ગુજરાત વિધાનસભામાં બીબીસીની ડૉક્યુમૅન્ટરી મામલે પગલાં લેવા વિનંતી કરતો પ્રસ્તાવ
ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતનાં રમખાણો અંગે ગત 17 જાન્યુઆરીના રોજ યુનાઇટેડ કિંગડમમાં બે ભાગમાં રજૂ કરાયેલી ડૉક્યુમૅન્ટરી ‘ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન’ને લઈને બીબીસી સામે કડક પગલાં લેવા માટે કેન્દ્રને વિનંતી કરતો પ્રસ્તાવ રજૂ કરાયો હતો.
શુક્રવારે ગુજરાત વિધાનસભામાં બીબીસી સામે પગલાં લેવાની ભલામણ કરતો ઠરાવ પસાર કરતાં ડૉક્યુમૅન્ટરીને ‘ભારતીયો વિરોધમાં પ્રચારની ટૂલકિટ’ અને ‘ભારતવિરોધી તત્ત્વો દ્વારા ઍજન્ડા બેઝ્ડ પ્રૉપેગૅન્ડા’ ગણાવાઈ હતી.
નોંધનીય છે કે આણંદાના સોજિત્રાના ભાજપના ધારાસભ્ય વિપુલકુમાર પટેલે વિધાનસભામાં આ બાબતનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જે અંગે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં નિવેદન આપ્યું હતું.
તેમણે બીબીસીની ડૉક્યુમૅન્ટરીને ‘મોદી ફોબિયા, ઇન્ડિયા ફોબિયાનું ઉદાહરણ’ ગણાવી હતી.તેમજ કહ્યું હતું કે, “બીબીસીએ વર્ષ 2014થી ભારતવિરોધી વલણ અપનાવ્યું છે.”
નોંધનીય છે કે આ પહેલાં14 ફેબ્રુઆરીએ આવકવેરાવિભાગે બીબીસીની દિલ્હી અને મુંબઈની ઓફિસમાં સર્વે શરૂ કર્યો હતો. જે ત્રણ દિવસ સુધી ચાલ્યો હતો.
ત્રણ દિવસ સુધી ચાલેલા આયકરવિભાગના સર્વે દરમિયાન બીબીસી દેશ-દુનિયા સાથે જોડાયેલ અહેવાલો પોતાની ઑડિયન્સ સુધી પહોંચાડતું રહ્યું હતું.
બીબીસીએ આયકરવિભાગનો સર્વે પૂર્ણ થયા બાદ આ મામલે એક વિસ્તૃત નિવેદન જાહેર કર્યું હતું અને જણાવ્યું હતું કે આ મામલે ટૅક્સ અધિકારીઓને સહકાર અપાતો રહેશે.
બીબીસીએ એમ પણ કહ્યું હતું કે "અમે ભરોસાપાત્ર, નિષ્પક્ષ, આંતરરાષ્ટ્રીય અને સ્વતંત્ર મીડિયા છે. અમે અમારા એ સહકર્મીઓ અને પત્રકારો સાથે ખડેપગે છીએ. જે સતત આપ સુધી કોઈ પણ ભય કે પક્ષપાત વગર સમાચાર પહોંચાડતા રહીશું."
આવકવેરાના સર્વે બાદ બીબીસીના ડાયરેક્ટર-જનરલ ટિમ ડેવીએ ભારતમાં સ્ટાફને એક ઈમેલ દ્વારા જણાવ્યું હતું કે બીબીસી ડર કે પક્ષપાત રહિત રિપોર્ટિંગ કરતા અટકશે નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે નિષ્પક્ષપણે રિપોર્ટિંગ કરતાં વધુ મહત્ત્વનું કંઈ નથી.
ઉલ્લેખનીય છે કે બીબીસીએ તાજેતરમાં જ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતી ડૉક્યુમેન્ટરી પ્રસારિત કરી હતી.
ભારત સરકારે ડૉક્યુમૅન્ટરીને "હોસ્ટાઇલ પ્રૉપેગૅન્ડા (શત્રુતાપૂર્ણ દુષ્પ્રચાર)" ગણાવી હતી અને તેને ભારતમાં પ્રસારિત કરતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.
ટિમ ડેવીએ ઈમેલમાં કહ્યું હતું, "વિશ્વભરના આપણા દર્શકો પ્રત્યેનું આપણું કર્તવ્ય સ્વતંત્ર અને નિષ્પક્ષ પત્રકારત્વ દ્વારા સત્યને ઉજાગર કરવાનું છે અને શ્રેષ્ઠ સર્જનાત્મક સામગ્રીનું નિર્માણ અને વિતરણ કરવાનું છે. આપણને આપણું કામ કરતા અટકાવી શકાશે નહીં. હું સ્પષ્ટ કહેવા માગું છું કે બીબીસીનો કોઈ ઍજન્ડા નથી - આપણે હેતુને લઈને ચાલીએ છીએ. અને આપણો પ્રથમ જાહેર હેતુ લોકોને તેમની આસપાસની દુનિયાને સમજવા અને તેમની સાથે જોડાવવામાં મદદ કરવા માટે નિષ્પક્ષ સમાચાર અને માહિતી પ્રદાન કરવાનો છે."