અનંત અંબાણી અને રાધિકા મર્ચંટનું વેવિશાળ થયું

ઔદ્યોગિક જૂથ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચંટના મુંબઈમાં અંબાણી પરિવારના ઘર ઍન્ટિલિયામાં સગાઈની વિધિ સંપન્ન કરવામાં આવી હતી.

લાઇવ કવરેજ

  1. અનંત અંબાણી અને રાધિકા મર્ચંટના વેવિશાળ થયું

    અંબાણી પરિવાર

    ઇમેજ સ્રોત, ANI

    ઔદ્યોગિક જૂથ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચંટના મુંબઈમાં અંબાણી પરિવારના ઘર ઍન્ટિલિયામાં સગાઈની વિધિ સંપન્ન કરવામાં આવી હતી.

    થોડા દિવસો પહેલાં જ અંબાણી પરિવાર તરફથી માહિતી આપવામાં આવી હતી કે બન્નેનાં લગ્ન થવાના છે.

    અનંત અંબાણીએ અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે અને તેઓ જિયોના બૉર્ડના સભ્ય હોવા ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ઘણાં પદો પર કામ કરી ચૂક્યા છે. હાલમાં તેઓ રિલાયન્સના ઍનર્જી બિઝનેસનું નેતૃત્વ કરી રહ્યા છે.

    રાધિકાએ ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે અને તેઓ એંકોર હૅલ્થકૅરના બૉર્ડમાં છે. તેઓ એક તાલીમબદ્ધ ભરતનાટ્યમ નૃત્યાંગના પણ છે.

  2. ભાજપના કાર્યકરોને વડા પ્રધાન મોદીની અપીલ પર અનુરાગ કશ્યપે કહ્યું, ભીડ હવે આઉટ ઓફ કન્ટ્રોલ છે

    અનુરાગ કશ્યપ

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, અનુરાગ કશ્યપ

    ફિલ્મમેકર અનુરાગ કશ્યપે ગુરૂવારે કહ્યું કે, “વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની પાર્ટીના કાર્યકર્તાઓને ફિલ્મો પર ટિપ્પણી કરવાથી દૂર રહેવાની સલાહ આપવામાં વિલંબ કર્યો છે.

    સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીને સંબોધન દરમિયાન કહ્યું હતું કે, “કાર્યકરોએ સિનેમા જેવા અપ્રાસંગિક મુદ્દાઓ પર બિનજરૂરી ટિપ્પ્ણી કરવાથી બચવું જોઈએ, કારણ કે તેનાથી પાર્ટીના વિકાસ એજન્ડા પર વિપરીત અસર પડી શકે છે.”

    અનુરાગ કશ્યપની આગામી ફિલ્મ ‘ઑલમોસ્ટ પ્યાર વિથ ડિજે મહોબ્બત’ ના ટ્રેલરના રિલીઝ થવા પર તેમને આ સવાલ પૂછવામાં આવ્યો હતો. આ સવાલના જવાબમાં અનુરાગ કશ્યપે કહ્યું કે, “વડા પ્રધાને તેમના પાર્ટીના કાર્યકર્તાઓને આપેલી સલાહથી ફરક પડ્યો હોત, જો તેમણે આ વાત ચાર વર્ષ પહેલાં કહી હોત તો.”

    અનુરાગ કશ્યપે કહ્યું, "હવે મને નથી લાગતું કે આનાથી કંઈ બદલાશે. આ આપણા લોકોને સંયમિત કરવાની વાત છે. વસ્તુઓ હવે હાથમાંથી બહાર નીકળી ગઈ છે. મને નથી લાગતું કે કોઈ કોઈનું સાંભળશે."

    તેમણે પત્રકારોને કહ્યું કે, "જ્યારે તમે ચૂપ રહો છો, ત્યારે તમે પૂર્વગ્રહો અને નફરતને પ્રોત્સાહન આપો છો. હવે આ બાબતોને એટલી તાકાત મળી ગઈ છે કે હવે તે પોતે એક તાકાત છે. આ ભીડ હવે આઉટ ઑફ કન્ટ્રોલ છે."

