You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

JNUએ કૅમ્પસમાં હડતાળ પર દંડનો આદેશ પાછો ખેંચ્યો

દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વીસીએ ગુરુવારે ધરણા-પ્રદર્શનને સંબંધિત વિવાદાસ્પદ શિસ્તના નિયમો પાછા ખેંચી લીધા છે.

લાઇવ કવરેજ

  1. JNUએ કૅમ્પસમાં હડતાળ પર દંડનો આદેશ પાછો ખેંચ્યો

    દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વીસીએ ગુરુવારે ધરણા-પ્રદર્શનને સંબંધિત વિવાદાસ્પદ શિસ્તના નિયમો પાછા ખેંચી લીધા છે.

    ગત 28 ફેબ્રુઆરીએ જેએનયુ પ્રશાસને એક અધિસૂચના જારી કરીને કૅમ્પસમાં શિસ્ત જાળવવા માટે કડક નિયમો લાગુ કરવા માટે નોટિસ જારી કરી હતી.

    અગાઉ નવા નિયમોમાં ભૂખ હડતાળ પર 20,000 રૂપિયા અને વાંધાજનક વર્તન માટે 50,000 રૂપિયાના દંડની જોગવાઈ કરાઈ હતી.

    કૅમ્પસમાં શિસ્તના નિયમોમાં ફેરફાર કરતા યુનિવર્સિટીએ પાંચ હજારથી માંડીને પચાસ હજાર રૂપિયા સુધીના ભારે દંડની જોગવાઈ કરી હતી.

    આ નિયમોને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ તરફથી પણ મંજૂરી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને શિક્ષકો તરફથી નવા નિયમોની તીવ્ર ટીકા થઈ હતી.

    હવે આ નોટિફિકેશન પાછું ખેંચી લેવામાં આવ્યું છે.

  2. વડોદરા : પતિએ પત્નીનાં 'અપહરણ-રેપ'ની કરી ફરિયાદ, પીડિતાએ આરોપી સાથે જ માંડી લીધો સંસાર

  3. ઇંદોર ટેસ્ટમાં ભારત બીજી ઇનિંગ 163 રનમાં સંકેલાઈ, ઑસ્ટ્રેલિયાને જીત માટે 76 રનની જરૂર

    ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ મૅચના બીજા જ દિવસે ભારતના બૅટ્સમૅન માત્ર 163 રનનો સ્કૉર નોંધાવી શક્યા છે. ઑસ્ટ્રેલિયાના સ્પીનર નાથન લિઓને ફરી એક વાર ભારતની સામે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું છે.

    ભારત તરફથી બીજી ઇનિંગમાં ચેતેશ્વર પૂજારાએ સૌથી વધુ 142 બૉલનો સામનો કરી સૌથી વધુ 59 રન નોંધાવ્યા જ્યારે ભારતનો ટૉપ ઑર્ડર ફરી એક વાર ઑસ્ટ્રેલિયાના સ્પિનર્સ સામે ઘૂંટણિયે જોવા મળ્યો.

    આ સાથે હવે ઑસ્ટ્રેલિયાને આ ટેસ્ટ મૅચ જીતવા માટે માત્ર 76 રનની જરૂર છે.

    ભારત તરફથી ઓપનિંગ કરતા રોહિત શર્માએ 33 બૉલમાં 12 રન કર્યા, જ્યારે શુભમન ગિલ 15 બૉલમાં 5 રન નોંધાવી પેવેલિયન ભેગા થયા હતા. ત્યારબાદ ચેતેશ્વર પૂજારાએ ભારતની લથડતી સ્થિતિ સંભાળી હતી પરંતુ તેમને સાથ આપવા સામે પક્ષે વિરાટ કોહલી પણ ટકી ન શક્યા અને તેઓ માત્ર 13 રનના સ્કોરે આઉટ થયા.

    ત્યારબાદ માત્ર શ્રેયસ ઐયરે આક્રમકતા દેખાડી 26 રન નોંધાવ્યા પરંતુ તેઓ પણ પોતાની ઇનિંગ્સને આગળ ન વધારી શક્યા અને સ્ટાર્કની ઓવરમાં ઉસ્માન ખ્વાજાને કૅચ આપી બેઠા.

    ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની આ ટેસ્ટ મૅચના બીજા દિવસે સવારે ઑસ્ટ્રેલિયા 156/4ના સ્કોર સાથે મેદાન પર ઊતરી હતી પરંતુ ત્યારબાદ ભારતીય બૉલર્સ સામે ઑસ્ટ્રેલિયા પણ માત્ર 197 રનમાં 10 વિકેટ ગુમાવી બેઠું.

