You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ભારતમાં આતંકી હુમલાની આશંકા અંગે સેનાપ્રમુખે શું કહ્યું?

સૈન્યવડા જનરલ મનોજ પાંડેએ કહ્યું છે કે ભારત ભવિષ્યમાં પણ આતંકવાદ અને આંતરિક સુરક્ષાના પડકારોનો સામનો કરતો રહેશે અને દેશનાં સરુક્ષાદળો એકજૂથ થઈને એને પહોંચી વળશે.

લાઇવ કવરેજ

  1. ભારતમાં આતંકી હુમલાની આશંકા અંગે સેનાપ્રમુખે શું કહ્યું?

    સૈન્યવડા જનરલ મનોજ પાંડેએ કહ્યું છે કે ભારત ભવિષ્યમાં પણ આતંકવાદ અને આંતરિક સુરક્ષાના પડકારોનો સામનો કરતો રહેશે અને દેશનાં સરુક્ષાદળો એકજૂથ થઈને એને પહોંચી વળશે.

    માનેસરમાં નેશનલ સિક્યૉરિટી ગાર્ડના બેઝમાં 'ઑલ ઇન્ડિયા પોલીસ કમાન્ડો કૉમ્પિટિશન'નું ઉદ્ઘાટન કરતી વખતે એમણે આ વાત કરી હતી.

    જનરલ પાંડેએ કહ્યું કે ન્યૂએજ ટેકનૉલૉજી જેવાં કે ડ્રોન, ઇન્ટરનેટ, સાઇબર સ્પેસ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ દુશ્મનો કરી રહ્યા છે.

    તેમણે ઉમેર્યું, "સૌ જાણો છો કે આતંકવાદ અને આંતરિક સુરક્ષાની સ્થિતિ ઘણી રીતે આપણા દેશને પ્રભાવિત કરી રહી છે. આપણે એકજૂથ થઈને આ પડકારોનો સામનો કરી રહ્યા છીએ. એટલે સુરક્ષાની સ્થિતિ કેટલાંય રાજ્યોમાં બહેતર બની છે. "

    જનરલ પાંડેએ દેશમાં આતંકી હુમલાની 'આશંકા'ને નજરઅંદાજ ના કરી શકાય એવું પણ કહ્યું.

  2. 'તે મને શોધી કાઢશે, મારી નાખશે' દિલ્હી પોલીસને શ્રદ્ધા વાલકર કેસમાં રિકૉર્ડિંગમાં શું મળ્યું

    દિલ્હીના શ્રદ્ધા વાલકર કેસમાં દલીલો પૂરી થયા બાદ કોર્ટમાં રિકૉર્ડિંગ રજૂ કરવામાં આવી. રિકૉર્ડિંગમાં શ્રદ્ધાને ચીસો પાડતી સાંભળી શકાય છે જેમાં તે કહે છે, 'તે મને શોધી કાઢશે, મારી નાખશે.' ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર એડિશનલ સેશન્સ જજ મનીષા ખુરાનાએ મામલો 25 માર્ચ સુધી મલતવી રાખ્યો છે.

    સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યૂટર અમિત પ્રસાદ અને મધુકર પાંડેએ દિલ્હી સરકાર તરફથી દલીલો રજૂ કરી. આરોપી આફતાબ પૂનાવાલા સામે અનેક પુરાવા એકઠા કરાયા છે અને હવે સમગ્ર ઘટનાક્રમ સામે આવી રહ્યો છે.

    આરોપીના વકીલ જાવેદ હુસૈને દલીલોનો જવાબ આપવા માટે સમય માગ્યો છે. 24 જાન્યુઆરીએ દિલ્હી પોલીસે આ મામલે ચાર્જશીટ દાખલ કરી હતી.

