You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લવલીનાએ વીમેન્સ વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં ભારતને અપાવ્યો ચોથો ગોલ્ડ
વીમેન્સ વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં 75 કિલો ભારવર્ગમાં લવલીના બોરગોહાઈએ ઑસ્ટ્રેલિયાનાં કૅટલિન પારકરને હરાવીને ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો છે.
લાઇવ કવરેજ
બ્રેકિંગ, લવલીનાએ વીમેન્સ વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં ભારતને અપાવ્યો ચોથો ગોલ્ડ
વીમેન્સ વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં 75 કિલો ભારવર્ગમાં લવલીના બોરગોહાઈએ ઑસ્ટ્રેલિયાનાં કૅટલિન પારકરને હરાવીને ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો છે.
ભારત માટે આ ચોથો ગોલ્ડ છે. આ પહેલાં નિખત ઝરીન, નીતુ ઘંઘસ અને સ્વીટી બૂરાએ ગોલ્ડ જીત્યો છે.
વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં લવલીનાનો આ પ્રથમ ગોલ્ડ મેડલ છે.
સેમિફાઇનલમાં ચીનનાં ખેલાડી લી-ક્યિાનને 4-1થી હરાવીને લવલીના ફાઇનલમાં પહોંચ્યાં હતાં.
આ પહેલાં લવલીના વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં બે વખત કાંસ્યપદક જીતી ચૂક્યાં છે.
વર્ષ 2022ના બીબીસી સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ખિતાબ માટે લવલીના નૉમિની રહી ચૂક્યાં છે.
આસામના ગોલાઘાટ જિલ્લામાં જન્મેલાં લવલીના પોતાની મોટી બહેનોને કિક બૉક્સિંગમાં જોઈને બૉક્સિંગના મેદાનમાં આવ્યાં હતાં.
તેમના પિતા ટિકેન એક નાના વેપારી છે. તેમની આવક એટલી સારી નહોતી કે તેમને બૉક્સર બનાવવાનો ખર્ચ ઉપાડી શકે.
જોકે, અડગ મનના લવલીના તમામ મુશ્કેલીઓને પછાડીને અહીં સુધી પહોંચવામાં સફળ રહ્યાં.
WPL : ફાઇનલમાં દિલ્હી કૅપિટલ્સે જીત્યો ટૉસ, પ્રથમ બેટિંગ કરશે
મહિલા પ્રીમિયર લીગની ફાઇમલ મૅચમાં દિલ્હી કૅપિટલ્સે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
બંને ટીમો આ ટુર્નામેન્ટમાં જબરદસ્ત પ્રદર્શન માટે યાદ રાખવામાં આવશે. ડબલ્યુપીએલના ફૉર્મેટ પ્રમાણે ટૉપ પર રહેલી ટીમ દિલ્હી કૅપિટલ્સ સીધી ફાઇનલમાં પહોંચી હતી.
જ્યારે ઍલિમિનેટર મૅચમાં યુપી વૉરિયર્સને હરાવીને મુંબઈ ઇન્ડિયન્સે ફાઇનલમાં જગ્યા બનાવી છે.
બંને ટીમો તરફથી સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની વાત કરીએ તો દિલ્હી કૅપિટલ્સના મૅગ લૅનિંગે ટુર્નામેન્ટમાં 310 રન બનાવ્યા છે. જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ તરફથી નૅટ સિવર બ્રન્ટે 272 રન બનાવ્યા છે.
બૉલિંગના આંકડાની વાત કરીએ તો દિલ્હી કૅપિટલ્સ તરફથી શિખા પાંડેએ સૌથી વધુ 10 વિકેટો લીધી છે. મુંબઈ ઇન્ડિયન્સ તરફથી સાઇકા ઇશાકે 15 વિકેટો લીધી છે.
બ્રેકિંગ, નિખત ઝરીને વીમેન્સ વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપનો ખિતાબ જીત્યો
વીમેન્સ વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપના 50 કિલો વર્ગમાં ભારતનાં નિખત ઝરીને વિયેતનામનાં થી તામ એનગુનને હરાવી દીધાં છે.
ભારતનાં 26 વર્ષીય નિખત ઝરીને બીજી વાર વર્લ્ડ બૉક્સિંગ ચૅમ્પિયનશિપમાં જીત મેળવી છે.
