You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્રિટિશરો આવ્યા એ પહેલાં ભારતની 70 ટકા વસતિ શિક્ષિત હતી : મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયં સેવકસંઘના વડા મોહન ભાગવતે દાવો કર્યો છે કે અંગ્રેજો ભારતમાં આવ્યા એ પહેલાં ભારતની 70 ટકા વસતિ શિક્ષિત હતી. ભારતની શિક્ષણવ્યવસ્થાને ખતમ કરવાનો આરોપ ભાગવતે અંગ્રેજો પર લગાડ્યો.
લાઇવ કવરેજ
દર્શન સોલંકી આપઘાત કેસ : IIT બૉમ્બેની તપાસ સમિતિના રિપોર્ટમાં કઈ વાત સામે આવી?
આઈઆઈટી બૉમ્બેમાં ગત મહિને આપઘાત કરી લેનારા ગુજરાતના દલિત વિદ્યાર્થી દર્શન સોલંકીના મામલે રચાયેલી સંસ્થાની તપાસ સમિતિમાં જાતિગત ભેદભાવના આરોપોને નકારી દેવાયા છે અને નબળા ગુણે દર્શનને 'ગંભીર' અસર કરી હોવાનું જણાવાયું છે.
તપાસ સમિતિએ 2 માર્ચે પોતાનો વચગાળાનો રિપોર્ટ સોંપ્યો હતો. આ રિપોર્ટમાં એવું પણ જણાવ્યું છે કે દર્શનનાં બહેન સિવાય પૅનલ સામે રજૂ થયેલી કોઈ પણ વ્યક્તિએ દર્શન જાતિગત ભેદભાવનો સામનો કરી રહ્યા હોવાની વાત નહોતી કરી.
આપઘાત પાછળના કારણ તરફ સંકેત આપતાં રિપોર્ટમાં "કથળતા એકૅડેમિક પર્ફૉર્મન્સની નિરાશા"ની દર્શન પર 'ગંભીર' અસર પડી હોવાની વાત જણાવાઈ છે.
નોંધનીય છે કે ગત 12 ફેબ્રુઆરીએ આઈઆઈટી બૉમ્બેમાં કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા અમદાવાદના દર્શન સોલંકીએ પોતાની સેમેસ્ટર ઍક્ઝામ પૂર્ણ થયાના એક દિવસ બાદ આપઘાત કરી લીધો હતો.
દર્શને હૉસ્ટેલના સાતમા માળેથી કૂદીને કથિત રીતે આપઘાત કરી લીધો હતો. પરિવારે આ ઘટના પાછળ જાતિગત ભેદભાવનો આરોપ લગાવ્યો હતો.
હોળીનાં ગીતો અને તહેવાર આદિવાસી સમાજના જીવન સાથે કેવી રીતે વણાયેલાં છે?
હોળીના દિવસોમાં જીવાતા જીવનની વાતો વર્ષોથી સાહિત્યમાં ચર્ચાતી અને સંભળાતી આવે છે. આ એક એવો તહેવાર છે, જેમાં જીવનના રંગોની વાત એક ઉત્સવરૂપે આવે છે.
ઉત્તર ભારતમાં વિશેષ મહત્ત્વ ધરાવતો આ તહેવાર ગુજરાતમાં પણ ધામધૂમથી ઊજવાય છે અને ગુજરાતી સાહિત્યમાં પણ તેની અસર ઝીલાઈ છે.
હોળી પ્રસંગે નાયિકા પૂછે છે: પતિદેવ મારા માટે શું ખરીદી લાવ્યા? પતિ કહે છે કે 'હું તો સોળવલું સોનું લાવ્યો.' નાયિકા કહે છે કે, 'હું એકલી કઈ રીતે ધારણ કરું? મારે નણંદ અને ભોજાઈ પણ છે, અમે બધા વહેંચીને ધારણ કરીશું. પહેરીશું ને મહાલશું.'
જાણીતા સંશોધક-સંપાદક ડૉ. બળવંત જાનીએ 'ગુજરાતી ભીલીગીત: સ્વરૂપવિમર્શ અને આસ્વાદ' સંશોધન લેખમાં હોળીગીતમાં પરિવાર સંકલ્પનાનો આ રીતે પરિચય કરાવ્યો છે.
