You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ભીષણ વિસ્ફોટ: 15 લોકોનાં મોત, 100થી વધુ ઘાયલ
બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ગુલિસ્તાન વિસ્તાર પાસે મંગળવારે થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 15 લોકોનાં મોત થયાં છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે.
લાઇવ કવરેજ
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ભીષણ વિસ્ફોટ, 15 લોકોનાં મોત
બાંગ્લાદેશની રાજધાની ઢાકાના ગુલિસ્તાન વિસ્તાર પાસે મંગળવારે થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા 15 લોકોનાં મોત થયાં છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે.
ઢાકાના નોર્થ સાઉથ રોડના સિદ્દીકી માર્કેટમાં સાંજે લગભગ 5 વાગ્યે આ ઘટના ઘટી હતી.
મૃતકોમાં નવ પુરુષ અને બે મહિલાનો સમાવેશ થાય છે. ઘાયલોને ઢાકા મેડિકલ કૉલેજ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બ્લાસ્ટ સમયે બીબીસી બાંગ્લાના સંવાદદાતા શાહનવાઝ રોકી આ જ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. વિસ્ફોટ સમયે તે જે વાહનમાં સવાર હતા તે સ્થળથી માત્ર 100 મીટર દૂર હતું.
શાહનવાઝે સ્થળ પરથી જણાવ્યું કે વિસ્ફોટ બાદ સાત માળની ઇમારતનો કાટમાળ આસપાસના વિસ્તારમાં વિખરાઈ ગયો હતો. વિસ્ફોટને કારણે રોડ પરથી પસાર થતી બસના તમામ કાચ તૂટી ગયા હતા અને ઘણા મુસાફરો ઘાયલ થયા હતા.
મોરબી : જયસુખ પટેલના વચગાળાના જામીન નામંજૂર
મોરબીની ડિસ્ટ્રીકટ અને સેસન્સ કોર્ટે વાંચગાળા ના જામીન અરજી નામંજૂર કરી દીધા છે.
બીબીસી ગુજરાતના સ્થાનિક સહયોગી રાજશે આંબલિયાએ સંબંધિત માહિતી આપી છે.
ગુજરાતના મોરબીમાં પુલદુર્ઘટનામાં 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં, જેના લગભગ ત્રણ મહિના બાદ ઓરેવા ગ્રૂપના પ્રમોટર અને અજંતા મૅન્યુફૅક્ચરિંગ લિમિટેડના મૅનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલનું 1,262 પાનાંની ચાર્જશીટમાં મુખ્ય આરોપી તરીકે નામ સામેલ કરવામાં આવ્યું હતું.
એ બાદમાં તેમણે મોરબીની ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટની કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું. જયસુખ પટેલને અગાઉ ધકપકડ કરાયેલા નવ આરોપી સાથે 10મા આરોપી બનાવવામાં આવ્યા હતા. આરોપીઓમાં પેટા કૉન્ટ્રૅક્ટર, ટિકિટ ક્લાર્ક અને સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરતા મજૂરોનો સમાવેશ થાય છે.
અજંતા બ્રાન્ડ હેઠળ ઘડિયાળના ઉત્પાદન માટે જાણીતી કંપની ઓરેવા ગ્રૂપને મચ્છુ નદી પરના 100 વર્ષ જૂના સસ્પેન્શન બ્રિજના નવીનીકરણ, સંચાલન અને જાળવણીનો કૉન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો.
બ્રિજ ફરીથી ખુલ્લો મૂકાયો, એના ચાર દિવસ પછી તૂટી પડ્યો હતો.
હિરણ નદીમાં પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટની નોટિસ
ટાઇમ્સ ઑફ ઈન્ડિયા અનુસાર, ગુજરાત હાઈકોર્ટે હિરણ નદીના પ્રદૂષણને લઈને કરવામાં આવેલી જાહેરહિતની અરજીનો જવાબ દાખલ કરવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને તાલાળા નગરપાલિકાને તાકીદ કરી છે. હિરણ નદી ગીર અભયારણ્યમાંથી પસાર થાય છે.
