વધુ એક દુષ્કર્મ કેસમાં આસારામ દોષી જાહેર, અન્ય છ આરોપીઓ નિર્દોષ

ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામને દુષ્કર્મ, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અને ગેરકાયદેસર રીતે ગોંધી રાખવાના ગુનામાં દોષી જાહેર કર્યા છે

લાઇવ કવરેજ

  1. કેન્દ્ર સરકારની નવી ઍડવાઈઝરી: દરરોજ અડધો કલાકનો 'જનહિત કાર્યક્રમ' પ્રસારિત કરવો જરૂરી

    અનુરાગ

    ઇમેજ સ્રોત, ANI

    સોમવારે જારી કરાયેલ ઍડવાઈઝરીમાં, કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે ખાનગી ટીવી ચૅનલોને દરરોજ 30 મિનિટ માટે 'જનહિતના કાર્યક્રમો' પ્રસારિત કરવાનો નિર્દેશ આપ્યો છે.

    સોમવારે પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો એટલે કે પીઆઈબીની વેબસાઈટ પર મુકવામાં આવેલ એક રીલીઝમાં આ માહિતી આપવામાં આવી છે.

    'જાહેર હિતના કાર્યક્રમ'નો અર્થ સ્પષ્ટ કરતાં આ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે સામગ્રી રાષ્ટ્રીય મહત્ત્વ અને સામાજિક સુસંગતતાવાળી હોવી જોઈએ.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    તેમાં શિક્ષણ અને સાક્ષરતાનો પ્રચાર, કૃષિ અને ગામડાઓમાં વિકાસ, આરોગ્ય અને કુટુંબ કલ્યાણ, વિજ્ઞાન અને ટેકનૉલૉજી, મહિલા કલ્યાણ, નબળા વર્ગોનું કલ્યાણ, રાષ્ટ્રીય એકીકરણ, પર્યાવરણ અને સાંસ્કૃતિક વારસાનું રક્ષણ જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે.

    આ રિલીઝ અનુસાર, "ગયા વર્ષે 9 નવેમ્બરે, 'ભારતમાં ટેલિવિઝન ચૅનલોના અપલિંકિંગ અને ડાઉનલિંકિંગ સંબંધિત માર્ગદર્શિકા, 2022' જારી કરવામાં આવી હતી. તેમાં, ખાનગી પ્રસારકોને દરરોજ 30 મિનિટ માટે જનહિતના કાર્યક્રમો પ્રસારિત કરવાની જરૂરિયાત જણાવવામાં આવી હતી.”

    સરકારના જણાવ્યા અનુસાર, "આ સંદર્ભમાં, માહિતી અને પ્રસારણ મંત્રાલયે ખાનગી ટીવી ચૅનલો અને તેમના સંગઠનો સાથે વ્યાપક પરામર્શ કરીને તેમની પાસેથી મળેલી સલાહના આધારે 30 જાન્યુઆરીએ આ ઍડવાઈઝરી જારી કરી છે."

    આ ઍડવાઈઝરીમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે આવી સામગ્રીને 30 મિનિટ સુધી સતત પ્રસારિત કરવી જરૂરી નથી, બલ્કે તેને નાના સ્લૉટમાં પ્રસારિત કરી શકાય છે.

    એટલું જ નહીં, બ્રૉડકાસ્ટર્સે 'બ્રૉડકાસ્ટ સર્વિસ પોર્ટલ' પર દર મહિને ઑનલાઈન રિપોર્ટ જમા કરવાનો રહેશે.

  2. ભારે બરફવર્ષા વચ્ચે રાહુલ ગાંધીનું સંબોધન, કહ્યું- મેં હિંસા જોઈ છે, હું કાશ્મીરીઓનું દુખ સમજું છું

    રાહુલ ગાંધી

    ઇમેજ સ્રોત, ANI

    કાશ્મીરમાં ભારે હિમવર્ષા વચ્ચે ભારત જોડો યાત્રા પૂર્ણ થવા પર સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, “હું હંમેશાં સરકારી ઘરમાં રહ્યો છું, મારા માટે આ માળખું ઘર નથી, મારા માટે જીવન જીવવાની રીત ઘર છે, જેને તમે કાશ્મીરિયત કહો છો તેને હું મારું ઘર માનું છું.”

