ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, સરકાર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં
જણાવાયું છે કે, અમરેલી, જૂનાગઢ અને રાજકોટના અનેક જિલ્લાઓમાં રવી પાકને કમોસમી વરસાદના
કારણે 50 ટકા નુકસાન થયું છે, તે ઉપરાંત સતત 15મા દિવસે સૌરાષ્ટ્રમાં હવામાનની
સ્થિતિ ખરાબ રહી હતી.
સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના
કેટલાક ભાગોમાં થયેલા કમોસમી વરસાદના કારણે રાજ્ય સરકારે ઘઉં, ચણા, ધાણા અને જીરા સહિતના પાકોને થયેલા નુકસાનનો સર્વે
કરવાનો આદેશ આપ્યો હતો.
રવિવારે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર
પટેલે જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કૉન્ફરન્સ યોજીને સર્વે કરવા સૂચના આપી હતી.
સરકારી રિપોર્ટ અનુસાર, રાજ્યના
33માંથી 27 જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. 18 જિલ્લાના 33 તાલુકાઓમાં 5થી 9
માર્ચ વચ્ચે 10મીમી અથવા તેનાથી વધુ વરસાદ નોંધાયો હતો, જ્યારે આ સમયગાળા દરમિયાન
78 તાલુકાઓમાં 10મીમી કરતા ઓછો વરસાદ નોંધાયો હતો.
કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું
હતું કે, “વરસાદ ચાલુ છે તેથી અમે તેના અંતિમ આંકડા આપી શકીએ તેમ નથી, પરંતુ સર્વે હજુ
ચાલુ છે. સર્વે કરાયેલા પાકને હજુ વધુ નુકસાન થઈ શકે છે.”
ઇન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા
અનુસાર, ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ ગુરુવાર સુધી વરસાદ ચાલુ રહેશે. અમે
અધિકારીઓને રોજેરોજ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા જણાવ્યું છે.
અમરેલીના જિલ્લા કૃષિ અધિકારી
જિગ્નેશ કાનાણીએ જણાવ્યું હતું કે, “કમોસમી વરસાદના પ્રથમ રાઉન્ડમાં
અમરેલીના બગસરા, ધારી, લાઠી અને ખાંભા તાલુકાઓમાં રવી પાકને ઘણું નુકસાન થયું છે.
આ ચાર તાલુકાનાં 123 ગામોમાં વરસાદના કારણે 24,288 હૅક્ટરમાં રવી પાક અને 1300
હૅક્ટરમાં બાગાયતી પાકને અસર થઈ હોવાનું નોંધાયું છે.”
રાજકોટમાં જસદણ, કોટડા સંગાણી,
ગોંડલ અને ઉપલેટાના તાલુકામાં 1.24 લાખ હૅક્ટરમાં સર્વે કરાઈ રહ્યો છે.
કૃષિ વિભાગના અધિકારીઓએ જણાવ્યું
હતું કે, સર્વેમાં 166 ગામોમાં 792 હૅક્ટરમાં પાકને નુકસાન થયું હોવાનું જાણવા
મળ્યું છે.