દિલ્હી : ચાઇનીઝ દૂતાવાસ બહાર તિબેટિયન યૂથ કૉંગ્રેસનું વિરોધપ્રદર્શન

તિબેટિયન યૂથ કૉંગ્રેસના સભ્યોએ 64મા'તિબેટ નેશનલ અપરાઇઝિંગ ડે'ના અવસરે શુક્રવારે ચીનના દૂતાવાસ પાસે વિરોધપ્રદર્શન યોજ્યું.

લાઇવ કવરેજ

  1. ગુજરાત વિધાનસભામાં બીબીસીની ડૉક્યુમૅન્ટરી મામલે પગલાં લેવા વિનંતી કરતો પ્રસ્તાવ

    ગુજરાત વિધાનસભા

    ઇમેજ સ્રોત, NEVA/Gujarat

    ઇમેજ કૅપ્શન, ગુજરાત વિધાનસભા

    ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતનાં રમખાણો અંગે ગત 17 જાન્યુઆરીના રોજ યુનાઇટેડ કિંગડમમાં બે ભાગમાં રજૂ કરાયેલી ડૉક્યુમૅન્ટરી ‘ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન’ને લઈને બીબીસી સામે કડક પગલાં લેવા માટે કેન્દ્રને વિનંતી કરતો પ્રસ્તાવ રજૂ કરાયો હતો.

    શુક્રવારે ગુજરાત વિધાનસભામાં બીબીસી સામે પગલાં લેવાની ભલામણ કરતો ઠરાવ પસાર કરતાં ડૉક્યુમૅન્ટરીને ‘ભારતીયો વિરોધમાં પ્રચારની ટૂલકિટ’ અને ‘ભારતવિરોધી તત્ત્વો દ્વારા ઍજન્ડા બેઝ્ડ પ્રૉપેગૅન્ડા’ ગણાવાઈ હતી.

    નોંધનીય છે કે આણંદાના સોજિત્રાના ભાજપના ધારાસભ્ય વિપુલકુમાર પટેલે વિધાનસભામાં આ બાબતનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જે અંગે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગૃહમાં નિવેદન આપ્યું હતું.

    તેમણે બીબીસીની ડૉક્યુમૅન્ટરીને ‘મોદી ફોબિયા, ઇન્ડિયા ફોબિયાનું ઉદાહરણ’ ગણાવી હતી.તેમજ કહ્યું હતું કે, “બીબીસીએ વર્ષ 2014થી ભારતવિરોધી વલણ અપનાવ્યું છે.”

    બીબીસી

    નોંધનીય છે કે આ પહેલાં14 ફેબ્રુઆરીએ આવકવેરાવિભાગે બીબીસીની દિલ્હી અને મુંબઈની ઓફિસમાં સર્વે શરૂ કર્યો હતો. જે ત્રણ દિવસ સુધી ચાલ્યો હતો.

    ત્રણ દિવસ સુધી ચાલેલા આયકરવિભાગના સર્વે દરમિયાન બીબીસી દેશ-દુનિયા સાથે જોડાયેલ અહેવાલો પોતાની ઑડિયન્સ સુધી પહોંચાડતું રહ્યું હતું.

    બીબીસીએ આયકરવિભાગનો સર્વે પૂર્ણ થયા બાદ આ મામલે એક વિસ્તૃત નિવેદન જાહેર કર્યું હતું અને જણાવ્યું હતું કે આ મામલે ટૅક્સ અધિકારીઓને સહકાર અપાતો રહેશે.

    બીબીસીએ એમ પણ કહ્યું હતું કે "અમે ભરોસાપાત્ર, નિષ્પક્ષ, આંતરરાષ્ટ્રીય અને સ્વતંત્ર મીડિયા છે. અમે અમારા એ સહકર્મીઓ અને પત્રકારો સાથે ખડેપગે છીએ. જે સતત આપ સુધી કોઈ પણ ભય કે પક્ષપાત વગર સમાચાર પહોંચાડતા રહીશું."