    આ મામલો ગત વર્ષે સામે આવ્યો હતો જેમાં શ્રદ્ધા વાલકર સાથે લિન ઇન રિલેશનશિપમાં રહેતા આફતાબ પૂનાવાલાએ શ્રદ્ધાની હત્યા કરીને તેના મૃતદેહના ટુકડા કરીને અલગઅલગ સ્થળોએ વિખેરી દેવાનો મામલો આવ્યો હતો.

    પોલીસે આફતાબની ધરપકડ કરી હતી.

  3. ભાગેડુ મેહુલ ચોકસીનું નામ રેડ કૉર્નર નોટિસ ડેટાબેસથી હઠાવવાના સમાચાર પર કૉંગ્રેસનો સવાલ

    ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીનું નામ કથિત રીતે ઇન્ટરપોલની રેડ કૉર્નર નોટિસ ડેટાબેસથી હઠાવવાના સમાચાર પર કૉંગ્રેસ પાર્ટીએ કેન્દ્ર સરકાર સામે નિશાન સાધ્યું છે.

    મેહુલ ચોકસી 13 હજાર કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બૅન્ક કૌભાંડમાં વૉન્ટેડ છે.

    કૉંગ્રેસે આ મામલા પર ટ્વીટ કર્યું કે, "વડા પ્રધાન મોદીના ચહેતા મેહુલ'ભાઈ' ચોકસી હવે વૉન્ટેડ નથી રહ્યા. ભાગેડુ મેહુલ ચોકસી વિરુદ્ધ ઇન્ટરપોલે રેડ કૉર્નર નોટિસ હઠાવી લીધું છે. વડા પ્રધાન મોદી જવાબ આપે કે તમારા 'મેહુલભાઈ'ને દેશ પરત ક્યારે લાવવામાં આવશે. પાંચ વર્ષથી તેઓ ફરાર છે, હવે વધુ કેટલો સમય જોઈએ છે?"

    સમાચાર સંસ્થા પીટીઆઈએ હીરા વેપારી મેહુલ ચોકસીના પ્રવક્તાને ટાંકતા કહ્યું છે કે ઇન્ટરપોલના રેડ નોટિસ ડેટાબેસમાંથી મેહુલ ચોકસીનું નામ હઠાવવાના નિર્ણયથી એંટીગામાં તેમના અપહરણના દાવાને મજબૂત મળી છે.

    મેહુલ ચોકસીએ દાવો કર્યો કે ભારતીય એજન્સીઓએ તેમનું અપહરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ભારત સરકારે આ દાવાને ફગાવ્યો હતો.

    આંતરરાષ્ટ્રીય સ્તર પર વૉન્ટેડ ભાગેડુઓ વિશે દુનિયાભરની પોલીસને સાવચેત કરવા માટે રેડ કૉર્નર નોટિસ બહાર પાડવામાં આવે છે.

    જોકે આ મામલામાં કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ તરફથી હજુ કોઈ જવાબ મળ્યો નથી.

    ઇન્ટરપોલે ચોકસી વિરુદ્ધ વર્ષ 2018માં રેડ કૉર્નર નોટિસ બહાર પાડ્યું હતું. તે વર્ષે જાન્યુઆરીમાં ચોકસીએ ભારતથી ભાગીને એન્ટીગા અને બારબુડામાં શરણ લીધું હતું અને પછી તેઓ ત્યાંના નાગરિક બની ગયા હતા.

    પીટીઆઈએ સૂત્રોને ટાંકતા લખ્યું છે કે ચોકસીએ પોતાની વિરુદ્ધ રેડ કૉર્નર નોટિસ જારી કરવાના સીબીઆઈના આવેદનને પડકાર આપ્યો હતો.

    તેમને દાવો હતો કે રાજકીય ષડયંત્ર હેઠળ તેમને ફસાવવામાં આવી રહ્યા છે. ચોકસીએ ભારતની જેલોની પરિસ્થિતિ, પોતાની સુરક્ષા અને સ્વાસ્થ્ય અંગે પણ સાવલ કર્યા હતા.

