ફિલ્મમેકર અનુરાગ કશ્યપે ગુરૂવારે કહ્યું કે, “વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની પાર્ટીના
કાર્યકર્તાઓને ફિલ્મો પર ટિપ્પણી કરવાથી દૂર રહેવાની સલાહ આપવામાં વિલંબ કર્યો છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીને સંબોધન દરમિયાન કહ્યું હતું કે, “કાર્યકરોએ સિનેમા જેવા અપ્રાસંગિક મુદ્દાઓ પર
બિનજરૂરી ટિપ્પ્ણી કરવાથી બચવું જોઈએ, કારણ કે તેનાથી પાર્ટીના વિકાસ એજન્ડા પર
વિપરીત અસર પડી શકે છે.”
અનુરાગ કશ્યપની આગામી ફિલ્મ ‘ઑલમોસ્ટ પ્યાર વિથ
ડિજે મહોબ્બત’ ના ટ્રેલરના રિલીઝ
થવા પર તેમને આ સવાલ પૂછવામાં આવ્યો હતો. આ સવાલના જવાબમાં અનુરાગ કશ્યપે કહ્યું
કે, “વડા પ્રધાને તેમના પાર્ટીના
કાર્યકર્તાઓને આપેલી સલાહથી ફરક પડ્યો હોત, જો તેમણે આ વાત ચાર વર્ષ પહેલાં કહી હોત
તો.”
અનુરાગ કશ્યપે કહ્યું, "હવે મને નથી લાગતું કે
આનાથી કંઈ બદલાશે. આ આપણા લોકોને સંયમિત કરવાની વાત છે. વસ્તુઓ હવે હાથમાંથી બહાર
નીકળી ગઈ છે. મને નથી લાગતું કે કોઈ કોઈનું સાંભળશે."
તેમણે પત્રકારોને કહ્યું કે, "જ્યારે તમે ચૂપ રહો છો, ત્યારે તમે
પૂર્વગ્રહો અને નફરતને પ્રોત્સાહન આપો છો. હવે આ બાબતોને એટલી તાકાત મળી ગઈ છે કે
હવે તે પોતે એક તાકાત છે. આ ભીડ હવે આઉટ ઑફ કન્ટ્રોલ છે."
છેલ્લા કેટલાંક વર્ષોમાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ઘણા
વિવાદોના કેન્દ્રમાં રહી છે. ભાઈ-ભત્રીજાવાદ, સેલિબ્રિટી કલ્ચર, ડ્રગ્સનો મુદ્દો
અને સિનેમાના કન્ટેન્ટને લઈને ભૂતકાળમાં ઘણા વિવાદો સામે આવ્યા છે.
શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'ના એક ગીત પરનો વિવાદ આ કડીનો એક ભાગ કહી શકાય
છે, જ્યારે કેટલાક
જૂથોએ ફિલ્મના એક ગીતને હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડનારૂં ગણાવ્યું હતું.
‘ઑલમોસ્ટ પ્યાર વિથ ડીજે મોહબ્બત’ ના પ્રોડ્યુસર શારિક પટેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સલાહને આવકારી હતી અને કહ્યું હતું કે, “આ એક સારી વાત છે અને મને આશા છે કે તેનાથી વધુ સુધારો થશે.”
તેઓએ સ્પષ્ટ કર્યું કે, તેઓ અનુરાગ કશ્યપની દલીલ સાથે સહમત નથી અને કહ્યું કે, "મને આશા છે કે તે ખોટા સાબિત થશે."
આ અંગે અનુરાગ કશ્યપે જવાબ આપ્યો હતો કે, "હું પણ આ વિશે ખોટો સાબિત થવા માંગુ છું. જો હું ખોટો સાબિત થઈશ તો મને ખૂબ આનંદ થશે."
અગાઉ અભિનેતા સુનીલ શેટ્ટીએ ફિલ્મી હસ્તીઓ સાથે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથના એક કાર્યક્રમમાં ફિલ્મોના બહિષ્કારના વલણ પર બોલિવુડને સમર્થન આપતાં કહ્યું હતું કે, “ફિલ્મ ઉદ્યોગ વિશેની ગેરસમજોને સમાપ્ત કરવા અને દર્શકોને થિયેટર સુધી લાવવાની જરૂર છે."
સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે, "આ જે હૅશટૅગ ચાલી રહ્યું છે, હૅશટૅગ બૉયકૉટ બોલિવુડ, તમારા કહેવાથી તે અટકી પણ જશે. લોકો સુધી એ પણ પહોંચવું જરૂરી છે કે અમે સારું કામ પણ કર્યું છે. એક ગંદી માછલી તો ગમે ત્યાં પણ હોઈ શકે છે, પણ એમાં બધાને ન ગણી શકાય. અત્યારે દર્શકોના મનમાં એ છે કે, બોલીવુડ એટલે કે હિન્દી સિનેમા સારી જગ્યા નથી."