You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત વિ. ન્યૂઝીલૅન્ડ : રોમાંચક વનડે મૅચમાં ભારતે શ્રીલંકાને 12 રનથી હરાવી
208 રનના વ્યક્તિગત સર્વોચ્ચ સ્કોર બાદ શુભમન ગીલનું નામ સચીન તેંડુલકર, રોહિત શર્મા, વિરેન્દ્ર સેહવાગ જેવા બેવડી સદી ફટકારનારા દિગ્ગજ ક્રિકેટરોની યાદીમાં જોડાયું
લાઇવ કવરેજ
જાવેદ અખ્તરે સલીમ ખાન સાથેની બોલિવુડની સુપરહીટ જોડી કેમ તોડી? કવિએ આ કારણ આપ્યું
ન્યૂઝીલૅન્ડ સામે ભારતની જીતમાં હાર્દિકને આઉટ અપાયાનો નિર્ણય ગિલની બેવડી સદી કરતાં પણ વધુ ચર્ચામાં કેમ છે?
મહિલા કુસ્તી ખેલાડીઓના ઉત્પીડન મામલે દિલ્હી મહિલા આયોગે ભારતીય કુસ્તી મહાસંઘના અધ્યક્ષની ધરપકડની માંગણી કરી
ભારત વિ. ન્યૂઝીલૅન્ડ : રોમાંચક મૅચમાં ન્યૂઝીલૅન્ડને ભારતે 12 રનથી હરાવ્યું
હૈદરાબાદમાં રમાઈ રહેલ ન્યૂઝીલૅન્ડ અને ભારતની પ્રથમ વનડે ઇન્ટરનેશનલ મૅચમાં રોહિત શર્માની ટીમે મહેમાન ટીમ સામે 350 રનનું લક્ષ્ય મૂક્યું હતું. જેના જવાબમાં ન્યૂઝીલૅન્ડની ટીમ માત્ર 337 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ ભારતે મહેમાન ટીમને 12 રનથી પરાજય આપ્યો હતો.
ભારતીય ઓપનર શુભમન ગિલે આ મૅચમાં બેવડી સદી ફટકારી. શુભમન ગિલે 145 બૉલમાં બેવડી સદી પૂરી કરી. જોકે, તેના અમુક સમય બાદ જ તેઓ 208 રનના સ્કોરે આઉટ થઈ ગયા.
ભારતે આઠ વિકેટ પર 349 રનનો સ્કોર ઊભો કરી દીધો. શુભમન સિવાય રોહિત શર્મા 34 રન, વિરાટ કોહલી આઠ રન, ઈશાન કિશન પાંચ, સૂર્યકુમાર યાદવે 31 રન, હાર્દિક પંડ્યા 28 રન, વૉશિંગટન સુંદર 12 રન, શાર્દૂલ ઠાકુરે ત્રણ રન બનાવ્યા.
ભારત ન્યૂઝીલૅન્ડ વચ્ચે ત્રણ વનડે ઇન્ટરનેશનલ મૅચોની સિરીઝની શરૂઆત આજથી જ થઈ છે.
શુભમન ગિલની બેવડી સદી સાથે જ વનડે ઇન્ટરનેશનલમાં હવે દસ બેવડી સદી નોંધાઈ ચૂકી છે.
તેમણે 145 બૉલમાં બેવડી સદી પૂરી કરી હતી.
બેવડી સદી નોંધાવનારા બૅટ્મૅનોની યાદી અહીં આપી છે.
રોહિત શર્મા – 264
માર્ટિન ગુપ્ટિલ – 237*
વીરેન્દ્ર સેહવાગ – 219
ક્રિસ ગેલ – 215
ફખર ઝમા – 210*
ઈશાન કિશન – 210
રોહિત શર્મા – 209
રોહિત શર્મા – 208*
શુભમન ગિલ – 208
સચીન તેંડુલકર – 200*
બ્રેકિંગ, ભારતીય કુશ્તી મહાસંઘના અધ્યક્ષ પર મહિલા ખેલાડીઓના જાતીય ઉત્પીડનના આરોપ
દિલ્હીના જંતર મંતર પર ભારતીય કુશ્તી મહાસંઘ સામે વિરોધ પ્રદર્શન કરી રહેલાં મહિલા કુશ્તી ખેલાડીઓએ મહાસંઘના પ્રમુખ પર જાતીય ઉત્પીડનના ગંભીર આરોપ લગાવ્યા છે.
