IND vs NZ ટી-20 : ભારતીય ટીમ સામે ન્યૂઝીલૅન્ડે મૂક્યું 100 રનનું લક્ષ્ય

હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળની ભારતીય ટીમનું બૉલિંગ આક્રમણ ન્યુઝીલૅન્ડ ઉપર હાવી રહ્યું.

લાઇવ કવરેજ

  1. IND vs NZ ટી-20 : ભારતીય ટીમ સામે ન્યૂઝીલૅન્ડે મૂક્યું 100 રનનું લક્ષ્ય

    ભારત વિ. ન્યૂઝીલૅન્ડ

    ઇમેજ સ્રોત, @PBNS_India

    ભારતને લખનૌ ટી-20માં ન્યૂઝીલૅન્ડે 100 રનનું લક્ષ્ય આપ્યું છે.

    ત્રણ મૅચોની સિરીઝમાં ન્યૂઝીલૅન્ડે પહેલાં બેટિંગ કરી અને 20 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 99 રન બનાવ્યા.

    સિરીઝની પ્રથમ મૅચમાં જીત હાંસલ કરનારી ન્યૂઝીલૅન્ડની ટીમે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી પરંતુ તેનો કોઈ ખેલાડી મોટો સ્કોર નહોતો કરી શક્યો.

    કપ્તાન મિચેલ સેંટનરે 19 રન બનાવ્યા અને તેઓ ટીમના ટૉપ સ્કોરર રહ્યા.

    ભારત માટે અર્શદીપસિંહે બે વિકેટ લીધી. હાર્દિક પંડ્યા, વૉશિંગટન સુંદર, યુજવેન્દ્ર ચહલ, દીપક હુડ્ડા અને કુલદીપ યાદવે એક-એક વિકેટ લીધી.

  2. INDvNZ ટી-20 : ન્યૂઝીલૅન્ડની અડધી ટીમ 60 રનમાં આઉટ

    હાર્દિક પંડ્યા

    ઇમેજ સ્રોત, ANI

    લખનૌના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ન્યૂઝીલૅન્ડ અને ભારત વચ્ચેની બીજી ટી20 મૅચમાં મુલાકાતી ટીમે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

    હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળની ભારતીય ટીમનું બૉલિંગ આક્રમણ ન્યુઝીલૅન્ડ ઉપર હાવી રહ્યું.

    ભારતનો સ્પિન ઍટેક ન્યૂઝીલૅન્ડ પર ભારે પડ્યો હતો.

    વૉશિંગ્ટન સુંદર, દીપક હૂડા, શિવમ માવી, કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલે એક-એક વિકેટ ઝડપી હતી. જ્યારે ન્યૂઝીલૅન્ડના માર્ક ચૅપમૅન કુલદીપ યાદવના થ્રો પર રન આઉટ થયા હતા.

    ચહલે બે ઓવરમાં માત્ર ચાર રન આપ્યા હતા.

    પંદર ઓવરના અંતે ન્યૂઝીલૅન્ડ માત્ર 71 રન બનાવી શક્યું હતું.

  3. ઓડિસા : ગોળીબારમાં ઈજાગ્રસ્ત સ્વાસ્થ્યમંત્રી નબ દાસનું સારવાર દરમિયાન મૃત્યુ

    ઓડિસા

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, ઓડિસાના સ્વાસ્થ્યમંત્રી નબ દાસ

    ઇકૉનૉમિક ટાઇમ્સના અહેવાલ અનુસાર ઓડિસાના સ્વાસ્થ્યમંત્રી નબ દાસનું રવિવારે થયેલા ઘાતક હુમલામાં થયેલ ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયા બાદ ભુવનેશ્વરની અપોલો હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

    ઓડિસા સરકારે રાજ્ય સરકારના સ્વાસ્થ્યમંત્રી નબ દાસ પર થયેલ જીવલેણ હુમલાની તપાસની જવાબદારી ક્રાઇમ બ્રાન્ચને સોંપી હતી.

    સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર અધિકારીઓના હવાલાથી જણાવ્યું કે ક્રાઇમ બ્રાન્ચના વરિષ્ઠ અધિકારીઓને ઘટનાસ્થળે જવાનું કહેવાયું હતું.

    બ્રજરાજનગરના એસડીપીઓ ગુપ્તેશ્વર ભોઈએ પત્રકારોને જણાવ્યું કે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ગોપાલ દાસે મંત્રી પર ખુલ્લેઆમ ફાયરિંગ કર્યું હતું. ઈજાગ્રસ્ત મંત્રીને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.

    નવીન પટનાયક

    ઇમેજ સ્રોત, ANI

    આ પહેલાં એવા રિપોર્ટ આવ્યા હતા કે નબ દાસ પર અજ્ઞાત હુમલાખોરોએ ફાયરિંગ કર્યું હતું.

    મુખ્ય મંત્રી નવીન પટનાયકે મંત્રી પર થયેલા હુમલાની ટીકા કરી હતી.

    સ્વાસ્થ્યવિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે મંત્રીની હાલત ગંભીર છે અને ઝરસુગુડાથી ભુવનેશ્વર માટે તેમને ઍરલિફ્ટ કરાયા હતા. ભુવનેશ્વરની અપોલો હૉસ્પિટલમાં હાલ તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો.

  4. U19 T20 વર્લ્ડ કપ ફાઇનલ : ઇંગ્લૅન્ડે ભારતીય મહિલા ટીમને જીત માટે 69 રનનો પડકાર આપ્યો

    મહિલા

    ઇમેજ સ્રોત, Getty Images

    ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અંડર-19 ટ્વેન્ટી-20 વર્લ્ડકપમાં ઈતિહાસ રચવાના ઉંબરે ઊભી છે.

    ઈંગ્લૅન્ડની મહિલા ટીમે ભારતને ફાઇનલ મૅચ જીતવા માટે 69 રનનો પડકાર આપ્યો છે.

    દક્ષિણ આફ્રિકાના પોચેફસ્ટ્રૉમમાં રમાઈ રહેલી ફાઇનલ મૅચમાં ભારતીય અંડર-19 ટીમનાં કૅપ્ટન શેફાલી વર્માએ ટૉસ જીતીને ઈંગ્લૅન્ડને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.

    ભારતીય બૉલરોએ કૅપ્ટનના નિર્ણયને સાચો સાબિત કર્યો હતો. ઈંગ્લૅન્ડની ટીમનાં ટોપ ઑર્ડરનાં કોઈ પણ બૅટર વિકેટ પર ટકી રહેવાની તાકત બતાવી શક્યાં નહોતાં.

    ઈંગ્લૅન્ડની આખી ટીમ 17.1 ઓવરમાં જ ધ્વસ્ત થઈ ગઈ હતી. ઈંગ્લૅન્ડના ખેલાડીઓ માત્ર 68 રન જ બનાવી શક્યાં હતાં.

    પાંચમા નંબરે બેટિંગ કરવા આવેલાં રિયાન મૅકડૉનાલ્ડ ગે (19 રન), સાતમા નંબરે આવેલાં એલેક્સા સ્ટોનહાઉસ (11 રન) અને નંબર દસ પર બેટિંગ કરવા આવેલા સોફિયા (11 રન) તેમજ ત્રીજા નંબરે આવેલાં એન હૉલૅન્ડ (10 રન) માત્ર ડબલ ડિજિટને પાર કરી શક્યાં હતાં.

    મહિલા

    ઇમેજ સ્રોત, Getty Images

    ભારતની મજબૂત બૉલિંગ

    ટીમનાં અન્ય કોઈ ખેલાડી બે આંકડા સુધી પહોંચી શક્યાં નહોતાં. ઈંગ્લિશ ટીમના પાંચ ખેલાડીઓ માત્ર 39 રનના સ્કોર પર પેવેલિયન પરત ફર્યા હતા.

    ભારત તરફથી ટિટાસ સાધુ, પાર્શ્વી ચોપરા અને અર્ચના દેવીએ બે-બે વિકેટ લીધી હતી.