આ હોળીગીતમાં કુટુંબજીવન અને સામૂહિક ભાવનાનો એક હૃદયસ્પર્શી અંશ છુપાયેલો છે-
'પેંરણા હું હું વોરી લાયો રે
લાઓ હોનું હોળમું રે
પેંરણા હું કેમ પેરુ એકલી રે
અમે નણદીન પોઝાઈ
વોટી વેંચીને પેરીએ રે...'
હોળી-ધુળેટીના આગલા દિવસથી ગામમાં છાણાં-લાકડાં વગેરે લાવીને છોકરાંઓ હોલિકાદહનની તૈયારી આરંભી દે. આખા ગામમાં એક ઉત્સાહનો માહોલ છવાતો અને સૌ કૌઈ તેમાં મન ભરીને ભાગ લેતા.
ગુજરાતનાં ઘણાં ગામો-શહેરોમાં એક સમયે હોળીની ઉજવણી કંઈક આ રીતે થતી. આજે પણ ઘણી જગ્યાએ પરંપરાગત હોળી ઊજવાય છે.
જોકે હવે સમય જતાં હોળીના રંગોમાં નવા નવા રંગો ઉમેરાયા પણ છે.
ખજૂર-દાળિયા-ધાણી વગેરે લાવીને પ્રગટાવેલી હોળી પર નાખે અને લોકો ફરતે ઘૂમે. ગુજરાતમાં આ રીતે ઠેરઠેર યોજાતી હોળી આદિવાસી સમાજમાં જરા નોખી રીતે ઉજવાય છે.
હોળીના તહેવારને સાહિત્યમાં પણ નોખું સ્થાન મળ્યું છે અને અનેક કવિઓએ તેનાં ગીતો લખ્યાં છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં હોળીનું પર્વ લોકોનાં જીવન સાથે પણ એટલું જ વણાયેલું છે.
બ્રિટિશરો આવ્યા એ પહેલાં ભારતની 70 ટકા વસતિ શિક્ષિત હતી : મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયં સેવકસંઘના વડા મોહન ભાગવતે દાવો કર્યો છે કે અંગ્રેજો ભારતમાં આવ્યા એ પહેલાં ભારતની 70 ટકા વસતિ શિક્ષિત હતી.ભારતની શિક્ષણવ્યવસ્થાને ખતમ કરવાનો આરોપ ભાગવતે અંગ્રેજો પર લગાડ્યો.
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર હરિયાણાના કરનાલમાં એક મલ્ટી-સ્પેશિયાલિટી હૉસ્પિટલના ઉદ્ઘાટન વખતે સરસંઘચાલકે સંબંધિત વાત કરી.
મોહન ભાગવતે કહ્યું, "અંગ્રેજોના શાસન પહેલાં,આપણા દેશની 70 ટકા વસતિ સાક્ષર હતી, જ્યારે ઇંગ્લૅન્ડની માત્ર 17 ટકા વસતિ શિક્ષિત હતી.તેમણે તેમનું શિક્ષણ મૉડલ અહીં લાગુ કર્યું અને આપણું મૉડલએના દેશમાં લાગુ કર્યું. એનાથી ઇંગ્લૅન્ડના 70 ટકા લોકો શિક્ષિત થઈ ગયા, જ્યારે ભારતમાં માત્ર 17 ટકા લોકો જ શિક્ષિત રહ્યા."
ભાગવતે એવો પણ દાવો કર્યે કે ભારત પર બ્રિટિશરોએ રાજ કર્યું એ પહેલાંદેશમાં જાતિ કે રંગના ભેદભાવ નહોતા અને દેશની શિક્ષણવ્યવસ્થા લોકોને આત્મનિર્ભર બનાવવા માટેતૈયાર કરાઈ હતી.