    એક એવો સમય પણ આવ્યો, જ્યારે મને લાગ્યું હતું કે હું નહીં ચાલી શકું- રાહુલ ગાંધી

    કાશ્મીરમાં આ સમયે ભારે હિમવર્ષા થઈ રહી છે. આ હિમવર્ષા વચ્ચે જનતાને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યું, “તમને ઉનાળામાં ગરમી નથી લાગતી અને શિયાળામાં ઠંડી નથી લાગતી, આ દેશની શક્તિ છે. જ્યારે પ્રિયંકાએ મારા મૅસેજની ચિંતા કરી, ત્યારે મારી આંખો ભરાઈ આવી, સામાન્ય રીતે આવું થતું નથી. આ યાત્રામાં એવું પણ લાગતું હતું કે ખબર નહીં હું કરી શકીશ કે નહીં, પરંતુ હું કરી શક્યો. એક સમય એવો આવ્યો, જ્યારે મને લાગ્યું કે હું ચાલી નહીં શકું. એ સમયે એક બાળકી આવી અને કહ્યું, ‘મેં તમારા માટે કંઈક લખ્યું છે, અત્યારે ના વાંચશો, પછી વાંચજો.’ તેણીએ લખ્યું હતું કે, તમારા ઘુંટણમાં દુખાવો થાય છે, જ્યારે તમે તેની પર વજન આપો છો, ત્યારે વધુ દુખે છે. હું તમારી સાથે ચાલી શકતી નથી, કારણ કે મારા માતા-પિતા ચાલવા દેતા નથી, પરંતુ મને ખબર છે તમે મારી માટે ચાલી રહ્યા છો અને મારું દુખ આ વાંચીને જ ગાયબ થઈ ગયું.”

    “મને નાના બાળકો મળ્યા જે ભીખ માગતા હતા, તેમની પાસે કપડાં ન હતા હું તેમને ગળે મળ્યો, તેઓ ઠંડીના કારણે ધ્રુજી રહ્યા હતા, કદાચ તેમને જમવાનું પણ મળ્યું ન હતું. ત્યારે મને થયું કે જો તેઓ સ્વેટર પહેરી રહ્યા નથી, તો મારે પણ ના પહેરવું જોઈએ.”

    “જ્યારે હું ચાલી રહ્યો હતો, ત્યારે ઘણી મહિલાઓ મને મળીને રડી રહી હતી, પરંતુ તેમાં ઘણી બધી મહિલાઓ એવી પણ હતી કે તેમની સાથે બળાત્કાર થયો હતો, તેમનું ઉત્પીડન કરાયું હતું. હું તેમને એવું કહેતો કે પોલીસને જાણ કરી દઉ, ત્યારે તેઓ કહેતા કે ના માત્ર તમને જ કહેવું હતું, પોલીસને કહીશું તો ઘણું નુકસાન થશે.”

    ભારત જોડો યાત્રા

    ઇમેજ સ્રોત, AICC

    કાશ્મીર જતા પહેલા રાહુલ ગાંધીએ અમને સંદેશ આપ્યો હતો કે હું ઘરે જઈ રહ્યો છું: પ્રિયંકા

    કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ સંબોધન કરતા કહ્યું હતું કે, “મારા ભાઈ સપ્ટેમ્બરથી કન્યાકુમારીથી અહીં સુધી ચાલતા નીકળ્યા હતા, મને પહેલાં મુશ્કેલ લાગી રહ્યું હતું. પણ જ્યાં જ્યાં તેઓ ગયા ત્યાં લોકો બહાર આવ્યા, એ લોકો બહાર એ માટે આવ્યા કારણ કે દેશના લોકોમાં એક લાગણી છે, દેશના સંવિધાન માટે લાગણી છે. કાશ્મીરની જનતાનો આભાર માનું છું કે તમે અમારું દિલથી સ્વાગત કર્યું.”

    “મને અને માતાને રાહુલ ગાંધીએ અહીં આવતા પહેલા સંદેશ મોકલાવ્યો હતો કે મને લાગી રહ્યું છે કે હું મારા ઘરે જઈ રહ્યો છું. મને ગર્વ છે કે કૉંગ્રેસે એક એવી યાત્રા કરી, જેનું સમગ્ર દેશે સમર્થન કર્યું છે.”

    રાહુલ તેમના ઘરે આવ્યા છે: મુફ્તી

    પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તીએ કહ્યું છે કે, “રાહુલ ગાંધી તમે કહ્યું હતું કે તમે કાશ્મીરમાં આવ્યા છો, અમારા ઘરે આવ્યા છો. મને ઉમ્મીદ છે કે ગોડસેની વિચારધારાએ જમ્મૂ-કાશ્મીર પાસેથી જે છીનવી લીધું છે, તે તેને પાછું મળી જશે. ગાંધીજીએ કહ્યું હતું કે તેઓ જમ્મૂ-કાશ્મીરમાં આશાનું કિરણ જુએ છે, આજે દેશને રાહુલ ગાંધીમાં આ આશાનું કિરણ જોવા મળી રહ્યું છે.”