    આવકવેરાના સર્વે બાદ બીબીસીના ડાયરેક્ટર-જનરલ ટિમ ડેવીએ ભારતમાં સ્ટાફને એક ઈમેલ દ્વારા જણાવ્યું હતું કે બીબીસી ડર કે પક્ષપાત રહિત રિપોર્ટિંગ કરતા અટકશે નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે નિષ્પક્ષપણે રિપોર્ટિંગ કરતાં વધુ મહત્ત્વનું કંઈ નથી.

    ઉલ્લેખનીય છે કે બીબીસીએ તાજેતરમાં જ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતી ડૉક્યુમેન્ટરી પ્રસારિત કરી હતી.

    ભારત સરકારે ડૉક્યુમૅન્ટરીને "હોસ્ટાઇલ પ્રૉપેગૅન્ડા (શત્રુતાપૂર્ણ દુષ્પ્રચાર)" ગણાવી હતી અને તેને ભારતમાં પ્રસારિત કરતા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

    ટિમ ડેવીએ ઈમેલમાં કહ્યું હતું, "વિશ્વભરના આપણા દર્શકો પ્રત્યેનું આપણું કર્તવ્ય સ્વતંત્ર અને નિષ્પક્ષ પત્રકારત્વ દ્વારા સત્યને ઉજાગર કરવાનું છે અને શ્રેષ્ઠ સર્જનાત્મક સામગ્રીનું નિર્માણ અને વિતરણ કરવાનું છે. આપણને આપણું કામ કરતા અટકાવી શકાશે નહીં. હું સ્પષ્ટ કહેવા માગું છું કે બીબીસીનો કોઈ ઍજન્ડા નથી - આપણે હેતુને લઈને ચાલીએ છીએ. અને આપણો પ્રથમ જાહેર હેતુ લોકોને તેમની આસપાસની દુનિયાને સમજવા અને તેમની સાથે જોડાવવામાં મદદ કરવા માટે નિષ્પક્ષ સમાચાર અને માહિતી પ્રદાન કરવાનો છે."

  2. ચાઇનીઝ દૂતાવાસ બહાર તિબેટિયન યૂથ કૉંગ્રેસનું વિરોધપ્રદર્શન

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    તિબેટિયન યૂથ કૉંગ્રેસના સભ્યોએ 64મા'તિબેટ નેશનલ અપરાઇઝિંગ ડે'ના અવસરે શુક્રવારે ચીનના દૂતાવાસ પાસે વિરોધપ્રદર્શન યોજ્યું.

    તેમણે ચીનની સરકારની 'આકરી નીતિઓ' અને 'તિબેટ પર ગેરકાયદે કબજા'ના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા.આ દરમિયાન ચાઇનીઝ દૂતાવાસ તરફ જઈ રહેલા કેટલાય સંબંધિત લોકોને અટકાયત કરવામાં આવી અને તેમને મંદિરમાર્ગ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા.

    આ ઘટનાને પગલે દિલ્હી પોલીસને ચાઇનીઝ દૂતાવાસથી બે કિલોમીટર દૂર સુધી બૅરિકેટ લગાવી દીધા હતા અને કલમ 144 લાગુ કરી દીધી હતી.

    એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર તિબેટિયન યૂથ કૉંગ્રેસના લગભગ 60થી વધુ સભ્યોએ બૅરિકેડ પાસે વિરોધપ્રદર્શન કર્યું હતું.

  3. વાઇરલ તાવ H3N2થી બચવા માટે શું કરવું?

    વાઇરસ

    ઇમેજ સ્રોત, Getty Images

    ગુજરાતના ઘણા વિસ્તારોમાં પાછલા ઘણા સમયથી શરદી, ખાંસી, ગળામાં તકલીફ અને તાવના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે.

    સામાન્ય રીતે થોડા દિવસ દવા લીધા પછી મટી જતી તકલીફો આ વખતે લાંબા સમય સુધી લોકોને પરેશાન કરી રહી છે.

