You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાળકને જન્મ આપવાની યોગ્ય ઉંમર 22થી 30 વર્ષ છે : હિમંત બિસ્વા સરમા
ગુવાહાટીમાં એક કાર્યક્રમમાં મુખ્ય મંત્રી સરમાએ બાળવિવાહ અને કિશોરાવસ્થા દરમિયાન ગર્ભાવસ્થા પર રાજ્ય સરકારના કડક વલણ અંગે ફરી વાત કરી.
લાઇવ કવરેજ
ઓડિસાના સ્વાસ્થ્યમંત્રી નબ કિશોર દાસ પર જીવલેણ હુમલો
ઓડિસાના સ્વાસ્થ્યમંત્રી નબ કિશોર દાસ પર રવિવારે જીવલેણ હુમલો થયો છે.
સમાચાર એજન્સી પીટીઆઈએ પોલીસના સિનિયર અધિકારીના હવાલાથી જણાવ્યું છે કે આ હુમલો ઝારસુગુડા જિલ્લામાં થયો.
એએનઆઈ અનુસાર, જિલ્લાના બ્રજરાજનગર પાસે અમુક અજ્ઞાત બદમાશોએ દાસને ગોળી મારી દીધી, જેનાથી તેઓ ગંભીરપણે ઈજાગ્રસ્ત થયા. આ ઘટના ત્યારે થઈ જ્યારે નબ કિશોર દાસ બ્રજરાજનગરની ગાંધી ચોક પર આયોજિત એક કાર્યક્રમમાં સામેલ થવા માટે જઈ રહ્યા હતા.
ગોળીથી ઈજાગ્રસ્ત થયા બાદ તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. હજુ સુધી આ હુમલા પાછળનું કારણ સ્પષ્ટ નથી થઈ શક્યું.
આ હુમલા બાદ વિસ્તારમાં તાણની સ્થિતિ પેદા થઈ ગઈ છે. બીજૂ જનતા દળના સિનિયર નેતા દાસ ઝારસુગુડા વિધાનસભા બેઠકથી 2009થી ધારાસભ્ય છે.
એએનઆઈ સાથે થયેલ વાતચીતમાં એક પ્રત્યક્ષદર્શી અને વ્યવસાયે વકીલ રામ મોહન રાવે જણાવ્યું કે, “જ્યારે તેઓ આવ્યા ત્યારે ભીડ તેમને લેવા પહોંચી, તેમાં અમુક સુરક્ષાકર્મીઓ સામેલ હતા. એ જ દરમિયાન એક અવાજ આવ્યો અ ભીડમાંથી પોલીસ ઑફિસર દોડીને ભાગ્યો. ભાગવા દરમિયાન તેણે ફાયરિંગ કર્યું, અમને લાગ્યું કે જેણે ગોળી મારી, તેમણે એને લક્ષ્યમાં રાખીને ફાયરિંગ કર્યું હતું. ગોળી છાતીમાં લાગી છે.”
બાળકને જન્મ આપવાની યોગ્ય ઉંમર 22થી 30 વર્ષ છે : હિમંત બિસ્વા સરમા
આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાએ શનિવારે કહ્યું કે મહિલાઓ માટે બાળકને જન્મ આપવાની યોગ્ય ઉંમર 22થી 30 વર્ષ હોય છે.
ગુવાહાટીમાં એક કાર્યક્રમમાં મુખ્ય મંત્રી સરમાએ બાળવિવાહ અને કિશોરાવસ્થા દરમિયાન ગર્ભાવસ્થા પર રાજ્ય સરકારના કડક વલણ અંગે ફરી વાત કરી.
તેમણે કહ્યું, “ગર્ભધારણ કરવાની અને બાળકનો જન્મ યોગ્ય વય અને સમયે થવો જોઈએ. આદર્શ સમય 22થી 30 વર્ષ વચ્ચે હોય છે.”