    નેશનલ કૉન્ફરન્સના નેતા ઉમર અબ્દુલ્લાએ આ અંગે કહ્યું હતું કે, “અમને તમારી સાથે ચાલવાની તક મળી છે. મને ઉમ્મીદ છે કે તમે પૂર્વથી પશ્ચિમ સુધી ચાલશો. અમને ઉમ્મીદ છે કે અમે તમારી સાથે આગળ ચાલીશું. આ બરફ એક શુભ સંકેત છે, આ અમારા માટે ખુશી અને અજવાળું લઈને આવ્યો છે.”

  3. દુષ્કર્મ કેસમાં આસારામ દોષી જાહેર, અન્ય છ આરોપીઓ નિર્દોષ

    Asaram

    ઇમેજ સ્રોત, ANI

    હાલ જોધપુર જેલમાં દુષ્કર્મના કેસમાં દોષીત સાબિત થઈને સજા કાપી રહેલા સંત તરીકે ઓળખાતા આસારામ બાપુને ગાંધીનગરની સેશન્સ કોર્ટે આજે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના ગુના માટે દોષીત જાહેર કર્યા છે. આવતીકાલ 31 જાન્યઆરીએ આસારામને સજાની જાહેરાત થશે.

    આ વિશે માહિતી આપતા ફરીયાદ પક્ષના સરકારી વકીલ રિતેશ વ્યાસે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, "આ કેસમાં પ્રોસિક્યૂશનના (ફરિયાદ પક્ષના) આરોપો ધ્યાનમાં લઈને કોર્ટે આ કેસના આરોપી નંબર એકને આસારામને ગેરકાયદેસર અટકાયત, દુષ્કર્મ, સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય માટે દોષીત જાહેર કર્યા છે. તેમને આવતીકાલે સજા સંભળાવવામાં આવશે."

    વર્ષ 2013માં નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદના કેસની સુનાવણીમાં 30 જાન્યુઆરીના રોજ આ ચૂકાદો આપવામાં આવ્યો છે.

    આ મામલે આસારામના બચાવ પક્ષના વકીલ સીબી ગુપ્તાએ જણાવ્યું હતું કે, "કોર્ટે કયા આધારે તેમને દોષી જાહેર કર્યા છે, તેની વિગતો ચુકાદાની વિગતોના અભ્યાસ બાદ જ ખબર પડશે. હાલ અમારી પાસે ચુકાદાની નકલ આવી નથી. અમે આ ચુકાદા વિરુદ્ધ હાઇકોર્ટમાં અપીલ કરીશું. "

    આ કેસમાં આસારામ સિવાયના અન્ય છ આરોપીઓ જેમાં આસારામના પત્ની, તેમના દીકરી અને આશ્રમની સેવિકાઓનો સમાવેશ થાય છે, તેમને કોર્ટે શંકાનો લાભ આપીને નિર્દોષ મુક્ત કર્યા છે.

  4. બ્રેકિંગ, પેશાવરની મસ્જિદમાં બ્લાસ્ટ, 28નાં મોત, 150થી વધુ ઘાયલ

    પેશાવરમાં મસ્જિદમાં બ્લાસ્ટ

    ઇમેજ સ્રોત, Social Media

    પાકિસ્તાનના પેશાવર શહેરની મસ્જિદમાં નમાજ દરમિયાન વિસ્ફોટ થયો છે. સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે વિસ્ફોટમાં ઘણા લોકો ઘાયલ થયા છે.

    ખૅબર પખ્તૂનખ્વાના ગવર્નર હાજી ગુલામ અલીએ પેશાવરમાં થયેલા વિસ્ફોટની નિંદા કરી છે. તેઓએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "અત્યારસુધી 28 લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે 150થી વધુ લોકો ઘાયલ છે."

    તેમના કહેવા અનુસાર, હજુ પણ ઘણા લોકો ઈમારતની નીચે દબાયેલા છે.

    હાજી ગુલામ અલીએ ઈજાગ્રસ્તો માટે તાત્કાલિક રક્તદાન કરવાની પણ અપીલ કરી છે.

    પેશાવરની લેડી રીડિંગ હૉસ્પિટલના પ્રવક્તા ડૉ. મોહમ્મદ આસિમના જણાવ્યા અનુસાર ઘાયલોમાં કેટલાકની હાલત નાજુક છે અને મોટાભાગના ઘાયલોની હાલત સ્થિર છે.

    પ્રવક્તાના જણાવ્યા અનુસાર ઘાયલોમાં પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. ઘણા ઘાયલોને અન્ય હૉસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે.

    ડૉ.આઝમના જણાવ્યા અનુસાર લેડી રીડિંગ હૉસ્પિટલની હાલતને જોતા ઈમરજન્સી લાગુ કરવામાં આવી છે.

    પેશાવર વિસ્ફોટ પર પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન અને પીટીઆઈના અધ્યક્ષ ઈમરાન ખાને કહ્યું, "પેશાવર પોલીસ લાઈન્સની મસ્જિદમાં થયેલા વિસ્ફોટની સખત શબ્દોમાં નિંદા કરું છું. પીડિતોના પરિવારજનો પ્રત્યે સંવેદના."