    જો નિષ્ણાતોની માનીએ તો આની પાછળ ઇન્ફ્લુએન્ઝા વાઇરસનો એક નવો વૅરિયન્ટ જવાબદાર છે.

    ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ ઇન્ફ્લુએન્ઝા વાઇરસના નવા વૅરિયન્ટ H3N2ના ચેપમાં થયેલા વધારાના કારણે કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

    નિષ્ણાત ડૉક્ટરોએ વાઇરસથી બચવા માટે કેટલાંક સૂચનો જાહેર કર્યાં છે.

    આજકાલ આબાલવૃદ્ધ સૌ માટે ચિંતાનો વિષય બનેલા આ નવા વૅરિયન્ટ અંગે વધુ માહિતી મેળવવા અને તેના કારણે સર્જાયેલી પરિસ્થિતિ અંગે વધુ જાણવા માટે બીબીસી ગુજરાતીએ નિષ્ણાત ડૉક્ટર સાથે વાત કરી હતી.

    બચાવ માટે શું કરવું? જાણો અહીં ક્લિક કરીને.

  4. બિહાર: ગોમાંસ લઈ જવાની શંકાએ 55 વર્ષના નસીમની ટોળાએ હત્યા કરી

    બિહાર

    બિહારના સારણમાં 55 વર્ષની એક વ્યક્તિ પાસે ગોમાંસ હોવાની આશંકાએ ટોળાએ માર માર્યાની ઘટના નોંધાઈ છે.

    મૃતકની ઓળખ નસીમ કુરેશી તરીકે થઈ છે, જે સિવાનના હસનપુર ગામના રહેવાસી હતા.

    એક સ્થાનિક પોલીસ અધિકારી અનુસાર, આ ઘટના મંગળવારે નસીમ અને પોતાના ભત્રીજા ફિરોઝ કુરેશી સાથે સારણ જિલ્લાના જોગિયા ગામમાં સંબંધીઓને મળવા જઈ રહ્યા હતા,

    સારણના સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ ગૌરવ મંગલાએ કહ્યું કે, “બંનેને સ્થાનિકોએ એક મસ્જિદ પાસે રોક્યા અને ત્યારબાદ દલીલ શરૂ થઈ ગઈ, એ દરમિયાન ફિરોઝ ભાગવામાં સફળ રહ્યો હતો, ટોળાએ કથિત રીતે નસીમને માર માર્યો હતો. ત્યારબાદ ટોળાએ નસીમને રસૂલપુર ગામમાં પોલીસના હવાલે કરી દીધો હતો, ત્યારબાદ તેને સરકારી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે.”

    એસપીએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, “મૉબ લિંચિંગના આરોપમાં અત્યાર સુધી ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ઘટનામાં સામેલ અન્ય અપરાધીઓની ધરપકડ કરવા માટે પણ તપાસ શરૂ કરી દીધી છે.”

  5. વાઇરલ તાવ H3N2 : કર્ણાટક આરોગ્ય વિભાગે વાઇરસથી એક મહિલાનું મૃત્યુ થયાની જાણકારી આપી

    ભારત સહિત ગુજરાતમાં પણ વાઇરલ તાવ H3N2ના કેસો જોવા મળી રહ્યા છે

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, ભારત સહિત ગુજરાતમાં પણ વાઇરલ તાવ H3N2ના કેસો જોવા મળી રહ્યા છે

    ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ફેલાઈ રહેલા ઇન્ફ્લુએન્ઝાના નવા વૅરિયન્ટ H3N2ના કારણે કર્ણાટકમાં એક મહિલાનું મૃત્યુ થયું છે.

    ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર 24 ફેબ્રુઆરીએ કર્ણાટકના હસન જિલ્લાના અલુર તાલુકાનાં 82 વર્ષીય હિરે ગૌડા નામનાં વૃદ્ધા હૉસ્પિટલમાં દાખલ થયાં હતાં.

    1 માર્ચના રોજ તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ગત 3 માર્ચના રોજ તેમના લૅબ રિપોર્ટ પરથી જાણવા મળ્યું હતું કે તેઓ H3N2થી ગ્રસ્ત હતાં.