“અમે જલદી માતૃત્વ ધારણ કરવા અંગે વાત કરી રહ્યા છીએ, પરંતુ સામેની બાજુએ મહિલાઓએ ઘણી રાહ પણ ન જોવી જોઈએ જેમ કે ઘણા લોકો કરે છે. ભગવાને આપણા શરીરને એવી જ રીતે બનાવ્યું છે કે દરેક વસ્તુ માટે એક યોગ્ય ઉંમર હોય છે.”
આસામ મંત્રીમંડળે સોમવારે એવો નિર્ણય કર્યો હતો કે જે વ્યક્તિ 14 વર્ષ કરતાં ઓછી ઉંમરની છોકરી સાથે લગ્ન કરશે તેના પર પોક્સો ઍક્ટ અંતર્ગત ગુનો દાખલ થશે.
અત્યાર સુધી 14થી 18 વર્ષની છોકરી સાથે લગ્ન કરનાર વ્યક્તિ પર પ્રોહિબિશન ઑફ ચાઇલ્ડ મૅરેજ ઍક્ટ, 2006 અંતર્ગત ગુનો દાખલ થાય છે.
કૅબિનેટના નિર્ણય અંગે સરમાએ કહ્યું, “હજારો પતિઓની આવનારા પાંચથી છ માસમાં ધરપકડ કરાશે કારણ કે 14 વર્ષ કરતાં ઓછી ઉંમર ધરાવતી છોકરી સાથે યૌન સંબંધ બાંધવા એ અપરાધ છે, પછી ભલે એ વ્યક્તિ કાયદેસર લગ્ન કરેલ પતિ જ કેમ ન હોય.”
આસામ : 21 મહિલાઓ અને બે બાળકો સહિત 68 લોકોને સ્થાયી ડિટેન્શન સેન્ટરમાં શિફ્ટ કરાયા
ભારત સરકારે આસામના ગ્વાલપાડા જિલ્લામાં વિદેશી જાહેર કરાયેલા નાગરિકોને રાખવા માટે બનાવાયેલ સ્થાયી ડિટેન્શન સેન્ટરમાં 68 બંદીઓના પ્રથમ સમૂહને શિફ્ટ કર્યો છે.
આ પહેલાં વિદેશી જાહેર કરાયેલા આ નાગરિક ગ્વાલપાડા જેલની અંદર અસ્થાયી ટ્રાન્ઝિટ કૅમ્પમાં બંધ હતા. ખરેખર આસામમાં આ પહેલાં વિદેશી જાહેર કરાયેલા આ લોકો માટે ડિટેન્શન સેન્ટર જેવી કોઈ વ્યવસ્થા નહોતી. વિદેશી જાહેર કરાયેલ આ નાગરિકોને શિફ્ટ કરવાની વાતની પુષ્ટિ કરતાં જેલ મહાનિરીક્ષક બરનાલી શર્માએ બીબીસીને જણાવ્યું કે, “68 કેદીઓને ગ્વાલપાડાના નવનિર્મિત ટ્રાન્ઝિટ કૅમ્પમાં શિફ્ટ કરાયા છે.”
“આ નવા જાહેર કરાયેલ વિદેશી નથી બલકે આ લોકોને ગ્વાલપાડા જેલમાં બનેલ સ્થાયી ટ્રાંઝિટ કૅમ્પમાં શિફ્ટ કરી રહ્યા છીએ.”
જેલ મહાનિરીક્ષક અનુસાર હવે આ ડિટેન્શન સેન્ટર આધિકારિકપણે ટ્રાંઝિટ કૅમ્પ બની ગયા છે. તેઓ કહે છે કે, “ગ્વાલપાડા જેલ સિવાય આસામમાં કોકરાઝાર, તેજપુર, સિલચર, દિબ્રૂગઢ અને જોરહાટની જેલમાં કુલ છ ટ્રાંઝિટ કૅમ્પ છે જ્યાં હાલ વિદેશી જાહેર કરાયેલા લગભગ 230 કેદી બંધ છે.”