    "આતંકવાદના ખતરાનો સામનો કરવા માટે જરૂરી છે કે આપણે આપણા ગુપ્તચર તંત્રમાં સુધારો કરીએ અને આપણી પોલીસને પર્યાપ્ત શસ્ત્રોથી સજ્જ કરીએ."

    બચાવકર્મીઓએ બીબીસીને જણાવ્યું કે વિસ્ફોટમાં 20થી વધુ લોકો ઘાયલ થયા છે અને ઘાયલોમાં કેટલાકની હાલત ખૂબ જ ગંભીર છે.

    ઈસ્લામાબાદના આઈજીએ પેશાવરમાં થયેલા વિસ્ફોટ બાદ હાઈ એલર્ટ જાહેર કર્યું છે.

    મહત્વની ઈમારતો અને મહત્વના પોઈન્ટ પર સ્નાઈપર્સ તૈનાત કરવામાં આવ્યા છે. નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ ઘરની બહાર નીકળતી વખતે જરૂરી દસ્તાવેજો પોતાની સાથે રાખે.

    બદલો X કન્ટેન્ટ, 1
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 1

    ઘટનાસ્થળની સ્થિતિ કેવી છે?

    પાકિસ્તાનની ટીવી ચેનલો પર આવી રહેલી તસવીરોમાં ઘણી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચતી જોવા મળી રહી છે.

    તસવીરોમાં ભારે પોલીસની હાજરી જોવા મળે છે.

    પાકિસ્તાનની ખાનગી ન્યૂઝ ચેનલ જિયો ટીવીએ હૉસ્પિટલને ટાંકીને કહ્યું કે અત્યાર સુધીમાં લગભગ 50 લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

    એક પ્રત્યક્ષદર્શીએ જિયો ટીવીને કહ્યું, "હું મસ્જિદ તરફ જઈ રહ્યો હતો ત્યારે જ બ્લાસ્ટ થયો હતો. એક કમાન તૂટી પડી... નમાઝ હજુ શરૂ જ થઈ હતી. બહુ મોટો બ્લાસ્ટ થયો હતો. હું મસ્જિદમાં પ્રવેશવાનો જ હતો. ઘણા પોલીસકર્મીઓ પણ નમાજ પઢવા અહીં આવે છે."

    બદલો X કન્ટેન્ટ, 2
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 2

    ઉત્તર વઝીરિસ્તાનમાંથી સંસદ સભ્ય મોહસિન દાવરે ટ્વીટ કર્યું, "પેશાવર પર ફરીથી હુમલો કરવામાં આવ્યો છે. પખ્તુનખ્વામાં યુદ્ધ ચાલી રહ્યું છે. પાકિસ્તાન તેની ખોટી અફઘાન નીતિ છોડવા તૈયાર નથી. જેઓ તાલિબાનને સમર્થન આપે છે તેમને જ જવાબદાર ઠેરવવા જોઈએ."

  5. ભારત જોડો યાત્રા પછી વિરોધ પક્ષ રાહુલ ગાંધીને પોતાના નેતા માની લેશે?

  6. જુનિયર ક્લાર્કના પેપર લીક મુદ્દે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે શું કહ્યું?

    હાર્દિક પટેલ

    ઇમેજ સ્રોત, @HardikPatel_

    જુનિયર ક્લાર્કના પેપર લીક મામલે ભાજપના વીરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે નિવેદન આપ્યું છે.

    હાર્દિક પટેલ 2018ના પાસ આંદોલનના એક કેસમાં જામનગરની કોર્ટમાં હાજર થયા હતા.

    જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક વિશે હાર્દિક પટેલે કહ્યું હતું કે આ પ્રકારના બનાવો ના બનવા જોઈએ અને આ અંગે સરકાર ખૂબ ગંભીર છે, તેમજ પગલાં લઈ રહી છે.

    તેમણે કહ્યું કે "આરોપીને પકડવામાં આવ્યા છે, ATSની કામગીરીને ધન્યવાદ છે. કાયદાકીય પગલાં લેવાશે અને સરકાર આ મામલે ખૂબ કડક છે. સરકારની વિદ્યાર્થી પાંખ વિદ્યાર્થીઓના હિતમાં વિરોધ દર્શાવી રહી છે. અમે સરકારના ભાગીદાર છીએ, છતાં હું કહું છું કે આ બાબતે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ."

    ઉલ્લેખનીય છે કે રવિવારે જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવાની હતી, પણ પરીક્ષા પહેલાં પેપર ફૂટી ગયું હતું અને પરીક્ષા રદ કરવામાં આવી હતી.