કુશ્તી ખેલાડી વિનેશ ફોગાટે પત્રકારોને જણાવ્યું હતું કે, “કોચ મહિલાઓને પરેશાન કરી રહ્યા છે અને ફેડરેશનની પસંદગીના કેટલાક કોચ તો મહિલા કોચો સાથે પણ અભદ્ર વર્તન કરે છે. ભારતીય કુશ્તી મહાસંઘના પ્રમુખે ઘણી છોકરીઓનું જાતીય ઉત્પીડન કર્યું છે. ”
ફોગાટે કહ્યું, "તે અમારી વ્યક્તિગત જિંદગીમાં દખલ કરે છે અને હેરાન કરે છે. તેઓ અમારું શોષણ કરી રહ્યા છે. જ્યારે અમે ઓલિમ્પિક રમવા જઈએ છીએ ત્યારે અમારી પાસે કોઈ ફિઝિયોથેરાપિસ્ટ નથી હોતા કે પછી કોઈ કોચ પણ નથી હોતા. જ્યારે અમે તેની સામે અવાજ ઉઠાવ્યો તો તેમણે અમને ધમકાવવાનું શરૂ કરી દિધું."
રાજકોટનાં એ યુવતી જેમણે કલાના દમે ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું
આગામી સામાન્ય ચૂંટણી સુધી નડ્ડા બની રહેશે પાર્ટી અધ્યક્ષ
મંગળવારે પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાનો કાર્યકાળ વધુ એક વર્ષ સુધી વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જૂન 2019માં પાર્ટીનો કાર્યભાર સંભાળનારા નડ્ડા હવે જૂન 2024 સુધી પાર્ટીના અધ્યક્ષ બની રહેશે.
આ માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહે પ્રસ્તાવ મુક્યો હતો જેને સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યો હતો. ગૃહમંત્રી અમિતશાહે બેઠકને સંબોધિત કરતા કહ્યું હતું કે, તેમના નેતૃત્વમાં પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું છે.
ઘણા રાજ્યોમાં આ વર્ષે અને આગામી વર્ષોમાં યોજાનારી લોકસભા ચૂંટણી પર નજર કરતા તેને મહત્ત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવે છે.
યૂક્રેન: હેલિકૉપ્ટર ક્રેશમાં દેશના ગૃહમંત્રી સહિત 16 લોકોનાં મોત
યૂક્રેનની રાજધાની કિવના બહારના વિસ્તારમાં એક કિંડરગાર્ટન પાસે થયેલા હેલિકૉપ્ટર ક્રેશમાં દેશના ગૃહમંત્રી સહિત 16 લોકોના મૃત્યુ થયા છે. મૃત્યુ પામવામાં બે બાળકો પણ સામેલ છે.
દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત 21 લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં 10 બાળકો છે. શરૂઆતના રિપોર્ટ અનુસાર માહિતી મળી હતી કે, પહેલા હેલિકૉપ્ટર કિંટરગાર્ટનની ઇમારત સાથે અથડાયું અને ત્યારબાદ નજીકની રહેણાંક ઇમારત પાસે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું.
હેલિકૉપ્ટરમાં મંત્રી ડેન્યસ મોનાસ્ટીર્સકી સાથે અન્ય 8 લોકો પણ બેઠા હતા. જે સમયે દુર્ઘટના ઘટી એ સમયે અંધારુ અને ધુમ્મસ વધુ હતું.
અધિકારીઓએ કહ્યું હતું કે, “આ દુર્ઘટનામાં આંતરિક મામલાના મંત્રી અને સ્ટેટ સેક્રેટરીનું પણ મૃત્યુ થઈ ગયું છે.”
દેશના પોલીસ પ્રમુખે તેમની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, યૂક્રેનના સ્ટેટ ઇમરજન્સી સર્વિસનું આ હેલિકૉપ્ટર હતું. એક સળગતી ઇમારત પાસે દુર્ઘટનાગ્રસ્ત હેલિકૉપ્ટરનો કાટમાળ જોવા મળી રહ્યો હતો.
બ્રેકિંગ, પૂર્વોત્તરનાં ત્રણ રાજ્યોમાં ફેબ્રુઆરીમાં વિધાનસભા ચૂંટણી
ચૂંટણી પંચે 2023માં ત્રણ રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે.
નાગાલૅન્ડ, મેઘાલય અને ત્રિપુરામાં આ વર્ષે ચૂંટણી યોજાવાની છે. આ ત્રણેય રાજ્યોમાં 60 વિધાનસભા બેઠકો છે.