    ભારતીય ટીમે સેમિફાઇનલમાં ન્યૂઝીલૅન્ડ અને ઇંગ્લૅન્ડને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

  5. બૉક્સ ઑફિસ પર ‘પઠાન’ની કમાણી ચોથા દિવસે 400 કરોડ પાર પહોંચી

    શાહરુખ ખાન

    ઇમેજ સ્રોત, @yrf

    ફિલ્મ ‘પઠાન’ ભારત અને વિદેશોમાં સતત બૉક્સ ઑફિસ પર રેકૉર્ડ તોડી રહી છે.

    યશરાજ ફિલ્મ્સ પ્રમાણે ચાર દિવસમાં ફિલ્મ પઠાને સમગ્ર વિશ્વમાં 429 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

    યશરાજનું કહેવું છે કે ચોથા દિવસે પણ પઠાને 100 કરોડ કરતાં વધુનો બિઝનેસ કર્યો છે.

    ફિલ્મે ભારતમાં 53.25 કરોડ અને ઓવરસીઝમાં 52 કરોડન બિઝનેસ કર્યો.

    માત્ર હિંદી ભાષામાં ચોથા દિવસે પઠાન ફિલ્મે 51.50 કરોડનો બિઝનેસ કર્યો છે.

    જો પ્રથમ ચાર દિવસની વાત કરીએ તો ફિલ્મે ભારતમાં 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

    ફિલ્મ પઠાનમાં સુપરસ્ટાર શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જૉન અબ્રાહમ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે.

    શાહરુખ ખાન આ ફિલ્મ થકી ચાર વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર પરત ફર્યા છે.

  6. નોવાક જોકોવિચે ઑસ્ટ્રેલિયન ઓપનમાં રચ્યો ઇતિહાસ, રેકૉર્ડ દસમી વખત જીત્યો ખિતાબ

    જીતની ઉજવણી કરી રહેલા નોવિક જોકોવિચ

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, જીતની ઉજવણી કરી રહેલા નોવિક જોકોવિચ

    ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે ઑસ્ટ્રેલિયન ઓપનમાં નવો ઇતિહાસ રચ્યો છે. તેમણે દસમી વખત ઑસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો છે.

    આ સાથે જ તેઓ ગ્રાન્ડ સ્લેમ જીતવાના મામલે સ્પેનના રફાલ નડાલની બરોબરી પર આવી ગયા છે. બંનેના નામે 22-22 ગ્રાન્ડ સ્લૅમ છે.

    સર્બિયાના નોવાક જોકોવિચે ફાઇનલ મુકાબલામાં ગ્રીસના સ્ટફનસ સિટસિપાસને હરાવ્યા.

    તેમણે 3-6 6-7 (4-7) 6-7 (5-7)થી ફાઇનલમાં વિજય હાંસલ કર્યો.

    જીત હાંસલ કર્યા બાદ જોકોવિચ ભાવુક થઈ ગયા. તેઓ રડવા માંડ્યા. તેઓ પોતાનાં માતાના ખભા પર માથું રાખીને રડતા દેખાયા.

    પાછલા વર્ષે કોરોના વૅક્સિન ન લેવાના કારણે તેઓ ઑસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ નહોતા લઈ શક્યા. ત્યારે તેઓ ડિફેન્ડિંગ ચૅમ્પિયન હતા.

    આ વખતે પણ નોવાક જોકોવિચના પિતા સરજાન જોકોવિચને લઈને વિવાદ થયો. તેઓ ટુર્નામેન્ટમાં રશિયાના સમર્થકો સાથે દેખાયા હતા.

    જોકે, બાદમાં નોવાક જોકોવિચે અને તેમના પિતાએ આ મામલે સ્પષ્ટતા કરી અને કહ્યું કે આ મામલાને ખોટી રીતે રજૂ કરાયો છે.

  7. પાકિસ્તાનમાં બે જુદી જુદી દુર્ઘટનાઓમાં 50 કરતાં વધુ લોકોનાં મૃત્યુ

    પાકિસ્તાન

    ઇમેજ સ્રોત, Getty Images

    પાકિસ્તાનમાં રવિવારે બે જુદી જુદી દુર્ઘટનાઓમાં 50 કરતાં વધુ લોકોનાં મૃત્યુ થઈ ગયાં છે.

