You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

વડા પધાન નરેન્દ્ર મોદી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં શું બોલ્યા?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના નેતાઓ અને કાર્યકરોને કહ્યું છે કે તેઓ 'હાંસિયામાં રહેલા લોકોને મુખ્ય ધારા'માં લાવવાના પ્રયાસ કરે.

લાઇવ કવરેજ

  1. ભાજપની કાર્યકારિણી બેઠકમાં મોદીએ કહ્યું- 'માત્ર વોટની ચિંતા ન કરો...'

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના નેતાઓ અને કાર્યકરોને કહ્યું કે તેઓ 'હાંસિયામાં આવેલા લોકોને મુખ્યધારા'માં લાવવાનું કામ કરે.

    તેમણે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં 'દેશ અને સમાજને બદલવાના કામને કર્તવ્ય માનીને' કરવાની સલાહ આપી.

    વડા પ્રધાન મોદીના ભાષણ અંગે મહારાષ્ટ્રના ઉપમુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે મીડિયાને માહિતી આપી.

    તેમણે કહ્યું, "વડા પ્રધાન હંમેશાં કહે છે કે જ્યાર સુધી આપણે હાંસિયામાં રહેલા લોકોને મુખ્યધારામાં નહીં લાવીએ ત્યાર સુધી વિકાસ અધૂરો રહેશે. "

    ફડણવીસે કહ્યું, "વડા પ્રધાને એક વાત સ્પષ્ટતાથી કહી કે આપણે સંવેદનશીલતાથી સમાજના બધા અંગો સાથે સંબંધ બાંધવાનો છે."

    "વડા પ્રધાન મોદીએ કહ્યું કે માત્ર વોટની ચિંતા ન કરો. આપણે દેશ અને સમાજને બદલવાનો છે. આ આપણું કર્તવ્ય છે. જે સંકલ્પ કરે છે તે ઇતિહાસ રચે છે."

    "'અમૃત કાળ'ને 'કર્તવ્ય કાળ'માં પરિવર્તિત કરવાથી જ દેશ આગળ આવશે "

    " વડા પ્રધાને કહ્યું કે જે રીતે બેટી બચાવો અભિયાન સફળ બનાવ્યું તેમ જ ધરતી બચાવો અભીયાન ચલાવવું પડશે."

  2. અબ્દુલ રહમાન મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા પર ભારત ખુશ, ચીને શું કહ્યું?

    ભારતે લશ્કરે-તૈયબા (એલઈટી) નેતા અબ્દુલ રહમાન મક્કીને વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં સામેલ કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. ચીને પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે 'આતંકવાદ માનવતાનો દુશ્મન' છે.

    વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, "લશ્કરે તૈયબા (એલઈટી)ના આતંકવાદી અબ્દુલ રહમાન મક્કીને યાદીમાં સામેલ કરવાના સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આઈએસઆઈએલ અને અલ કાયદા પ્રતિબંધ સમિતિના નિર્ણયનું અમે સ્વાગત કરીએ છીએ."

    તેમણે કહ્યું કે, "તેઓ એલઈટી લીડર હાફિઝ સઈદના સંબંધી પણ છે. મક્કીએ એલઈટી નેતૃત્વ સાથે જોડાયેલી કેટલીક ભૂમિકા ભજવી છે. તેઓ આ સંગઠન માટે નાણાં એકઠા કરી રહ્યા છે."

    તેમણે આગળ કહ્યું કે, "આતંકવાદી સંગઠનોથી આ વિસ્તારમાં હંમેશાં ખતરો રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર તરફથી (આતંકવાદીઓને) યાદીમાં સામેલ કરવા અને પ્રતિબંધ લાદવાથી આવા ખતરાને રોકવા અને આ વિસ્તારમાં આતંકના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ધ્વસ્ત કરવામાં મહત્ત્વપૂર્ણ પગલું છે."

