રાજસ્થાન કેન્દ્રીય યુનિવર્સિટીમાં
ગણતંત્ર દિવસની સાંજેસાત વાગ્યે બીબીસીની
મોદી પર બનેલી ડૉક્યુમૅન્ટરી જોવા મામલે દસ વિદ્યાર્થીઓને 14 દિવસ માટે
યુનિવર્સિટીથી સસ્પેન્ડ કરી દેવાયા છે. સસ્પેન્ડ કરાયેલા મોટા ભાગના વિદ્યાર્થીઓ
દક્ષિણ ભારતના મુસ્લિમ પરિવારોમાંથી આવે છે. આ કાર્યવાહીને યુનિવર્સિટી પ્રશાસને
અનુશાસનાત્મક કાર્યવાહી ગણાવી હતી. પરંતુ સસ્પેન્ડ થયેલા વિદ્યાર્થી ડૉક્યુમૅન્ટરી
જોવાના કારણએ આવું થયું હોવાનું કહી રહ્યા છે.
આ મામલે બીબીસીએ યુનિવર્સિટીના કુલપતિ
પ્રોફેસર આનંદ ભાલેરાવ પાસેથી તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ
ઘણા પ્રયત્નો છતાં તેમનો સંપર્ક થયો નહોતો.
સસ્પેન્ડ થયેલા વિદ્યાર્થીઓએ શું કહ્યું?
સસ્પેન્ડ થયેલા વિદ્યાર્થીઓને હૉસ્ટેલ અને યુનિવર્સિટીમાંથી કાઢી દેવાયા છે.
નામ જાહેર ન કરવાની શરતે બીબીસી સાથે વાત કરતાં ગુજરાતમાં રહેતા એક વિદ્યાર્થીએ કહ્યું, “26 જાન્યુઆરીના રોજ મિત્રોએ પોસ્ટર બનાવ્યું કે યુનિવર્સિટીમાં પોસ્ટ ઑફિસ પાસે બીબીસીની મોદી પર બનાવાયેલ ડૉક્યુમૅન્ટરી જોશું. ત્યાં અમે સ્ક્રીન ન લગાવી, સાંજ સાત વાગ્યે ફોન પર જ ડૉક્યુમૅન્ટરી જોઈ રહ્યા હતા.”
“ત્યાં સુરક્ષાકર્મીઓ પણ હાજર હતા, તેમણે અમને કહ્યું કે ભારતમાં આ પ્રતિબંધિત છે કેમ જોઈ રહ્યા છો. અમે તેમને કહ્યું કે અમે ફોન પર જોઈ રહ્યા છીએ, તે બાદ સિક્યૉરિટીએ પોલીસ બોલાવી લીધી.”
વિદ્યાર્થીએ જણાવ્યું, “અમને ઊઠવાનું કહેવાયું પરંતુ અમે બેસીને ફોનમાં ડૉક્યુમૅન્ટરી જોઈ રહ્યા હતા. આઠ વાગ્યા સુધી અમે ડૉક્યુમૅન્ટરી જોઈ અને પછી બધા પોતાની હૉસ્ટેલમાં જતા રહ્યા. એ દરમિયાન કોઈ નારાબાજી ન કરાઈ, પરંતુ અમુક સમય સુધી ચર્ચા જરૂર થઈ હતી.”
“તે બાદ ત્યાં એબીવીપી સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ આવ્યા અને નારા પોકારવા લાગ્યા. આટલી વારમાં હૉસ્ટેલનાં અમુક વૉટ્સઍપ ગ્રૂપમાં એબીવીપીવાળા ચૅટ કરી રહ્યા હતા કે આ આપણી ઓળખ પર ખતરો છે. તમામ બાસ્કેટબૉલ કૉર્ટ પહોંચ્યા, અને નારા પોકારવા લાગ્યા કે અમે દેશવિરોધી પ્રવૃત્તિઓ નહીં થવા દઈએ.”