    છેલ્લા કેટલાંક વર્ષોમાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ઘણા વિવાદોના કેન્દ્રમાં રહી છે. ભાઈ-ભત્રીજાવાદ, સેલિબ્રિટી કલ્ચર, ડ્રગ્સનો મુદ્દો અને સિનેમાના કન્ટેન્ટને લઈને ભૂતકાળમાં ઘણા વિવાદો સામે આવ્યા છે.

    શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'ના એક ગીત પરનો વિવાદ આ કડીનો એક ભાગ કહી શકાય છે, જ્યારે કેટલાક જૂથોએ ફિલ્મના એક ગીતને હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડનારૂં ગણાવ્યું હતું.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

    ‘ઑલમોસ્ટ પ્યાર વિથ ડીજે મોહબ્બત’ ના પ્રોડ્યુસર શારિક પટેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સલાહને આવકારી હતી અને કહ્યું હતું કે, “આ એક સારી વાત છે અને મને આશા છે કે તેનાથી વધુ સુધારો થશે.”

    તેઓએ સ્પષ્ટ કર્યું કે, તેઓ અનુરાગ કશ્યપની દલીલ સાથે સહમત નથી અને કહ્યું કે, "મને આશા છે કે તે ખોટા સાબિત થશે."

    આ અંગે અનુરાગ કશ્યપે જવાબ આપ્યો હતો કે, "હું પણ આ વિશે ખોટો સાબિત થવા માંગુ છું. જો હું ખોટો સાબિત થઈશ તો મને ખૂબ આનંદ થશે."

    અગાઉ અભિનેતા સુનીલ શેટ્ટીએ ફિલ્મી હસ્તીઓ સાથે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથના એક કાર્યક્રમમાં ફિલ્મોના બહિષ્કારના વલણ પર બોલિવુડને સમર્થન આપતાં કહ્યું હતું કે, “ફિલ્મ ઉદ્યોગ વિશેની ગેરસમજોને સમાપ્ત કરવા અને દર્શકોને થિયેટર સુધી લાવવાની જરૂર છે."

    સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે, "આ જે હૅશટૅગ ચાલી રહ્યું છે, હૅશટૅગ બૉયકૉટ બોલિવુડ, તમારા કહેવાથી તે અટકી પણ જશે. લોકો સુધી એ પણ પહોંચવું જરૂરી છે કે અમે સારું કામ પણ કર્યું છે. એક ગંદી માછલી તો ગમે ત્યાં પણ હોઈ શકે છે, પણ એમાં બધાને ન ગણી શકાય. અત્યારે દર્શકોના મનમાં એ છે કે, બોલીવુડ એટલે કે હિન્દી સિનેમા સારી જગ્યા નથી."

  3. શું ઠંડીમાં હૃદયરોગના હુમલાની શક્યતા વધી જાય છે?

  4. ન્યૂઝીલૅન્ડનાં વડાં પ્રધાન જેસિન્ડા અર્ડન ફેબ્રુઆરીમાં કરશે પદત્યાગ, કહ્યું 'યોગદાન માટે હવે કંઈ ખાસ નથી'

    જેસિંડા અર્ડર્ન

    ન્યૂઝીલૅન્ડનાં વડાં પ્રધાન જેસિન્ડા અર્ડર્ને કહ્યું કે આવતા મહિને તેઓ વડાં પ્રધાન પદનો ત્યાગ કરશે.

    આ જાહેરાત કરતાં તેઓ ભાવુક થઈ ગયાં. તેમણે કહ્યું કે છ વર્ષ સુધી આ પડકારજનક પદને સંભાળવા માટે તેમણે ઘણી મહેનત કરી છે.

    તેમણે કહ્યું કે ત્યાર બાદ હવે આવતા ચાર વર્ષમાં તેમની પાસે યોગદાન કરવા માટે કંઈ ખાસ નથી બચ્યું એટલે તેઓ આવનારી ચૂંટણી નહીં લડે.