જ્યારે વિયેતનામનાં 28 વર્ષીય થી તામ એનગુન બે વાર એશિયન ચૅમ્પિયન રહી ચૂક્યાં છે.
ગત મહિને જાહેર થયેલા બીબીસીના ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર પુરસ્કારનાં દાવેદારમાં નિખત ઝરીન પણ હતાં.
સાબરમતી જેલમાં સજા ભોગવી રહેલા આરોપી અતીક અહમદને ઉત્તર પ્રદેશ પોલીસ કેમ લઈ ગઈ?
અમદાવાદની સાબરમતી જેલમાં સજા ભોગવી રહેલા અતીક અહમદને ઉત્તર પ્રદેશની પ્રયાગરાજ પોલીસ લઈ જઈ રહી છે.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, ઉત્તર પ્રદેશમાં તેમના વિરુદ્ધ નોંધાયેલા એક અપહરણના કેસમાં 28 માર્ચે સજા સંભળાવવાની હોવાથી તેમને રજૂ કરવાના છે.
આ માટે આજે 26 માર્ચે સવારે ઉત્તર પ્રદેશ પોલીસની એક ટીમ ગુજરાત આવી હતી. તમામ કાયદાકીય કાર્યવાહી પૂર્ણ થયા બાદ પોલીસ અતીક અહમદને લઈને પાછી ફરી હતી.
પ્રયાગરાજની જેલના અધીક્ષક આનંદ કુમારે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે અતીકને અલાહાબાદ જેલના હાઈ સિક્યૉરિટી બૅરેકમાં રાખવામાં આવશે. એ સૅલમાં સીસીટીવી કૅમેરો હશે. તેમની આસપાસ તહેનાત કરવામાં આવનારા જેલના કર્મચારીઓને તેમના રૅકર્ડના આધારે પસંદ કરવામાં આવશે અને તેઓ 'બૉડીવૉર્ન કૅમેરા' સાથે હશે.
કોણ છે અતીક અહમદ?
અતીક અહમદની રાજકીય યાત્રા વર્ષ 1989માં શરૂ થઈ હતી, જ્યારે તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે પ્રયાગરાજ પશ્ચિમની બેઠક પરથી જીત્યા હતા.
સતત બે ટર્મ સુધી જીત્યા બાદ તેઓ સમાજવાદી પાર્ટીમાં જોડાયા હતા અને સતત ચોથી વખત જીત મેળવી હતી. ત્રણ વર્ષ બાદ 'અપના દલ'નો ભાગ બન્યા બાદ 2002માં ફરી વખત તેઓ ચૂંટણી જીત્યા હતા.
2004માં સમાજવાદી પાર્ટીમાં પાછા આવ્યા બાદ તેઓ ફૂલપુર લોકસભા બેઠક પરથી જીત્યા. આ બેઠક એક સમયે ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ પાસે હતી.
અતીક અહમદને પહેલો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે તેમના ભાઈ પર 2005માં રાજુ પાલની હત્યા મામલે ફરિયાદ નોંધાઈ.
વર્ષ 2007માં ઉત્તર પ્રદેશમાં સત્તા બદલાઈ અને માયાવતીએ તેની કમાન સંભાળી.
સત્તા જતા જ સમાજવાદી પાર્ટીએ અતીક અહમદને પાર્ટીમાંથી કાઢી મૂક્યા. માયાવતી સરકારે અતીકને 'મોસ્ટ વૉન્ટેડ' ઘોષિત કરી દીધા.
અતીક અહમદે 2008માં આત્મસમર્પણ કરી દીધું અને વર્ષ 2012માં છૂટી ગયા. ત્યારપછી તેમણે સમાજવાદી પાર્ટીની ટિકિટ પર 2014ની ચૂંટણી લડી અને હારી ગયા.
અતીક અહમદે 2019ની ચૂંટણી વખતે રજૂ કરેલી ઍફિડેવિટ મુજબ તેમની વિરુદ્ધ 100થી વધુ કેસો નોંધાયેલા છે, જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ જેવા ગુનાઓ સામેલ છે.
