You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ચીનમાં એક મહિનામાં કોરોનાથી 59,938 લોકોનાં મોત

ચીને આ આંકડો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એ નિવેદન બાદ જાહેર કર્યો છે, જેમાં કહેવાયું હતું કે ચીની સરકાર કોવિડની ભયાવહતાનું અંડર રિપોર્ટિંગ કરી રહી છે.

લાઇવ કવરેજ

  1. બોલીવૂડનો 'સૌથી લાંબો કિસિંગ સીન' 1933ની ફિલ્મ 'કર્મા'માં હતો?

  2. ચીનમાં એક મહિનામાં કોરોનાથી 59,938 લોકોનાં મોત

    ચીનનું કહેવું છે કે ત્યાંની હૉસ્પિટલોમાં 59,938 મોત થયાં છે. ચીનનો આ છેલ્લા 30 દિવસનો આંકડો છે.

    ચીને આ આંકડો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એ નિવેદન બાદ જાહેર કર્યો છે, જેમાં કહેવાયું હતું કે ચીની સરકાર કોવિડની ભયાવહતાનું અંડર રિપોર્ટિંગ કરી રહી છે.

    સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ચીનના સરકારી મીડિયાએ શનિવારે નેશનલ હેલ્થ કમિશનના આંકડાના હવાલાથી જણાવ્યું કે આઠ ડિસેમ્બર 2022થી લઈને 12 જાન્યુઆરી 2023 સુધી હૉસ્પિટલમાં કોવિડ સંબંધિત 59,938 મોત થયાં છે.

    નેશનલ હેલ્થ કમિશનના ડાયરેક્ટર જિયાઓ યાહુઈ અનુસાર, મેડિકલ સંસ્થાઓએ કહ્યું કે કોવિડ-19ને કારણે શ્વાસ સંબંધી સમસ્યાથી 5,503 લોકોનાં મોત થયાં છે.

    જોકે તેમણે કહ્યું કે 54,435 મોત એ લોકોનાં થયાં છે, જે કૅન્સર, હૃદયની બીમારીથી પીડિત હતા. પણ કોવિડને કારણે તેમની હાલત ખરાબ થતા તેમનાં મોત થયાં છે.

    જે લોકોનાં મોત થયાં, તેમની ઉંમર સરેરાશ 80 વર્ષની હતી.

    ચીને ગત મહિને પોતાની ઝીરો-કોવિડ પૉલિસી ખતમ કરી નાખી હતી. બાદમાં આ વર્ષે આઠ જાન્યુઆરીએ તેણે આંતરરાષ્ટ્રીય પર્યટકો માટે પોતાની સીમા ખોલી નાખી હતી.

  3. પુણેમાં ઘરમાં 2 બાળકો સહિત 4નો પરિવાર મૃત હાલતમાં મળી આવ્યો: પોલીસ

    એનડીટીવીના અહેવાલ અનુસાર, પુણેમાં એક ઘરમાંથી એક દંપતિ અને તેમના બે બાળકો મૃત હાલતમાં મળી આવ્યા હતા, પોલીસે આત્મહત્યાનો મામલો હોવાની શંકા વ્યક્ત કરી હતી.

    મુંધવા પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, દીપક થોટે (55), તેમનાં પત્ની ઈન્દુ (45), તેમનો પુત્ર (24) અને પુત્રી (17) શુક્રવારે મોડી રાત્રે કેશવનગર વિસ્તારમાં તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યાં હતાં.

    પોલીસ અધિકારીએ કહ્યું, "અત્યાર સુધી કોઈ સુસાઈડ નોટ મળી નથી. અમે આત્મહત્યાના એંગલની તપાસ કરી રહ્યા છીએ અને પ્રાથમિક માહિતી મુજબ, પરિવારને કેટલુક આર્થિક નુકસાન થયું હતું."

    તેમણે કહ્યું કે ઝેરી પદાર્થ ખાવાથી મોત થયાં છે.

  4. ઓડિશાના કટકમાં પુલ પર ભાગદોડમાં એકનું મોત, 20 ઘાયલ, સંદીપ સાહુ, બીબીસી માટે, ભુવનેશ્વરથી

    ઓડિશાના કટક જિલ્લાના પ્રસિદ્ધ શૈવ પીઠ સિંહનાથ જવા માટે બનેલા એક પુલ પર શનિવારે સાંજે ભાગદોડ થવાથી એક મહિલાનું મોત થયું છે અને કમસે કમ 20 લોકો ઘાયલ થયા છે.

