કાશ્મીરમાં ભારે હિમવર્ષા વચ્ચે ભારત જોડો યાત્રા પૂર્ણ થવા
પર સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, “હું હંમેશાં સરકારી ઘરમાં રહ્યો છું, મારા માટે આ માળખું ઘર નથી, મારા માટે જીવન જીવવાની રીત
ઘર છે, જેને તમે કાશ્મીરિયત કહો છો તેને હું મારું ઘર માનું છું.”
એક એવો સમય પણ આવ્યો, જ્યારે મને લાગ્યું હતું કે હું નહીં ચાલી શકું- રાહુલ ગાંધી
કાશ્મીરમાં આ સમયે ભારે હિમવર્ષા થઈ રહી છે. આ હિમવર્ષા
વચ્ચે જનતાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું, “તમને ઉનાળામાં
ગરમી નથી લાગતી અને શિયાળામાં ઠંડી નથી લાગતી, આ દેશની શક્તિ છે. જ્યારે પ્રિયંકાએ
મારા મૅસેજની ચિંતા કરી, ત્યારે મારી આંખો ભરાઈ આવી, સામાન્ય રીતે આવું થતું નથી.
આ યાત્રામાં એવું પણ લાગતું હતું કે ખબર નહીં હું કરી શકીશ કે નહીં, પરંતુ હું કરી
શક્યો. એક સમય એવો આવ્યો, જ્યારે મને લાગ્યું કે હું ચાલી નહીં શકું. એ સમયે એક
બાળકી આવી અને કહ્યું, ‘મેં તમારા માટે
કંઈક લખ્યું છે, અત્યારે ના વાંચશો, પછી વાંચજો.’ તેણીએ લખ્યું
હતું કે, તમારા ઘુંટણમાં દુખાવો થાય છે, જ્યારે તમે તેની પર વજન આપો છો, ત્યારે
વધુ દુખે છે. હું તમારી સાથે ચાલી શકતી નથી, કારણ કે મારા માતા-પિતા ચાલવા દેતા
નથી, પરંતુ મને ખબર છે તમે મારી માટે ચાલી રહ્યા છો અને મારું દુખ આ વાંચીને જ
ગાયબ થઈ ગયું.”
“મને નાના બાળકો
મળ્યા જે ભીખ માગતા હતા, તેમની પાસે કપડાં ન હતા હું તેમને ગળે મળ્યો, તેઓ ઠંડીના
કારણે ધ્રુજી રહ્યા હતા, કદાચ તેમને જમવાનું પણ મળ્યું ન હતું. ત્યારે મને થયું કે
જો તેઓ સ્વેટર પહેરી રહ્યા નથી, તો મારે પણ ના પહેરવું જોઈએ.”
“જ્યારે હું ચાલી
રહ્યો હતો, ત્યારે ઘણી મહિલાઓ મને મળીને રડી રહી હતી, પરંતુ તેમાં ઘણી બધી મહિલાઓ
એવી પણ હતી કે તેમની સાથે બળાત્કાર થયો હતો, તેમનું ઉત્પીડન કરાયું હતું. હું
તેમને એવું કહેતો કે પોલીસને જાણ કરી દઉ, ત્યારે તેઓ કહેતા કે ના માત્ર તમને જ કહેવું હતું, પોલીસને કહીશું તો ઘણું નુકસાન
થશે.”
કાશ્મીર જતા પહેલા રાહુલ ગાંધીએ અમને સંદેશ આપ્યો હતો કે હું ઘરે જઈ રહ્યો છું: પ્રિયંકા
કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સંબોધન કરતા કહ્યું હતું કે, “મારા ભાઈ સપ્ટેમ્બરથી કન્યાકુમારીથી અહીં સુધી ચાલતા નીકળ્યા હતા, મને પહેલાં મુશ્કેલ લાગી રહ્યું હતું. પણ જ્યાં જ્યાં તેઓ ગયા ત્યાં લોકો બહાર આવ્યા, એ લોકો બહાર એ માટે આવ્યા કારણ કે દેશના લોકોમાં એક લાગણી છે, દેશના સંવિધાન માટે લાગણી છે. કાશ્મીરની જનતાનો આભાર માનું છું કે તમે અમારું દિલથી સ્વાગત કર્યું.”
“મને અને માતાને રાહુલ ગાંધીએ અહીં આવતા પહેલા સંદેશ મોકલાવ્યો હતો કે મને લાગી રહ્યું છે કે હું મારા ઘરે જઈ રહ્યો છું. મને ગર્વ છે કે કૉંગ્રેસે એક એવી યાત્રા કરી, જેનું સમગ્ર દેશે સમર્થન કર્યું છે.”
રાહુલ તેમના ઘરે આવ્યા છે: મુફ્તી
પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તીએ કહ્યું છે કે, “રાહુલ ગાંધી તમે કહ્યું હતું કે તમે કાશ્મીરમાં આવ્યા છો, અમારા ઘરે આવ્યા છો. મને ઉમ્મીદ છે કે ગોડસેની વિચારધારાએ જમ્મૂ-કાશ્મીર પાસેથી જે છીનવી લીધું છે, તે તેને પાછું મળી જશે. ગાંધીજીએ કહ્યું હતું કે તેઓ જમ્મૂ-કાશ્મીરમાં આશાનું કિરણ જુએ છે, આજે દેશને રાહુલ ગાંધીમાં આ આશાનું કિરણ જોવા મળી રહ્યું છે.”
નેશનલ કૉન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ આ અંગે કહ્યું હતું કે, “અમને તમારી સાથે ચાલવાની તક મળી છે. મને ઉમ્મીદ છે કે તમે પૂર્વથી પશ્ચિમ સુધી ચાલશો. અમને ઉમ્મીદ છે કે અમે તમારી સાથે આગળ ચાલીશું. આ બરફ એક શુભ સંકેત છે, આ અમારા માટે ખુશી અને અજવાળું લઈને આવ્યો છે.”