એ બળવાખોર, જેણે વિશ્વની સૌથી મોટી બૅન્ક લૂંટવા માટે મશીનગન નહીં પણ પ્રિન્ટિંગ પ્રેસ ખરીદ્યું
પ્રિયંકા ગાંધીએ 'સંકલ્પ સત્યાગ્રહ'માં કહ્યું, 'મારા પર કેસ કરી દો'
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું સંસદસભ્યપદ રદ થયા બાદ તેમના પક્ષે રવિવારે સમગ્ર દેશમાં 'સંકલ્પ સત્યાગ્રહ'નું આયોજન કર્યું છે.
દિલ્હીમાં મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પર પણ આ કાર્યક્રમ આયોજિત થઈ રહ્યો છે. તેમાં પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓ સામેલ થયા છે.
આ દરમિયાન પોતાના ભાષણમાં પ્રિયંકા ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે કહ્યું, "કાયર છે આ દેશના વડા પ્રધાન, કરી દો કેસ મારા પર, લઈ જાવ મને પણ."
તેમણે કહ્યું કે આ દેશનાં લોકતંત્રને મારા પરિવારે પોતાના લોહીથી સિંચ્યું છે. આ દેશનો પાયો કૉંગ્રેસના મહાપુરુષોએ નાખ્યો છે.
તેમણે પોતાના પિતાની હત્યા બાદની ઘટના યાદ કરતાં કહ્યું કે તેમનો મૃતદેહ અહીં તિરંગામાં લપેટાઈને આવ્યો હતો. પરંતુ આજે તેમના પરિવારને બદનામ કરવામાં આવી રહ્યો છે.
તેમણે ભાજપના નેતાઓ પર તેમના પરિવારને સતત બદનામ કરવાનો આરોપ લગાવતા સવાલ પૂછ્યો કે આમ કરનારા લોકોને કોઈ સજા કેમ નથી મળતી.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે રાહુલે એવો કયો ગુનો કર્યો કે આ સજા આપવામાં આવી. તેમણે સરકારને બે પ્રશ્નો શું પૂછ્યા કે તેમને સંસદ માટે અયોગ્ય જાહેર કરી દેવાયા.
પ્રિયંકા ગાંધીે સરકાર પર આરોપ લગાવ્યો કે તે આ દેશની સામાન્ય જનતાના નામા અને જાહેર ક્ષેત્રની સરકારી કંપનીઓને બરબાદ કરી રહી છે.
તેમણે પૂછ્યું કેે આ અદાણી છે કોણ, જેના વિશે પ્રશ્નો કરવાથી સરકાર બેબાકળી બની જાય છે.
તેમણે આક્ષેપ કર્યો કે તેમના પરિવારને સતત બદનામ કરવામાં આવી રહ્યો છે. અને નેતાઓ કહે છે કે રાહુલ ગાંધીને ખબર પણ નથી કે તેમના પિતા કોણ છે.
કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું?
આ કાર્યક્રમમાં કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, "જો અમને કોઈ સત્ય બોલવાથી રોકશે તો, અમારી પાસે એ શકિત છે જેના દ્વારા અમે ઇંટનો જવાબ પથ્થરથી આપીશું. દેશને બચાવવા માટે, આઝાદીને બચાવવા માટે, બંધારણને બચાવવા માટે, જે કંઈ પણ થઈ શકે છે, તે અમે કરતા રહીશું."
"રાહુલ ગાંધી મહિલાઓ, યુવાનો, બેરોજગારો માટે લડી રહ્યા છે. કોલારમાં જે રાહુલ ગાંધીએ કહ્યું તે ચુંટણી દરમિયાન કહેવાયેલી વાત હતી અને એ વાત કોઈને ઠેસ પહોંચાડવા માટે નહોતી. પરંતુ કર્ણાટકના કોલારમાં થયેલો કેસ સુરત લઈને ગયા, જો કોઈ ઘટના થાય છે તો એ કેસ કર્ણાટકમાં કરીને બતાવવું હતું, પરંતુ તમારી મનશા સાફ હતી, તમે એ કેસને સુરતમાં લઈને આવ્યા."