    બાગચીએ કહ્યું કે, "આતંકવાદ સામે ઝીરો ટૉલરન્સની નીતિને લઈને પ્રતિબદ્ધ છીએ અને આંતરરાષ્ટ્રીય સમુદાય પર આ વાતથી દબાણ ઊભું થશે કે તેઓ આતંકવાદની સામે વિશ્વસનીય, પ્રામાણિક અને અડગ તેવાં પગલાં લે."

    ત્યારે ચીને આ મામલે કહ્યું કે 'આતંકવાદ માનવતાનો દુશ્મન' છે.

    સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાન વેનબિને કહ્યું કે 'આતંકવાદ રોકવાની દિશામાં પાકિસ્તાનના પ્રયત્નોની પણ સરાહના થવી જોઈએ.

  3. જે પી નડ્ડાનો કાર્યકાળ લંબાવાયો, જૂન 2024 સુધી રહેશે ભાજપના પ્રમુખ - અમિત શાહ

    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા જૂન 2024 સુધી પોતાના પદ પર રહેશે.

    આ જાણકારી આજે ભાજપના પૂર્વ પ્રમુખ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી હતી.

    લોકસભાની ચૂંટણી 2024માં થવાની છે. આ નિર્ણય પછી સ્પષ્ટ છે કે લોકસભા ચૂંટણીના સમયે નડ્ડા જ ભાજપના પ્રમુખ રહેશે.

    અમિત શાહે જણાવ્યું કે સદસ્યતા અભિયાન પૂર્ણ નથી થયું જેને કારણે તેમનો કાર્યકાળ લંબાવાયો છે.

    અમિત શાહે જણાવ્યું કે કાર્યકાળ વધારવાનો પ્રસ્તાવ પૂર્વ અધ્યક્ષ રાજનાથ સિંહે મૂક્યો જેને રાષ્ટ્રીય કાર્યસમિતિએ સર્વસંમતિથી મંજૂરી આપી. જેપી નડ્ડા 20 જાન્યુઆરી 2020ના ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા.

    અમિત શાહે કહ્યું કે પહેલાં પણ એવું થયું છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે.

    તેમણે જેપી નડ્ડાના કાર્યકાળની ઉપલબ્ધિઓની વાત પણ કરી.

  4. ચીનની વસતીમાં વર્ષ 1961 પછી પહેલી વાર ઘટાડો થયો

    ચીનની વસતી ગત 60 વર્ષમાં પહેલી વાર ઘટી છે. તાજેતરના આંકડા અનુસાર ચીનમાં જન્મદર પ્રતિ હજાર મહિલાઓ પર ઘટીને 6.77 પર આવી ગયો છે.

    ચીનની જનસંખ્યા 2022માં 1.4118 અબજ હતી, વર્ષ 2021ની તુલનામાં તેમાં 8,50,000નો ઘટાડો થયો છે. ચીનમાં જન્મદર વર્ષોથી ઘટી રહ્યો છે, જેના કારણે દેશમાં નીતિગત ફેરફારો કરવા પડ્યા છે.

    વસતી પર નકારાત્મક અસર જોતા ચીને 'વન ચાઇલ્ડ પૉલિસી' વર્ષ પહેલાં જ ખતમ કરી નાખી હતી.

    ચીનના નેશનલ બ્યૂરો ઑફ સ્ટેટિક્સ અનુસાર, વર્ષ 2022માં આ જન્મદર ઘટીને 7.52 થઈ ગયો છે.

    ગત વર્ષે ચીનમાં જન્મેલા લોકોની સંખ્યા કરતાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધારે હતી.

    ગત વર્ષે ચીનમાં 1976 બાદ અત્યાર સુધીમાં સૌથી વધુ મોત નોંધાયાં હતાં, જે પ્રતિ એક હજારની વસતી પર 7.37 હતાં.

  5. સિંહબાળનું ઑપરેશન કેવી રીતે થયું?

    ગીરની ધારી રેન્જમાં ૩ માસના એક સિંહબાળનું કોઈ કારણસર જડબું તૂટી ગયું હોવાનું વન વિભાગને ધ્યાને આવ્યું હતું.