પર્યાવરણ બચાવો સુરક્ષા સમિતિના તાલુકા પ્રમુખ અને આરટીઆઈ ઍક્ટિવિસ્ટ ઈરફાન ભાંગાણીએ હિરણ નદીને લઈને કરેલી જાહેરહિતની અરજીમાં ફરિયાદ કરી છે કે તાલાળા નગરપાલિકા ટ્રીટમૅન્ટ કર્યા વગરનું પાણી નદીમાં છોડતા હિરણ નદી અને હિરણ ડૅમ પ્રદૂષિત બન્યાં છે.
હિરણ નદી પ્રદૂષિત બનતા ગીરસોમનાથ જિલ્લાની માનવવસ્તી જ નહીં પરંતુ આ નદી પર આધારિત એશિયાટિક સિંહ સહિતની વન્ય જીવસૃષ્ટિને પણ અસર કરે છે.
અરજદારના વકીલ પ્રશાંત ચાવડાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે ટ્રીટમૅન્ટ વગર જ ગટરના પાણીને નદીમાં છોડીને નદીને પ્રદૂષિત કરવાથી છેલ્લાં કેટલાંક વર્ષોમાં વન્ય જીવસૃષ્ટિને વિપરીત અસર થઈ છે.
અરજદારે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે આ મુદ્દે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)નું ધ્યાન દોરવામાં આવ્યું હતું.
જીપીસીબીની સમિતિએ સ્થળની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ વૉટર ઍક્ટ હેઠળ નગરપાલિકાને નોટિસ પાઠવી હતી પરંતુ સ્થિતિમાં કોઈ ફરક પડ્યો નથી.
અરજદારે જીપીસીબીને તાલાલા નગરપાલિકાને નદીમાં ટ્રીટમૅન્ટ વગરનું ગંદું પાણી છોડતા અટકાવવા અને તેના ગટર નેટવર્ક સાથે સિવેજ ટ્રીટમૅન્ટ પ્લાન્ટને તાત્કાલિક જોડવા માટેના નિર્દેશોની માગ કરી છે.
અરજદારે વધુમાં એવી દલીલ કરી હતી કે એક તરફ રાજ્ય સરકાર આંતરરાષ્ટ્રીયસ્તરે પ્રવાસન અને વન્ય જીવોને પ્રોત્સાહન આપી રહી છે, પરંતુ બીજી તરફ પ્રદૂષણના ગંભીર મુદ્દાને ઉકેલવામાં સત્તાવાળાઓ અસમર્થ છે.
આ સ્થળની મુલાકાત લેતા પ્રવાસીઓ પણ આ વિકટ વાસ્તવિકતાના સાક્ષી છે.
કાર્યવાહક ચીફ જસ્ટિસ એજે દેસાઈ અને જસ્ટિસ બિરેન વૈશનની બેન્ચે આ મુદ્દે સંબંધિત સત્તાવાળાઓ પાસેથી 5 એપ્રિલ સુધીમાં જવાબ માગ્યો છે.
"મારા પિતાએ જ મારું જાતીય શોષણ કર્યું" અભિનેત્રી અને ભાજપ નેતા ખુશ્બુએ જણાવી આપવીતી
સુરતમાં પ્રદૂષણ ઘટાડવાની એ સ્કીમ જેમાં ઉદ્યોગો કરે છે કમાણી, હવે અમદાવાદમાં થશે શરૂ
ભારતીય કોસ્ટ ગાર્ડે ઓખાના દરિયામાં રૂ. 425 કરોડનો ડ્રગ્સનો જથ્થો પકડ્યો
ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG), એટીએસ ગુજરાત દ્વારા ગુપ્ત માહિતીના આધારે, ભારતીય જળસીમામાં પાંચ ક્રૂ સભ્યો સાથે એક ઈરાની બોટને 61 કિલો હેરોઈન સાથે પકડી પાડી છે. આ હેરોઈનની બજાર કિંમત 425 કરોડ રૂપિયા છે.
ગુજરાતની ઍન્ટી ટેરરિઝમ સ્ક્વૉડ (એટીએસ)ને સોમવારે મળેલી ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડના એક સંયુક્ત અભિયાનમાં આ ડ્રગ્સ પકડવામાં આવ્યું છે.
