બાળકો જુઠ્ઠું શા માટે બોલે છે? ખોટું બોલે તો સજા કરવી જોઈએ કે નહીં?
બાળપણમાં મારાં માતા-પિતાએ મને અનેક રીતે સજા કરી હતી. મોટા ભાગના કિસ્સામાં મને જુઠ્ઠું બોલવા બદલ સજા કરવામાં આવી હતી.
દરેક વખતે સજા થાય એ પછી હું વધુ સારી રીતે ખોટું કેમ બોલવું અને બીજી વખત ઠપકામાંથી કઈ રીતે બચવું તેની યોજના બનાવતો હતો.
મને ખોટું બોલવા છતાં તેની સજામાંથી બચવામાં સફળતા પણ મળી હતી. આપણા પૈકીના લગભગ બધાએ આવું કર્યું હશે. પોતાનાં માતા-પિતા, શિક્ષકો અને દોસ્તો સામે આ રીતે ખોટું બોલતાં ઘણાં બાળકો આપણે જોયાં હશે.
બાળકો તેમનાં માતા-પિતા પાસેથી ખોટું બોલતાં શીખતાં હોય છે અને જુઠ્ઠું બોલવાની તેમની આદત માટે તેમનાં માતા-પિતા જ જવાબદાર હોય છે, એવું મનોચિકિત્સક શિવપાલને કહ્યું ત્યારે મને આશ્ચર્ય થયું હતું.
મનોચિકિત્સક ગૌતમ દાસે કહ્યું હતું કે "બાળકો તેમનાં માતા-પિતાને જુઠ્ઠું બોલતા જોઈને જુઠ્ઠું બોલતાં શીખતાં હોય છે. માતા-પિતા તેમનાં સંતાનોની અપેક્ષા સંતોષી નથી શકતાં ત્યારે તેઓ ખોટું બોલવાનું શરૂ કરે છે."
તમામ માતા-પિતા ઇચ્છતાં હોય છે કે તેમનું સંતાન પ્રામાણિક વ્યક્તિ બને. તેથી પોતાનું સંતાન ખોટું બોલે છે એવી ખબર પડે ત્યારે મોટા ભાગનાં માતા-પિતા તેને ગંભીર બાબત ગણે છે.
અલબત્ત, ખોટું બોલવા બદલ માતા-પિતા બાળકો પર ગુસ્સે થાય પછી પણ બાળકો ખોટું બોલવાનું ઓછું કરતા નથી, પણ વધારે ખોટું બોલતા થાય છે.