    બલૂચિસ્તાનના લાસબેલા વિસ્તાર પાસે ક્વેટાથી કરાચી જઈ રહેલ મુસાફરોથી ભરેલ એક બસ ખીણમાં પડી જતાં ઓછામાં ઓછા 41 લોકોનાં મૃત્યું થયાં હતાં.

    પાકિસ્તાન

    લાસબેલાના આસિસ્ટન્ટ કમિશનર હમજા અંજુમ પ્રમાણે, “અત્યાર સુધી 40 મૃતદેહ મળ્યા છે જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમાં એકનું મૃત્યુ થઈ ગયું છે.”

    કેહવાઈ રહ્યું છે કે બસ પહેલાં બ્રિજ પરના એક પિલર સાથે અથડાઈ અને ખીણમાં પડ્યા બાદ તેમાં આગ લાગી ગઈ.

    પાકિસ્તાન

    ઇમેજ સ્રોત, Rescue 1122

    બીજી તરફ, અન્ય એક ઘટનામાં ખૈબર પખ્તૂનખ્વાના કોહાટ પાસે ટાંડા ડૅમમાં એક હોડી ડૂબવાથી દસ બાળકોનાં મૃત્યુ થયાં છે.

    ઘટનામાં મરનારાં બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. તેમની ઉંમર સાતથી 14 વર્ષ વચ્ચે હતી.

    સ્થાનિક પોલીસ અધિકારી મીર રઉફે સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું કે 11 બાળકોને બચાવાયાં છે જેમાંથી છની હાલત ગંભીર છે. હોડી પર સવાર નવ બાળકો હજુ પણ લાપતા છે.

  8. શ્રીનગરના લાલ ચોક પર રાહુલ ગાંધીએ રાષ્ટધ્વજ ફરકાવ્યો

    ભારત જોડો

    ઇમેજ સ્રોત, @bharatjodo

    કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે ભારત જોડો યાત્રા દરમિયાન શ્રીનગરમાં લાલ ચોકના ઘંટાઘરે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો.

    લાલ ચોક પર ત્રિરંગો ફરકાવતી વખતે રાહુલ સાથે તેમનાં બહેન પ્રિયંકા ગાંધી અને રાજ્ય એકમના ઘણા નેતા હાજર હતા.

    ભારત જોડો યાત્રા સાત સપ્ટેમ્બરે તામિલનાડુના કન્યાકુમારીથી શરૂ થઈ હતી. સમગ્ર દેશના 75 જિલ્લાથી પસાર થઈને સોમવારે, 30 જાન્યુઆરીના રોજ તેનું સમાપન થશે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  9. રાજસ્થાન : બીબીસી ડૉક્યુમૅન્ટરી જોનારા વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરીને હૉસ્ટેલમાંથી કાઢી મૂક્યા,

    રાજસ્થાન

    ઇમેજ સ્રોત, BBC/MOHAR_SINGH_MEENA

    રાજસ્થાન કેન્દ્રીય યુનિવર્સિટીમાં ગણતંત્ર દિવસની સાંજેસાત વાગ્યે બીબીસીની મોદી પર બનેલી ડૉક્યુમૅન્ટરી જોવા મામલે દસ વિદ્યાર્થીઓને 14 દિવસ માટે યુનિવર્સિટીથી સસ્પેન્ડ કરી દેવાયા છે. સસ્પેન્ડ કરાયેલા મોટા ભાગના વિદ્યાર્થીઓ દક્ષિણ ભારતના મુસ્લિમ પરિવારોમાંથી આવે છે. આ કાર્યવાહીને યુનિવર્સિટી પ્રશાસને અનુશાસનાત્મક કાર્યવાહી ગણાવી હતી. પરંતુ સસ્પેન્ડ થયેલા વિદ્યાર્થી ડૉક્યુમૅન્ટરી જોવાના કારણએ આવું થયું હોવાનું કહી રહ્યા છે.

