#INDvAUS : ત્રીજી વનડેમાં ભારતને જીતવા માટે 270 રનનો લક્ષ્યાંક

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ચેન્નઈમાં રમાઈ રહેલી ત્રીજી વનડે મૅચમાં ઑસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ બેટિંગ કરી અને 269 રન પર ઑલઆઉટ થઈ ગઈ.

લાઇવ કવરેજ

  1. #INDvAUS : ત્રીજી વનડેમાં ભારતને જીતવા માટે 270 રનનો લક્ષ્યાંક

    ભારત અને ઑસ્ટ્રેલિયા

    ઇમેજ સ્રોત, Getty Images

    ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ચેન્નઈ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી વનડે મૅચમાં ઑસ્ટ્રિલાયની ટીમ પ્રથમ બેટિંગ કરતાં 269 રને ઑલઆઉટ થઈ ગઈ.

    ટૉસ જીતીને ઑસ્ટ્રેલિયા પહેલા બેટિંગ કરવા ઊતર્યું પણ એની શરૂઆત સારી નહોતી રહી.

    ઑસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ રન મિચેલ માર્શે કર્યા. તેમણે 47 રનના વ્યક્તિગત સ્કોરનું યોગદાન આપ્યું.ઑસ્ટ્રેલિયાની આખી ટીમ 49 રનમાં જ આઉટ થઈ ગઈ હતી.

    બીજી તરફ, હાર્દિક પંડ્યા ભારત તરફથી સૌથી સફળ બૉલર રહ્યા. તેમણે ત્રણ વિકેટ મેળવી.

    આ સિરીઝમાં ભારત અને ઑસ્ટ્રેલિયા બન્નેએ એકએક મૅચ પોતાના નામે કરી છે.

  2. ભારતમાં બ્રિટિશ હાઈકમિશન અને ઉચ્ચાયુક્તના આવાસની બહારથી બૅરિકેડિંગ હટી

    બ્રિટિશ દૂતાવાસ

    ઇમેજ સ્રોત, ANI

    ભારતમાં બ્રિટિશ હાઈકમિશન અને ઉચ્ચાયુક્ત ઍલેક્સ એલિસના આવાસની બહારથી સુરક્ષા માટે લગાવવામાં આવેલી બૅરિકેડિંગ હટાવી દેવામાં આવી છે.

    સમાચાર સંસ્થા એએનઆઈએ બ્રિટિશ ઉચ્ચાયુક્તના આવાસની બહારનો વીડિયો શૅર કર્યો છે જેમાં બૅરિકેડિંગ નથી દેખાઈ રહી.

    બ્રિટિશ હાઈકમિશ્નરના પ્રવક્તાએ એએનઆઈને કહ્યું, "અમે સુરક્ષાના મામલે નિવેદન નથી આપતા."

    લંડનમાં ભારતીય ઉચ્ચાયોગ પર લાગેલો તિરંગો હઠાવવાના મામલા બાદ ભારતમાં બ્રિટિશ હાઈકમિશનના આવાસની બહાર બૅરિકેડિંગ હઠાવવાના સમાચાર આવ્યા છે.

    ગત રવિવારે ઉગ્ર ભીડે ભારતીય હાઈકમિશનની બહાર હંમામો કર્યો અને પછી તિરંગો હઠાવ્યો.

    સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો વાઇરલ થયા જેમાં ભીડના હાથમાં ખાલિસ્તાનના ઝંડા છે.

    ભારતે બ્રિટનની સામે આ મામલે આપત્તિ વ્યક્ત કરી હતી અને દિલ્હીમાં હાજર સૌથી વરિષ્ઠ બ્રિટિશ રાજદ્વારીને બોલાવ્યાં હતાં.

  3. અદાણી જૂથની એ કોલસાની ખાણ જેનો 'છત્તીસગઢનાં ફેફસાં' ગણાતા જંગલમાં વિરોધ થઈ રહ્યો છે

  4. ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે, હજી ત્રણ દિવસ આ જિલ્લાઓ પર માવઠાનો ખતરો

  5. ઉઝ્બેકિસ્તાનમાં 18 બાળકોનાં મૃત્યુના મામલે નોઇડાની દવા કંપનીનું લાઇસન્સ રદ

    મૅરિયન

    ઇમેજ સ્રોત, ANI

    ઉઝ્બેકિસ્તાનમાં 18 બાળકોનાં મૃત્યુના મામલે નોઇડાની કંપની મૅરિયન બાયોટેકનું સૅમ્પલ ફેલ થયા બાદ ઉત્તર પ્રદેશ ડ્રગ નિયામકે કંપનીનું લાઇસન્સ રદ કરી દીધું છે.

