખોદાઈ રહ્યો હતો એ વ્યક્તિને પણ સામાન્ય ઈજા થઈ છે. આ ઘટના વિશે વાંકાનેર તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોના પોસ્ટમૉર્ટમની કામગીરી શરૂ કરાવીને વધુ તપાસ શરૂ કરી છે.

  5. બિલકીસબાનો કેસના દોષિતને સરકારી કાર્યક્રમમાં સંસદસભ્ય, ધારાસભ્યની સાથે સ્ટેજ પર સ્થાન અપાયું

  6. ‘કર્ણાટકમાં મુસ્લિમ સમુદાયને અપાયેલી અનામત ગેરબંધારણીય હતી એટલે રદ કરી દેવાઈ’

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કર્ણાટકના પ્રવાસે છે. અહીં વિધાનસભાની ચૂંટણીઓ પણ નજીક આવી રહી છે.

    ‘હિંદુસ્તાન ટાઇમ્સ’ના અહેવાલ અનુસાર ગૃહમંત્રીએ કહ્યું, ‘કર્ણાટક સરકારે મુસ્લિમ સમુદાયને અપાયેલો 4 ટકા અનામત રદ કરી નાખ્યો કેમ કે ભારતીય જનતા પક્ષ ધ્રુવીકરણની રાજનીતિમાં નથી માનતો.’

    અમિત શાહે આ અનામતની જોગવાઈને ગેરબંધારણીય ગણાવી હતી.

    બીજી બાજુ કર્ણાટક સરકારે લિંગાયત અને વોક્કાલિંગા સમુદાયને મળતી અનામતની જોગવાઈ વધારી દીધી છે, પરંતુ મુસ્લિમ સમુદાયને અલગથી મળતો અનામતનો ક્વૉટા રદ કરી દીધો છે.

    તેમણે અગાઉની કૉંગ્રેસની સરકાર પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું, ‘લઘુમતીઓ માટેનો અનામત બંધારણીય રીતે માન્ય નથી. ધર્મના આધારે અનામત આપવા માટે બંધારણમાં કોઈ જોગવાઈ નથી.’

  7. અમેરિકામાં મિસિસિપી અને અલાબામામાં ચક્રવાત, 26નાં મોત

    અમેરિકાના બે શહેર મિસિસિપી અને અલાબામામાં આવેલા ચક્રવાતમાં 26 લોકોનાં મોત થયા જેમાં એક બાળક અને તેના પિતા પણ સામેલ છે.

    શુક્રવારે સર્જાયેલા તોફાન પછીનું બચાવકામ હજુ ચાલુ જ છે.

    ઇમર્જન્સી સર્વિસે કાટમાળ નીચે શોધખોળ કરવી પડશે. કેમકે ચક્રવાતમાં એક આખું નગર નુકસાનગ્રસ્ત છે અને ઘરો તથા બિઝનેસના સ્થળો નષ્ટ થઈ ગયા છે.

    રવિવારે મિસિસિપ્પીમાં સ્ટેટ ઑફ ઇમર્જન્સી જાહેર કરી દેવાઈ હતી. નુકસાનગ્રસ્ત વિસ્તારો માટે પ્રમુખ જો બાઇડને કેન્દ્રીય સહાયની જાહેરાત કરી છે.

  8. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    26 માર્ચના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.