    નોંધનીય છે કે ગુજરાતમાં પણ આ વાઇરસના ઘણા કેસો નોંધાઈ ચૂક્યા છે. પરંતુ ડૉક્ટરો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર વાઇરસથી ગ્રસ્ત દર્દીઓ લાંબા ગાળા સુધી બીમાર રહી રહ્યા હોવા છતાં દાખલ થવાનું પ્રમાણ ઓછું જોવા મળી રહ્યું છે.

  6. ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન સામે જ જ્યારે મોદીએ કહ્યું- મંદિરો પર હુમલા થઈ રહ્યા છે

    નરેન્દ્ર મોદી અને એન્થની એલ્બાનીઝ

    ઇમેજ સ્રોત, @ALBOMP

    ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બાનીઝની સામે ઑસ્ટ્રેલિયામાં હાલમાં મંદિર પર થયેલા હુમલાનો મુદ્દો ઉઠાવ્યો.

    બંને દેશના વડા પ્રધાન સંયુક્ત નિવેદન આપી રહ્યા હતા ત્યારે મોદીએ આ વાત કરી.

    ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ભારતની ચાર દિવસની મુલાકાતે આવ્યા છે. તેઓ હોળીના દિવસે આઠ માર્ચના અમદાવાદ પહોંચ્યા હતા.

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઑસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ''આ દુખનો વિષય છે કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં ઑસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલાના સમાચાર નિયમિત રીતે આવી રહ્યા છે. સ્વાભાવિક છે કે આવા સમાચાર ભારતમાં બધા લોકોને ચિંતિત બનાવે છે. અમારા મનને વ્યથિત કરે છે. અમારી આ ભાવનાઓ અને ચિંતાઓને મને વડા પ્રધાન અલ્બાનીઝની સમક્ષ રજૂ કર્યો અને તેમણે મને આશ્વસ્ત કર્યો છે કે ભારતીય સમુદાયની સુરક્ષા તેમના માટે વિશેષ પ્રાથમિકતા છે.''

    વડા પ્રધાન મોદીએ કહ્યું કે આ વિષય પર અમારી ટીમો નિયમિત સંપર્કમાં રહેશે અને યથાસંભવ સહયોગ કરશે.

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ''ભારતીય પ્રવાસી હવે ઑસ્ટ્રેલિયામાં બીજો સૌથી મોટો પ્રવાસી સમુદાય છે. ભારતીય પ્રવાસી સમુદાય ઑસ્ટ્રેલિયાના અર્થતંત્રના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે. ગત વર્ષે લાગુ થયેલ વ્યાપાર સમજૂતીથી બંને દેશો વચ્ચે વ્યાપાર અને રોકાણના બહેતર અવસર ખૂલ્યા છે. અમારી ટીમો કૉમ્પ્રિહેન્સિવ ઇકનૉમિક કોઑપરેશન એગ્રીમેન્ટ પર પણ કામ કરી રહી છે.''

    આની પહેલાં રાષ્ટ્રપતિ ભવનમાં પત્રકારો સાથે વાત કરતાં ઑસ્ટ્રેલિયન વડા પ્રધાને કહ્યું હતું, ''ભારતમાં સ્વાગત માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું. ઑસ્ટ્રેલિયા અને ભારત સારા મિત્ર દેશો છે. અમે બંને સહયોગીઓ છીએ અને આ સહયોગને મજબૂત બનાવી રહ્યા છીએ. અમે ક્રિકેટના મેદાનમાં એક બીજાનો સામનો કરી રહ્યા છીએ પરંતુ અમારો સાથ બહેતર દુનિયા માટે છે.''

  7. ધીરુબહેન પટેલનું નિધન : માતૃભાષા વિશે શું કહેતાં હતાં લેખિકા?

  8. બીબીસી ગુજરાતીના આ લેખો ચૂકી તો નથી ગયા ને...