સીબીઆઈએ કહ્યું- રાબડી દેવીના ઘરે દરોડા નહીં, તેમની માત્ર પૂછપરછ કરાઈ છે
સીબીઆઈએ એ અહેવાલોને નકારી કાઢ્યા છે જેમાં કહેવામાં આવ્યું હતું કે સોમવારે લાલુ યાદવનાં પત્ની અને બિહારનાં પૂર્વ મુખ્ય મંત્રી રાબડી દેવીના ઘરે સીબીઆઈએ દરોડા પાડ્યા હતા.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, સીબીઆઈએ કહ્યું છે કે તેમણે આ કથિત કૌભાંડમાં તેમની તપાસને 'આગળ વધારવા' રાબડી દેવીની તેમના ઘરે જ પૂછપરછ કરી છે. ન તો તેમના ઘર પર દરોડા પાડવામાં આવ્યા છે કે ન તો કોઈ સર્ચ ચાલી રહ્યું છે.
સીબીઆઈ આ કેસમાં પહેલેથી જ ચાર્જશીટ ફાઇલ કરી છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, વિશેષ અદાલતે લાલુ યાદવ અને તેમના પરિવારના સભ્યોને 15 માર્ચે આ કેસમાં હાજર રહેવા જણાવ્યું છે.
બ્રેકિંગ, દિલ્હીમાં આબકારી નીતિ કેસમાં મનીષ સિસોદિયા 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા
દિલ્હીમાં આબકારી નીતિ કેસમાં મનીષ સિસોદિયા 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
દિલ્હીની રાઉઝ એવેન્યૂ કોર્ટે 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે.
સોમવારના જ્યારે રાઉઝ એવેન્યૂ કોર્ટમાં મનીષ સિસોદિયાને રજૂ કરવામાં આવ્યા છે તો સીબીઆઈ તરફથી રજૂઆત કરતા વકીલે કહ્યું કે તપાસ એજન્સી હાલ વધુ રિમાંડની માગ નથી કરી રહી.
સમાચાર સંસ્થા એએનઆઈના રિપોર્ટ અનુસાર, સીબીઆઈના વકીલે કોર્ટને જણાવ્યું કે શક્ય છે કે આવતા 15 દિવસમાં અમે રિમાંડ ફરી માગીએ.
સાત દિવસની કસ્ટડી ખતમ થયા બાદ સીબીઆઈએ આજે તેમને સ્પેશિયલ જજ એમકે નાગપાલની કોર્ટમાં રજૂ કર્યા હતા.
ગત અઠવાડિયે દિલ્હી આબકારી પૉલિસીમાં કથિત અનિયમિતતા માટે સીબીઆઈએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી.
બલૂચિસ્તાનમાં બૉમ્બ વિસ્ફોટમાં નવ પોલીસ અધિકારીઓનું, 10થી વધુ ઘાયલ
બલૂચિસ્તાનમાં એક બૉમ્બ વિસ્ફોટમાં બલૂચિસ્તાન કૉન્સ્ટેબ્યુલરીના નવ અધિકારીઓનું મૃત્યુ થયું છે અને 10થી વધુ ઈજાગ્રસ્ત થયા છે.
લેવિસ ફોર્સના અધિકારીઓ અનુસાર બલૂચિસ્તાન કૉન્સ્ટેબ્યુલરીના એક વાહન પર કેમ્બ્રી બ્રિજ પર હુમલો થયો હતો. સુરક્ષાઅધિકારીઓ સિબીથી ક્વેટા પરત ફરી રહ્યા હતા. રવિવારે સિબી મેળામાં આ સુરક્ષા અધિકારીઓ ડ્યુટી કરીને પાછા આવી રહ્યા હતા.
અધિકારીઓ અનુસાર, "વાહન પર આત્મઘાતી હુમલાની આશંકાને નકારી શકાય નહીં."
બલૂચિસ્તાનના મુખ્ય મંત્રી મીર અબ્દુલ કુદૂસ બિઝેન્જોએ બૉમ્બ બ્લાસ્ટને વખોડી કાઢ્યો હતો અને તેને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. તેમણે મૃતકોના પરિવારો માટે સંવેદના વ્યક્ત કરી છે.
એક નિવેદનમાં તેમણે કહ્યું કે "બલૂચિસ્તાનને અસ્થિરતા ફેલાવીને પછાત બનાવી રાખવા માટે કાવતરું રચાઈ રહ્યું છે. લોકોના સમર્થન સાથે આવા કાવતરાને સફળ નહીં થવા દઈએ."
