મહારાષ્ટ્રઃ 512 કિલો ડુંગળી વેચીને બે રૂપિયા કમાયા
મહારાષ્ટ્રના સોલાપુરમાં રાજેન્દ્ર ચવ્હાણ નામના ખેડૂતને પાંચ ક્વિન્ટલ એટલે કે 500 કિલો ડુંગળી વેચી તો માત્ર બે રૂપિયાનો ચેક મળ્યો.
બોરગાંવના રહેવાસી રાજેન્દ્ર તુકારામે ડુંગળીની દસ બોરી મોકલી હતી, પણ તેમના હાથમાં માત્ર બે રૂપિયાનો ચેક મળ્યો. ચેક મળ્યા બાદ દરેક જગ્યાએ રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, ખેડૂતે આત્મહત્યા કરવાની ધમકી આપી દીધી છે.
તેમણે બે એકર જમીનમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. 17 ફેબ્રુઆરીએ રાજેન્દ્ર 10 થેલા ડુંગળી વેચવા સોલાપુર ગયા હતા.
10 થેલા ડુંગળીનું વજન 512 કિલો હતું, પરંતુ ડુંગળીના ભાવ ઘટવાને કારણે રાજેન્દ્રને રૂ.1 પ્રતિ કિલોનો ભાવ મળ્યો હતો.
ડુંગળી લાવવા, તારવણી કરવા અને તોળવામાં જે ખર્ચો થયો તે પછી રાજેન્દ્રના હાથમાં માત્ર બે રૂપિયા બચ્યા જ હતા.
ચોમાસુ ડુંગળી ફેબ્રુઆરીના અંતમાં આવવાનું શરૂ થાય છે. આ ડુંગળી ભેજને કારણે સંઘરી શકાતી નથી. એટલે આ ડુંગળીના સારા ભાવ આવતા નથી.
જથ્થાબંધ બજારમાં ડુંગળીનો ભાવ 6થી 7 રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે છૂટક બજારમાં 20થી 30 રૂપિયા પ્રતિ કિલો છે.
ઘર વપરાશ માટે સંગ્રહ કરવા માટે માત્ર સૂકી ડુંગળીની જ જરૂર પડે છે, પરંતુ હાલમાં તે બજારમાં ઉપલબ્ધ નથી. આ સૂકી ડુંગળી માર્ચના બીજા અઠવાડિયે બજારમાં આવે એવી ધારણા છે.