  4. મીડિયા ટાઇકૂન રૂપર્ટ મર્ડૉક 92 વર્ષની ઉંમરમાં પાંચમી વખત લગ્ન કરશે

    મીડિયા ટાઇકૂન રૂપર્ટ મર્ડૉકે પોતાનાં પાર્ટનર ઍન લેસલી સ્મિથ સાથે પોતાની સગાઈની જાહેરાત કરી હતી. લેસલી સ્મિથ પોલીસ અધિકારીઓના કાઉન્સેલિંગનું કામ કરતાં હતાં.

    92 વર્ષનાં મર્ડૉક ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં કેલિફૉર્નિયામાં એક ઇવેન્ટમાં 66 વર્ષનાં સ્મિથને મળ્યાં હતાં.

    મર્ડોકે પોતાના પ્રકાશનોમાંથી એક ન્યૂ યૉર્ક પોસ્ટે કહ્યું કે,, "હું પ્રેમમા પડવાથી ડરતો હતો, પરંતુ હું જાણતો હતો કે આ મારો અંતિમ પ્રેમ હશે. આ સારું રહેશે. હું ખુશ છું."

    મર્ડૉક ગત વર્ષે પોતાનાં ચોથાં પત્ની જેરી હૉલથી અલગ થયા હતા.

    રૂપર્ટ મર્ડૉકે એ પણ જણાવ્યું કે કેવી રીતે ઍન લેસલી સ્મિથને પ્રપોઝ કરતી વખતે તે ખૂબ ગભરાયેલા હતા.

    સ્મિથના પતિ ચેસ્ટર સ્મિથ હવે આ દુનિયામાં નથી. તેઓ ગાયક હતા અને રેડિયા ટીવીમાં પણ કાર્યરત હતા.

    સ્મિથે ન્યૂ યૉર્ક પોસ્ટ સાથે મર્ડૉક સાથેના સંબંધ વિશે કહ્યું કે, " આ અમારા બંને માટે ઈશ્વરની ભેટ છે. અમે ત સપ્ટેમ્બરમાં મળ્યા હતા."

    "હું 14 વર્ષથી વિધવા છું. રૂપર્ટની જેમ મારા પતિ વેપારી હતા..એટલે હું રૂપર્ટની ભાષા બોલું છું. અમારા વિચારો મળે છે."

    પ્રથમ ત્રણ લગ્નથી મર્ડૉકનાં છ સંતાનો છે. મર્ડૉકે કહ્યું કે, "અમે બંને પોતાના જીવનના બીજો ભાગ એક સાથે વિતાવવા ઉત્સુક છીએ."

    બંને આ વર્ષે ઉનાળામાં લગ્ન કરશે અને ત્યાર બાદ કેલિફૉર્નિયા, મોંટાના, ન્યૂ યૉર્ક અને બ્રિટન જેવી અલગઅલગ જગ્યાઓએ પોતાનું જીવન વ્યતીત કરશે.

    મર્ડૉક આની પહેલાં ઑસ્ટ્રેલિયન ફ્લાઇટ એટેન્ડન્ટ પેટ્રિશિયા બુકર, સ્કૉટિશ મૂળનાં પત્રકાર ઍના માન અને ચીની મૂળનાં વેપારી વેંડી ડેંગ સાથે લગ્ન કરી ચૂક્યા છે.

  5. 'ભારતીય દૂતાવાસ પર હુમલો અસ્વીકાર્ય'

    સૅન ફ્રેન્સિસ્કોના ભારતીય દૂતાવાસમાં થયેલી તોડફોડની અમેરિકાના વ્હાઇટ હાઉસની સિક્યૉરિટી કાઉન્સિલે નિંદા કરી છએ.

    સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, સિક્યૉરિટી કાઉન્સીલના પ્રવક્તા જોહ્ન કિર્બીએ કહ્યું હતું કે આ હુમલો અસ્વીકાર્ય છે.