    ભારતીય બૉલર ઉમેશ યાદવે ટેસ્ટ મૅચમાં ભારતમાં 100 વિકેટ પાડવાની સિદ્ધિ હાંસલ કરી હતી અને 3 વિકેટ પોતાને નામ કરી હતી, જ્યારે રવીન્દ્ર જાડેજાએ 4 અને રવિચંદ્રન અશ્વિને 3 વિકેટ નોંધાવી હતી.

    તમને જણાવી દઈએ કે ઇન્દોરના આ મેદાનમાં અત્યાર સુધીમાં આ ત્રીજો અવસર છે જ્યારે કોઈ ટેસ્ટ મૅચ અહીં રમાઈ રહી હોય અને મેદાનની પીચને લઈને મીડિયામાં ઘણી ચર્ચાઓ થઈ રહી છે. એવામાં ત્રીજા દિવસે જ ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની આ ત્રીજી ટેસ્ટનું પરિણામ આવી શકે છે ત્યારે એક વાર ફરી પીચને લઈને આ ચર્ચાને વેગ મળી શકે છે.

  4. ‘સાબરમતીમાં કેમિકલ માત્ર છે, પાણી જ નથી’, નદીકિનારે વસેલાં ગામોની સમસ્યા

  5. ફિલ્મ અભિનેતા અરશદ વારસી પર સેબીનો પ્રતિબંધ

    ફિલ્મ અભિનેતા અરશદ વારસી અને તેમનાં પત્ની પર સિક્યૉરિટી ઍન્ડ ઍક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા એટલે કે સેબી દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

    આ પ્રતિબંધ શેર પંપ અને ડમ્પ કેસ સાથે સંબંધિત છે. 'શેર પંપ એન્ડ ડમ્પ' એટલે શેરની કિંમત વધારવા અથવા ઘટાડવાના હેતુસર ખોટી માહિતી આપવી.

    ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર સેબીએ 31 કંપનીઓ અને ફર્મ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમાં અરશદ વારસી, તેમનાં પત્ની મારિયા ગોરેટી અને સાધના બ્રૉડકાસ્ટ સાથે સંકળાયેલા પ્રમોટર્સનો સમાવેશ થાય છે.

    આરોપ છે કે આ લોકોએ યૂટ્યુબ પર ખોટી માહિતી ધરાવતા વીડિયો અપલોડ કર્યા હતા, જેથી રોકાણકારો શેર ખરીદે.

    સેબીએ કહ્યું છે કે આમ કરીને અરશદ વારસીને લગભગ 29 લાખ રૂપિયા અને તેમનાં પત્નીને 37 લાખ રૂપિયાનો ફાયદો થયો છે.

    સેબીને આ અંગે ઘણી ફરિયાદો મળી હતી. ફરિયાદમાં કહેવાયું હતું કે રોકાણકારોને રીઝવવા માટે યૂટ્યુબ પર ખોટી માહિતી સાથેના વીડિયો અપલોડ કરવામાં આવ્યા હતા.

  6. ત્રિપુરામાં લેફ્ટ-કૉંગ્રેસની સ્થિતિમાં સુધાર,કેવા છે ભાજપના હાલ?

    પૂર્વોત્તર રાજ્યો ત્રિપુરા, નાગલૅન્ડ અને મેઘાલયમાં વિધાનસભાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે.

    ત્રિપુરામાં મતગણતરીના પ્રારંભિક કલાકોમાં સીપીઆઈ (એમ) અને કૉંગ્રેસ ગઠબંધન અપેક્ષાકૃત સારી સ્થિતિમાં જણાઈ રહ્યું છે.ભારતીય ચૂંટણીપંચની વેબસાઇટ અનુસાર 12 વાગ્યા સુધીમાં ગઠબંધન 16 બેઠકો પર આગળ જણાઈ રહ્યું છે. જ્યારે ભાજપ 32 બેઠકો પર લીડ કરી રહ્યો છે.

    અહીં ભાજપ, કૉંગ્રેસ-લૅફ્ટ ગઠબંધન અને ટીએમપી વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. 60 બેઠકવાળી વિધાનસભામાં બહુમત માટે 31 બેઠકની જરૂર રહે છે.