“હવે આ કેદીઓને તબક્કાવાર રીતે માટિયામાં બનેલ નવનિર્મિત સ્થાયી ટ્રાંઝિટ કૅમ્પમાં શિફ્ટ કરી દેવાશે. આને લઈને ગુવાહાટી હાઇકોર્ટનો આદેશ છે અને અમે તેનું પાલન કરી રહ્યા છીએ.”
ગુવાહાટી હાઇકોર્ટના એક આદેશ બાદ જ આસામ સરકારે કેન્દ્ર સરકાર સાથે મસલત કરીને 17 જૂન, 2009ના રોજ રાજ્યમાં ડિટેન્શન સેન્ટર સ્થાપિત કરવા માટે એક નોટિફિકેશન જાહેર કર્યું હતું.
આમ પ્રથમ અસ્થાયી ડિટેન્શન સેન્ટર ગ્વાલપાડા જેલમાં સ્થાપિત કરાયું અને બાદમાં અન્ય પાંચ સેન્ટર શરૂ કરાયાં. હવે ગ્વાલપાડા જિલ્લાના માટિયા ગામની 20 વીઘા જમીન પર તમામ સુવિધાઓ સાથે આ સ્થાયી ટ્રાંઝિટ કૅમ્પનું નિર્માણ કરાયું છે.
કૅમ્પો 46 કરોડ રૂપિયા કરતાં વધુ બજેટમાં બનાવાયા છે જેમાં ત્રણ હજાર કરતાં વધુ ગેરકાયદેસર રીતે રહી રહેલા વિદેશીઓને રાખવાની ક્ષમતા છે.
શાહરુખની ‘પઠાન’ ફિલ્મે 300 કરોડનું કલેક્શન કર્યું, શાહરુખે કમાણી અંગે શું કહ્યું?
શાહરુખ ખાનની ‘પઠાન’ ફિલ્મે પાછલા ત્રણ દિવસોમાં સમગ્ર વિશ્વમાંથી 300 કરોડ રૂપિયા કરતાં વધુની કમાણી થઈ છે.
આ ફિલ્મના કલેક્શન અંગે શાહરુખ ખાને ટ્વીટ કરીને પ્રતિક્રિયા પણ આપી હતી.
એક પ્રશંસકે તેમને ટ્વિટર પર પ્રશ્ન કર્યો હતો કે તેમને આ ફિલ્મના કલેક્શનના સમાચાર સાંભળી કેવું લાગી રહ્યું છે? આના પર શાહરુખે પોતાના આગવા અંદાજમાં ટ્વીટ કરતાં લખ્યું હતું કે, “ભાઈ નંબર તો ફોન કે હોતે હૈં... હમ તો ખુશી ગીનતે હૈ.”
એટલે કે ‘નંબર તો ફોનના હોય છે અમે તો ખુશી ગણીએ છીએ.’
યશરાજ ફિલ્મ્સે જણાવ્યું કે શાહરુખ-દીપિકા સ્ટારર ‘પઠાન’ના હિંદી વર્ઝને રિલીઝના ત્રીજા દિવસે 38 કરોડ રૂપિયા કમાવ્યા છે જ્યારે અન્ય ભાષામાં 1.25 કરોડ રૂપિયાનું કલેક્શન થયું છે. ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ હિંદી સિવાય તામિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થઈ છે.
યશરાજ સ્ટુડિયો તરફથી જાહેર કરાયેલ એક નિવેદનમાં કહેવાયું છે કે, “ભારતમાંથી ત્રીજા દિવસે કૂલ કલેક્શન 39.25 કરોડ રૂપિયાનું છે. આ દરમિયાન ફિલ્મનું ઓવરસીઝ કલેક્શન 43 કરોડ રૂપિયા છે.”
‘પઠાન’ શાહરુખ ખાનની પાછલાં ચાર વર્ષમાં પ્રથમ મોટી રિલીઝ છે.
સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર, ફિલ્મે પ્રથમ દિવસે 106 કરોડ રૂપિયા, બીજા દિવસે 113.6 કરોડ રૂપિયા કલેક્ટ કર્યા હતા ત્રણ દિવસમાં ફિલ્મ ઘરેલુ બજારમાંથી 201 કરોડ રૂપિયા અને ઓવરસીઝમાંથી 112 કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળ રહી છે.
મુરેના પ્લેન ક્રૅશ : પાઇલટના મૃતદેહના ટુકડા મળ્યા, બે યુદ્ધ વિમાનો થયાં દુર્ઘટનાગ્રસ્ત,
મધ્યપ્રદેશના મુરેના જિલ્લાની પોલીસનું કહેવું છે કે તેમને એક પાઇલટના મૃતદેહના અવશેષ મળ્યા છે જ્યારે બે પાઇલટને સુરક્ષિત બચાવી લેવાયા છે.
પાઇલટનો મૃતદેહ મુરેનાના પહાડગઢ ક્ષેત્રથી મળી આવ્યો હતો છે. ઘટનાસ્થળથી બે યુદ્ધ વિમાનોના કાટમાળને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે.
પોલીસનું કહેવું છે કે એક યુદ્ધ વિમાનનો કાટમાળ રાજસ્થાનના રતનગઢમાં પણ પડ્યો છે.
મધ્યપ્રદેશના મુરેના જિલ્લામાં ભારતીય વાયુસેનાનાં બે યુદ્ધ જહાજ – સુખોઈ 30 અને મિરાજ 2000 દુર્ઘટનાગ્રસ્ત થયાં છે.
મુરેનાના પોલીસ અધીક્ષક આશુતોષ બાગરીએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે એક સુખોઈ – 30 અને એક મિરાજ-2000 યુદ્ધ વિમાનોએ ગ્વાલિયર ખાતેથી ઉડાણ ભરી હતી.
તેમણે કહ્યું કે સુખોઈ – 30 યુદ્ધ વિમાનોમાં બે પાઇલટ હતા, તેમજ મિરાજ 2000માં એક પાઇલટ હતા.
આશુતોષ બાગરીએ હવામાં ટક્કર થયાની સંભાવના નકારી છે.
તેમણે કહ્યું કે વાસ્તવિક કારણો ભારતીય વાયુસેનાના અધિકારીઓ દ્વારા તપાસ કરાયા બાદ જ ખબર પડશે.
તેમણે કહ્યું કે બચાવકર્મીઓને મિરાજ 2000 યુદ્ધ વિમાન ઉડાવી રહેલા પાઇલટના શરીરનાં અમુક અંગ પ્રાપ્ત થઈ શકે છે.
બાગરીએ કહ્યું કે અન્ય બે પાઇલટોએ પોતાની જાતને વિમાનમાંથી બહાર કાઢી લીધા હતા અને તેઓ સુરક્ષિત છે. આ બે પાઇલટ સુખોઈ યુદ્ધ વિમાનના હોઈ શકે છે.
મધ્યપ્રદેશના એડીજી આદર્શ કટિયારે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે વિમાન દુર્ઘટનાનાં કારણો હજી ખબર નથી પડી. તેમણે કહ્યું, “હજુ એ સ્પષ્ટ નથી કે વિમાન હવામાં એકબીજા સાથે અથડાયાં હતાં.”
મધ્યપ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ ઘટના પર અફસોસ વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટર પર લખ્યું કે, “મુરેનાના કૈલારસ પાસે વાયુસેનાએ સુખોઈ-30 અને મિરાજ-2000 વિમાનો દુર્ઘટનાગ્રસ્ત થવાના સમાચાર અત્યંત દુ:ખદ છે.”