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (ડિફેન્સ વિંગ)ના એક પ્રેસ નિવેદનમાં આપવામાં આવેલી વિગતો અનુસાર કોસ્ટ ગાર્ડે વ્યૂહાત્મક રીતે તેના બે ફાસ્ટ પેટ્રોલ વર્ગનાં જહાજો, આઈસીજીએસ મીરા બહેન અને આઈસીજીએસ અભિકને અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ માટે તહેનાત કર્યાં હતાં.
અંધારાના કલાકો દરમિયાન, ઓખાના દરિયા કિનારાથી 340 કિલોમિટર દૂર ભારતીય જળસીમામાં એક બોટ શંકાસ્પદ રીતે ફરતી જોવા મળી હતી. કોસ્ટ ગાર્ડનાં જહાજો દ્વારા આ બોટને પડકારવામાં આવતા, આ બોટના નાવિકોએ અણધાર્યા દાવપેચ શરૂ કર્યા હતા.
ત્યારબાદ જહાજો દ્વારા બોટનો પીછો કરવામાં આવ્યો હતો અને જહાજોએ તેને રોકવાની ફરજ પાડી હતી.
આ બોટ ઈરાનની હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં ઈરાની નાગરિકતા ધરાવતા પાંચ ક્રૂ હતા.
કોસ્ટ ગાર્ડની બોર્ડિંગ ટીમ દ્વારા તપાસ દરમિયાન, ક્રૂ શંકાસ્પદ વર્તન કરતા હોવાનું જણાયું હતું.
બોટની વ્યાપક તપાસ બાદ તેમાંથી આશરે રૂ. 425 કરોડની કિંમતનો 61 કિલો માદક પદાર્થ મળી આવ્યો હતો.
બોટ અને ક્રૂની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ માટે તેને ઓખા લાવવામાં આવી રહ્યા છે.
છેલ્લા અઢાર મહિનામાં, કોસ્ટ ગાર્ડે એટીએસ ગુજરાત સાથેના સંકલનમાં આઠ વિદેશી જહાજોને પકડી લીધા છે અને રૂ. 2355 કરોડની કિંમતના 407 કિલોગ્રામ માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો છે.
જુહી ચાવલા અને જયા બચ્ચન માટે કોવિડની રસી મુદ્દે ગુજરાત સરકારે તપાસના આદેશ આપ્યા
ગુજરાત સરકારે જૂનાગઢ જિલ્લામાં કથિત રીતે હિન્દી ફિલ્મોનાં અભિનેત્રીઓ જુહી ચાવલા, જયા બચ્ચન અને મહિમા ચૌધરીના નામે આપવામાં આવેલા કોવિડની રસીના બોગસ સર્ટિફિકેટ મુદ્દે તપાસનો આદેશ આપ્યો છે.
વિરોધ પક્ષ દ્વારા સોમવારે વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવતા સરકારે આ માહિતી આપી હતી કે પ્રાથમિક મૂલ્યાંકન બાદ આ મામલે વધુ તપાસના આદેશ આપ્યા હતા.
ઇન્ડિયન એક્સ્પ્રેસના એક અહેવાલ અનુસાર કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન કોવિડની રસીના બનાવટી સર્ટિફિકેટ આપવામાં આવ્યા હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.
તેમણે રાજ્યમાં કોવૅક્સિનના કેટલા બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યા હોવાનો પ્રશ્ન પૂછ્યો ત્યારે કહ્યું હતું કે, “જૂનાગઢમાં જયા બચ્ચન, મહિમા ચૌધરી, અને જુહી ચાવલા જેવી સેલિબ્રિટિઝના નામે વેક્સિન સર્ટિફિકેટ આપવામાં આવ્યાં છે. આ લોકો ગુજરાતમાં નથી રહેતાં, તો સરકાર આ મામલે કોઈ પગલાં ભરવા માંગે છે?
