You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

વડા પ્રધાન મોદી વિશે રાહુલ ગાંધીએ કહ્યું, એ દેશ નથી, માત્ર એક નાગરિક છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ટિપ્પણી કરતા કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે ભાજપ, પીએમ અને આરએસએસને ભ્રમ થઈ ગયો છે કે તેઓ દેશ છે.

લાઇવ કવરેજ

  1. વડા પ્રધાન મોદી વિશે રાહુલ ગાંધીએ કહ્યું, એ દેશ નથી, માત્ર એક નાગરિક છે

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ટિપ્પણી કરતા કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે ભાજપ, પીએમ અને આરએસએસને ભ્રમ થઈ ગયો છે કે તેઓ દેશ છે.

    કર્ણાટકમાં પોતાના સંસદીય મતવિસ્તાર વાયનાડમાં યોજાયેલી એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું, "ભાજપ અને આરએસએસ હિંસા અને નફરત ફેલાવી રહ્યા છે. પીએમ, ભાજપ અને આરએસએસના મગજમાં ભ્રમ છે કે તેઓ ભારત છે. તેમને લાગે છે કે તેઓ જ સમગ્ર ભારત છે."

    "પીએમ એક ભારતીય વ્યક્તિ છે, આ દેશ નથી, તેઓ માત્ર અહીં એક નાગરિક છે."

    તેમણે કહ્યું કે, તેઓ ભાજપ અને આરએસએસથી નથી ડરતા. તેમણે કહ્યું, "માર પર ગમે તેટલી વાર હુમલા કરવામાં આવે, ગમે તેટલી વાર મારા ઘરે પોલીસ આવે, મારા પર ગમે તેટલા કેસ કરી દો. હું સત્ય સાથે જ ઊભો છું. હું આવો જ છું."

    આ અગાઉ સોમવારે રાહુલ ગાંધીએ કર્ણાટકના બેલગાવીમાં યોજાયેલી એક રેલીમાં રાજ્યની ભાજપ સરકાર પર શાબ્દિક હુમલા કર્યા અને આક્ષેપ લગાવ્યો કે આ દેશની સૌથી ભ્રષ્ટ સરકાર છે.

    તેમણે કહ્યું, "આ (કર્ણાટકની સરકાર) દેશની સૌથી ભ્રષ્ટ સરકાર છે, 40 ટકાની સરકાર છે, આ સરકારમાં કોઈ પણ કામ કરાવવા માટે 40 ટકા કમિશન આપવું પડે છે. "

    "તમે જ મને જણાવ્યું કે કૉન્ટ્રૅક્ટર્સ એસોસિએશન અને સ્કૂલ મૅનેજમૅન્ટ એસોસિએશને હિંદુસ્તાનના વડા પ્રધાનને પત્ર લખ્યો છે કે કર્ણાટકમાં 40 ટકા કમિશન લેવાઈ રહ્યું છે. હિંદુસ્તાનના વડા પ્રધાને આ પત્રનો જવાબ હજી સુધી નથી આપ્યો."

    તેમણે કહ્યું કે, મૈસુર સૅંડલ સોપના કૌભાંડમાં એમએલએના દીકરાને આઠ કરોડ રૂપિયા સાથે પકડવામાં આવ્યો પરંતુ "કોઈ કાર્યવાહી નથી થતી. સરકાર તેની રક્ષા કરે છે."

    કર્ણાટકમાં આગામી મહિનાઓમાં વિધાનસભા ચુંટણી થવાની છે.

    બેલગાવીની રેલીમાં કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર હતા. રાહુલ ગાંધી, ખડગે અને કૉંગ્રેસ નેતાઓએ કર્ણાટકના લોકોને ઘણા વાયદા કર્યા.

    જેમાં ગ્રેજ્યુએટ યુવાનોને બે વર્ષ સુધી દર મહિને 3,000 રૂપિયા, ડિપ્લોમા હોલ્ડરને દર મહિને 1,500 રૂપિયા, બે વર્ષમાં 10 લાખ યુવાનોને રોજગારી અને 2.5 લાખ સરકારી નોકરીઓ જેવા વચનોનો સમાવેશ થાય છે.

  2. જ્યારે પુત્રોએ કરાવ્યાં વિધવા માતાનાં લગ્ન, કહ્યું - 'માતાને પણ જીવનસાથીની જરૂર'

  3. વન રેન્ક વન પેન્શન યોજના: 28 ફેબ્રુઆરી 2024 સુધીમાં તમામ લેણાં ચૂકતે કરવા કેન્દ્રને સુપ્રીમનો આદેશ

    સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકારને છ લાખ પેન્શનરો અને વીરતા પુરસ્કૃતોને વન રેન્ક બન પેન્શન યોજના અંતર્ગત બાકીનું એરિયર્સ 30 એપ્રિલ સુધીમાં ચૂકવવાનો આદેશ આપ્યો છે.

    ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને વન રેન્ક વન પેન્શન યોજના અંતર્ગત 70 વર્ષથી વધુ ઉંમરના રિટાયર્ડ જવાનોને બાકી પેન્શન 30 જૂન 2023 સુધીમાં એક કે તેથી વધુ હપ્તામાં ચૂકવવાનો આદેશ આપ્યો છે.

    આ સાથે 10થી 11 લાખ પેન્શનરોને આપવાની થતી બાકી રકમ 28 ફેબ્રુઆરી 2024 સુધીમાં ત્રણ એક સરખા હપ્તામાં ચૂકવવા માટે કહ્યું છે.

    આ અગાઉ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ લેણાંની ચૂકવણી બાબતે સીલબંધ કવરમાં જવાબ આપવાની વાત કરી હતી. જે સુપ્રીમ કોર્ટે સ્વીકારી ન હતી.

  4. કિરણ પટેલ : કાશ્મીરમાં 'PMOના અધિકારી' બનીને ઝેડ પ્લસ સુરક્ષા મેળવનાર ગુજરાતી 'ઠગ' ખરેખર કોણ છે?

  5. ગુજરાતીઓના સેક્સ્ટૉર્શન માટે સોશિયલ મીડિયા પર 14 હજારથી વધુ એકાઉન્ટ્સ એક્ટિવ

    ગુજરાત પોલીસે વર્ષ 2021થી અત્યાર સુધીમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર 14,481 એવા ઍકાઉન્ટ્સ શોધી કાઢ્યાં છે. જેનો ઉપયોગ ગુજરાતીઓના સેક્સ્ટૉર્શન માટે થયો હોય.

    ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે જાન્યુઆરી 2022થી એક ફેબ્રુઆરી 2023 સુધીમાં 'હેલ્પલાઇન 1930' પર સેક્સ્ટૉર્શન સંબંધિત 2382 ફરિયાદો નોંધાઈ છે.

    સીઆઈડી ક્રાઈમના એક વરિષ્ઠ અધિકારીએ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાને જણાવ્યું કે પીડિતોની ચોક્કસ સંખ્યા આનાથી ઘણી વધારે હોઈ શકે છે. પણ વિવિધ કારણોસર એ લોકો પોલીસ સુધી આવતા ખચકાય છે.

    ફેબ્રુઆરી મહિનામાંજ સીઆઈડી ક્રાઇમે ફેસબુકની પૅરેન્ટ કંપની મેટાને 773 એકાઉન્ટ દૂર કરવા વિનંતી કરી હતી. જે પૈકી 663 વિનંતીઓ અંગે જવાબ આપવામાં આવ્યો હતો અને અન્ય એકાઉન્ટ માટેની વિનંતીઓનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

    પોલીસ સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે સેક્સ્ટૉર્શન કરનારી ગેંગ સોશિયલ મીડિયા પરથી મહિલાઓના ફોટો ઉપાડે છે અને સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ બનાવે છે.

    બાદમાં પુરુષોને રિક્વૅસ્ટ મોકલીને તેમને લલચાવે છે. સેક્સ્ટૉર્શન ગૅંગના સભ્યો સામાન્ય રીતે 40 વર્ષથી વધુ ઉંમરના પુરુષોને ટાર્ગેટ બનાવે છે. તેમના એકાઉન્ટ અને મિત્રવર્તુળનો અભ્યાસ કર્યા બાદ તેમને બ્લૅકમેલ કરે છે.

  6. એસવીબી, ક્રૅડિટ સુઈસ જેવી બૅન્કો દ્વારા સર્જાયેલી કટોકટીને પગલે સોનું રૅકોર્ડ 60 હજાર રૂપિયાને પાર

    અમેરિકા અને યુરોપમાં વધી રહેલી બૅન્કિંગ કટોકટી વચ્ચે સોમવારે ભારતમાં સોનાની કિંમત 60 હજારને પાર પહોંચી હતી.

    ઇકોનૉમિક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે, માત્ર 10 દિવસ પહેલાં 55,200 રૂપિયાનો ભાવ ધરાવતા સોનાની કિંમતમાં અત્યાર સુધીમાં આઠ ટકાનો વધારો નોંધાયો છે.

    આ સિવાય તાજેતરમાં સિલિકૉન વૅલી બૅન્ક, સિગ્નેચર બૅન્ક અને ક્રૅડિટ સુઈસ બૅન્કના કારણે સર્જાયેલી નાણાકીય કટોકટીના કારણે પણ સોનાની કિંમતમાં વધારો જોવા મળ્યો છે.