“મેં સ્થાનિક પ્રશાસને તરત બચાવ અને રાહતકાર્યમાં વાયુસેનાના સહયોગના નિર્દેશ આપ્યા છે. વિમાનોના પાઇલટ સુરક્ષિત રહે તેવી ઈશ્વરને કામના કરું છું.”
મધ્યપ્રદેશમાં સુખોઈ અને મિરાજ ક્રૅશ : બે પાઇલટ સુરક્ષિત, ત્રીજાની શોધ ચાલુ
મધ્યપ્રદેશના મોરેના નજીક ભારતીય વાયુ સેનાના બે યુદ્ધ વિમાનો - સુખોઈ-30 અને મિરાજ-2000 દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયાં છે.
મોરેના જિલ્લા પોલીસ વડા આશુતોષ બાગરીએ ઘટનાની પુષ્ટિ કરી છે.
મધ્યપ્રદેશના એડીજીઆદર્શ કટિયારે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે વિમાન દુર્ઘટનાનું કારણ સ્પષ્ટ થયું નથી. તેમણે કહ્યું, "એ સ્પષ્ટ નથી કે વિમાન હવામાં એકબીજા સાથે અથડાઈ ગયાં હતાં કે નહીં."
આદર્શ કટિયારે જણાવ્યું કે દુર્ઘટનાગ્રસ્ત થયેલા યુદ્ધ વિમાનથી બે પાઈલટે પોતાને અલગ કરી લીધા હતા, પરંતુ ત્રીજા પાઈલટની માહિતી મળી શકી નથી.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, દુર્ઘટના પહેલા ભારતીય વાયુસેનાના બે યુદ્ધ વિમાને ગ્વાલિયર ઍરપોર્ટ પરથી ઉડાન ભરી હતી.
આ ઘટના પર દુખ વ્યક્ત કરતા મધ્યપ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટર પર લખ્યું, "મોરેનાના કૈલારસ પાસે વાયુસેનાના સુખોઈ-30 અને મિરાજ-2000 વિમાનના દુર્ઘટનાના સમાચાર અત્યંત દુઃખદ છે."
"મેં સ્થાનિક વહીવટીતંત્રને ઝડપી બચાવ અને રાહત કાર્યમાં વાયુસેનાને સહકાર આપવા સૂચના આપી છે. વિમાનોના પાઈલટ સુરક્ષિત હોય એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું."
બ્રેકિંગ, સુખોઈ-20 અને મિરાજ-2000 વિમાન મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ક્રૅશ થયાં
મધ્યપ્રદેશના મૌરેના નજીક ભારતીય વાયુ સેનાના બે યુદ્ધ વિમાનો - સુખોઈ-30 અને મિરાજ-2000 દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયાં છે.
સમાચાર સંસ્થા એએનઆઈના અહેવાલ પ્રમાણે ભરતપુર જિલ્લાના કલેક્ટર આલોક રંજને એક ચાર્ટર જેટ દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાની પુષ્ટિ કરી હતી, જોકે એએનઆઈને રક્ષામંત્રાલયના સૂત્રોએ ભારતીય ઍરફોર્સના ફાઇટર જૅટ વિમાનો દુર્ઘટનાગ્રસ્ત થયા હોવાની પુષ્ટિ કરી છે.
આ બ્રેકિંગ ન્યૂઝ છે. વધુ વિગતો મળતાં જ આ સમાચાર અહીં અપડેટ થતા રહેશે.
અમારી સાથે જોડાયેલા રહો.
ભારત-ચીન સરહદ પર ચીનના રાષ્ટ્રપતિના પ્રવાસનો અમેરિકાએ કર્યો વિરોધ
તાજેતરમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પીપલ્સ લિબરેશન આર્મીની તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે ભારત-ચીન સરહદ પર તૈનાત ચીની સૈનિકોને મળ્યા હતા. ત્યારબાદ વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત અને ચીનની સેનામાં તણાવ વચ્ચે અમેરિકાએ તેની પ્રતિક્રિયા આપી છે.