  9. કે કવિતાના અનશનમાં 12 પક્ષો સામેલ, કૉંગ્રેસ ન જોડાઈ

    કે કવિતા

    ઇમેજ સ્રોત, Getty Images

    તેલંગાણાના મુખ્ય મંત્રી ચંદ્રશેખર રાવનાં પુત્રી કે. કવિતા શુક્રવારે દિલ્હીમાં ભૂખ હડતાળ પર બેઠાં છે. આ અનશનમાં 12 રાજકીય પક્ષો ભાગ લઈ રહ્યા છે.

    આ અનશન મહિલા અનામત બિલ લાવવા માટે કરવામાં આવી રહ્યું છે. આ બિલ મુજબ લોકસભામાં 33 ટકા સીટો મહિલાઓ માટે અનામત હોવી જોઈએ. આ ઉપવાસ દિલ્હીના જંતર-મંતર પર કરવામાં આવી રહ્યા છે.

    કે કવિતાને દિલ્હીની લિકર પૉલિસીના સંબંધમાં સમન્સ પાઠવવામાં આવ્યું છે.

    આ અનશનમાં બીઆરએસ ઉપરાંત આમ આદમી પાર્ટી, શિવસેના, અકાલી દળ, પીડીપી, નેશનલ કૉન્ફરન્સ, જનતા દળ યુનાઈટેડ, એનસીપી, સીપીઆઈ, સીપીએમ, સમાજવાદી પાર્ટી, આરએલડીઅને કપિલ સિબ્બલ ભાગ લઈ રહ્યા છે.

    કૉંગ્રેસ આ ઉપવાસમાં જોડાઈ રહી નથી.

    આ ભૂખ હડતાલને વિપક્ષનું શક્તિપ્રદર્શન માનવામાં આવી રહ્યું છે.

    ગુરુવારે પત્રકાર પરિષદ યોજીને કે. કવિતાએ કહ્યું, “મને દિલ્હીની દારૂની નીતિના સંબંધમાં સમન્સ મોકલવામાં આવ્યું છે. જો કેન્દ્રીય તપાસ એજન્સી મારી પૂછપરછ કરવા માંગતી હોય તો એક મહિલા હોવાના નાતે મારો કાનૂની અધિકાર છે કે મારા નિવાસસ્થાને પૂછપરછ કરવામાં આવે."

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    “2 માર્ચેઅમે જાહેરાત કરી હતી કે અમે મહિલા અનામત બિલને લઈને ભૂખ હડતાળ પર જઈશું. 9 માર્ચે મને ઈડીદ્વારા સમન્સ મોકલવામાં આવ્યું. મેં કહ્યું કે 16મી માર્ચે કરવામાં આવે પણ ખબર નહીં શું ઉતાવળ છે, પરંતુ 11મી માર્ચે તેઓ રાજી થઈ ગયા. મેં ઈડીને કહ્યું કે મારા ઘરે આવીને પૂછપરછ કરો પરંતુ તેઓએ કહ્યું કે તમે ઈડીઓફિસ આવો.

    બીઆરએસે આ સમનને લઈને કેન્દ્ર સરકાર પર આક્રમક વલણ અપનાવ્યું છે, ગઈકાલે પાર્ટીએ કહ્યું હતું કે આ ઈડીનું નહીં, મોદીનું સમન્સ છે.

  10. શી જિનપિંગ સતત ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ બન્યા

    જિનપિંગ

    ઇમેજ સ્રોત, Getty Images

    શુક્રવારે શી જિનપિંગ ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ બન્યા. એવું કહેવામાં આવી રહ્યું છે કે માઓ ઝેડોંગ પછી, જિનપિંગે પોતાને દેશના સૌથી શક્તિશાળી નેતા તરીકે સ્થાપિત કર્યા છે.

    ચીનની સંસદ, નેશનલ પીપલ્સ કોંગ્રેસ (એનપીસી)ના લગભગ 3,000 સભ્યોએ સર્વસંમતિથી શી જિનપિંગને મત આપ્યો. 69 વર્ષીય શી જિનપિંગની સામે આ ચૂંટણીમાં અન્ય કોઈ ઉમેદવારે ભાગ લીધો ન હતો. ચીનની આ સંસદને રાષ્ટ્રપતિની રબર સ્ટૅમ્પ કહેવામાં આવી રહી છે.