    ગત ચૂંટણી દરમિયાન ભાજપને પૂર્વોત્તરનો ડાબેરી કિલ્લો ધ્વસ્ત કરવામાં સફળતા મળી હતી અને બિપ્લબ કુમાર દેબને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા.

    નાગાલૅન્ડમાં ભાજપ 11 બેઠકો પર અને એનડીપીપી25 બેઠકો પર આગળ ચાલી રહ્યાં છે. સમાચાર લખાઈ રહ્યા છે હતા ત્યાં સુધીમાં ભાજપે અહીં બે બેઠકો જીતી લીધી હતી, જ્યારે એનડીપીપીએ એક બેઠક પર વિજય મેળવી લીધો હતો.

    નાગાલૅન્ડમાં નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવસ પાર્ટીની સરકાર છે. નેફિયૂ રિયો અત્યારે નાગાલૅન્ડના મુખ્ય મંત્રી છે.આ પાર્ટી 2017માં ચૂંટણી પહેલાં તત્કાલીન સત્તાધારી નગા પીપલ્સ ફ્રન્ટથી અલગ થઈને બની હતી. 2018ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ એનડીએ સાથે ગઠબંધન કરીને ચૂંટણી જીતી હતી.

    ત્યારે ચૂંટણીમાં એનડીએને 32 બેઠકો તો આમાંથી નાગા પીપલ્સ ફ્રન્ટને 27 બેઠકો મળી હતી.

    મેઘાલયની વાત કરવામાં આવે તો અહીં સ્થિતિ હજુ સુધી સ્પષ્ટ નથી થઈ. ભાજપ અને ટીએમસી અહીં પાંચ-પાંચ બેઠકો પર આગળ ચાલી રહ્યાં છે. જ્યારે નેશનલ પીપલ્સ પાર્ટી 21 બેઠકો પર આગળ ચાલી રહી છે અને તેણે બે બેઠકો પર વિજય મેળવી લીધો છે.

    2018માં ચૂંટણીમાં કૉંગ્રેસને 59માં 21 બેઠકો મળી હતી જ્યારે નેશનલ પીપલ્સ પાર્ટી 20 બેઠકો જીતી હતી. ભાજપને માત્ર બે બેઠકો મળી હતી. એ વખથે ભાજપે ગઠબંધન કરીને નેશનલ પીપલ્સ પાર્ટી સાથે સરકાર રચી હતી.

    'ઇન્ડિયન એક્સ્પ્રેસ' અખબારે સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે આસામના મુખ્ય મંત્રી અને પૂર્વોત્તરમાં ભાજપના વડા વ્યૂહરચનાકાર હિંમતા બિસ્વા સરમાએ ત્રણેય રાજ્યોમાં બની રહેલી નવી સરકારમાં ભાજપ ભાગીદાર રહે એ માટેના પ્રયાસો આરંભી દીધા છે.

  7. બ્રેકિંગ, અદાણી મુદ્દે સુપ્રીમ કોર્ટ દ્વારા પેનલનું ગઠન, અદાણી જૂથે આવકાર્યો નિર્ણય

    ગુરૂવારે સર્વોચ્ચ અદાલતે અદાણી જૂથ ઉપર હિંડનબર્ગના રિસર્ચ રિપોર્ટ વિશે ચુકાદો આપ્યો હતો અને અને સમિતિનું ગઠન કર્યું હતું. આ સમિતિની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ એ.એમ. સપરે કરશે.

    બિઝનેસ સાઇટ સીએનબીસી ટીવી-18ના રિપોર્ટ પ્રમાણે, આ સમિતિના અન્ય સભ્યોમાં ઓપી ભટ્ટ (પૂર્વ એસબીઆઈ ચૅરમૅન), કે. વી. કામથ (બ્રિક્સ દેશોની ન્યૂ ડેવલ્પમૅન્ટ બૅન્કના પૂર્વ વડા), નંદન નિલકેણી (ઇન્ફોસિસના પૂર્વ નૉન-ઍક્ઝિક્યુટિવ ચૅરમૅન), જસ્ટિસ દેવદત્ત અને વરિષ્ઠ વકીલ સોમશેખર સુંદરેશનનો સમાવેશ થાય છે.

    આ સમિતિ અદાણી જૂથમાં અનિયમિતતાઓની તપાસ કરશે અને નિયમનને વધુ કેવી રીતે સુદ્રઢ કરી શકાય, તે માટેના પગલા પણ સૂચવશે.