    અધિકારીઓ અનુસાર, ઘાયલોમાંથી પાંચની સારવાર બડંબા હૉસ્પિટલમાં ચાલી રહી છે, જ્યારે ગંભીર રીતે ઘાયલ ચાર લોકોને કટકની એસસીબી મેડિકલ કૉલેજમાં ભરતી કરાયા છે.

    આઠગઢના સબ ડિવિઝનલ પોલીસ અધિકારી બીકે બીસીએ એક 45 વર્ષીય મહિલાનાં મોતની પુષ્ટિ કરી છે.

    તેમણે કહ્યું કે મહિલાનું મોત પડ્યાં બાદ શ્વાસ રુંધાઈ જવાથી થયું છે.

    કટક જિલ્લાનો આ શૈવ પીઠ મહાનદીની અંદર છે અને ત્યાં જવા માટે એક પુલ પરથી પસાર થવું પડે છે.

    મકરસંક્રાંતિ પર અહીં શ્રદ્ધાળુઓની ભીડ હતી, જેના કારણે ભાગદોડ મચી હતી.

  5. અમદાવાદની ઉત્તરાયણમાં કેવો માહોલ છે?

  6. જમ્મુ-કશ્મીરના ગુરેઝમાં બરફનું તોફાન, 12 જિલ્લાને ચેતવણી

    જમ્મુ-કશ્મીરમાં અધિકારીઓનું કહેવું છે કે, “બાંદીપોરાના ગુરોઝમાં શનિવારે બરફનું તોફાન આવ્યું હતું, પરંતુ કોઈ જાન-માલને નુકસાન થયું નથી.”

    બરફના તોફાન બાદ બાંદીપોરા સહિત 12 જિલ્લા માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. બાંદીપોરામાં ગુરુવાર અને શુક્રવારે હિમવર્ષા થઈ હતી.

    સ્ટેટ ડિઝાસ્ટર કન્ટ્રોલ ઑથૉરિટીએ શનિવારે ઉત્તર કાશ્મીરના કુપવાડામાં બરફના તોફાનનું 'હાઈ એલર્ટ' જાહેર કર્યું છે.

    સાથે બાંદીપોરા, બારામુલા, ડોડા, ગાંદેરબાલ, કિશ્તવાડ, પુંછ,રામબાન અને રેયાસીમાં 'મધ્યમ એલર્ટ' જારી કરવામાં આવ્યું છે.

    ઑથૉરિટીએ કહ્યું છે કે, “આગામી 24 કલાકમાં કુપવાડામાં બે હજાર મીટરની ઊંચાઈએ ખતરનાક સ્તરનું બરફનું તોફાન ત્રાટકી શકે છે. સાથે અન્ય સ્થળે 2000 મીટરની ઊંચાઈ પર ઓછી અસરવાળું બરફનું તોફાન આવી શકે છે અને અનંતનાગ, કુલગામ અને રાજૌરીમાં ઓછા જોખમી સ્તરનું બરફનું તોફાન આવી શકે છે.”

    લોકોને સલાહ આપવામાં આવે છે કેસાવધ રહો અને એવાં સ્થળોએ ન જાવ જ્યાં વાવાઝોડું આવવાની શક્યતાઓ હોય.

  7. બ્રેકિંગ, નીતિન ગડકરીની ઑફિસમાં ધમકીભર્યા ફોન બાદ સુરક્ષા વધારાઈ

    કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા નીતિન ગડકરીની ઑફિસમાં શનિવારે સવારે ધમકીભર્યા ત્રણ ફોન-કૉલ આવ્યા બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે.

    સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, નાગપુરમાં મોજૂદ તેમની ઑફિસમાં દસ મિનિટમાં બે વાર ધમકીભર્યા ફોન આવ્યા.

    તો પીટીઆઈએ સમાચાર આપ્યા કે કોઈ અજાણી વ્યક્તિના ધમકીભર્યા ફોન-કૉલ બાદ નીતિન ગડકરીનાં ઘર અને ઑફિસની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે.