    તેણે સિંહબાળનું રેસ્ક્યૂ કરીને જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીના વેટરનરી વિભાગમાં ખસેડવામાં આવ્યું હતું.

    વીડિયો : હનીફ ખોખર / નીલેશ ભાવસાર

  6. રાહુલ ગાંધીના RSSને '21મી સદીના કૌરવ' કહેવા છતાં સંઘ નેતૃત્વ મૌન કેમ?

  7. બાઇડનના ખાનગી નિવાસસ્થળેથી ગોપનીય દસ્તાવેજો મળવા અંગે વ્હાઇટ હાઉસનો જવાબ

    અમેરિકાના ડેલવેયર રાજ્યમાં જો બાઇડનના ઘરેથી ગોપનીય દસ્તાવેજ મળ્યા બાદ રિપબ્લિકન પાર્ટીના સભ્યો રાષ્ટ્રપતિના ખાનગી નિવાસમાં આવતા મુલાકાતીઓની માહિતીની માગી કરી રહ્યા હતા.

    સોમવારે વ્હાઇટ હાઉસ કાઉન્સિલના કાર્યાલયે જણાવ્યું હતું કે કોઈ પણ રાષ્ટ્રપતિના ખાનગી ઘરમાં આવનારા મુલાકાતીઓની દેખરેખ રાખવાનું શિષ્ટ ચલણ નથી.

    વ્હાઇટ હાઉસે કહ્યું કે, “રાષ્ટ્રપતિ જો બાઇડનના ખાનગી નિવાસસ્થળે આવતા-જતા લોકો વિશે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.”

    બાઇડનના ઘર અને વૉશિંગ્ટનમાં ખાનગી ઑફિસમાંથી ઓછામાં ઓછા 20 ગોપનીય દસ્તાવેજો મળ્યા હતા.

    આ દસ્તાવેજો ઓબામાના વહીવટી તંત્ર દરમિયાનના છે. સીબીએસ ન્યૂઝ અનુસાર, તેમાંથી કેટલાક ‘ટોપ સિક્રેટ’ દસ્તાવેજો છે.

    વ્હાઇટ હાઉસે કહ્યું છે કે, “ગયા અઠવાડિયે ગોપનીય દસ્તાવેજનાં પાંચ પાનાં મળ્યાં હતાં. કાયદા અનુસાર રાષ્ટ્રપતિનો કાર્યકાળ થતાં આ તમામ દસ્તાવેજો નેશનલ આર્કાઇવ્ઝને સોંપવામાં આવે છે.”

    વ્હાઇટ હાઉસ દ્વારા કહેવામાં આવ્યું છે કે, “આ ફાઇલો ‘અજાણતા ખોટી રીતે’ મૂકવામાં આવી હતી અને આ મામલામાં સંપૂર્ણ સહયોગ આપવામાં આવી રહ્યો છે.”

    રિપબ્લિકન નેતા અને હાઉસ ઓવરસાઇટ કમિટિના ચૅરમૅન જેમ્સ કૉમરે વ્હાઇટ હાઉસના ચીફ ઑફ સ્ટાફ રૉન ક્લેનને આ સંબંધે એક પત્ર લખ્યો છે.

    તેમણે કહ્યું હતું કે, “રાષ્ટ્રપતિ બાઇડન દ્વારા ગોપનીય દસ્તાવેજોને ખોટી રીતે મૂકવાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું તેઓ રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકે છે.”

    તેમણે એ પણ માગ કરી છે કે જ્યાં સુધી જો બાઇડનના ઘરે આવનારા મુલાકાતીઓ નામની યાદી જાહેર નહીં થાય, ત્યાં સુધી અમેરિકનોને ખબર નહીં પડે કે આ સંવેદનશીલ દસ્તાવેજો કોણે-કોણે જોયા હશે.

    જોકે, સોમવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં વ્હાઇટ હાઉસ કાઉન્સિલના કાર્યાલયે કહ્યું છે કે, “ઘરની મુલાકાતે આવેલા મહેમાનોનાં નામ અંગેની કોઈ યાદી ઉપલબ્ધ નથી.”