માર્ચમાં આ ત્રણેય રાજ્યોમાં વિધાનસભાનો કાર્યકાળ ખતમ થશે.મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારે કહ્યું કે નાગાલૅન્ડ વિધાનસભાનો કાર્યકાળ 12 માર્ચ, મેધાલય વિધાનસભા 15 માર્ચ અને ત્રિપુરા વિધાનસભાનો કાર્યકાળ 22 માર્ચના પૂર્ણ થશે.
ચૂંટણીપંચનું કહેવું છે કે ત્રણેય રાજ્યોમાં મહિલાઓની ભાગીદારી વધારે છે.
ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીના ચૂંટણી યોજાશે તો મેઘાલય અને નાગાલૅન્ડમાં 27 ફેબ્રુઆરીના ચૂંટણી યોજાશે.
તારીખ બીજી માર્ચના ત્રણેય રાજ્યોમાં ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવશે.
ગુજરાતમાં ફિલ્મ ‘પઠાણ’ના રિલીઝ પહેલાં સુરક્ષાને લઈને મલ્ટિપ્લેક્સ ઍસોસિયેશને માગી મદદ
શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મ ‘પઠાણ’ની રિલીઝ પહેલાં મલ્ટિપ્લેક્સ ઍસોસિયેશન ઑફ ગુજરાતના અધ્યક્ષ મનુ પટેલે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને મદદ માગી છે.
25 જાન્યુઆરીએ ફિલ્મ રીલીઝ થવાની છે એ પહેલાં મલ્ટિપ્લેક્સ ઍસોસિયેશને સુરક્ષાની માગ કરી છે.
ધ મલ્ટિપ્લેક્સ ઍસોસિયેશન ઑફ ગુજરાત તરફથી આપવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, "થિયેટરમાં જે ફિલ્મ લાગે છે, તે પહેલાં સેન્સર બોર્ડ પાસે જાય છે અને ત્યાર પછી જ તેને રિલીઝ કરવામાં આવે છે."
તેમનું કહેવું છે કે, "થિયેટર એક બિઝનેસ છે અને તેમને બિઝનેસ કરવાનો અધિકાર છે, જેથી તેમણે વિનંતી કરી છે કે આ મુદ્દાને યોગ્ય રીતે ધ્યાને લેવામાં આવે અને યોગ્ય સહકાર આપવામાં આવે."
પત્રમાં એવું પણ લખ્યું છે કે, "છેલ્લા 20 દિવસમાં મલ્ટિપ્લેક્સના માલિકોને સીધી કે આડકતરી રીતે ધમકીઓ આપવામાં આવી રહી છે, તેથી તેમને સુરક્ષા આપવામાં આવે. જો કોઈ ફિલ્મથી કોઈને કોઈ મુશ્કેલી હોય તો તેઓ ભારત સરકાર પાસે કે પછી કોર્ટમાં જઈ શકે છે."
આ પહેલાં બજરંગદળે અમદાવાદમાં આ ફિલ્મના પૉસ્ટરો ફાડ્યાં હતાં. આ પરિસ્થિતિને જોતા મલ્ટિપ્લેક્સ ઍસોસિયેશન ઑફ ગુજરાતે આ પત્ર લખ્યો છે.
નોંધનીય છે કે, ફિલ્મના ગીત ‘બેશરમ રંગ’ને લઈને વિવાદ થઈ રહ્યો છે. હિન્દુવાદી સંગઠનોને ફિલ્મ અભિનેત્રીએ પહેરેલાં કપડાંના રંગ સામે સામે વાંધો છે. ભાજપના કેટલાક નેતાઓ પણ આ ફિલ્મ પર પ્રતિબંધની માગ કરી ચૂક્યા છે.
મોદીએ કહ્યું, “બેટી બચાવો” ની જેમ “ધરતી બચાવો”નું અભિયાન શરૂ કરવું જોઈએ
ધ હિન્દુના અહેવાલ અનુસાર, ભાજપ કાર્યકારિણીમાં મોદીએ કહ્યું છે કે, "ભારતનો સૌથી સારો સમય આવવાનો છે, જેને કોઈ રોકી શકતું નથી." આવામાં ભાજપે દેશના વિકાસ માટે સમર્પિત કરવાની અને અમૃતકાળ (2047 સુધીના 25 વર્ષના સમય) ને કર્તવ્યકાળમાં બદલવાની જરૂર છે.
મોદીએ પર્યાવરણ બચાવવાની વાત કરતા કહ્યું કે, સરકારના અભિયાનોની સાથે-સાથે પાર્ટીએ પણ “બેટી બચાવો” ની જેમ “ધરતી બચાવો”નું અભિયાન શરૂ કરવું જોઈએ. તેઓએ કૃત્રિમ ખાતરનો ઉપયોગ ઓછો કરવાની પણ સલાહ આપી હતી.
