કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજૂએ કૉગ્રેસ નેતા રાહુલ ગાંધીને દેશની એકતા
માટે ખતરો ગણાવ્યા છે.
બુધવારે મોડી રાત્રે ટ્વીટ કરીને તેઓએ રાહુલ ગાંધીના લંડનમાં અપાયેલા નિવેદનો અંગે
તેમની પર નિશાન સાધ્યું હતું.
તેમણે રાહુલ ગાંધીની લંડનમાં ભારતીય મૂળના પત્રકારો સાથે કરેલી ચર્ચાનો એક
નાનકડો હિસ્સો શેર કરતાં લખ્યું છે કે, "રાહુલ ગાંધી અમારી વાત નહીં સાંભળે, પરંતુ આશા છે કે તેઓ
તેમના શુભચિંતકોની વાત સાંભળશે."
"કૉંગ્રેસના સ્વયંભૂ યુવરાજે તમામ હદો પાર કરી દીધી છે. આ વ્યક્તિ દેશની એકતા
માટે અત્યંત ખતરનાક બની ગયો છે. હવે તેઓ લોકોને દેશના ભાગલા પાડવા માટે ઉશ્કેરી
રહ્યા છે. ભારતના સૌથી પ્રિય વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો મંત્ર છે- "એક ભારત, શ્રેષ્ઠ ભારત."
આ પહેલાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધીના
નિવેદનોની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, "રાહુલ ગાંધી પોતાની નિષ્ફળતાઓ
છુપાવવા માટે વિદેશની ધરતી પર ભારતની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે."
વિપક્ષના ઘણા નેતાઓ અને દેશનો એક વર્ગ રાહુલ ગાંધીના લંડનમાં આપેલા નિવેદનોની
ટીકા કરી રહ્યા છે.
તેમનું કહેવું છે કે "રાહુલ ગાંધીના નિવેદનોથી વિશ્વ મંચ પર
ભારતની છબી ખરાબ થઈ રહી છે."
રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?
ગત દિવસોમાં બ્રિટનની કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં લેક્ચર આપવા પહોંચેલા કૉંગ્રેસ
નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે "મોદી ભારતનું માળખું બગાડી રહ્યા છે. તેઓ દેશ પર
એવો વિચાર લાદી રહ્યા છે, જેને ભારત સ્વીકારી શકતું નથી."
રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આરોપ લગાવતા કહ્યું હતું કે, "મહિલાઓને ગૅસ સિલિન્ડર આપવા અને લોકોના બૅંક ખાતા ખોલવા એ સારા પગલાં છે, પરંતુ ભારત રાજ્યોનો
સંઘ છે."
"ભારતમાં ધાર્મિક વિવિધતા છે. દેશમાં શીખ, મુસ્લિમ, ખ્રિસ્તી બધા જ રહે
છે, પરંતુ મોદી તેમને બીજા વર્ગના નાગરિક માને છે. હું આ સાથે સહમત નથી. જ્યારે
તમારો વિરોધ એટલો મૂળભૂત હોય,
ત્યારે ફરક નથી પડતો કે તમે કઈ બે, ત્રણ નીતિઓ સાથે સંમત
છો."