  8. અમિત ચાવડા બન્યા ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા

    આજે કૉંગ્રેસે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અને ઉપનેતાની જાહેરાત કરી છે. કૉંગ્રેસે અમિત ચાવડાને વિપક્ષના નેતા અને શૈલેશ પરમારને ઉપનેતા બનાવ્યા છે.

    ઉલ્લેખનીય છે કે અમિત ચાવડા આંકલાવ બેઠક પરથી કૉંગ્રેસના ધારાસભ્ય છે અને તેઓ ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

    તો શૈલેશ પરમાર અમદાવાદની દાણીલીમડા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા છે.

    ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર 2022માં યોજાઈ હતી, જેમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી.

    ભાજપે ગુજરાતની 182માંથી 156 સીટો પર જીત હાંસલ કરી હતી. જ્યાં કૉગ્રેસને માત્ર 17 સીટ જ મળી હતી અને આમ આદમા પાર્ટીને પાંચ સીટ મળી હતી.

  9. ભારત સહિત વૈશ્વિક કંપનીઓએ મ્યાનમારની સેનાને હથિયાર બનાવવા મદદ કરી- રિપોર્ટ

  10. યુએનએ પાકિસ્તાનના અબ્દુલ રહમાન મક્કીને ‘વૈશ્વિક આતંકી’ જાહેર કર્યો

    સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)એ સોમવારે પાકિસ્તાની મૂળના ચરમપંથી અબ્દુલ રહમાન મક્કીને ‘વૈશ્વિક આતંકી’ જાહેર કર્યો છે.

    આ નિર્ણય યુએનએસસીની આઈએસઆઈએલ (દાએશ) અને અલ-કાયદા પ્રતિબંધ સમિતિએ લીધો છે.

    ગયા વર્ષે ભારતે લશ્કર-એ-તૈયબના ચરમપંથી અબ્દુલ રહમના મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ ચીને તેને અટકાવી દીધો હતો. ત્યારબાદ ભારતે ચીન અંગે આકરી પ્રતિક્રિયા પણ આપી હતી.

    અબ્દુલ રહમાન મક્કી જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઈદના સંબંધી છે, તેમને ભારતમાં 26 નવેમ્બર 2011એ થયેલા ચરમપંથી હુમલાના માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે.

    યુએન તરફથી જાહેર કરાયેલા નિવેદન અનુસાર, 16 જાન્યુઆરી, 2023એ સુરક્ષા પરિષદની આઈએસઆઈએલ (દાએશ) અને અલ-કાયદા સમિતિએ વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં અબ્દુલ રહમાન મક્કીનું નામ સામેલ કર્યું છે. તેના પરિણામે દુનિયાભરમાં મક્કીની સંપત્તિ ફ્રીઝ કરવામાં આવશે, મક્કી પર યાત્રા સહિત અન્ય ઘણા પ્રતિબંધ લગાવવામાં આવશે.

    સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, ભારત અને અમેરિકા પહેલાંથી જ પોતપોતાના દેશમાં અબ્દુલ રહમાન મક્કીને ‘આતંકવાદી’ જાહેર કરી ચૂક્યા છે. મક્કી પર યુવાઓને ઉગ્રવાદ તરફ ઉશ્કેરવા, ભારતમાં હુમલાની યોજના બનાવવા, ગેરકાયદેસર ફંડ એકત્ર કરવા સહિત ઘણા આરોપો છે.

  11. ટ્વિટર પર બ્લુ ટીક ખરીદી રહ્યું છે તાલિબાન, અબ્દીરહીમ સઈદ, બીબીસી મૉનિટરિંગ

    તાલિબાને ટ્વિટરને વેરિફેકશન ફીચર માટે ભરપાઈ કરવાનું શરૂ કરી દીધું છે. તેનો અર્થ છે કેહવે કેટલાક તાલિબાન નેતાઓનાં એકાઉન્ટમાં બ્લુ ટીક જોવા મળશે.