  7. રાહુલ ગાંધીએ શ્રીનગરના કૉંગ્રેસ કાર્યાલયમાં તિરંગો ફરકાવ્યો, પૂર્ણ થઈ ભારત જોડો યાત્રા

    રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

    ઇમેજ સ્રોત, Congress/ Twitter

    ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી શ્રીનગરમાં

    શ્રીનગરસ્થિત કૉંગ્રેસ કાર્યાલય પર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં તિરંગો ફરકાવ્યો અને રાષ્ટ્રગાન પણ ગાયું.

    આ દરમિયાન ભારે સંખ્યામાં સમર્થકો જોડાયા હતા.

    શ્રીનગરમાં કૉંગ્રેસની ભારત જોડો યાત્રા પૂર્ણ થઈ રહી છે. સપ્ટેમ્બરથી શર થયેલી આ યાત્રા પાંચ મહિના બાદ પૂરી થઈ રહી છે. આ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી શરૂ થઈ હતી.

    શ્રીનગરમાં ગત રાત્રે ભારે બરફ વર્ષા થઈ, રાહુલ ગાંધી ઝંડારોહણના કાર્યક્રમમાં સામેલ થતાં પહેલાં બહેન અને કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પર બરફ ફેંકતા દેખાયા, બદલામાં પ્રિયંકા ગાંધીએ તેમના પર બરફ ફેંક્યો.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  8. સુપ્રીમ કોર્ટ બીબીસીની ડૉક્યુમેન્ટરીની લિંક હટાવવા મામલે સુનાવણી કરશે

    સુપ્રીમ કોર્ટ

    ઇમેજ સ્રોત, Getty Images

    સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી બીબીસીની ડૉક્યુમેન્ટરીના લિંક પર કેન્દ્ર સરકાર તરફથી લાદવામાં આવેલા પ્રતિબંધને પડકાર આપતી અરજીઓ પર છ ફેબ્રુઆરીના સુનાવણી કરશે.

    સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે, “ તેઓ છ ફેબ્રુઆરીના પત્રકાર એન રામ અને વરિષ્ઠ પત્રકાર એન રામ અને વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ તથા અન્યો તરફથી બીબીસી ડૉક્યુમેન્ટરીની લિંકની સાથેના ટ્વીટને હટાવવા અંગે અરજી પર સુનાવણી કરશે.”

    એન રામ અને પ્રશાંત ભૂષણની તરફેણમાં દલીલ કરી રહેલા વરિષ્ઠ વકીલ ચંદેર ઉદયસિંહે આ મુદ્દાને ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડની બૅન્ચની સામે રજૂ કર્યો. તેમણે જણાવ્યું કે પત્રકાર એન રામ અને પ્રશાંત ભૂષણના ટ્વીટ આપાતકાલીન શક્તિઓનો ઉપયોગ કરીને ડિલીટ કર્યું છે.

    આ સિવાય તેમણે અજમેરના એ વિદ્યાર્થીઓનો પણ ઉલ્લેખ કર્યો જેમને ડૉક્યુમેન્ટરીની સ્ક્રીનિંગ કરવાના પ્રયત્નને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

  9. ઑસ્ટ્રેલિયામાં ખાલિસ્તાન સમર્થકો અને ભારતીયો વચ્ચે અથડામણ

    પ્રતીકાત્મક તસવીર

    ઇમેજ સ્રોત, DON EMMERT/AFP VIA GETTY IMAGES

    ઑસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરોમાં ખાલિસ્તાન સમર્થકો તરફથી વારંવાર તોડફોડ કર્યા બાદ હવે ભારતીય લોકો સાથે ઘર્ષણ થવાના સમાચાર ચર્ચાઈ રહ્યા છે.

    ટ્રિબ્યૂન ઇન્ડિયાના અહેવાલ અનુસાર, ઑસ્ટ્રેલિયામાં ખાલિસ્તાન સમર્થકોએ કેટલાક ભારતીયો પર હુમલો કર્યો છે.

    આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ અથડામણમાં પાંચ લોકો ઘાયલ થયા છે, તેઓને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

    સ્થાનિક મીડિયા ગ્રૂપ ઑસ્ટ્રેલિયા ટુડેએ આ મુદ્દા સાથે જોડાયેલો વીડિયો શેર કર્યો છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    અખબાર અનુસાર સિખ ફૉર જસ્ટિસ નામના પ્રતિબંધિત જૂથ દ્વારા કરાવવામાં આવતા જનમત દરમિયાન ભારતીય મીળના લોકો અને ખાલિસ્તાની સમર્થકો વચ્ચે અથડામણ થઈ હોવાનું લખે છે.

    ધ એજ નામના અખબારના અહેવાલ અનુસાર રવિવારના સાંજે સ્થાનિક સમય અનુસાર સાડા ચાર વાગ્યે મેલબર્નમાં મતદાન કેન્દ્ર પાસે ભારતીય સમર્થકોનું જૂથ ભારતના તિરંગા લઈને પહોંચ્યા હતા.