    આ મામલે બીબીસીએ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર આનંદ ભાલેરાવ પાસેથી તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઘણા પ્રયત્નો છતાં તેમનો સંપર્ક થયો નહોતો.

    સસ્પેન્ડ થયેલા વિદ્યાર્થીઓએ શું કહ્યું?

    સસ્પેન્ડ થયેલા વિદ્યાર્થીઓને હૉસ્ટેલ અને યુનિવર્સિટીમાંથી કાઢી દેવાયા છે.

    નામ જાહેર ન કરવાની શરતે બીબીસી સાથે વાત કરતાં ગુજરાતમાં રહેતા એક વિદ્યાર્થીએ કહ્યું, “26 જાન્યુઆરીના રોજ મિત્રોએ પોસ્ટર બનાવ્યું કે યુનિવર્સિટીમાં પોસ્ટ ઑફિસ પાસે બીબીસીની મોદી પર બનાવાયેલ ડૉક્યુમૅન્ટરી જોશું. ત્યાં અમે સ્ક્રીન ન લગાવી, સાંજ સાત વાગ્યે ફોન પર જ ડૉક્યુમૅન્ટરી જોઈ રહ્યા હતા.”

    “ત્યાં સુરક્ષાકર્મીઓ પણ હાજર હતા, તેમણે અમને કહ્યું કે ભારતમાં આ પ્રતિબંધિત છે કેમ જોઈ રહ્યા છો. અમે તેમને કહ્યું કે અમે ફોન પર જોઈ રહ્યા છીએ, તે બાદ સિક્યૉરિટીએ પોલીસ બોલાવી લીધી.”

    વિદ્યાર્થીએ જણાવ્યું, “અમને ઊઠવાનું કહેવાયું પરંતુ અમે બેસીને ફોનમાં ડૉક્યુમૅન્ટરી જોઈ રહ્યા હતા. આઠ વાગ્યા સુધી અમે ડૉક્યુમૅન્ટરી જોઈ અને પછી બધા પોતાની હૉસ્ટેલમાં જતા રહ્યા. એ દરમિયાન કોઈ નારાબાજી ન કરાઈ, પરંતુ અમુક સમય સુધી ચર્ચા જરૂર થઈ હતી.”

    “તે બાદ ત્યાં એબીવીપી સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ આવ્યા અને નારા પોકારવા લાગ્યા. આટલી વારમાં હૉસ્ટેલનાં અમુક વૉટ્સઍપ ગ્રૂપમાં એબીવીપીવાળા ચૅટ કરી રહ્યા હતા કે આ આપણી ઓળખ પર ખતરો છે. તમામ બાસ્કેટબૉલ કૉર્ટ પહોંચ્યા, અને નારા પોકારવા લાગ્યા કે અમે દેશવિરોધી પ્રવૃત્તિઓ નહીં થવા દઈએ.”

  10. પાકિસ્તાન : ઇસ્લામાબાદ, રાવલપિંડી સહિત ઘણા વિસ્તારોમાં 6.3ની તીવ્રતાના ભૂકંપના આંચકા

    પાકિસ્તાન

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

    ઇસ્લામાબાદ, રાવલપિંડી અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર સહિત દેશના ઘણા વિસ્તારોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે.

    પાકિસ્તાનના સીસ્મોલૉજિકલ સેન્ટર પ્રમાણે, ભૂકંપનું કેન્દ્ર તાજિકિસ્તાન હતું, સંગઠન પ્રમાણે, ભૂકંપનું ઊંડાણ જમીનની સપાટીના 150 કિલોમીટરે નોંધાયું છે, જ્યારે આની રિક્ટર સ્કૅલ પર તીવ્રતા 6.3 હતી.

    સીસ્મોલૉજિકલ સેન્ટર પ્રમાણે, બેલ્ટના ઉત્તર અને ઉપરના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાય તેવી શક્યતા છે.

    અત્યાર સુધી જાનમાલની નુકસાની અંગે કોઈ સમાચાર નથી મળ્યા. વિસ્તૃત જાણકારીની પ્રતીક્ષા છે.