    તેમણે કહ્યું કે સાત ફેબ્રુઆરી સુધી તેઓ લેબર પાર્ટીનાં નેતાના પદ પરથી રાજીનામું આપશે જ્યાર બાદ આવનારા દિવસોમાં તેમના ઉત્તરાધિકારીની પસંદગી માટે મતદાન થશે. ન્યૂઝીલૅન્ડમાં આ વર્ષે 14 વર્ષના સામાન્ય ચૂંટણી યોજાવાની છે.

    42 વર્ષનાં જેસિંડા અર્ડર્ને કહ્યું કે ગરમીની રજાઓ દરમિયાન તેમણે પોતાના ભવિષ્યની યોજના વિશે વિચાર કર્યો હતો.

  5. કુશ્તી સંઘના અધ્યક્ષ પર યૌન ઉત્પીડનના આરોપ પર ભત્રીજી વિનેશ ફોગાટના સમર્થનમાં મહાવીર ફોગાટ

    સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ

    ઇમેજ સ્રોત, ANI

    ઇમેજ કૅપ્શન, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ

    મહિલા કશ્તીબાજ અને ભત્રીજી વિનેશ ફોગાટ તરફથી કુશ્તી મહાસંઘના અધ્યક્ષ બૃજભૂષણ શરણસિંહ પર લગાવવામાં આવેલા યૌન ઉત્પીડનના આરોપોને મહાવીર ફોગાટનું પણ સમર્થન મળ્યું છે.

    વિનેશ ફોગાટે બુધવારે બૃજભૂષણસિંહ પર કેટલીક છોકરીઓના ઉત્પીડનના આરોપ છે.

    અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસે મહાવીર ફોગાટ સાથે આ મામલે વાત કરી હતી.

    જાતીય ઉત્પીડન પર મહાવીર ફોગાટે કહ્યું કે, "તેઓ હંમેશાં છોકરીઓનો કૅમ્પ લખનૌમાં કરાવે છે, પોતાના ઘર નજીક. પહેલાં પણ યુવતીઓએ તેમની વિરુદ્ધ ફરિયાદ કરી છે, પણ કંઈ થયું નહીં."

    દિલ્હીમાં જંતર-મંતર પર ભારતીય કુશ્તીના કેટલાક દિગ્ગજ પહેલવાન બુધવારથી વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. પહેલવાને બૃજ ભૂષણસિંહ પર કુશ્તી સંઘને મનમરજીથી ચલાવવાનો આરોપ લાગ્યો છે.

    મહાવીર ફોગાટે ધરણા પર બેઠાં પહેલવાનોનાં વખાણ કર્યા. તેમણે કહ્યું, "તેમણે બહાદુરી બતાવી."

  6. ભારે ઠંડીને પગલે કચ્છમાં શાળાનો સમય બદલાયો

    સ્કૂલ

    ઇમેજ સ્રોત, Getty Images

    ભારે ઠંડીની સ્થિતિને પગલે કચ્છ જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ બુધવારથી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓના સમયમાં ફેરફારની જાહેરાત કરી હતી.

    ઇન્ડિયનએક્સપ્રેસ અનુસાર, સરકારી પ્રાથમિક શાળાઓ સામાન્ય રીતે ત્રણ પાળીમાં ચલાવવામાં આવે છે - સવારે 7.30થી 12.30 વાગ્યા સુધી, બપોરે 12.30થી 4 વાગ્યા સુધી અને સવારે 11થી 5 વાગ્યા સુધી. શીત લહેરની સ્થિતિને પગલે પહેલી શિફ્ટ હવે સવારે 9 વાગ્યે શરૂ થશે અને બપોરે 12.30 વાગ્યે સમાપ્ત થશે. સવારના 11થી 5 વાગ્યાની શિફ્ટ બદલીને 11થી 4 વાગ્યાની કરવામાં આવી છે.

    જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (ડીપીઇઓ) દ્વારા 17 જાન્યુઆરીએ તમામ શાળાના આચાર્યોને જારી કરાયેલા પત્રમાં આમ જણાવાયું છે. 15મી જાન્યુઆરીએ કચ્છ જિલ્લાના નલિયામાં સૌથી ઓછું તાપમાન 1.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બુધવારે તે 2.4 ડિગ્રી સેલ્સિયસ હતું.