    આ મુદ્દે બજાર નિયામક સેબી (સિક્યૉરિટીઝ એક્સચેન્જ બૉર્ડ ઑફ ઇન્ડિયા)ને તપાસ સમિતિનો સહયોગ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

    અદાણી જૂથના વડા ગૌતમ અદાણીએ ટ્વિટર ઉપર લખ્યું, "સુપ્રીમ કોર્ટના ચુકાદાને અદાણી જૂથ આવકારે છે. સમયમર્યાદામાં તે (આ મુદ્દાનો) અંત લાવશે. સત્યનો વિજય થશે."

  8. બ્રેકિંગ, 'પીએમ, વિપક્ષના નેતા અને ભારતના ચીફ જસ્ટિસની સમિતિ કરશે મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક'

    સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું છે કે કે 'વડા પ્રધાન, વિપક્ષના નેતા અને ભારતના ચીફ જસ્ટિસની કમિટીની ભલામણ પર દેશના મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક થવી જોઈએ.'

    જસ્ટિસ કે એમ જોસેફની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બંધારણીય બૅન્ચે કહ્યું કે જો વિપક્ષના નેતા ન હોય તો, લોકસભામાં સૌથી મોટી વિપક્ષી પાર્ટીના નેતા ચૂંટણી અધિકારીઓ અને મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક માટેની સમિતિમાં સામેલ થશે.

    કોર્ટે કહ્યું કે સંસદમાં આ અંગે કાયદો ન પસાર થાય ત્યાં સુધી આ નિયમ લાગુ રહેશે.

    હાલ રાષ્ટ્રપતિ મુખ્ય ચૂંટણી અધિકારી અને ચૂંટણી અધિકારીઓની નિમણૂક (છ વર્ષ માટે અથવા 65 વર્ષની ઉંમર સુધી, જે વહેલાં હોય તે પ્રમાણે) કરે છે.

  9. બ્રેકિંગ, અદાણી-હિંડેનબર્ગ કેસ : સુપ્રીમ કોર્ટે તપાસ સમિતિ બનાવવાનો આદેશ આપ્યો

    અદાણી-હિંડેનબર્ગ કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટે સમિતિની નિમણૂકનો આદેશ આપ્યો છે.

    આ સમિતિમાં છ સભ્યો હશે.

    અદાણી હિંડેનબર્ગ મામલામાં સુપ્રીમ કોર્ટ એક સમિતીની રચના કરશે, જેનું અવલોકન સુપ્રીમ કોર્ટ દ્વારા નિમેલી પાંચ સભ્યોની પેનલ કરશે જેમાં ઓ.પી ભટ, જસ્ટિસ જે પી દેવધર, કે.વી.કામત, નંદન નિલેકણી અને સોમશેખર સુંદરેસનનો સમાવેશ થાય છે.

    આ સમિતિની અધ્યક્ષતા પૂર્વ જસ્ટિસ અભય એમ સપરે કરશે.

    સુપ્રીમ કોર્ટે કહ્યું કે સેબી આ મામલાની તપાસ બે મહિનામાં પૂરી કરી દેશે અને રિપોર્ટ ફાઇલ કરશે. કોર્ટે કહ્યું કે બે મહિનામાં સમિતિ પોતાનો રિપોર્ટ એક સીલબંધ કવરમાં કોર્ટને સોંપશે.

    ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બૅન્ચે આ મામલે 17 ફેબ્રુઆરીના દિવસે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

    સુપ્રીમ કોર્ટે એવું પણ નોંધ્યું હતું કે સરકાર પાસેથી અમે સીલબંધ કવરમાં સૂચન નહીં લઈએ કારણ કે અમે આ મામલે પારદર્શિતા જાળવવા માગીએ છીએ.

    કોર્ટે કહ્યું હતું કે, "જો અમે સૂચન લઈએ તો અમારે તે બીજા પક્ષને જણાવવું પડે જેથી પારદર્શિતા જાળવી શકાય. એટલે અમે સમિતી નીમશું અને અમારી રીતે તેના સભ્યોની નિમણૂક કરશું."

  10. ત્રિપુરામાં ભાજપ સવારે 10 વાગ્યા સુધી 12 બેઠકો પર આગળ

    ત્રિપુરામાં ત્રિપાંખિયો જંગ સવારે 10.15 કલાકની સ્થિતિ પ્રમાણે, ત્રિપુરામાં ભારતીય જનતા પાર્ટી 18, ટીપરા મોથા પાર્ટી 12, કૉમ્યુનિસ્ટ પાર્ટી આઠ, કૉંગ્રેસ પાંચ તથા અન્ય બે બેઠક પર આગળ છે.

