નેપાળના પોખરામાં આંતરરાષ્ટ્રીય હવાઈમથકની નજીક યેતિ ઍરલાઇન્સનું એક વિમાન
દુર્ઘટનાગ્રસ્ત થયું છે.
સિવિલ એવિએશન ઑથૉરિટીના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું છે કે પોખરામાં યતી
ઍરલાઇન્સના પ્લેન ક્રૅશમાંથી 40 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે.
પ્રવક્તા જગન્નાથ નિરૌલાના જણાવ્યા અનુસાર, પ્લેનમાં ચાર ક્રૂ મેમ્બર સહિત 68 મુસાફરો હતા.
તેમણે કહ્યું કે મુસાફરોમાં 53 નેપાળી અને 5 ભારતીયો હતા.
તે સિવાય રશિયાના 4 મુસાફરો, કોરિયાના
2 મુસાફરો, આયર્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, આર્જેન્ટિના
અને ફ્રાન્સના એક-એક મુસાફરો હતા.
તેમણે બીબીસીને માહિતી આપી હતી કે બચાવકાર્ય હજુ ચાલુ છે.
નેપાળી સેનાના સહપ્રવક્તા કૃષ્ણપ્રસાદ ભંડારીએ જણાવ્યું હતું કે, "પોખરા ઍરપૉર્ટથી દોઢ કિલોમીટર દૂર સેતી નદીના ઘાટમાં પ્લેન ક્રૅશ થયું છે. બચાવકાર્ય માટે ત્યાં 120 રેન્જર્સ અને 200 સૈનિકો તહેનાત કરવામાં આવ્યા છે."
વિમાને કાઠમંડુથી રાત્રે 10:32 વાગ્યે ઉડાન ભરી હતી. હાલ અકસ્માત સ્થળે 200 જેટલા સૈનિકો તહેનાત હોવાનું કહેવાય છે.
નેપાળી સૈન્યના પ્રવક્તા કૃષ્ણપ્રસાદ ભંડારીએ જણાવ્યું હતું કે, લેન્ડિંગ દરમિયાન પ્લેન ક્રૅશ થયું હતું.
ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, પોખરા ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર 72 સીટવાળું પેસેન્જર વિમાન ક્રૅશ થયું છે. આ પછી ઍરપૉર્ટને હાલ પૂરતુું બંધ કરી દેવામાં આવ્યું છે.
એજન્સીએ કાઠમંડુ પોસ્ટને ટાંકીને જણાવ્યું હતું કે વિમાનમાં કુલ 68 મુસાફરો સાથે ચાર ક્રૂ મેમ્બર હતા.
યતી ઍરલાઈન્સનું આ વિમાન જૂના ઍરપૉર્ટ અને પોખરા ઈન્ટરનેશનલ ઍરપૉર્ટ વચ્ચે ક્રૅશ થયું છે.