    ડીપીઇઓ જે.પી. પ્રજાપતિએ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા જણાવ્યું હતું કે “કચ્છ પ્રદેશમાં આંતરિક રણ વિસ્તારોમાં શાળાઓ છે જે રાજ્યના અન્ય ભાગો કરતાં વધુ ઠંડા છે, નલિયામાં લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસથી નીચે જોવા મળે છે ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર સાથે ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને ક્યાં સુધી અસરકારક રહેશે તે તારીખ ખુલ્લી રાખવામાં આવી છે કારણ કે તે હવામાનની સ્થિતિ પર આધારિત છે. ”

    ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિએ બુધવારે શિક્ષણમંત્રી કુબેર ડીંડોરને પત્ર લખીને તમામ પ્રાથમિક શાળાઓના સવારના સમયને એક કલાક મોડો રાખવાની માંગ કરી હતી.

    ઉલ્લેખનીય છે કે મંગળવારે રાજકોટની એક ખાનગી શાળામાં ધોરણ 8નાં કન્યા વિદ્યાર્થીનું તેમનાં વર્ગખંડમાં પડી જવાથી મૃત્યુ થયું હતું અને તેમની માતાએ દાવો કર્યો હતો કે તેમનું મૃત્યુ ભારે ઠંડીને કારણે થયું હતું.

  7. ન્યૂઝીલૅન્ડનાં વડાં પ્રધાન જેસિન્ડા અર્ડન ફેબ્રુઆરીમાં કરશે પદત્યાગ

    જેસિન્ડા અર્ડર્ન

    ઇમેજ સ્રોત, Getty Images

    ન્યૂઝીલૅન્ડના વડાં પ્રધાન જેસિન્ડા અર્ડર્ને કહ્યું છે કે તેઓ આવતા મહિને વડાં પ્રધાન પદ છોડી દેશે.

    તેમણે કહ્યું કે છ વર્ષ સુધી 'પડકારરૂપ' પદ સંભાળ્યા બાદ હવે તેમની પાસે આગામી ચાર વર્ષ માટે યોગદાન આપવા માટે કંઈ જ બચ્યું નથી. એટલા માટે હવે તે આગામી ચૂંટણી નહીં લડે.

    જેસિન્ડા અર્ડર્ન 7 ફેબ્રુઆરી સુધીમાં લેબર પાર્ટીના નેતા પદેથી રાજીનામું આપી દેશે. આગામી દિવસોમાં તેમના અનુગામીની પસંદગી માટે મતદાન થશે.

    આ વર્ષે 14 ઑક્ટોબરે ન્યૂઝીલૅન્ડમાં સામાન્ય ચૂંટણી યોજાવાની છે.

    અર્ડર્ને કહ્યું કે તેઓ થોડા દિવસો પછી પોતાનાં ભવિષ્ય વિશે વિચારશે.

    2017માં, 37 વર્ષની વયે પીએમ બનેલાં જેસિન્ડા અર્ડર્ન તે સમયે વિશ્વનાં સૌથી યુવા મહિલા વડા પ્રધાન બન્યાં હતાં.

    તેમનાં કાર્યકાળ દરમિયાન તેમણે કોરોના મહામારી, ક્રાઈસ્ટચર્ચની મસ્જિદમાં ફાયરિંગ જેવા અનેક પડકારો જોયા હતા.

  8. હાર્દિક પટેલ સામે 2018માં થયેલી એફઆઈઆર રદ્દ કરાઈ

    હાર્દિક પટેલ

    ઇમેજ સ્રોત, HARDIK PATEL/FB

    ઇન્ડિયનએક્સપ્રેસ અનુસાર, ગુજરાત હાઈકોર્ટે મંગળવારે પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ સામે પાટણમાં નોંધાયેલી 2018ની એફઆઈઆર રદ કરવાની માંગ કરતી પેન્ડિંગ પિટિશનનો નિકાલ 9મી જાન્યુઆરીએ ચાણસ્મા કોર્ટમાં થયો હતો, જેમાં ભાજપના વર્તમાન ધારાસભ્ય અને અન્ય આરોપીઓ સામેની કાર્યવાહી પડતી મૂકવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

    ચાણસ્મા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસના આદેશને ધ્યાનમાં લેતા હાઈકોર્ટે મંગળવારે નોંધ્યું હતું કે આ મામલો "નિષ્ક્રિય" બની ગયો છે અને તેથી, 2021માં હાર્દિક દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજીનો નિકાલ કરવામાં આવે છે.