  11. ઓડિસાના સ્વાસ્થ્યમંત્રી નબ કિશોર દાસ પર જીવલેણ હુમલો

    ઓડિશા

    ઇમેજ સ્રોત, Twitter/Naba Kisore Das

    ઓડિસાના સ્વાસ્થ્યમંત્રી નબ કિશોર દાસ પર રવિવારે જીવલેણ હુમલો થયો છે.

    સમાચાર એજન્સી પીટીઆઈએ પોલીસના સિનિયર અધિકારીના હવાલાથી જણાવ્યું છે કે આ હુમલો ઝારસુગુડા જિલ્લામાં થયો.

    બદલો X કન્ટેન્ટ, 1
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 1

    એએનઆઈ અનુસાર, જિલ્લાના બ્રજરાજનગર પાસે અમુક અજ્ઞાત બદમાશોએ દાસને ગોળી મારી દીધી, જેનાથી તેઓ ગંભીરપણે ઈજાગ્રસ્ત થયા. આ ઘટના ત્યારે થઈ જ્યારે નબ કિશોર દાસ બ્રજરાજનગરની ગાંધી ચોક પર આયોજિત એક કાર્યક્રમમાં સામેલ થવા માટે જઈ રહ્યા હતા.

    ગોળીથી ઈજાગ્રસ્ત થયા બાદ તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. હજુ સુધી આ હુમલા પાછળનું કારણ સ્પષ્ટ નથી થઈ શક્યું.

    બદલો X કન્ટેન્ટ, 2
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 2

    આ હુમલા બાદ વિસ્તારમાં તાણની સ્થિતિ પેદા થઈ ગઈ છે. બીજૂ જનતા દળના સિનિયર નેતા દાસ ઝારસુગુડા વિધાનસભા બેઠકથી 2009થી ધારાસભ્ય છે.

    એએનઆઈ સાથે થયેલ વાતચીતમાં એક પ્રત્યક્ષદર્શી અને વ્યવસાયે વકીલ રામ મોહન રાવે જણાવ્યું કે, “જ્યારે તેઓ આવ્યા ત્યારે ભીડ તેમને લેવા પહોંચી, તેમાં અમુક સુરક્ષાકર્મીઓ સામેલ હતા. એ જ દરમિયાન એક અવાજ આવ્યો અ ભીડમાંથી પોલીસ ઑફિસર દોડીને ભાગ્યો. ભાગવા દરમિયાન તેણે ફાયરિંગ કર્યું, અમને લાગ્યું કે જેણે ગોળી મારી, તેમણે એને લક્ષ્યમાં રાખીને ફાયરિંગ કર્યું હતું. ગોળી છાતીમાં લાગી છે.”

  12. અદાણી ગ્રૂપના શેરમાં એલઆઈસી અને એસબીઆઈના રોકાણ મુદ્દે કેન્દ્ર સરકાર જવાબ આપે: બીઆરએસ

    KTR

    ઇમેજ સ્રોત, ANI

    તેલંગાણામાં સત્તારૂઢ પક્ષ ભારત રાષ્ટ્ર સમિતિએ શનિવારે કહ્યું છે કે અદાણી ગ્રૂપના શેરોમાં એલઆઈસી અને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના મોટા પ્રમાણમાં રોકાણ સાથે જોડાયેલા ગંભીર પ્રશ્નોના જવાબ કેન્દ્રની એનડીએ સરકારે આપવાની જરૂર છે.

    સમાચાર સંસ્થા પીટીઆઈના અહેવાલ અનુસાર, મુખ્યમંત્રી કેસીઆરના પક્ષે આ સવાલ કર્યો છે.