અમિતાભ બચ્ચન હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન ઘાયલ
બોલીવૂડના અભિનેતા અમિતાભ બચ્ચન હૈદરાબાદમાં એક શૂટિંગ દરમિયાન ઘાયલ થયા છે.
સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર તેમણે એક પોસ્ટમાં જણાવ્યું છે કે, "હૈદરાબાદમાં 'પ્રોજેકટ કે'ના એક ઍક્શન સીનના શૂટિંગ દરમિયાન ઘાયલ થયો છું, છાતીના પાંસળીઓની પેશી તૂટી ગઈ છે અને છાતીની જમણીબાજુનો સ્નાયુ ફાટી ગયો છે. શૂટિંગ કૅન્સલ કર્યું છે. હૈદરાબાદની એઆઈજી હૉસ્પિટલમાં ડૉક્ટરની સલાહ લઈને સીટી સ્કૅન કરાવીને ઘરે પરત પહોંચી ગયો છું."
અમિતાભ બચ્ચન 80 વર્ષના છે. તેમણે પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે, "મારાં તમામ કામો હાલ પૂરતાં સ્થગિત કર્યાં છે અને રદ કરવામાં આવ્યાં છે, જ્યાં સુધી સાજો ન થઈ જાઉં."
તેમણે લખ્યું છે કે, "હું જલસા ખાતે આરામ કરી રહ્યો છું અને જરૂરી કાર્યો માટે હરીફરી શકું છું.. પરંતુ હાલમાં હું આરામ કરી રહ્યો છું.. મારા માટે એ કહેવું જરા મુશ્કેલ છે... કે આજે સાંજે જલસાના દરવાજે મારા શુભેચ્છકોને મળી નહીં શકું. એટલે ત્યાં આવશો નહીં... અને આ માહિતી શક્ય હોય તે તમામ લોકોને પહોંચાડશો જે અહીં આવવા માંગતા હોય.. બાકી બધું બરાબર છે.."
#WPL ગુજરાત જાયન્ટ્સની બીજી હાર, યુપી વૉરિયર્સ સામે ત્રણ વિકેટથી હારી ટીમ
વીમૅન્સ પ્રીમિયર લીગમાં યુપી વૉરિયર્સની ટીમે ગુજરાત જાયન્ટ્સને 3 વિકેટે હરાવી દીધી હતી. લીગમાં ગુજરાત જાયન્ટની આ બીજી હાર છે. અંતિમ ઓવર સુધી ચાલેલી આ મૅચ રોમાંચક બની રહી હતી.
ટૉસ જીતીને પહેલાં બેટિંગ પસંદ કરનારી ગુજરાત જાયન્ટ્સની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 169 રન બનાવ્યા હતા.
ગુજરાત જાયન્ટ્સનાં ખેલાડી હરલીન દેઓલે સૌથી વધુ 48 રન બનાવ્યા હતા. યુપી વૉરિયર્સનાં બૉલર્સ દીપ્તિ શર્મા અને સોફી એકલેસ્ટોને બે-બે વિકેટો ઝડપી હતી.
જીત માટે 170 રનનાં લક્ષ્યાંકનો પીછો કરી રહેલી યુપી વૉરિયર્સની ટીમના બૅટર ગ્રેસ હેરિસે 59 રનની ઇનિંગ બનાવી હતી. ગુજરાત જાયન્ટ્સના બૉલર કીમ ગાર્થે એક જ ઓવરમાં 3 વિકેટ ઝડપવાની સાથે કુલ પાંચ વિકેટ મેળવી હતી.
પૂર્વ આઈએએસ ઑફિસર પ્રદીપ શર્માની ધરપકડ
ગુજરાત પોલીસના સીઆઈડી ક્રાઇમ દ્વારા રવિવારે ભૂતપૂર્વ આઈએએસ અધિકારી પ્રદીપ શર્માની કચ્છ જિલ્લામાં 20 વર્ષ પહેલાં દબાણ કરેલી અનઅધિકૃત જમીનને નિયત કરતાં ઓછા દરે નિયમિત કરીને સરકારી તિજોરીને નુકસાન કરવાના એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
ઇન્ડિયન ઍક્સ્પ્રેસનાએક અહેવાલ અનુસાર શર્માની ધરપકડ જાહેર સેવક દ્વારા વિશ્વાસભંગ અને ગુનાઇત કાવતરાના આરોપો હેઠળ કરવામાં આવી છે.