    વિક્ટોરિયા પોલીસે પ્રદર્શનને રોકવા માટે પેપર સ્પ્રે (મરચાંનો સ્પ્રે) વાપર્યો અને 34 વર્ષ તથા 39 વર્ષના બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

    કેટલાક વીડિયોમાં જોઈ શકાય છે કે ખાલિસ્તાની સમર્થકો ભારતીયો પર હુમલો કરી રહ્યા હતા. તેઓ તિરંગો ખેંચીને નુકસાન પહોંચાડતા પણ જોઈ શકાય છે.

    આ વીડિયો પોસ્ટ કરીને ભાજપના નેતા મનજિંદરસિંહ સિરસાએ ટ્વીટ કરીને કહ્યું કે, "હું ઑસ્ટ્રેલિયામાં ખાલિસ્તાની સમર્થકોની ભારતવિરોધી ગતિવિધિઓની ટીકા કરી રહી છે. અસામાજિક તત્ત્વો દેશમાં આ ગતિવિધિઓથી શાંતિ અને સૌહાર્દ્ય બગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને દોષિતોને સજા કરવી જોઈએ."

  10. ન્યૂઝીલૅન્ડ સામે જીત છતાં હાર્દિક પંડ્યાએ પીચ પર ગુસ્સે કેમ થયા

  11. હિંડનબર્ગે અદાણીને આપ્યો જવાબ, 'રાષ્ટ્રવાદ પાછળ છેતરપિંડી છુપાવી ન શકાય'

    ગૌતમ અદાણી

    ઇમેજ સ્રોત, REUTERS/AMIT DAVE

    ઇમેજ કૅપ્શન, ગૌતમ અદાણી

    અમેરિકી ફૉરેન્સિક ફાઇનાન્સિયલ કંપની હિંડનબર્ગે અદાણી ગ્રૂપ દ્વારા આપવામાં આવેલા 413 પાનાંના જવાબ પર તેમની પ્રતિક્રિયા આપી છે.

    હિંડનબર્ગે અદાણી ગ્રૂપ પર પર નાણાકીય ગેરરીતિઓ સાથે જોડાયેલા ગંભીર આરોપ લગાવ્યા હતા.

    આ પછી અદાણી ગ્રૂપના શેરમાં જોરદાર ઘટાડો નોંધાયો હતો.

    અદાણી ગ્રૂપે રવિવારે મોડી સાંજે આ મામલામાં પોતાનો 413 પાનાંનો જવાબ આપ્યો, જેમાં તેઓએ તેને ‘ભારત પર હુમલો’ ગાણાવ્યો હતો.

    ત્યારબાદ હિંડનબર્ગે વળતો જવાબ આપતા કહ્યું છે કે, રાષ્ટ્રવાદ પાછળ છેતરપિંડી છુપાવી શકાય નહીં.

    હિંડનબર્ગે તેની વેબસાઇટ પર પ્રકાશિત જવાબમાં લખ્યું છે કે, “અદાણી ગ્રૂપે રાષ્ટ્રવાદી રંગ આપીને અને અમારા અહેવાલને 'ભારત પર ગણતરીપૂર્વકનો હુમલો' ગણાવીને વાસ્તવિક મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કર્યો છે. ટૂંકમાં, અદાણી જૂથે તેની અને તેના ચૅરમૈન ગૌતમ અદાણીની સંપત્તિમાં જંગી વૃદ્ધિને ભારતની સફળતા સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે."

    “અમે આ સાથે સહમત છીએ. સ્પષ્ટપણે અમે માનીએ છીએ કે ભારત એક સમૃદ્ધ લોકશાહી તેમજ ઉજ્જવળ ભવિષ્ય સાથે ઊભરતી મહાશક્તિ છે. અમે એ પણ માનીએ છીએ કે અદાણી ગ્રૂપ ભારતીય ધ્વજની આડમાં ભારતને લૂટી રહ્યું છે.”

    આ રિપોર્ટ સામે આવ્યા બાદ એક અંદાજા અનુસાર, અદાણી ગ્રૂપની માર્કેટ પૂંજીમાં ચાર લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

    અદાણી ગ્રૂપ

    ઇમેજ સ્રોત, GETTY IMAGES

    ધ હિન્દુના અહેવાલ અનુસાર, અદાણી ગ્રૂપે આ રિપોર્ટને ‘ભારત અને તેના સ્વતંત્ર સંસ્થાઓ પર એક હુમલો’ ગણાવ્યો છે.

    રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, “આ માત્ર કોઈ ચોક્કસ કંપની પર અનિચ્છનીય હુમલો નથી, પરંતુ તે પરંતુ તે ભારતની મહત્વાકાંક્ષાઓ અને ભારત અને તેની સંસ્થાઓની ગુણવત્તા, ઈમાનદારી અને સ્વતંત્રતા સાથેની તેની વિકાસગાથા પર આયોજિત હુમલો છે.”