    તેલંગાણા સરકારના મંત્રી કેટી રામારાવે કહ્યું, "એનડીએ સરકારે હિંડનબર્ગ અહેવાલ અનુસાર કેટલાક ગંભીર સવાલોના જવાબ આપવાની જરૂર છે. જીવન વીમા નિગમ (એલઆઈસી) અને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (એસબીઆઈ)ના અનુક્રમે 77 હજાર કરોડ રૂપિયા અને 80 હજાર કરોડ રૂપિયા અદાણી ગ્રૂપના શેરોમાં કેમ રોકવામાં આવ્યા છે? એસબીઆઈ અને એલઆઈસીને આમ કરવા માટે તેમના પર કોણે દબાણ કર્યું હતું? આ સમગ્ર પ્રકરણમાં તેમને કોણ મદદ કરી રહ્યું છે અને કોણ પ્રોત્સાહન આપી રહ્યું છે?"

    કેટી રામારાવ તેલંગાણાના મુખ્ય મંત્રી ચંદ્રશેખર રાવના પુત્ર અને રાજ્ય સરકારમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની બાબતોના મંત્રી છે.

    ભારત રાષ્ટ્ર સમિતિનાં એમએલસી મુખ્ય મંત્રીના દીકરી કવિતાએ એક નિવેદનમાં કહ્યું છે કે, કેન્દ્રે એલઆઈસી, એસબીઆઈ અને સમગ્ર બજાર પર આ ઘટાડા સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબ આપવા જોઈએ.

  13. જ્યાં રોજની 3500થી 4000 રોટલીઓ જમા થાય છે એ રાજકોટની રોટી બૅન્ક શું છે?

  14. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું, પરીક્ષા મોકૂફ

  15. રાષ્ટ્રપતિ ભવનના મુઘલ ગાર્ડનનું નામ બદલીને ‘અમૃત ઉદ્યાન’ કરાયું

    મુઘલ ગાર્ડનનું નામ બદલાયું

    ઇમેજ સ્રોત, @girirajsinghbjp

    રાષ્ટ્રપતિ ભવનમાં સ્થિત મુઘલ ગાર્ડનનું નામ બદલીને ‘અમૃત ઉદ્યાન’ કરવામાં આવ્યું છે.

    સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, રાષ્ટ્રપતિના ડેપ્યુટી પ્રેસ સચિવ નવિકા ગુપ્તાએ કહ્યું હતું કે, “દેશના આઝાદીના 75 વર્ષના પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ ભવનના તમામ બગીચા ‘અમૃત ઉદ્યાન’ તરીકે ઓળખાશે.”

    ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ ટ્વીટ કરીને લખ્યું છે કે, “અમૃતકાલમાં ‘ગુલામીની માનસિકતા’થી બહાર આવવાના ક્રમમાં મોદી સરકારનો વધુ એક ઐતિહાસિક નિર્ણય..રાષ્ટ્રપતિ ભવન સ્થિત ‘મુઘલ ગાર્ડન’ હવે ‘અમૃત ઉદ્યાન’ ના નામથી ઓળખાશે.”

    કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પણ મુઘલ ગાર્ડનનું નામ બદલવાનો એક વીડિયો ટ્વીટ કર્યો છે.

    વીડિયોમાં કેટલાક કર્મચારી અમૃત ઉદ્યાનનું બોર્ડ લગાવી રહ્યા છે.

    બદલો X કન્ટેન્ટ, 1
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 1

    બદલો X કન્ટેન્ટ, 2
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ, 2

    કેવું છે મુઘલ ગાર્ડન

    રાષ્ટ્રપતિ ભવનની વેબસાઇટ અનુસાર, આ ગાર્ડન 15 એકરમાં ફેલાયેલું છે, જેને રાષ્ટ્રપતિ પેલેસની આત્માના રૂપમાં ચિત્રિત કરવામાં આવે છે.

    મુઘલ ગાર્ડનને જમ્મૂ અને કશ્મીરના મુઘલ ગાર્ડન, તાજમહેલના આસપાસના ગાર્ડન, ભારત અને પેરિસના લઘુચિત્રોથી પ્રેરિત છે.

    સર એડવિન લુટ્યેન્સે 1917માં મુઘલ ગાર્ડનની ડિઝાઇનને અંતિમ સ્વરૂપ આપ્યું હતું.

  16. નમસ્કાર!

    બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    28જાન્યુઆરીના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.