    મતદાન પ્રક્રિયા એક કલાક સુધી ચાલી હતી અને 15 મિનિટમાં મત ગણતરી આટોપી લેવાઈ હતી.

    શી જિનપિંગની આ ચૂંટણીમાં જીત 2018માં ચીનના બંધારણમાં ફેરફાર કરીને રાષ્ટ્રપતિ બનવાની મર્યાદાને નાબૂદ કરવામાં આવી હતી ત્યારથી જ નિશ્ચિત થઈ ગઈ હતી.

    ત્યારે એવું માનવામાં આવતું હતું કે વર્ષ 2023માં જિનપિંગે ત્રીજી વખત શાસક બનાવવા માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે.

    શી જિનપિંગ સોમવારે સંસદના વાર્ષિક સત્રમાં ભાષણ આપશે. આ દિવસોમાં ચીન ત્રણ વર્ષ સુધી ચાલેલી કડક કોવિડ નીતિને કારણે આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.

    ગયા અઠવાડિયે શી જિનપિંગે ચીનના આર્થિક સંકટ માટે અમેરિકા અને પશ્ચિમી દેશોને જવાબદાર ઠેરવ્યા હતા.

    રાષ્ટ્રપતિની ચૂંટણી મોટાભાગે ઔપચારિકતા હતી. શી જિનપિંગને તેમની પાર્ટી દ્વારા સેન્ટ્રલ મિલિટ્રી કમિશનના વડા તરીકે પહેલેથી જ ચૂંટી કાઢવામાં આવ્યા છે. તેઓ ચીની સશસ્ત્ર દળોના કમાન્ડર-ઇન-ચીફ તરીકે ત્રીજી વખતનો કાર્યકાળ પહેલેથી જ શરૂ કરી ચૂક્યા છે.

  11. ગુજરાત સરકારે વર્ષમાં બેવાર રાજ્યના તમામ પુલોના ઇન્સ્પેક્શનની નીતિ ઘડી

    મોરબી પુલ

    ઇમેજ સ્રોત, Bipin Tankaria

    ગુજરાત સરકારે રાજ્યભરના તમામ પુલોનું વર્ષમાં બે વખત ઇન્સ્પેક્શન ફરજિયાત કરતી નવી નીતિ રજૂ કરી છે. આ નીતિ રાજ્યની મહાનગરપાલિકા અને પાલિકાની હદમાં આવતા તમામ પુલો પર લાગુ થશે.

    પુલોનું ઇન્સ્પેક્શન દર વર્ષે મે અને ઑક્ટોબરમાં કરવામાં આવશે.

    કોઈપણ પુલ-નાળા વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાય કે તરત જ તેની રજિસ્ટરમાં નોંધણી કરવાની રહેશે અને નિયમ મુજબ તેનું નિરીક્ષણ કરવાનું રહેશે.

    મ્યુનિસિપલ એન્જિનિયરો ઇન્સ્પેક્શન હાથ ધરવા માટે જવાબદાર રહેશે. ઇન્સ્પેક્શનમાં રક્ષણાત્મક કાર્ય, પાણીમાં કામ, ફાઉન્ડેશન અને સમારકામ, પુલ પરનું સબસ્ટ્રક્ચર, બૅરિંગ, સુપરસ્ટ્રક્ચર, લાકડાના પુલનું માળખું, એક્સપાન્શન જોઇન્ટ અનેફૂટપાથ સહિતની કામગીરીનો સમાવેશ કરવાનો રહેશે. મ્યુનિસિપલ એન્જિનિયરોતેમજ ઈજનેરી વિભાગઇન્સ્પેક્શન અને રિપેરિંગના રિવ્યૂ માટે સંપૂર્ણપણે જવાબદાર રહેશે.