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ અનુસાર, અમેરિકી વિદેશ વિભાગની એક નિયમિત પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન હિન્દુસ્તાન ટાઈમ્સના સંવાદદાતા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ડેપ્યુટી પ્રેસ પ્રવક્તા વેદાંત પટેલે કહ્યું હતું કે, અમેરિકા પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.
પટેલે કહ્યું હતું કે, "અમે હુમલા દ્વારા કોઈપણ જમીન પર દાવાના એકતરફા પ્રયાસોનો વિરોધ કરીએ છીએ. અમેરિકા સૈન્ય અથવા અસૈન્ય રીતે સરહદ પાર સ્થાપિત વાસ્તવિક નિયંત્રણમાં કોઈપણ ફેરફારનો વિરોધ કરે છે."
પટેલે કહ્યું હતું કે, અમેરિકા હાલની દ્વિપક્ષીય ચેનલો દ્વારા ભારત અને ચીન વચ્ચે વિવાદિત સરહદોના મુદ્દાને ઉકેલવાના પ્રયાસોને પ્રોત્સાહિત કરે છે.
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને તેમના અમેરિકન સમકક્ષ જૅક સુલિવન વચ્ચે આવતા અઠવાડિયે ક્રિટિકલ અને ઉભરતી ટેકનૉલૉજી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થવાની છે.
અહેવાલ અનુસાર, આ બેઠક પહેલા અમેરિકાની ભારત-ચીનની સરહદ પરના તણાવ પર આ નિવેદનને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. અમેરિકી વિદેશ મંત્રાલયે ભારત સાથે ટેકનૉલૉજી સહયોગને મહત્ત્વપૂર્ણ ગણાવ્યો છે. જોકે, બંને વચ્ચે આ ટેકનૉલૉજી ટ્રાન્સફર વિવાદાસ્પદ મુદ્દો રહ્યો છે.
અદાણી ગ્રૂપ પરના 106 પાનાંના રિપોર્ટથી એલઆઈસીને મોટો ઝટકો, બે જ દિવસમાં ગુમાવ્યા 16,600 કરોડ
અમેરિકાના હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપના શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ અદાણી સમૂહના શેરોમાં આ ઘટાડાથી એલઆઈસીને જોરદાર ઝટકો લાગ્યો છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, આ રિપોર્ટના કારણે અદાણી ગ્રૂપની માર્કેટ મૂડીમાં શુક્રવારે એક જ દિવસમાં 3.37 લાખ કરોડ રૂપિયાનો ભારે ઘટાડો થયો છે.
જોકે, તેનું પરિણામ જીવન વીમા નિગમ એટલે કે એલઆઈસીને ભોગવવું પડ્યું. દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસીને તેના કારણે 16,627 કરોડ રૂપિયા ગુમાવવા પડ્યા. અદાણી ગ્રૂપની સૌથી મોટી પાંચ કંપનીઓમાં એલઆઈસી સૌથી મોટી સ્થાનિક રોકણકાર છે.
અહેવાલ અનુસાર, લગભગ બે દિવસમાં અદાણી ગ્રૂપની કંપનીઓમાં એલઆઈસીના રોકાણનું મૂલ્ય 22 ટકા ઘટી ગયું છે. શુક્રવારે તેનું મૂલ્ય 72,193 કરોડ રૂપિયા હતું, પરંતુ મંગળવારે (શનિવાર અને રવિવારે શેર માર્કેટમાં કારોબાર બંધ રહે છે) આ ઘટીને 55,565 કરોડ રૂપિયા પર આવી ગયું છે.
આ સાથે જ શુક્રવારે એલઆઈસીના શેરોમાં 3.5 ટકાનો ઘટાડો થયો છે. બે દિવસમાં તેના શેર 5.3 ટકા ઘટી ગયા છે.