    અદાણી ગ્રૂપના સીએફઓ જુગેશિંદર સિંહે અંગ્રેજી અખબાર ઇકોનૉમિક ટાઇમ્સ સાથેના ઇન્ટરવ્યૂમાં આ કથિત હુમલા સાથે જોડાયેલા સવાલોના જવાબ આપ્યા છે.

    આ રિપોર્ટ પાછળ કોઈ કંપનીની સંડોવણી અંગેની અટકળો પર જુગેશિંદર સિંહે કહ્યું છે કે, “અમે અનુમાન કરવા માંગતા નથી કે આની પાછળ કોનો હાથ છે. અમે ક્યારેય આવું કરવાનું વિચાર્યું ન હતું. એવામાં અમે માનીએ છીએ કે બીજી કૉર્પોરેટ કંપનીઓ પણ આ પ્રકારના કામ કરી શકતી નથી.”

    “જોકે આ પાછળ કોઈ છે તો તે આખરે સામે આવશે અને આ સમજ્યા બાદ અમે તેની સાથે કડક કાર્યવાહી કરીશું, પરંતુ પ્રક્રિયાના રૂપમાં આ પ્રકારના રિપોર્ટ રજૂ કરતા પહેલા (જે અમારા કિસ્સામાં જૂઠું બોલવાનો અને તથ્યોને ખોટી રીતે રજૂ કરવાનો પ્રયાસ છે) આવા રિપોર્ટ સંબંધિત પક્ષો સાથે શેર કરવામાં આવે છે, જે સ્ટૉકને શૉર્ટ કરતા હોય છે.”

    કોઈ કંપનીના સ્ટૉકને શૉર્ટ કરવાનો આશ્રય નાણાકીય માર્કેટમાં એ કંપનીની નાણાકીય સ્થિતિ વધુ ખરાબ થવાની ધારણા કરવાનો હેતુ છે.

    આ ઇન્ટરવ્યૂમાં જ્યારે જુગેશિંદર સિંહને પૂછવામાં આવ્યું હતું કે, શું અદાણી ગ્રૂપ તરફથી આ મુદ્દે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)નો સંપર્ક કરવામાં આવ્યો હતો કે તેમના તરફથી સંપર્ક કરાયો હતો?

    આ સવાલ પર સિંહે કહ્યું હતું કે, “અમારું જૂથ અને સંસ્થાપક સિદ્ધાંત કોઈ પણ સટ્ટાકીય પ્રવૃત્તિમાં સામેલ નથી. અમારું સંપૂર્ણ ધ્યાન અમારા દ્વારા તૈયાર કરવામાં આવેલી સંપત્તિઓ અને તેને વધુ સારી રીતે ચલાવવામાં લાગેલું છે.”

    “આ અમારી તાકાત રહી છે, ન કે નિયામક સંસ્થાઓ પાસે જવું. જ્યારે અમે તેને સંપૂર્ણ રીતે સમજી લઈશું કે કંઈક એવું છે જે નિયમનકારોને કહેવાની જરૂર છે, ત્યારે અમે અમારી માહિતી શેર કરીશું.”

    “જોકે, તેમાં સમય લાગશે અને આ એક ગંભીર મુદ્દાની સારી રીતે સમય અને મહેનતથી યોગ્ય રીતે સમીક્ષા કરવાની જરૂર હોય છે. આવી સ્થિતિમાં, અમે અત્યારે કોઈનો સંપર્ક કર્યો નથી કારણ કે અમારી પાસે પૂરતી સામગ્રી નથી જેનો અમે યોગ્ય રીતે ઉપયોગ કરી શકીએ.”

  12. ભારત-ન્યૂઝીલૅન્ડ ટી-20: ભારતની ટીમ સ્પિનિંગ ટ્રૅક પર પોતાની જ જાળમાં ફસાઈ જવાથી બચી ગઈ, વિધાંશું કુમાર, બીબીસી હિન્દી માટે

    સુર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા

    ઇમેજ સ્રોત, ANI

    લખનૌમાં ભારતે ન્યૂઝીલૅન્ડને 6 વિકેટે હરાવીને ત્રણ મૅચની સિરીઝ એક-એકથી બરાબર કરી લીધી છે. આ પીચ પર ભારતીય બૅટિંગ પણ ખોરવાઈ ગઈ જે સ્પિનરો માટે મદદરૂપ હતી અને કોઈક રીતે ભારતની ટીમ છેલ્લી ઓવરમાં જીતી ગઈ.

