મહિલા ટી20 વર્લ્ડકપ ફાઇનલ: ઑસ્ટ્રેલિયા છઠ્ઠી વાર ચૅમ્પિયન, દક્ષિણ આફ્રિકાને 19 રને હરાવ્યું
આ સાથે ઑસ્ટ્રેલિયા છઠ્ઠી વાર મહિલા ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે. આ પૂર્વે ઑસ્ટ્રેલિયાએ 6 ફાઈનલ પૈકી પાંચમાં જીત મેળવી હતી.
જ્યારે યજમાન દક્ષિણ આફ્રિકા માટે પુરુષ અને મહિલા ક્રિકેટ બંનેના ઇતિહાસમાં પ્રથમ વખત વર્લ્ડકપની ફાઇનલ રમવાનો અવસર હતો.
યજમાન દક્ષિણ આફ્રિકાના કેપટાઉનના ન્યૂલૅન્ડ્સ મેદાન રમાયેલી ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી હતી.
ઑસ્ટ્રેલિયાએ 6 વિકેટ ગુમાવીને 156 રન બનાવ્યા હતા.
ઑસ્ટ્રેલિયાનો દક્ષિણ આફ્રિકાને જીત માટે 157 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં દક્ષિણ આફ્રિકા 6 વિકેટે માત્ર 137 રન બનાવી શક્યું હતું.
દક્ષિણ આફ્રિકાએ ઑસ્ટ્રેલિયાની નિયમિત અંતરે વિકેટ ખેરવી હતી. જોકે બેથ મૂની પોતાની વિકેટ બચાવામાં સફળ રહ્યાં હતાં. મૂનીએ 53 બૉલમાં અણનમ 74 રન ફટકાર્યા હતા.
ઑસ્ટ્રેલિયા તરફથી ઑપનર એલિસા હેલીએ 20 બૉલમાં 18 રન, આક્રમક બૅટર અને ઊંચા શૉટ મારવા માટે જાણીતાં ગાર્ડનરે 21 બૉલમાં 29 રન, ગ્રેસ હૅરિસે 9 બૉલમાં 10 રન બનાવ્યા હતા.
દક્ષિણ આફ્રિકા તરફથી બૉલર શબનીમે અને મેરીઝાનેએ 2-2 વિકેટ ઝડપી હતી.
દક્ષિણ આફ્રિકા તરફથી તઝમીને 17 બૉલમાં 10 રન, મેરીઝાને 11 બૉલમાં 11 રન કર્યાં હતાં. જ્યારે કપ્તાન સુને લૂસ 5 બૉલમાં માત્ર 2 રન બનાવીને રન આઉટ થયાં હતાં.
એક તબક્કે આફ્રિકાએ 10.4 ઓવરમાં માત્ર 54 રન બનાવીને 3 વિકેટ ગુમાવી દીધી હતી. લૉરા વુલવર્ટે એક છેડો સાચવીને 43 બૉલમાં અર્ધશતક પૂરૂ કર્યું હતું અને મૅચનો રોમાંચ જાળવી રાખ્યો હતો.
પરંતુ તેઓ 48 બૉલમાં 61 રન બનાવીને આઉટ થઈ ગયા હતા.
ક્લૉ ટ્રિયોને 23 બૉલમાં 25 રન કર્યા હતા. અન્ય કોઈ દક્ષિણ આફ્રિકી બૅટર ઑસ્ટ્રેલિયન બૉલરનો સામનો કરીને ઝડપી રન બનાવવામાં નિષ્ફળ નીવડ્યાં હતાં.
ઑસ્ટ્રેલિયાએ ચુસ્ત ફિલ્ડિંગનો પણ પરિચય આપ્યો હતો.