    ગત વર્ષે આ કંપનીમાં બનેલી કફ સિરપ પીધા બાદ ઉઝ્બેકિસ્તાનમાં 18 બાળકોનાં મોતનો દાવો કરવામાં આવ્યો હતો.

    આ મહિનાની શરૂઆતમાં જ કેન્દ્ર સરકારે યુપી ડ્રગ કંટ્રોલર ઑથોરિટીને કંપનીનું લાઇસન્સ રદ કરવાની ભલામણ કરી હતી.

    મૅરિયન બાયોટેકમાંથી લેવામાં આવેલાં 36માંથી 24 સૅમ્પલ તપાસમાં ફેલ થવાને કારણે કન્દ્ર સરકારે આ ભલામણ કરી હતી.

    યુપી ફૂડ સેફ્ટી ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશનના આસ્સિટન્ટ કમિશ્નર સંદીપ કુમાર ચૌરસિયાને ટાંકતાં 'મની કંટ્રોલ' વેબસાઇટ લખે છે કે, "અમે લાઇસન્સ રદ કરી દીધું છે. હવે નોઇડાવાળા પ્લાન્ટમાં કોઈ ઉત્પાદન નહીં થાય. પ્લાન્ટમાંથી લેવામાં આવેલાં સૅમ્પલમાં ભેળસેળ મળ્યા બાદ લાઇસન્સ રદ કરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી."

    સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર, કંપનીમાંથી લેવામાં આવેલાં દવાનાં સૅમ્પલમાં ઍથિલીન ગ્લાઇકોલ કેમિકલ મળ્યું હતું.

    ઉઝ્બેકિસ્તાનમાં જે કફ સીરપ પીધાં બાદ બાળકોનાં મોતનો દાવો કરવામાં આવ્યો હતો, તે મૅરિયન બાયોટેક કંપનીએ સપ્લાય કરી હતી.

    કફ સિરપ

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, ગત વર્ષે આ કંપનીમાં બનેલી કફ સિરપ પીધા બાદ ઉઝ્બેકિસ્તાનમાં 18 બાળકોનાં મોતનો દાવો કરવામાં આવ્યો હતો.

    ગત વર્ષે ડિસેમ્બરમાં આ કંપની પર એ સમયે શંકા આવી હતી જ્યારે ઉઝ્બેકિસ્તાનમાં કફ સિરપ પીધા બાદ 18 બાળકોનાં મોતનો મામલો આવ્યો હતો.

    એ દાવો કરવામાં આવ્યો કે કંપનીના બનાવેલા કફ સિરપ Dok-1ને પીવાથી બાળકોનું મૃત્યુ થયું. ત્યાર બાદ સેન્ટ્રલ ડ્રગ સ્ટૅન્ડર્ડ કંટ્રોલ ઑર્ગનાઇઝેશન(સીડીએસસીઓ) એ આ મામલે તપાસના આદેશ આપ્યા હતા.

    નોઇડા પોલીસે આ કંપનીના ત્રણ કર્મચારીઓને કેટલાક દિવસ પહેલાં જ નકલી દવા બનાવવા અને વેચવાના મામલામાં ધરપકડ કરી હતી. આ ઉપરાંત કંપનીના બે નિદેશકો માટે લુકઆઉટ નોટિસ પણ પાઠવી હતી.

  6. #INDvAUS : ભારત સાથે ત્રીજા વન ડે મૅચમાં ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ પસંદ કરી

    રોહિત શર્મા

    ઇમેજ સ્રોત, ANI

    ભારત સાથે ત્રીજા વન ડે મૅચમાં ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ પસંદ કરી છે.

    આ ભારત સાથેની ઑસ્ટ્રેલિયાની નિર્ણાયક વન ડે મૅચ છે.

    સિરીઝમાં ભારત અને ઑસ્ટ્રેલિયા બંને એક-એક મૅચ જીતી છે.