    શેરબજાર પર નજર રાખતા વિશેષજ્ઞો પ્રમાણે, માત્ર બૅન્કિંગ કટોકટી જ નહીં પરંતુ વધતો જતો ફુગાવો અને વ્યાજદરમાં વધારો પણ સોનાના વધેલા ભાવ પાછળ જવાબદાર છે.

  7. દિલ્હીના રામલીલા મેદાનમાં ખેડૂતોની મહાપંચાયત, સરકારે વાતચીત માટે બોલાવ્યા

    કેન્દ્ર સરકારે ખેડૂત નેતાઓને તેમની માગો પર વાતચીત માટે બોલાવ્યા છે.

    ખેડૂતોનું 15 સભ્યોવાળું એક પ્રતિનિધિમંડળ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરને મળશે.

    ખેડૂતોએ આજે દિલ્હીના રામલીલા મેદાનમાં મહાપંચાયતનું આયોજન કર્યું છે.

    સંયુક્ત ખેડૂત મોર્ચાના અવિક સાહાએ કહ્યું કે ખેડૂતો પોતાની માગને લઈને આંદોલન તેજ બનાવશે પરંતુ આ સરકારના વલણ પર નિર્ભર છે.

    તેમણે કહ્યું કે, “ટેકાના ન્યૂનતમ ભાવને લઈને સરકારે જે આશ્વાસન આપ્યું છે, અત્યાર સુધી તેનું માળખું તૈયાર કરવાનું કામ થયું નથી.”

    ખેડૂત નેતા રાકેશ ટિકૈતે બીબીસીને કહ્યું કે કેટલાક વરિષ્ઠ નેતાઓ આ મામલાનો ઉકેલ આવવા નથી દઈ રહ્યા.

    તેમનો આરોપ છે કે, “ખેડૂતોના હિતોને કેટલાક વરિષ્ઠ નેતાઓની રાજકીય મહત્ત્વકાંક્ષાથી નુકસાન થઈ રહ્યું છે.”

    ખેડૂતોએ ત્રણ કૃષિકાયદાઓની વિરુદ્ધ લાંબા સમય સુધી આંદોલન કર્યું હતું. પછી સરકારને કાયદો પાછો ખેંચ્યો હતો.

    ખેડૂતોને સરકારે ભરોસો અપાવ્યો ત્યાર બાદ તેમણે ડિસેમ્બર 2021માં પોતાનું આંદોલન પાછું ખેંચ્યું હતું.

    સરકારે પ્રદર્શન દરમિયાન ખેડૂતો પર નોંધવામાં આવેલા કેસને પાછા લેવા અને એમએસપીની ગૅરન્ટી સહિત તેમની પડતર માગો પર વિચાર કરવાનું આશ્વાસન આપ્યું હતું.

    ખેડૂતો હવે પેન્શન આપવા, દેવા માફી, ખેડૂત આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોને વળતર આપવા અને વીજળી વિધેયક પસાર કરવાની માગ કરી રહ્યા છે.

  8. ઑસ્ટ્રેલિયા સામે ભારતની શરમજનક હારનું રોહિત શર્માએ આવું કારણ આપ્યું

  9. વધુ એક મોટી બૅન્ક આર્થિક સંકટમાં, 167 વર્ષ જૂની ક્રૅડિટ સુઇસ બૅન્કને તેની જ હરીફ યૂબીએસ ખરીદશે

  10. સતત ત્રીજા દિવસે અમૃતપાલ સિંહની શોધખોળ ચાલુ, કાકા હરજીત સિંહનું આત્મસમર્પણ

    અમૃતપાલ સિંહ અને તેમના સંગઠન 'વારિસ પંજાબ દે' પર પંજાબ પોલીસની કાર્યવાહીનો આજે ત્રીજો દિવસ છે. આ વચ્ચે અમૃતપાલ સિંહના કાકા હરજીત સિંહ અને ડ્રાઇવરે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. અત્યાર સુધી અમૃતપાલ સિંહના 112 સમર્થકોને પકડવામાં આવ્યા છે.

    સમાચાર એજન્સી એએનઆઈએ એસએસપી જલંધર (ગ્રામ્ય) સ્વર્ણદીપ સિંહને ટાંકીને આ માહિતી આપી હતી. તેમના અનુસાર, બંનેએ રવિવારે રાત્રે જ સરેન્ડર કરી દીધું હતું.

    બીબીસી સંવાદદાતા અરવિંદ છાબડાને મળેલી માહિતી અનુસાર, અમૃતપાલ સિંહની ધરપકડ કરવાનો પ્રયાસ સોમવારે સવારે પણ ચાલુ છે.

    પ્રથમ દિવસની કાર્યવાહીમાં પંજાબ પોલીસે અલગ-અલગ જગ્યાઓ પરથી અમૃતપાલ સિંહના નજીકના લોકોને પકડ્યા હતા. બાદમાં રવિવારે બીજા દિવસે પણ શોધખોળ યથાવત રહી અને 34 અન્ય સમર્થકોને પણ પકડવામાં આવ્યા હતા.

    સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, અમૃતપાલ સિંહના ચાર મુખ્ય સહયોગીઓને પંજાબ પોલીસે આસામની ડિબ્રુગઢ જેલમાં શિફ્ટ કર્યા છે.

    પોલીસની કાર્યવાહી વચ્ચે પંજાબમાં હાઈ-ઍલર્ટ જાહેર છે. ઘણી જગ્યાએ કલમ 144 લાગુ છે અને પોલીસ વિવિધ શહેરોમાં ફ્લૅગ-માર્ચ કરી રહી છે.

    પોલીસે આ કેસમાં જલંધરના સલેમા ગામથી બીજું એક વાહન જપ્ત કર્યું છે. જેમાં એક બંદૂક , તલવાર સહિત ઘણી વસ્તુઓ મળી આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

    પંજાબ સરકારે મોબાઇલ ઇન્ટરનેટ અને એસએમએસ સેવાઓ પર લાગેલો પ્રતિબંધ સોમવારે બપોરે 12 વાગ્યા સુધી વધાર્યો હતો.

  11. લંડનમાં ભારતીય હાઈકમિશન પરથી તિરંગો ઉતારવા મામલે બ્રિટનના વરિષ્ઠ રાજદ્વારીને સમન્સ, ભારતે નોંધાવ્યો વિરોધ

    બ્રિટનની રાજધાની લંડનમાં ખાલિસ્તાની સમર્થક અને અલગતાવાદીઓએ ભારતીય હાઈકમિશનમાં ફરકાવેલા તિરંગાને કથિત રીતે ઉતાર્યા બાદ ભારતે દિલ્હીમાં સૌથી વરિષ્ઠ બ્રિટિશ રાજદ્વારીને સમન્સ પાઠવ્યું છે.

    સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ભારતને બ્રિટિશ રાજદ્વારીને રવિવારે રાત્રે સમન્સ પાઠવ્યું અને 'સુરક્ષા ન હોવા' પર સ્પષ્ટીકરણ માગ્યું હતું.

    લંડનમાં ભારતીય હાઈકમિશન સામે હિંસક દેખાવની શંકામાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

    રવિવારના વેસ્ટમિન્સટરમાં ભારતીય હાઈકમિશન બહાર થયેલા દેખાવ બાદ પોલીસ બોલાવવી પડી હતી.

    આ પહેલાં સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાઇરલ થયા હતા. જેમાં ખાલિસ્તાન સમર્થક લંડનમાં ભારતીય હાઈકમિશનમાં લગાવેલા તિરંગાને ઉતારતા જોવા મળ્યા હતા.

    વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીને નિવેદનમાં કહ્યું કે ભારતને બ્રિટનમાં ભારતીય હાઈકમિશનમાં અને ત્યાં કામ કરનારા લોકોની સુરક્ષા પ્રત્યે બ્રિટિશ સરકારની બેજવાબદારી જોવા મળી છે. જે અસ્વીકાર્ય છે.

    સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે ભારતમાં બ્રિટનના હાઈકમિશનર ઍલેક્સ એલિસ હાલ દિલ્હીમાં નથી. જેથી બ્રિટનના ડેપ્યુટી હાઇકમિશનર ક્રિસ્ટિયન સ્કૉટને વિદેશ મંત્રાલયે મળવા માટે બોલાવ્યા છે.

    વિદેશ મંત્રાલયે કહ્યું, "લંડનમાં ભારતીય હાઈકમિશન વિરુદ્ધ અલગતાવાદી અને ચરમપંથી તત્વોની કાર્યવાહી પર ભારતનો વિરોધ નોંધાવવા માટે નવી દિલ્હીમાં બ્રિટનના સૌથી વરિષ્ઠ રાજદ્વારીને રવિવારે મોડી સાંજે સમન્સ પાઠવવામાં આવ્યું છે."

    નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે "બ્રિટન પાસે સુરક્ષા વ્યવસ્થા ન હોવા અંગે સ્પષ્ટીકરણ માગવામાં આવ્યું છે."

    વિદેશ મંત્રાલયે આ ઘટનામાં સામેલ લોકોને શોધીને તેમની ધરપકડ કરવાની પણ માગ કરી છે.

    લંડન મેટ્રોપૉલિટન પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં બે સિક્યોરિટી ગાર્ડ્સને સામાન્ય ઈજાઓ પહોંચી છે.

    પોલીસે વધુમાં કહ્યું, "અમે ઘટનાસ્થળે પહોંચ્યા તે પહેલાં જ ટોળું વિખેરાઈ ગયું હતું. જોકે, આ મામલે એક સંદિગ્ધ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે."

  12. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    19 માર્ચના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.