ઇન્ડિયન ઍક્સ્પ્રેસના અહેવાલ મુજબ શર્મા સંખ્યાબંધ ક્રિમિનલ કેસનો સામનો કરી રહ્યા છે. તેમણે અગાઉ એવો દાવો પણ કર્યો હતો કે તેમને ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે પરેશાન કરવામાં આવી રહ્યા છે. સીઆઈડી ક્રાઇમની એક ટીમે શર્માની ધરપકડ તેમના ગાંધીનગરસ્થિત ઘરમાંથી કરી હતી અને તેમને કચ્છ લઈ જવામાં આવ્યા હતા.
કચ્છની સ્થાનિક અદાલતે શર્માને રવિવાર સાંજે ત્રણ દિવસના રિમાન્ડ હેઠળ પોલીસ કસ્ટડીમાં રાખવાનો નિર્ણય આપ્યો હતો.
કચ્છના ગાંધીધામના મામલતદાર ભગીરથસિંહ ઝાલાએ શનિવારે પ્રદીપ શર્મા વિરુદ્ધ આ કેસમાં એફઆઈઆર નોંધાવી હતી.
આ કેસમાં શર્મા ઉપરાંત તત્કાલીન નિવાસી અધિક કલેક્ટર અને ભુજના ટાઉન પ્લાનરની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના બની તે સમયે શર્મા કચ્છના કલેક્ટર હતા.
બાંગ્લાદેશ : રોહિંગ્યા કૅમ્પમાં આગ, બે હજારથી વધું આશ્રયસ્થાન નષ્ટ
બાંગ્લાદેશના વિશાળ રોહિંગ્યા કૅમ્પમાં લાગેલી આગમાં રોહિંગ્યા શરણાર્થીઓના બે હજાર આશ્રયસ્થાન બળી ગયાં છે.
બાંગ્લાદેશના દક્ષિણ પૂર્વમાં સ્થિત આ કૅમ્પમાં આગ લાગવાને કારણે 12 હજાર લોકો બેઘર થઈ ગયા છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર કૉક્સ બજારમાં લાગેલી આગને અંકુશમાં કરી લેવામાં આવી છે અને નુકસાનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
આગની આ ઘટનામાં કોઈના મૃત્યુ થયા હોવાના સમાચાર નથી. આગ લાગવાના કારણોની પણ ખબર પડી શકી નથી.
મ્યાનમારથી ભાગેલા લગભગ દસ લાખ શરણાર્થી બાંગ્લાદેશમાં કૅમ્પોમાં રહે છે.
આ ગીચ કૅમ્પોમાં આગ લાગવી એ કોઈ નવી વાત નથી.
ગયા વર્ષે જાન્યુઆરીમાં ઉખિયા શરણાર્થી કૅમ્પમાં લાગેલી આગમાં 600 ઘર બળી ગયાં હતાં.
ત્યારબાદ ગયા વર્ષે માર્ચમાં લાગેલી વધુ એક આગમાં લગભગ 10 હજાર આશ્રયસ્થાન બળી ગયાં હતાં અને 15 લોકો મૃત્યુ પામ્યા હતા.
આગ લાગવાના સ્થળે ઉપસ્થિત એક સ્થાનિક પત્રકારના અનુસાર ઝડપી પવન ફૂંકાવાને કારણે આગ ફેલાતી ગઈ.
વહીવટીતંત્રને આગ બુઝાવવામાં કલાકો સુધી મહેનત કરવી પડી હતી.
કૅમ્પમાં આગ લાગ્યા બાદ અહીં રહેતા રોહિંગ્યા પરિવારોએ નજીકની પહાડી પર શરણ લીધું હતું.
મ્યાનમારમાં સેનાના હુમલાના ડરથી ભાગેલા રોહિંગ્યા અત્યંત મુશ્કેલ સ્થિતિમાં રહે છે.
ભારતમાં પણ ઘણી વાર રોહિંગ્યા કૅમ્પમાં આગ લાગી ચૂકી છે.
નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.
તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.
દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.
5 માર્ચના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.