    અગાઉ ટ્વિટર પર સક્રિય જાણીતા અને વિશ્વસનીય એકાઉન્ટને બ્લુ ટીક આપવામાં આવતું હતું. તેને ખરીદી શકાતું ન હતું.

    જોકે, હવે યૂઝર્સ તેને નવી ટ્વિટર બ્લુ સર્વિસ દ્વારા ખરીદી શકશે.

    ઓછામાં ઓછા બે તાલિબાન અધિકારી અને ચાર પ્રમુખ સમર્થક અફઘાનિસ્તાનમાં બ્લુ ટીકનો ઉપયોગ હાલ કરી રહ્યા છે.

    તાલિબાનના માહિતી વિભાગના પ્રમુખ હિદાયતુલ્લાહ હિદાયત પાસે હવે બ્લુ ટીક છે.

    તેમના ટ્વિટર પર 1 લાખ 87 હજાર ફૉલોઅર્સ છે અને તેઓ રોજ તાલિબાન પ્રશાસન સાથે જોડાયેલી માહિતી શેર કરે છે.

    સ્થાનિક મીડિયા અનુસાર, ગયા મહિને તેઓનું પેઇડ બ્લુ ટીક હટાવી દેવામાં આવ્યું હતું, પરંતુ હવે તે ફરી જોવા મળી રહ્યું છે.

    અફઘાનિસ્તાનના માહિતી અને સંસ્કૃતિ મંત્રાલયમાં મીડિયા વૉચડૉગના પ્રમુખ અબ્દુલ હક હમ્માદ પાસે પણ હવે બ્લુ ટીક છે અને આ પ્લૅટફૉર્મ પર તેમને 1 લાખ 70 હજાર લોકો ફોલો કરી રહ્યા છે. તાલિબાનના મોટા સમર્થકોએ પણ બ્લુ ટીક મેળવી લીધું છે.

    ભૂતપૂર્વ તાલિબાન અધિકારી મોહમ્મદ જલાલે સોમવારે ટ્વિટરના નવા માલિકના ઘણા વખાણ કર્યાં અને કહ્યું કે, ‘ઍલન મસ્ક ‘ટ્વિટરને ફરીથી મહાન’ બનાવી રહ્યા છે.’

    ટ્વિટર પર કટ્ટર ઇસ્લામીઓની હાજરી છેલ્લા કેટલાક સમયથી વિવાદનો મુદ્દો છે.

    ઑક્ટોબર 2021માં પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પ્લૅટફૉર્મ પરથી સસ્પેન્ડ કર્યા બાદ કહ્યું હતું કે, “અમે એક એવી દુનિયામાં રહીએ છીએ, જ્યાં ટ્વિટર પર મોટી સંખ્યામાં તાલિબાનો છે, પરંતુ તમારા મનપસંદ અમેરિકી રાષ્ટ્રપતિને ચૂપ કરવામાં આવ્યા છે.”

    “આ અસ્વીકાર્ય છે.”

    ટ્વિટ બ્લુ સર્વિસ ગયા વર્ષે ડિસેમ્બરમાં આવી હતી. તે અંતર્ગત વેરિફિકેશન બેજ મેળવવા માટે યૂઝર્સને દર મહિને 8 ડૉલરની ભરપાઈ કરવાની રહેશે. જો ટ્વિટર એપનો ઍપલના ડિવાઇસમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, તો વેરિફિકેશનની કિંમત 11 ડૉલર હશે.

    ટ્વિટર બ્લુ સર્વિસ આવતા પહેલાં કોઈ પણ તાલિબાન અધિકારી પાસે એકાઉન્ટ વેરિફાઇડ સાબિત કરનારું બ્લુ ટીક ન હતું.

    ઑગસ્ટ 2021માં અફઘાનિસ્તાનના સત્તામાં આવ્યા બાદ તાલિબાને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ સહિત અગાઉની સરકારમાં ચાલતા ટ્વિટર એકાઉન્ટ્સને જ ચલાવવાનું ચાલુ રાખ્યું.

    ટ્વિટરે આ મામલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

  12. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    16 જાન્યુઆરીના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.