    ભારતની ટીમ મૅચ જીતી તો ગઈ, પરંતુ નાના સ્કોરનો પીછો કરતા કરતા ટીમ જે રીતે અટવાઈ ગઈ તેનાથી કૅપ્ટન અને કોચ જરૂર નિરાશ થયા હશે.

    લખનૌની આ પીચે 90ના દાયકાની યાદ અપાવી દીધી, જ્યારે કોઈ ભારતીય પીચ પર માત્ર બૉલ ફેંકવાથી સ્પિન થતી હતી. પિચને એવી જ રીતે તૈયાર કરવામાં આવતી હતી કે સ્પિનર્સને જબરદસ્ત મદદ મળી રહે.

    આ સિરીઝમાં સરેરાશ ટર્ન 3.6 ડિગ્રી રહ્યો છે, જે શ્રીલંકા સામે લગભગ 2.1 ડિગ્રી કરતા ઘણો વધારે છે.

    ભારતમાંથી કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, વૉશિંગ્ટન સુંદર અને દીપક હુડાએ મળીને 13 ઓવર નાંખી અને બધાને 1-1 સફળતા મળી.

    સ્પિનર્સનો દબદબો

    ન્યૂઝીલૅન્ડની બૅટિંગ બીજા ગિયરથી આગળ ન વધી શકી. તેનું મોટું કારણ હતું કે ભારતીય સ્પિનર્સની બૉલિંગ જેણે બૅટર્સને બાંધી રાખ્યા.

    આખરે કીવી ટીમ 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને માત્ર 99 રન બનાવી શકી જે ભારત વિરુદ્ધ ટી20માં તેમનો સૌથી ઓછો સ્કોર છે.

    જ્યાં ભારતીય સ્પિનર્સની મદદ કરતી પિચ પર વિપક્ષની ટીમના બૅટર્સને બાંધીને રાખવાની આશા યોગ્ય હતી, ત્યાં જ ન્યૂઝીલૅન્ડના સ્પિનર્સે પણ કોઈ કસર ન છોડી.

    ન્યૂઝીલૅન્ડે પણ ચારે તરફ સ્પિન અટૅકની રણનીતિ અપનાવી અને પહેલી 10 ઓવરમાં માત્ર પ્રથમ ઓવર જ તેમના ફાસ્ટ બૉલરને મળી.

    આ ઇનિંગમાં કીવીઓ માટે મિચેલ સૅંટનર સિવાય માઇકલ બ્રેસવેલ, ગ્લેન ફિલિપ્સ, ઈશ સોઢી અને ચૅપમૅને બૉલિંગનું સારું ઉદાહરણ આપ્યું.

    ઇનિંગની બીજી ઓવરમાં બ્રેસવેલે બૉલને એટલો ઘૂમાવ્યો કે ભારતીય બૅટ્સમૅનના મનમાં પણ સંશય પેદા થઈ ગયો કે ફરતા બૉલને આગળ વધારીને રમે અથવા ક્રીઝ પર જામેલા રહે.

  13. લખનૌ ટી-20 : ભારતે ન્યૂઝીલૅન્ડને છ વિકેટે હરાવ્યું, છેલ્લી ઓવર સુધી મૅચ રોમાંચક રહી

    સૂર્યકુમાર

    ઇમેજ સ્રોત, ANI

    ભારતે લખનૌમાં રમાયેલી બીજી ટી-20 મૅચમાં ન્યૂઝીલૅન્ડને છ વિકેટથી હરાવી દીધું છે. આ જીત સાથે ભારતે ત્રણ મૅચની સિરીઝમાં 1-1ની બરાબરી કરી લીધી છે.

    ન્યૂઝીલૅન્ડે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં આઠ વિકેટ પર 99 રન કર્યા હતા. ન્યૂઝીલૅન્ડનો કોઈ બૅટ્સમૅન ઝાઝા રન કરી શક્યો નહોતો.

    નાનો સ્કોર હોવા છતાં ન્યૂઝીલૅન્ડને બૉલરોએ સંઘર્ષ કર્યો અને મૅચને અંતિમ ઓવર સુધી લઈ ગયા હતા.

    અંતિમ ઓવરમાં ભારતને જીત માટે છ રન કરવાના હતા. તેમ છતાં ન્યૂઝીલૅન્ડે હથિયાર હેઠાં નહોતાં મૂક્યાં અને પછી છેલ્લા બે બૉલમાં ત્રણ રન કરવાના હતા.

    પાંચમા બૉલે સૂર્યકુમાર યાદવે ચોગ્ગો મારીને ભારતને જીત અપાવી હતી.

    ન્યૂઝીલૅન્ડે રાંચીમાં રમાયેલી પહેલી મૅચ 21 રનથી જીતી હતી. ભારતે હવે સિરીઝમાં બરાબરી કરી લીધી છે. સિરીઝની ત્રીજી મૅચ એક ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે.

  14. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    29 જાન્યુઆરીના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.