ધ હિન્દુ લખે છે કે મોદીના સંબોધન અંગે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે મીડિયાને કહ્યું હતું કે, “ભાજપ હવે એક રાજકીય આંદોલન નથી, પરંતુ એક સામાજિક આંદોલન છે અને સામાજિક અને આર્થિક સ્તરે બદલાવ લાવવાના પ્રયાસ કરી રહ્યો છે.”
ધ ઇન્ડિયન એક્સપ્રેસે આ સમાચારને લઈને લખ્યું છે કે, આ વર્ષે નવ રાજ્યોમાં અને આગામી વર્ષમાં યોજાનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ વ્યૂહરચના તરીકે તેની પહોંચ વધારવા માંગે છે. આ ઉદ્દેશથી મંગળવારે વડા પ્રધાન મોદીએ ‘ચૂંટણી સિવાયના મુદ્દાઓને મનમાં રાખીને અને મત અંગે વિચાર્યા વગર’ સમાજના તમામ વર્ગો સુધી પહોંચવાની વાત કરી છે.
તેમાં વધુમાં લખાયું છે કે, મોદીના સંબોધનને ગયા વર્ષે જુલાઈમાં હૈદરાબાદમાં યોજાયેલી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના તર્ક પર સમજી શકાય છે. ગયા વર્ષે યોજાયેલી કાર્યકારિણીમાં મોદીએ પસમાંદા લઘુમતી અને કેરળમાં ખ્રિસ્તી સમુદાય સાથે જોડાવા માટે માર્ગો શોધવાની વાત કરી હતી.
તે સમયે ભાજપે ઉત્તર પ્રદેશ અને બિહારના પસમાંદા લઘુમતી માટે આઉટરીચ પ્રોગ્રામ કર્યો હતો અને કેન્દ્રની યોજનાઓ તેમના સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો હતો.
ધ ઇન્ડિયન એક્સપ્રેસ અને હિન્દુસ્તાન ટિમ્સના અહેવાલ અનુસાર, પસમાંદા લધુમતીઓ સુધી પહોંચવા માટે પાર્ટીના કાર્યકર્તાઓ વિશે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, “વડા પ્રધાને કહ્યું છે કે, અમારો પ્રવાસ ત્યાં સુધી પુરો નહીં થાય, જ્યાં સુધી અમે તમામ લઘુમતીઓને મુખ્યધારામાં સામેલ ન કરી લઈએ. તેઓએ તમામ વર્ગો સુધી પહોંચવાની વાત કરી અને કહ્યું કે, ચૂંટણીને હવે 400 દિવસ બાકી છે અને આપણે લઘુમતી સમુદાય માટે કામ કરવા માટે આ સમયનો ઉપયોગ કરવો જોઈએ.”
ફડણવીસે કહ્યું, "વડાપ્રધાનનું સંબોધન અમારા માટે પ્રેરણાદાયી હતું. તેમણે અમને ભવિષ્ય માટે દિશા અને વિઝન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, દેશનો સુવર્ણ યુગ આવી રહ્યો છે અને આપણે વધુ મહેનત કરવી જોઈએ. તે કોઈ રાજકારણીનું ભાષણ ન હતું, પરંતુ એક સ્ટેટ્સમૅન સંબોધન હતું."
જનસત્તાએ લખ્યું છે કે વડાપ્રધાને આડકતરી રીતે અગાઉની સરકારો પર નિશાન સાધતા કહ્યું કે, "18થી 25 વર્ષની વયજૂથના લોકોએ ભારતનો ઈતિહાસ જોયો નથી અને તેઓ અગાઉની સરકારોમાં થયેલા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓથી વાકેફ નથી, તેથી જ તેમને જાગૃત કરવાની જરૂર છે, તેમને ભાજપના સુશાસન વિશે જણાવવાની જરૂર છે."
નરેન્દ્ર મોદીએ 'ફિલ્મો અને સેલેબ્રિટી સામે બિનજરૂરી નિવેદનો ન આપવા'ની સલાહ આપી
ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ કાર્યકારિણીમાં પાર્ટી નેતાઓને હેડલાઇનમાં રહેવા માટે ફિલ્મો અને સેલેબ્રિટીઓ સામે બિનજરૂરી નિવેદનો નહીં આપવાથી બચવાનું કહ્યું.
દિલ્હીમાં ભાજપની કાર્યકારિણી બેઠકમાં કહ્યું કે, “કોઈએ એવાં નિવેદનો ન આપવાં જે અમારી મહેનત પર હાવી થઈ જાય.”