સરકારે જવાબ આપતા જણાવ્યું હતું કે, પ્રોટેક્શન ડોઝથી લોકોને સુરક્ષિત કરવા માટે સરકારે વિશેષ કૅમ્પોનું આયોજન કર્યું હતું, જ્યાં કોઈપણ ઓળખપત્ર વિના લોકોને વેક્સિન આપવામાં આવી હતી.
રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જવાબ આપતા કહ્યું હતું કે, "ભારત સરકારને એવી રજૂઆતો મળી હતી કે સાધુઓ અને ગરીબો પાસે કોઈ ઓળખના દસ્તાવેજો હોતા નથી અને તેમને પણ વેક્સિનેશનમાં સમાવેશ કરવા જરૂરી છે. આથી અમે ઓળખના પુરાવા વિનાના લોકો માટે પણ રસીકરણના કૅમ્પનું આયોજન કર્યું હતું."
જ્યારે વિધાનસભામાં કૉંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના પ્રશ્નને ફરીથી પૂછ્યો ત્યારે આરોગ્યમંત્રીએ જવાબ આપ્યો હતો કે, “પરામર્શકોની ટીમ દ્વારા આ ફરિયાદોનું પ્રાથમિક મૂલ્યાંકન કરવામાં આવ્યું છે અને આ મામલે તપાસના હુકમો પણ આપવામાં આવ્યા છે કે આ ઘટના કેવી રીતે બની?"
તેમણે વધુમાં કહ્યું હતું કે, "જો અમિતભાઈ (અમિત ચાવડાને સંબોધીને) 15 ગરીબ ભિખારીઓને અથવા સાધુઓ કે અન્ય રાજ્યોના મજૂરોને રસીકરણ માટે લઈને જાય.."
"અને તેમની પાસે આધાર કાર્ડ ન હોય ત્યારે રસીકરણ કેન્દ્ર પર હાજર કર્મચારી અમિતભાઈ જે નામ કહે તેને આધારે નોંધણી કરીને રસી આપે છે."
"આ મામલો જૂનાગઢ જિલ્લાના બે તાલુકા સુધી જ મર્યાદિત છે. અમે તપાસનો આદેશ આપી દીધો છે."
ગુજરાતનાં પૉલિટૅકનિકમાં ક્લાસ 1નાં ખાલી પદો ભરવા માટે ઉમેદવારો મળતા નથી: ગુજરાત સરકાર
ગુજરાત સરકારે સોમવારે વિધાનસભામાં જણાવ્યું છે કે તેને સરકારી પૉલિટૅકનિકમાં ક્લાસ 1નાં ખાલી રહેલા પદો ભરવા માટે ઉમેદવારો નથી મળી રહ્યા. ડિસેમ્બર 2022ની સ્થિતિએ પૉલિટૅક્નિક સંસ્થાનોમાં મંજૂર થયેલા પદોમાંથી ક્લાસ 1 પદોમાંથી 49 ટકા પદ ખાલી છે.
ઉચ્ચ શિક્ષણ માટેના રાજ્ય કક્ષાના મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ વિધાનસભામાં માહિતી આપી હતી કે સરકારી પૉલિટૅક્નિકોમાં ક્લાસ 1ના મંજૂર થયેલાં પદો સહિત ક્લાસ 1,2 અને 3ની કુલ પદોની મંજૂર થયેલી સંખ્યા 3,463 છે. તેમણે જણાવ્યું હતું કે, "ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ફૉર ટેકનિકલ ઍજ્યુકેશનના સૂચન અનુસાર અમે આ પદો પર ભરતી માટે જાહેરાત આપી છે. પરંતુ અમને ક્લાસ 1 માટે પીએચડી અથવા સમાન લાયકાત ધરાવતા ઉમેદવારો મળ્યા નહોતા. હવે અમે આ મામલે નવેસરથી આયોજન કરી રહ્યા છીએ. અમને આશા છે કે ક્લાસ 2માંથી પ્રમોશનની યોગ્યતા ધરાવતા ઉમેદવારો સહિત અમને અન્ય ઉમેદવારો પણ મળશે. આ પ્રક્રિયા ચાલુ છે."
મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ વિધાનસભાના પ્રશ્નકાળમાં કૉંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ વિગતો આપી હતી.