    તત્કાલિન જિલ્લા મેજિસ્ટ્રેટ કિશોરભાઈ ગઢવીની ફરિયાદને પગલે જાન્યુઆરી 2018માં IPC કલમ 188 (સરકારના આદેશનો અનાદર) અને 114 (ગુનો કરવામાં આવે ત્યારે પ્રેરક હાજરી) હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

    આ કેસમાં હાર્દિક અને સહઆરોપી યોગેશ પટેલે ચાણસ્મા મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી દાખલ કરીને કાર્યવાહી બંધ કરવાની માંગ કરી હતી.

    તેને ધ્યાનમાં લેતા, ચાણસ્મા કોર્ટે 9 જાન્યુઆરીના રોજ હાર્દિક અને યોગેશ સામેની કાર્યવાહી પડતી મૂકી હતી અને નોંધ્યું હતું કે સીઆરપીસીની કલમ 195(1)(A) ની જોગવાઈ મુજબ કોર્ટ દાખલ કરવામાં આવેલી ચાર્જશીટને આગળ લઈ જઈ શકતી નથી.

    2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાના હાર્દિક પટેલના સોગંદનામા મુજબ, વિરમગામના ધારાસભ્ય સામે 21 કેસ પેન્ડિંગ હતા જે હવે ચાણસ્મા કેસને પડતો મુકાતા ઘટીને 20 થયા છે.

  9. ASER રિપોર્ટ: 2022માં શાળામાં ન જતી છોકરીઓનું પ્રમાણ ઘટીને રેકૉર્ડ 2 ટકા થયું

    બાળકી

    ઇમેજ સ્રોત, Getty Images

    હિન્દુસ્તાન ટાઇમ્સ અનુસાર, બુધવારે જારી કરાયેલ વાર્ષિક સ્ટેટસ ઑફ એજ્યુકેશન રિપોર્ટ (ASER) 2022 અનુસાર, ભારતમાં શાળામાં ન જતી છોકરીઓનું પ્રમાણ 2022માં અત્યાર સુધીનું સૌથી નીચું 2 ટકા નોંધાયું છે.

    2006માં શાળામાં ન જતી કન્યા વિદ્યાર્થીઓનું સરેરાશ પ્રમાણ 10.3 ટકા અને 2018માં 4.1 ટકા હતું.

    અહેવાલમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે શાળામાં ન જતી છોકરીઓની સંખ્યામાં ઘટાડો થયો હોવા છતાં મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢ આ ત્રણ રાજ્યોમાં હજુ પણ 10 ટકાથી વધુ છોકરીઓ શાળામાં જતી નથી.

    ASER એ દેશવ્યાપી ઘરગથ્થુ સર્વેક્ષણ છે જે ગ્રામીણ ભારતમાં બાળકોના શાળાકીય શિક્ષણની સ્થિતિને રજૂ કરે છે. પ્રથમ ASER સર્વેક્ષણ 2005માં હાથ ધરવામાં આવ્યું હતું અને 10 વર્ષ સુધી વાર્ષિક ધોરણે સર્વેક્ષણ હાથ ધરાયું હતું.

    કોવિડ-19 મહામારી દરમિયાન લાંબા સમય સુધી શાળા બંધ થયા પછી ચાર વર્ષના અંતરાલ બાદ ASER 2022 સર્વેક્ષણ બહાર પડ્યું છે.

    તાજેતરના અભ્યાસમાં ગ્રામીણ ભારતના કુલ 19,060 ગામોનો સર્વે કરવામાં આવ્યો હતો જેમાં 3,74,544 પરિવારો અને 3 થી 16 વર્ષની વય જૂથના 6,99,597 બાળકોનો સમાવેશ કરાયો હતો છે.

  10. નમસ્કાર!બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    18 જાન્યુઆરીના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.