અદાણીના કાનૂની સલાહકાર ટીમના પ્રમુખ જતિન જાલુંધવાલાએ કહ્યું છે કે, “રિપોર્ટે ભારતીય શેર માર્કેટમાં જે ઉતારચઢાવ ઊભા કર્યા છે, તે ખૂબ ચિંતાજનક છે અને તેના કારણે ભારતીય નાગરિકોને અયોગ્ય મૂશ્કેલી પડી છે.”
તેઓએ જણાવ્યું હતું કે, “સ્પષ્ટ છે કે આ રિપોર્ટ અને તેના અપ્રમાણિત તથ્ય એ રીતે રજૂ કરવામાં આવ્યા કે તેનો અદાણી ગ્રૂપની કંપનીઓના શેરોની કિંમત પર ખરાબ અસર પડે કારણ કે હિંડનબર્ગ રિસર્ચે માન્યું છે કે અદાણીના શેરોના ઘટાડાથી તેમને ફાયદો થશે.”
હિંડનબર્ગ ‘શોર્ટ સેલિંગ’ ની સ્પેશિયાલિસ્ટ છે એટલે કે તે એવી કંપનીઓના શેરમાં સટ્ટો લગાવે છે જેના ભાવ ઘટવાની અપેક્ષા હોય.
અદાણી ગ્રૂપ ભારતની સૌથી મોટી કંપનીઓમાંથી એક છે અને તેનો કારોબાર કમોડિટી ટ્રેડિંગ, ઍરપોર્ટ, યૂટીલીટી અને રિન્યૂએબલ એનર્જી સહિત ઘણાં ક્ષેત્રોમાં ફેલાયેલો છે.
દુનિયાના અબજપતિઓના ફોર્બ્સ મૅગેઝીનના રીયલ ટાઇમ લિસ્ટ અનુસાર, શેરના મૂલ્યોમાં આવેલા ઘટાડા બાદ શનિવારે અદાણી ગ્રૂપના માલિક ગૌતમ અદાણી 7માં નંબરે રહ્યા હતા.
પ્રથમ ટી-20 મૅચમાં ન્યૂઝીલૅન્ડે ભારતને હરાવ્યું
રાંચીમાં રમાઈ રહેલી ટી-20 મૅચમાં ન્યૂઝીલૅન્ડે ભારતને 21 રનથી હરાવીને ત્રણ મૅચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
ભારતના કૅપ્ટન હાર્દિક પંડ્યાએ ટૉસ જીત્યા બાદ ન્યૂઝીલૅન્ડને પ્રથમ બેટિંગ આપી હતી.
ન્યૂઝીલૅન્ડે 20 ઓવરમાં છ વિકેટ પર 176 રન બનાવ્યા. ન્યૂઝીલૅન્ડને આ સ્કોર સુધી પહોંચાડવામાં ડેરલ મિચલની ઇનિંગ મહત્ત્વની હતી. તેઓએ અણનમ 59 રન (30 બૉલ, ત્રણ ચોક્કા, પાંચ છગ્ગા) બનાવ્યા હતા.
ન્યૂઝીલૅન્ડ માટે ડેવન કૉનવેએ 52, ફિન એલને 35 અને ગ્લેન ફિલિપે 17 રન બનાવ્યા હતા.
ભારત માટે વૉશિંગ્ટન સુંદરે બે વિકેટ ઝડપી હતી. ભારત તરફથી અર્શદીપ સિંહ સૌથી મોંઘા બૉલર સાબિત થયા. તેઓએ ચાર ઓવરમાં 51 રન બનાવ્યા હતા. તેઓએ 20મી ઓવરમાં 27 રન ખર્ચ્યા હતા.
તેની સામે ભારતની શરૂઆત ખરાબ રહી હતી. 15 રનના સ્કોર પર ભારતની ત્રણ વિકેટ પડી ગઈ હતી.