અખબાર બેઠકમાં સામેલ એક ભાજપ પદાધિકારીને ટાંકતા લખે છે કે, “ગઈ કાલે પોતાના ભાષણમાં વડા પ્રધાને હેડલાઇનમાં આવે તેવાં નિવેદનો આપવાથી બચવાનું કહ્યું. તેમણે કહ્યું કે આનાથી બચવું જોઈએ. ઘણી વખત ફિલ્મ અને સેલેબ્રિટીઓ સામે કરેલાં નિવેદનો મહેનત પર હાવી થઈ જાય છે.”
હાલમાં જ શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ સામે ભાજપના મોટા નેતાઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો જેમાં મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા અને ભોપાલનાં સાંસદ સાધવી પ્રજ્ઞા પણ સામેલ છે.
ભાજપને મોદીનો સંદેશ- 400 દિવસ બાકી છે, તમામ વર્ગો સુધી પહોંચવા સમયનો ઉપયોગ કરો
મંગળવારે વડા પ્રધાન મોદીએ ભાજપના કાર્યકરોને કહ્યું હતું કે, “આગામી લોકસભા ચૂંટણી માટે માત્ર 400 દિવસ બાકી છે. તેઓએ પાર્ટીના કાર્યકર્તાઓને કહ્યું કે, ચૂંટણીલક્ષી હિતોને જોતા સમાજના તમામ વર્ગો માટે પાર્ટીએ સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરવું જોઈએ.”
રાજધાની દિલ્હીમાં ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકના છેલ્લા દિવસે મોદીએ કહ્યું હતું કે, “પાર્ટી કાર્યકર્તાઓએ લઘુમતી અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો સહિત સમાજના તમામ વર્ગો સુધી પહોંચવાનો પ્રયાસ કરવો જોઈએ.”
ગ્રેટા થનબર્ગની જર્મનીમાં વિરોધપ્રદર્શન દરમિયાન અટકાયત કરાઈ
જાણીતાં પર્યાવરણ કાર્યકર ગ્રેટા થનબર્ગને પશ્ચિમ જર્મનીમાં ચાલી રહેલા વિરોધપ્રદર્શન દરમિયાન પોલીસે થોડા સમયમાં માટે અટકાયતમાં લીધાં હતાં.
તેઓ અન્ય પર્યાવરણ કાર્યકરો સાથે જર્મનીના એક નિર્જન ગામ લગ્ઝરાથને તોડીને તેને કોલસાની ખાણના રૂપમાં વિસ્તાર કરવાના વિરોધમાં પ્રદર્શન કરતાં હતાં.
પોલીસનું કહેવું છે કે થનબર્ગની ધરપકડ કરાઈ નથી. પોલીસે બાદમાં કહ્યું કે તેમના ઓળખપત્રની તપાસ કરીને તેમને છોડી દેવાયાં હતાં.
પોલીસનું કહેવું છે કે જેમને પણ અટકાયતમાં લેવાયાં છે તેમની સામે કોઈ કેસ નહીં ચાલે.
આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં ગ્રેટા થનબર્ગને ત્રણ પોલીસવાળા પોતાની સાથે લઈ જાય છે અને તેઓ (ગ્રેટા) હસી રહ્યાં છે.
જર્મની સરકાર નૉર્થ રાઇન-વેસ્ટફેલિયા (જ્યાં ખોદકામ થાય છે)માં કોલસાનું 2030 સુધી ફેઝ-આઉટ કરવા માટે છે, તો આખા દેશમાં કોલસાના ઉપયોગને બંધ કરવાનું લક્ષ્ય 2038 સુધીનું છે.
લિગ્નાઇટ કોલસાનું સૌથી ગંદું રૂપ છે અને લગ્ઝરથની આસપાસના વિસ્તારમાં દર વર્ષે તેનું 25 મિલિયન ટન ઉત્પાદન થાય છે.
આ ગામની માલિકી એક ઍનર્જી કંપની આરઈડબ્લ્યુ પાસે છે અને કંપનીનું કહેવું છે કે આ ઠંડીની ઋતુમાં તેને અહીં મળતા કોલસાની જરૂર છે.
સરકારનું કહેવું છે કે રશિયાથી ગૅસ ન આવવાને કારણે દેશમાં ઊર્જાની માગ પૂરી કરવા માટે કોલસાની ખાણનો વિસ્તાર કરવો જરૂરી છે.
નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.
તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.
દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.
17 જાન્યુઆરીના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.