વિધાનસભામાં મૂકવામાં આવેલી માહિતી અનુસાર સરકારી પૉલિટૅક્નિક્સમાં ક્લાસ 1ના કુલ પદોની સંખ્યા 171 છે, જેમાંથી 87 જગ્યાઓ ભરાયેલી છે જ્યારે 84 પદ ખાલી છે. ક્લાસ 2ની કુલ મંજૂર જગ્યાઓ 2232 છે, જેમાંથી 2050 જગ્યાઓ ભરાયેલી છે અને 182 ખાલી છે.
ક્લાસ 3ની મંજૂર જગ્યાઓ 1060 છે અને તેમાંથી 340 ભરાયેલી છે અને 720 જગ્યાઓ ખાલી છે.
પાકિસ્તાનના ગૃહમંત્રીનો દાવો : ઇમરાન ખાન પોલીસથી બચવા દીવાલ કૂદીને પાડોશીના ઘરે છુપાયા હતા
પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે કહ્યું છે કે રવિવારે ધરપકડથી બચવા માટે ઇમારાન ખાન પોતાના લાહૌરના ઘરેથી ભાગી છૂટ્યા હતા.
સનાઉલ્લાહે કહ્યું કે જ્યારે પોલીસ પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની ધરપકડ કરવા માટે પહોંચી ત્યારે તેઓ પોતાના ઘરની દીવાલ કૂદીને પાડોશીના ઘરે જતા રહ્યા.
શનિવારે ઇસ્લામાબાદ પોલીસ તોશાખાના કેસમાં ઇમરાન ખાનની ધરપકડ કરવા માટે લાહૌર પહોંચી હતી. પરંતુ ખાલી હાથે પરત ગઈ હતી.
પોલીસને ખાનની લીગલ ટીમે ખાતરી આપી હતી કે તેઓ સાત માર્ચે જાતે જ કોર્ટમાં હાજરી આપશે.
પાકિસ્તાની ટીવી ચેનલ જિયો ટીવી સાથે વાતચીત કરતા ગૃહમંત્રી સનાઉલ્લાહે કહ્યું, “કાલે જ્યારે પોલીસ ઇમરાનની ધરપકડ કરવા ગઈ તો ખૂબ નાટક થયું. એવી અફવાઓ છે કે તેઓ દીવાલ કૂદીને પાડોશીના ઘરે છુપાઈ ગયા. થોડીવાર પછી ઇમરાન સામે આવ્યા અને લાંબું ભાષણ આપ્યું.”
આ દરમિયાન સોમવારે પણ અદાલતે ઇમરાન વિરુદ્ધ આપેલું બિનજામીનપાત્ર વૉરંટને રદ કરવાનો ઇનકાર કરી દીધો હતો.
ઇમરાન ખાન વિરુદ્ધ તોશાખાનામાં ઉપહારોને વેચવાનો કેસ ચાલી રહ્યો છે.
પાકિસ્તાનમાં તોશાખાના એક સરકારી વિભાગ છે, જ્યાં વડા પ્રધાન, રાષ્ટ્રપતિ અથવા અન્ય મોટા અધિકારીઓને કોઈ યાત્રા દરમિયાન મળેલા કિંમતી ઉપહારોને રાખવામાં આવે છે.
આ ઉપહારોમાં સામાન્ય રીતે મોંઘી ઘડિયાળો, સોના અને હીરાનાં ઘરેણાં, સજાવટનો કિંમતી સામાન, સ્મૃતિ ચિહ્નો, હીરાજડિત કલમ, ક્રૉકરી અને ગાલીચાનો સમાવેશ થાય છે.
ઇમરાન ખાન પર આરોપ છે કે તેમણે તોશાખાનાના કેટલાક ઉપહારોને તેમના નિર્ધારિત મૂલ્યના માત્ર 20 ટકા અને કેટલાકને 50 ટકા કિંમત ચૂકવીને ખરીદ્યા હતા અને મોંઘા ભાવે વેચી દીધા હતા.
નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.
તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.
દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.
6 માર્ચના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.