    આજની મૅચ ચેન્નઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    ભારતના પ્લેઇંગ ઇલેવન

    રોહિત શર્મા (કૅપ્ટન), હાર્દિક પંડ્યા(વાઇસ કૅપ્ટન), શભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કે એલ રાહુલ (વિકેટકીપર), રવીંદ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી.

    ઑસ્ટ્રેલિયાના પ્લેઇંગ ઇલેવન

    સ્ટીવ સ્મિથ (કૅપ્ટન), મિશેલ માર્શ, ટ્રેવિસ હેડ, ડેવિડ વૉર્નર, ઍલેક્સ કૅરી (વિકેટ કીપર), માર્ન્સ લાબુશાને, માર્ક્સ સ્ટૉઇનિસ , ઍશ્ટન એગર, સીન , મિચેલ સ્ટાર્ક, ઍડમ ઝૅમ્પા.

  7. ભૂકંપના કારણે પાકિસ્તાનમાં ઓછામાં ઓછા 12નાં મોત, 175 ઘાયલ

    હૉસ્પિટલમાં ઘાયલોની સારવાર ચાલુ છે

    ઇમેજ સ્રોત, Rescue 1122

    પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં મંગળવાર રાત્રે આવેલા ભૂકંપમાં ઓછામાં ઓછા નવ લોકો મૃત્યુ પામ્યા છે અને 46 લોકો ઘાયલ થયા છે.

    અત્યારસુધી પાકિસ્તાનમાં માત્ર ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં જ ભૂકંપના કારણે નુકસાન થયું હોવાના સમાચાર મળ્યા છે.

    મંગળવારે રાત્રે પાકિસ્તાનમાં 6.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અફઘાનિસ્તાનના હિંદુકુશ વિસ્તારને તેનું કેન્દ્ર બતાવવામાં આવી રહ્યું છે.

    ભારતની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.

    ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના જિલ્લાના ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી અનુસાર, અત્યાર સુધીમાં સૌથી વધુ મૃત્યુ સ્વાત જિલ્લામાં થયાં છે.

    અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભૂસ્ખલનના કારણે સ્વાત કલામ રોડ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદ લોઅર દીરમાં ચાર લોકોનાં મૃત્યુ થયાં છે અને 27 લોકો ઘાયલ થયા છે, જ્યારે મલકંદમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

    સ્વાત સૈદુ શરીફ હૉસ્પિટલમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે, જ્યારે જિલ્લા પોલીસ અધિકારી શફીઉલ્લાહે કહ્યું હતું કે, તમામ કર્મચારીઓને સતર્ક કરવામાં આવ્યા છે અને તમામ ઘાયલોને તબીબી સુવિધાઓ પ્રદાન કરવામાં આવી રહી છે.

    ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના વિવિધ વિસ્તારમાં છત તૂટી પડવાના અને ઇમારતોને નુકસાન થવાના સમાચાર પણ છે.

  8. ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે રવી પાકને 50 ટકા નુકસાન થયું છે

    કમોસમી વરસાદ

    ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

    ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, સરકાર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જણાવાયું છે કે, અમરેલી, જૂનાગઢ અને રાજકોટના અનેક જિલ્લાઓમાં રવી પાકને કમોસમી વરસાદના કારણે 50 ટકા નુકસાન થયું છે, તે ઉપરાંત સતત 15મા દિવસે સૌરાષ્ટ્રમાં હવામાનની સ્થિતિ ખરાબ રહી હતી.

    સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં થયેલા કમોસમી વરસાદના કારણે રાજ્ય સરકારે ઘઉં, ચણા, ધાણા અને જીરા સહિતના પાકોને થયેલા નુકસાનનો સર્વે કરવાનો આદેશ આપ્યો હતો.

    રવિવારે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કૉન્ફરન્સ યોજીને સર્વે કરવા સૂચના આપી હતી.

    સરકારી રિપોર્ટ અનુસાર, રાજ્યના 33માંથી 27 જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો હતો. 18 જિલ્લાના 33 તાલુકાઓમાં 5થી 9 માર્ચ વચ્ચે 10મીમી અથવા તેનાથી વધુ વરસાદ નોંધાયો હતો, જ્યારે આ સમયગાળા દરમિયાન 78 તાલુકાઓમાં 10મીમી કરતા ઓછો વરસાદ નોંધાયો હતો.

    કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, “વરસાદ ચાલુ છે તેથી અમે તેના અંતિમ આંકડા આપી શકીએ તેમ નથી, પરંતુ સર્વે હજુ ચાલુ છે. સર્વે કરાયેલા પાકને હજુ વધુ નુકસાન થઈ શકે છે.”

    ઇન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર, ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ ગુરુવાર સુધી વરસાદ ચાલુ રહેશે. અમે અધિકારીઓને રોજેરોજ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા જણાવ્યું છે.

    અમરેલીના જિલ્લા કૃષિ અધિકારી જિગ્નેશ કાનાણીએ જણાવ્યું હતું કે, “કમોસમી વરસાદના પ્રથમ રાઉન્ડમાં અમરેલીના બગસરા, ધારી, લાઠી અને ખાંભા તાલુકાઓમાં રવી પાકને ઘણું નુકસાન થયું છે. આ ચાર તાલુકાનાં 123 ગામોમાં વરસાદના કારણે 24,288 હૅક્ટરમાં રવી પાક અને 1300 હૅક્ટરમાં બાગાયતી પાકને અસર થઈ હોવાનું નોંધાયું છે.”

    રાજકોટમાં જસદણ, કોટડા સંગાણી, ગોંડલ અને ઉપલેટાના તાલુકામાં 1.24 લાખ હૅક્ટરમાં સર્વે કરાઈ રહ્યો છે.

    કૃષિ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સર્વેમાં 166 ગામોમાં 792 હૅક્ટરમાં પાકને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

  9. ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા

    ભૂકંપ

    મંગળવારે રાત્રે ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.

    હવામાન વિજ્ઞાન કેન્દ્ર જયપુરના કહ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.6 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં હતું.

    દિલ્હી, રાજસ્થાન અને જમ્મુ કશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પશ્ચિમ યુપીના અનેક જિલ્લાઓમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જયપુર, સીકર, કરૌલી સહિત રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં પણ ભૂકંપ આવ્યો હતો.

    હવામાન વિજ્ઞાન કેન્દ્ર જયપુરે માહિતી આપી હતી કે ભૂકંપનો પ્રાથમિક અહેવાલમાં જણાવાયું છે કે હિંદુકુશ વિસ્તારમાં 6.6 રિક્ટર સ્કેલનો ભૂકંપ માપવામાં આવ્યો હતો.

    પાકિસ્તાનના હવામાન વિભાગે પણ ભૂકંપની પુષ્ટિ કરી હતી. પાકિસ્તાનના હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ભૂકંપની તીવ્રતા 6.8 હતી.

    યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર, અફઘાનિસ્તાનના જુર્મમાં આવેલા ભૂકંપની તીવ્રતા 6.5 માપવામાં આવી હતી. ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશને લોકોને ભૂકંપ દરમિયાન શાંત રહેવાની સલાહ આપી હતી.

    ભૂકંપ

    ઇમેજ સ્રોત, Bhookamp

    ભૂકંપ આવે ત્યારે શું કરવું?

    1. શાંત રહેવું જોઈએ.

    2. તમે અને તમારો પરિવાર સલામત છે કે કેમ તેની ખાતરી કરવી જોઈએ.

    3. જેમને મદદની જરૂર હોય, તેમની મદદ કરવાના પ્રયત્ન કરવા જોઈએ.

    4. ઇમારતોથી દૂર રહેવું જોઈએ.

    ભૂકંપ સમયે તમે બહાર હોવ ત્યારે શું કરવું જોઈએ?

    નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, “તમે જ્યાં છો, ત્યાં જ રહો. કારણ કે ઇમારતો, વીજળી અને ફોનના થાંભલાઓ, તેલ અને ગૅસની પાઈપલાઈનથી નજીક રહેવાથી જાનહાનિ થવાનું જોખમ વધી જાય છે. જે વિસ્તારમાં ટેલિફોન અને વીજળાની થાંભલા ન હોય, કોઈ ઇમારત ન હોય, ત્યાં જતા રહેવું તમારા માટે ફાયદાકારક રહે છે.”

  10. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    21 માર્ચના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.