પાકિસ્તાનના પંજાબમાં મફત લોટ લેવા જતા ચાર વડિલોનાં મૃત્યુ
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં છેલ્લા કેટલાક દિવસોમાં સરકારી વિતરણ કેન્દ્રોમાંથી મફત લોટ લેવાના પ્રયાસમાં ઓછામાં ઓછા ચાર વડિલો મૃત્યુ પામ્યા છે અને સંખ્યાબંધ લોકો બેહોશ થયા છે.
સમાચાર સંસ્થા પીટીઆઈએ પંજાબ સરકારના એક વરિષ્ઠ અધિકારી સાથેની વાતચીતને આધારે આ માહિતી આપી છે.
અધિકારીએ જણાવ્યા અનુસાર, મુલતાન, મુઝફ્ફરગઢ અને ફૈસલાબાદ શહેરોમાં આવી ઘટનાઓ બની છે.
તેમના જણાવ્યા અનુસાર આ ઘટનાઓ બનવા પાછળનું કારણ એ છે કે મફત લોટ લેવા માટે લોકોની ભારે ભીડ ભેગી થઈ જાય છે, જ્યારે તેનું વિતરણ કરવા માટે બનાવવામાં આવેલા સરકારી વિતરણ કેન્દ્રો પર સુવિધાઓની અછત છે.
તેમણે કહ્યું, "મરનારાઓમાંથી બેનાં મૃત્યુ ત્યાં થયેલી ધક્કામુક્કીને કારણે થઈ અને અન્ય બે વ્યક્તિઓનાં મૃત્યુ કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાને કારણે થયાં હતાં."
બીજી બાજુ પોલીસ અને ત્યાં ભેગા થયેલા લોકોને લાઇનમાં ઊભા રાખવા માટે તેમના પર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો.
સમાચાર અનુસાર, પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં વધી ગયેલી બેહિસાબ મોંઘવારીથી ગરીબોને રાહત આપવા માટે મફતમાં લોટ વિતરણ કરવાની યોજના શરૂ કરવામાં આવી છે.
રાહુલ ગાંધી : દાદી ઇંદિરાના અંતેવાસીથી જાહેરમાં કેન્દ્ર સરકારનું વટહુકમ ફાડનાર નેતા સુધી
પુતિનનું એલાન, બેલારૂસમાં રશિયા તહેનાત કરશે પરમાણુ હથિયાર, મોકલી મિસાઇલ સિસ્ટમ
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે રશિયા પોતાના પાડોશી અને મિત્ર બેલારૂસમાં રશિયન ટૅક્ટિકલ વૅપન્સ એટલે કે પરમાણુ હથિયાર તહેનાત કરશે.
રાષ્ટ્રપતિ પુતિને યુરોપનો ઉલ્લેખ કરતાં કહ્યું કે અમેરિકાએ યુરોપમાં ઘણી જગ્યાએ પોતાનાં પરમાણુ હથિયાર મૂક્યાં છે, આની સરખામણીએ તેમનું આ પગલું પરમાણુ નિ:શસ્ત્રીકરણ સમજૂતીનું ઉલ્લંઘન નહીં ગણાય.
જોકે, તેમણે એવું પણ કહ્યું કે આ હથિયારોનું ક્રંટ્રોલ બેલારૂસને નહીં સોંપે.
શનિવારે પુતિને રશિયન સરકારી ટેલિવિઝનને કહ્યું કે બેલારૂસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લૂકાશેન્કો ઘણા સમયથી કહેતા આવ્યા છે કે રશિયાએ પોતાનાં પરમાણુ હથિયાર બેલારૂસમાં પણ રાખવાં જોઈએ.
તેમણે કહ્યું, “આમાં કોઈ અજુગતી વાત નથી. દાયકાઓથી અમેરિકા આવું કરી રહ્યું છે. તેઓ પોતાના સહયોગી દેશોની જમીન પર વ્યૂહરચનાની દૃષ્ટિએ મહત્ત્વનાં હથિયાર તહેનાત કરતું રહ્યું છે.”
પુતિને કહ્યું છે કે રશિયા આ વર્ષે એક જુલાઈ સુધી બેલારૂસમાં ટૅક્ટિકલ વૅપન્સના ભંડાર માટે બનાવેલ પોતાના સ્ટોરેજ યુનિટનું કામ પૂરું કરી લેશે.
નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.
તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.
દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.
25 માર્ચના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.