    અહીં ભાજપ, કૉંગ્રેસ-લૅફ્ટ ગઠબંધન અને ટીએમપી વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. 60 બેઠકવાળી વિધાનસભામાં બહુમત માટે 31 બેઠકની જરૂર રહે છે.

    ગત ચૂંટણી દરમિયાન ભાજપને પૂર્વોત્તરનો ડાબેરી કિલ્લો ધ્વસ્ત કરવામાં સફળતા મળી હતી અને બિપ્લબ કુમાર દેબને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા.

    ચૂંટણી આડે એકાદ વર્ષનો સમય બાકી હતો ત્યારે દેબને હઠાવીને માણિક સાહાને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેઓ સત્તા ઉપર પરત ફરી શકે છે કે કેમ, તેના ઉપર રાજકીય નિષ્ણાતોની નજર રહેશે.

  11. મેઘાલયમાં કોણ મારી જશે બાજી?

    મેઘાલયમાં જ્યાં કૉંગ્રેસ પોતાનું અસ્તિત્વ બચાવવાનો સંઘર્ષ કરી રહી છે ત્યારે ભાજપ જબલ એન્જિનની સરકારના ફૉર્મ્યુલા પર કામ કરી રહ્યો છે.

    મમતા બેનરજીની તૃણમૂલ કૉંગ્રેસ પણ આ વખતે ચૂંટણીમેદાનમાં છે. બીજી તરફ નેશનલ પીપલ્સ પાર્ટી(એનપીપી) અને યુનાઇડેટ ડેમોક્રેટિક પાર્ટી(યૂડીપી) જેવા ક્ષેત્રીય રાજકીયદળોએ સત્તામાં સામેલ થવાના સંઘર્ષમાં ઝંપલાવ્યું છે.

    અહીં નેશનલ પીપલ્સ પાર્ટીના કૉનરેાડ સંગમા સીએમ છે. 2018માં ચૂંટણીમાં કૉંગ્રેસને 59માં 21 બેઠકો મળી હતી જ્યારે નેશનલ પીપલ્સ પાર્ટી 20 બેઠકો જીતી હતી. ભાજપને માત્ર બે બેઠકો મળી હતી.

    ત્યારે ચૂંટણી પછી ભાજપ સાથે ગઠબંધન કરીને નેશનલ પીપલ્સ પાર્ટીએ સરકાર રચી હતી.

    2018ની મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસને 28.5 ટકા વોટ મળ્યા હતા જ્યારે નેશનલ પીપલ્સ પાર્ટીને 20.6 ટકા વોટ મળ્યા હતા.

  12. નાગાલૅન્ડ

    નાગાલૅન્ડમાં નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવસ પાર્ટીની સરકાર છે. નેફિયૂ રિયો અત્યારે નાગાલૅન્ડના મુખ્ય મંત્રી છે.

    આ પાર્ટી 2017માં ચૂંટણી પહેલાં તત્કાલીન સત્તાધારી નગા પીપલ્સ ફ્રન્ટથી અલગ થઈને બની હતી.

    2018ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ એનડીએ સાથે ગઠબંધન કરીને ચૂંટણી જીતી હતી.

    ત્યારે ચૂંટણીમાં એનડીએને 32 બેઠકો તો આમાંથી નાગા પીપલ્સ ફ્રન્ટને 27 બેઠકો મળી હતી.

    આ વખતની ચૂંટણીમાં એનડીપીપી 40 બેઠકો પર અને ભાજપે 20 બેઠકો પર ચૂંટણી લડી.

  13. ત્રિપુરામાં ફરી ભાજપનો પરચમ લહેરાશે?

    ત્રિપુરામાં કુલ 60 વિધાનસભા બેઠકો છે. માણિક સાહા અત્યારે ત્રિપુરાના મુખ્ય મંત્રી છે. 2018માં ચૂંટણીમાં એનડીએએ બહુમતી મેળવીને 36 બેઠકો જીતી હતી.

    સીપીઆઈ(એમ) માત્ર 16 બેઠકો જીતી શકી હતી. કૉંગ્રેસને આ ચૂંટણીમાં એક પણ બેઠક મળી નહોતી.