    એજન્સીઓનું કહેવું છે કે ખામલામાં આવેલી ગડકરીની જનસંપર્ક ઑફિસમાં સવારે 11.25થી લઈને 12.30 વચ્ચે ત્રણ ધમકીભર્યા ફોન-કૉલ આવ્યા હતા.

    નાગપુરના ડેપ્યુટી કમિશનર રાહુલ મદાને કહ્યું કે ફોન કરનાર વ્યક્તિની ઓળખ માટે તપાસ ચાલુ છે.

    તેમણે કહ્યું, "ઑફિસની સુરક્ષા વધારી દીધી છે. તેમજ નીતિન ગડકરીના કાર્યક્રમની જગ્યાએ પણ સુરક્ષા વધારી દીધી છે."

  8. લલિત મોદી ઓક્સિજન સપોર્ટ પર, કોવિડ અને ન્યુમોનિયાથી સંક્રમિત

    આઈપીએલના પૂર્વ ચૅરમૅન લલિત મોદી ન્યુમોનિયા અને કોવિડ-19ના ચેપને લીધે લંડનની એક હૉસ્પિટલમાં દાખલ છે.

    લલિત મોદીએ ખુદ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરીને તેની જાણકારી આપી છે.

    ઇન્સ્ટાગ્રામ પર તેમની લંડનના લ્યુટોન ઍરપૉર્ટ પર પહોંચવાની તસવીર મુકાઈ છે, તેમાં જણાવ્યું કે તેઓ ન્યુમોનિયા અને કોવિડ સંક્રમણને લીધે હૉસ્પિટલમાં ભરતી છે અને તેમને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. તેમને મેક્સિકોથી લંડન લવાયા છે.

    લલિત મોદીએ લખ્યું, "ડબલ કોવિડ, એન્ફ્લુએન્ઝા અને ડીપ ન્યુમોનિયાને લીધે ત્રણ અઠવાડિયાં સુધી પથારી પર રહેવા અને અનેક વાર મેક્સિકોની બહાર જવાની કોશિશ બાદ આખરે ઍર ઍમ્બ્યુલન્સ અને બે ડૉક્ટરો સાથે અહીં પહોંચી ગયો છું."

    લલિત મોદીએ હૉસ્પિટલની તસવીર પણ શેર કરી છે.

    લલિત મોદી આઈપીએલના સંસ્થાપક અને ચૅરમૅર રહી ચૂક્યા છે. 2005થી 2010 સુધી તેઓ બીસીસીઆઈના ઉપાધ્યક્ષ પણ રહ્યા છે.

    2010માં ગોટાળાના આરોપ બાદ લલિત મોદીને આઈપીએલના કમિશનર પદથી કાઢી મુકાયા હતા.

    મની લૉન્ડરિંગ કેસમાં આરોપ લાગ્યા બાદ લલિત મોદી 2010માં ભારતની બહાર જતા રહ્યા હતા.

  9. અમદાવાદની 608 રહેણાક ઇમારતો પાસે માન્ય ફાયર એનઓસી નથી: એફિડેવિટ

    ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, અમદાવાદની 608 જેટલી રહેણાક ઇમારતો પાસે ગુરુવાર સુધીમાં કોઈ માન્ય ફાયર “નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ” (એનઓસી) નથી, એમ અમદાવાદ ફાયર ઍન્ડ ઇમરજન્સી સર્વિસે જણાવ્યું હતું.

    અમદાવાદના ડૅપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્યકુમાર ભટ્ટે જણાવ્યું હતું. “અમે જાન્યુઆરી 2023માં ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરેલી એફિડેવિટ મુજબ લગભગ 739 રહેણાક ઇમારતો પાસે માન્ય ફાયર એનઓસી નથી. તેમાંથી 131 નવા સીમાંકન બાદ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ આવે છે,”

    ભટ્ટના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં કૉમર્શિયલ બિલ્ડિંગો સામે માન્ય એનઓસી ન હોવાના બહુવિધ કેસો દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેમણે એનઓસી મેળવી લીધી હતી અને માત્ર બે કૉમર્શિયલ બિલ્ડિંગ છે જ્યાં ફાયર એનઓસી માટેની પ્રક્રિયા ચાલી રહી છે.