    નાના-મોટા પુલ સાથે નાળા વગેરેને પણ ઇન્સ્પેક્શનમાં આવરી લેવામાં આવ્યું છે.

    મોરબી ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનાના જવાબમાં હાઈકોર્ટે સુઓ મોટો કેસ દાખલ કર્યો હતો. કોર્ટે પુલોની હાલત પર રાજ્ય સરકાર તરફથી એફિડેવિટ પર સુનાવણી કરી હતી.

  12. જર્મનીના હૅમ્બર્ગ શહેરમાં ગોળીબાર, ઘણા લોકોનાં મોત

    ગોળીબાર

    ઉત્તર જર્મનીના હૅમ્બર્ગ શહેરમાં યહોવાના સાક્ષીઓના મિટિંગ હૉલમાં થયેલા ગોળીબારમાં ઘણા લોકો માર્યા ગયા છે. મૃત્યુ પામનારનો ચોક્કસ આંકડો જાહેર થયો નથી.

    યહોવાના સાક્ષીઓ એ ખ્રિસ્તી આધારિત ધાર્મિક આંદોલન સાથે સંકળાયેલ એક સંપ્રદાય છે. આ સંપ્રદાયની સ્થાપના 19મી સદીમાં અમેરિકામાં થઈ હતી.

    પોલીસનું કહેવું છે કે, 'બંદૂકધારીનું મોત થયું હોવાનું માનવામાં આવે છે'. જોકે, હજુ એ સ્પષ્ટ થયું નથી કે જર્મન સ્થાનિક મીડિયા દ્વારા માર્યા ગયેલા છ-સાત લોકોમાં બંદૂકધારીનો સમાવેશ થાય છે કે કેમ.

    પોલીસનું કહેવું છે કે ગોળીબાર કરવા પાછળ બંદૂકધારીનો ઈરાદો શું હતો, તે અંગે કોઈ સચોટ માહિતી નથી.

    આ સિવાય ગ્રૉસ બોરસ્ટેલ જિલ્લાની ડીલબૉજ સ્ટ્રીટ પર થયેલા ગોળીબારમાં પણ ઘણા લોકો ઘાયલ પણ થયા છે.

    પોલીસ પ્રવક્તા હોલ્ગર વેહરેને જણાવ્યું હતું કે, "પોલીસને 21:15 (સ્થાનિક સમય) ની આસપાસ જાણ કરવામાં આવી હતી કે મીટિંગ હોલ બિલ્ડિંગમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો."

    તેમણે ઉમેર્યું હતું કે, "ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ "કેટલાક લોકો હથિયારોથી ગંભીર રીતે ઘાયલ થયેલા અને જમીન પર પડેલા જોયા, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે."

    “તે પછી અમે બિલ્ડિંગના ઉપરના ભાગમાંથી ગોળીબારનો અવાજ સાંભળ્યો, જ્યારે અમે ત્યાં પહોંચ્યા તો અમને એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો. હજુ સુધી એવા કોઈ સંકેત નથી કે ગુનેગાર ઘટનાસ્થળેથી ભાગી ગયો હોય.”

    વેહરેને કહ્યું, "અમે અત્યાર એ જાણીએ છીએ કે આ અકસ્માતમાં ઘણા લોકો માર્યા ગયા છે, ઘણા લોકો ઘાયલ થયા છે, જેમને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે."

    આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને ઘરની બહાર ન નીકળવા માટે કહેવામાં આવ્યું હતું. જે ફૂટેજ સામે આવ્યા છે, તેમાં પોલીસ લોકોને મીટિંગ હોલમાંથી બહાર કાઢતી જોવા મળી રહી છે.

    હૅમ્બર્ગના ગૃહ મંત્રી એન્ડી ગ્રોટે ટ્વિટર પર લખ્યું છે કે, "ઘટના સ્થળે પોલીસ વિશેષ દળ અને મોટી સંખ્યામાં અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે."

  13. નમસ્કાર!બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    9 માર્ચના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.