    2023ના વિધાનસભા ચૂંટણીમાં જ્યારે એક તરફ ભાજપ પોતાની સત્તા બચાવી રાખવાના પ્રયત્ન કરી રહી છે, ત્યારે તેનો સામનો વિપરીત વિચારધારા ધરાવતું વામ મોર્ચા અને કૉંગ્રેસ ગઠબંધન સાથે છે.

    વામ મોર્ચા 43 અને કૉંગ્રેસ 13 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે જ્યારે ગઠબંધને એક બેઠક પર અપક્ષ ઉમેદવારને સમર્થન આપ્યું હતું.

    પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કૉંગ્રેસે પણ ત્રિપુરા વિધાનસભા ચૂંટણી લડી છે.

  14. ત્રિપુરા, મેઘાલય અને નાગાલૅન્ડમાં મતગણતરી આજે, કોની બનશે સરકાર?

    પૂર્વોત્તર ભારતનાં ત્રણ રાજ્યો ત્રિપુરા, નાગાલૅન્ડ અને મેઘાયલમાં ગયા મહિને થયેલી વિધાનસભા ચૂંટણીનું પરિણામ આજે આવશે.

    આ ત્રણેય રાજ્યોમાં વિધાનસભાની 60 બેઠકો છે. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીના તો નાગાલૅન્ડ અને મેઘાલયમાં 27 ફેબ્રુઆરીના મતદાન થયું હતું.

    ક્યાં કોની સરકાર છે

    ત્રણ રાજ્યોમાં ભાજપ સત્તામાં છે અથવા સરકારને સમર્થન આપી રહ્યો છે. મેઘાલયમાં એનડીએની સરકાર છે.

    વર્ષ 2018માં ભાજપે નેશનલ પીપલ્સ પાર્ટી સાથે મળીને સરકાર ચલાવવાની રજૂઆત કરી હતી.

    નાગાલૅન્ડમાં નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી ભાજપ સાથે સરકાર ચલાવી રહી છે. નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી એનડીઓનો ભાગ છે.

    ત્રિપુરામાં ભાજપની સરકાર છે.

  15. મનીષ સિસોદિયા અને જૈન જો ભાજપમાં જોડાઈ જાય તો જેલમાંથી છૂટી જશે: કેજરીવાલ

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે દાવો કર્યો હતો કે જો મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ભાજપમાં જોડાઈ જાય તો તેઓ જેલમાંથી છૂટી જશે.

    કેજરીવાલે આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટીને રોકવા માટે આ ધરપકડ કરવામાં આવી છે.

    તેમણે કહ્યું કે તેઓ (ભાજપ) કામ રોકવા માંગે છે, પરંતુ બંને મંત્રીઓની ધરપકડ છતાં કામ અટકશે નહીં.

    તેમણે કહ્યું, "અમે કામ અટકવા નહીં દઈએ. અમારી પાસે પ્રતિભાની કોઈ કમી નથી. તમે ધરપકડ કરશો તો અમે તેમની જગ્યાએ વધુ સારા મંત્રી બનાવીશું."

    એક પ્રેસ કૉન્ફરન્સમાં કેજરીવાલે કહ્યું, “અમે પંજાબમાં જીત્યા તે તેમનાથી સહન ન થયું. 'આપ'નું તોફાન છે જેને તેઓ રોકી શકતા નથી, જેનો સમય આવી ગયો તેને કોઈ રોકી શકે તેમ નથી અને 'આપ'નો સમય આવી ગયો છે.”

    તેમણે કહ્યું, “દારૂ નીતિ એક બહાનું છે, તેમાં કોઈ કૌભાંડ નથીથયું. વાસ્તવમાં વડા પ્રધાન ઈચ્છે છે કે દિલ્હીમાં જે સારું કામ થઈ રહ્યું છે તે બંધ થઈ જાય. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે અમે જે શ્રેષ્ઠ કામ કર્યું છે, તેઓએ બંને મંત્રીઓને જેલમાં ધકેલી દીધા. હું ખાતરી આપું છું કે દિલ્હીનું કામ અટકશે નહીં.”

    બીજી તરફ મનીષ સિસોદિયાની ધરપકડ બાદ ભારતીય જનતા પાર્ટી પણ અરવિંદ કેજરીવાલને આકરા સવાલો કરી રહી છે.

  16. નમસ્કાર!બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    1 માર્ચ સમાચાર વાંચવા માટેઅહીં ક્લિકકરો.