    તેમણે કહ્યું કે, "અમે આ તોડફોડની ટીકા કરીએ છીએ, એ અસ્વીકાર્ય છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટની ડિપ્લૉમેટિક સિક્યૉરિટી આ મામલાની તપાસ કરી રહી છે."

    ઉલ્લેખનીય છે કે આ ઘટના મામલે ભારતના વિદેશ મંત્રાલયે પણ પ્રતિક્રિયા આપી છે.

    વિદેશ મંત્રાલય અનુસાર, "દિલ્હી ખાતે મળેલી બેઠકમાં ભારતે આ તોડફોડની ઘટના મામલે વિરોધ નોંધાવ્યો છે."

    "યુએસ સરકારને ફરી તેમની સુરક્ષા અંગે જવાબદારીઓ યાદ કરાવાઈ છે. અને તેમને સુરક્ષા માટે પૂરતાં પગલાં લેવાનું પણ કહેવામાં આવ્યું છે."

  6. ગુજરાત હાઈકોર્ટે આપ ઉમેદવારની અરજી પર ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણી સામે સમન્સ આપ્યા

    ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, ગુજરાત હાઈકોર્ટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુ સોલંકીની અરજી પર ભાજપની ટિકિટ પર જીતેલા જીતુ વાઘાણી સહિત ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી અને ભાવનગરના જિલ્લા ચૂંટણી અધિકારીને સમન્સ જારી કર્યા છે.

    સોલંકીએ ચૂંટણી પરિણામો બાદ ભાજપના નેતા અને ધારાસભ્ય જીતુ વાઘાણી પર જીત મેળવવા માટે ખોટી રણનીતિ અપનાવવાનો આરોપ લગાવ્યો છે.

    ભાવનગર પશ્ચિમમાંથી ચૂંટણી લડનાર રાજુ સોલંકીએ આક્ષેપ કર્યો હતો કે, જીતુ વાઘાણી અને તેમના સમર્થકોએ ચૂંટણી દરમિયાન તેમના ચૂંટણી ક્ષેત્રમાં ખોટાં પેમ્ફલેટ્સ વહેંચ્યાં હતાં, જેમાં લખવામાં આવ્યું હતું કે, મેં જીતુ વાઘાણીને સમર્થન આપ્યું છે, જ્યારે એવું કંઈ થયું નથી.

    ગુજરાત હાઈકોર્ટે આ મામલે સુનાવણી માટે 21 એપ્રિલની તારીખ નક્કી કરી છે.

    ભાજપના ઉમેદવાર તરફની તેમની રણનીતિથી ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો અને મોટી સંખ્યામાં મતદારો જીતુ વાઘાણીની તરફેણમાં ગયા હતા.

    ગુજરાત હાઈકોર્ટમાં સમન્સ આપ્યા થયા બાદ સોલંકીના વકીલ અને AAPના સ્ટેટ સેક્રેટરી લીગલ સેલ પુનીત જુનેજાએ જણાવ્યું કે, “રાજુ સોલંકીએ ગુજરાત હાઈકોર્ટમાં જીતુ વાઘાણીની ચૂંટણીને પડકારતી અરજી કરી હતી. આ અંગે ગુજરાત હાઈકોર્ટે સમન્સ જારી કર્યું છે.”

    ઘટના બાદ એવી રજૂઆત કરવામાં આવી હતી કે, 7 ડિસેમ્બરના રોજ ભાવનગરના ગંગા જલિયા પોલીસ સ્ટેશનમાં જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 127A (4) હેઠળ અપક્ષ ઉમેદવાર અને પ્રિન્ટિંગ પ્રેસના માલિક સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી, જ્યાં પેમ્ફલેટ છપાયાં હતાં.

  7. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    20 માર્ચના સમાચાર વાંચવા માટેઅહીં ક્લિકકરો.