જોકે સૂર્યકુમાર યાદવે ઇનિંગ સંભાળી હતી.તેઓએ 47 રન બનાવ્યા હતા.વૉશિંગ્ટન સુંદરે શાનદાર રમતનું પ્રદર્શન કર્યું અને 50 રન બનાવ્યા, પરંતુ ભારતને જીત અપાવી શક્યા નહીં..
ભારત 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 155 રન જ બનાવી શક્યું. અગાઉ ભારતે ત્રણ મૅચની વનડે શ્રેણીમાં ન્યૂઝીલૅન્ડને 3-0થી માત આપી હતી.
62 વર્ષ બાદ ભારત પાક સાથે તેની જળ સંધિમાં સંશોધન કરવા જઈ રહ્યું છે
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, એક અભૂતપૂર્વ પગલાંમાં ભારતે સિંધુ જળ સંધિ (આઈડબ્લ્યૂટી)માં સંશોધન માટે પાકિસ્તાનને એક નોટિસ આપી છે. એક દ્વિપક્ષીય કરાર જેની પર સપ્ટેમ્બર 1960માં હસ્તાક્ષર કરવામાં આવ્યો હતો અનેત્રણ યુદ્ધો, કારગિલ સંઘર્ષ અને મુંબઈ અને કશ્મીરમાં ઉગ્રવાદી હુમલાથી બચી ગયો હતો.
સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, “સંશોધન માટેની નોટિસનો ઉદ્દેશ પાકિસ્તાનને આઈડબ્લ્યૂટીના ભૌતિક ઉલ્લંઘનને સુધારવા માટે 90 દિવસની અંદર આંતર-સરકારી વાટાઘાટોમાં પ્રવેશવાની તક પુરી પાડવાનો છે.”
સૂત્રોએ કહ્યું છે કે, IWTની કલમ XII (3) અનુસાર સિંધુ જળના સંબંધિત કમિશનરો દ્વારા 25 જાન્યુઆરીએ પાકિસ્તાનને નોટિસ આપવામાં આવી હતી.
શુક્રવારે રાત્રે પાકિસ્તાને કહ્યું હતું કે, જમ્મૂ-કશ્મીરમાં બે હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ્સ પરની તેમના વાંધા અને ચિંતાઓ પર “આર્બિટ્રેશન અદાલત તેની પ્રથમ સુનાવણી ધ હેગમાં કરી રહી છે.” અને “મહત્ત્વપૂર્ણ કાર્યવાહી” માંથી ધ્યાન ન હટવું જોઈએ.
પૂર્વ જેરુસલેમમાં પૂજાસ્થળની બહાર ગોળીબારમાં સાતના મોત, ત્રણ ઘાયલ
પૂર્વ જેરુસલેમમાં એક સિનેગૉગ (યહુદીઓના ધર્મસ્થાન)માં સાત લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે, છેલ્લાં કેટલાક વર્ષોમાં બનેલી આ પ્રકારની આ સૌથી મોટી ઘટના છે.
આ ગોળીબારમાં વધુ ત્રણ લોકો ઘાયલ પણ થયા છે.
આ ઘટના જેરુસલેમના નેવે યાકોવમાં સ્થાનિક સમય અનુસાર રાત્રે લગભગ 8:15 વાગ્યે થઈ. પોલીસે હુમલાખોરને આતંકવાદી ગણાવતા જણાવ્યું હતું કે તેને મારી નાખવામાં આવ્યો છે.
સ્થાનિક મીડિયાએ હુમલાખોરની ઓળખ જેરુસલેમના એ પેલેસ્ટાઇનના શખ્સ તરીકે કરવામાં આવી છે.
ઇઝરાયલના પોલીસ કમિશનર કોબી શબતાઈએ ઘટનાસ્થળ પર આ હુમલા વિશે વાત કરતા કહ્યું કે, આ ઘટના 'તાજેતરના વર્ષોમાં થયેલાં સૌથી ખરાબ હુમલાઓમાંથી એક' છે.
નમસ્કાર!
બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.
તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.
દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.
27જાન્યુઆરીના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.