    ગુજરાત ફાયર પ્રિવેન્શન ઍન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ ઍક્ટ, 2013 મુજબ, રહેણાક ઈમારતોના બાંધકામ બાદ અને ઈમારતના વપરાશ પહેલાં ફાયર એનઓસી લેવી જરૂરી છે અને ફાયર એનઓસી દર વર્ષે રીન્યુ કરવું જરૂરી છે.

    ડેપ્યુટી કમિશનર અનુસાર, આ રહેણાક ઇમારતોને ઘણી નોટિસ આપી છે અને આખરી નોટિસ જૂન 2022માં આપવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે જો ફાયર એનઓસી રીન્યુ કરવામાં નહીં આવે, તો તેમના પાણી અને વીજળીનાં જોડાણો કાપી શકાય છે અને તેમની સામે ફોજદારી કાર્યવાહી શરૂ થઈ શકે છે.

    હવે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન (એએમસી) આ રહેણાક ઇમારતો સામે કાર્યવાહી કરી રહી છે. આશરે 23 રહેણાક મકાનોમાં પાણીનાં જોડાણો બંધ કરવામાં આવ્યાં છે જેમાંથી 11 પૂર્વ અમદાવાદમાં અને 12 પશ્ચિમ ભાગમાં છે.

  10. લાત્વિયા સીમા પાસે લિથુઆનિયાની ગૅસ પાઇપલાઇનમાં મોટો વિસ્ફોટ

    લિથુઆનિયાના ઉત્તર દિશા તરફના વિસ્તાર પસવેલિસમાં શુક્રવારે એક ગૅસ પાઇપલાઇનમાં મોટો વિસ્ફોટ થયો. આ વિસ્તાર લાત્વિયાની સીમા પાસે છે.

    સ્થાનિક મીડિયામાં આવી રહેલ તસવીરોમાં દેખાઈ રહ્યું છે કે પાઇપલાઇનથી આગની ઊંચી ઊંચી જ્વાળાઓ નીકળી રહી છે. અધિકારીઓ અનુસાર વિસ્ફોટમાં કોઈ જાનહાનિ નથી થઈ.

    લાત્વિયાના સંરક્ષણમંત્રી આર્ટિસ પૈબરિક્સે ટ્વિટર પર લખ્યું કે આ દુર્ઘટનાનાં કારણોની તપાસ કરાઈ રહી છે અને તેનાથી થયેલ નુકસાનની વાત નકારી ન શકાય.

    પરંતુ, પાઇપલાઇન ઑપરેટર એમ્બર ગ્રિડે કહ્યું કે આ વિસ્ફોટને લઈને તેમને અત્યાર સુધી કોઈના પર શંકા નથી.

    એમ્બર ગ્રિડના ચીફ ઍક્ઝિક્યુટિવે જણાવ્યું, “શરુઆતના આકલનમાં કોઈ ખોટા ઇરાદાની ખબર નથી પડી પરંતુ તપાસમાં તમામ પાસાંનું ધ્યાન રખાશે.”

    એ સિવાય આ પાઇપલાઇન 1978માં બની હતી. તેનું સમારકામ ચાલી રહ્યું હતું. હવે અધિકારીઓ એ વાતની તપાસ કરી રહ્યા છે કે આખરે કયા કારણથી પાઇપલાઇનમાં વિસ્ફોટ થયો હતો.

  11. રાજસ્થાન : જુનિયર ઇજનેરને 'રાષ્ટ્રપતિનાં ચરણ સ્પર્શ કરવાનો પ્રયાસ બદલ સસ્પેન્ડ કરાયાં'

    રાજસ્થાનમાં શુક્રવારે એક ઇજનેરને રાષ્ટ્રપતિના સુરક્ષા પ્રોટોકોલનો ભંગ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.

    જુનિયર ઇજનેર અંબા સિઓલે 4 જાન્યુઆરીએ એક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનાં ચરણ સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો.

    ગૃહમંત્રાલયના હસ્તક્ષેપ બાદ પબ્લિક હેલ્થ ઇજેરી વિભાગે ઇજનેરને સસ્પેન્ડ કરી દીધાં હતાં.

    આદેશમાં કહેવામાં આવ્યું છે કે, “જુનિયર ઇજનેર અંબા સિઓલે 4 જાન્યુઆરીએ રોહટ ખાતે સ્કાઉટ ગાઈડ જંબોરેના ઉદ્ઘાટન સમયે રાષ્ટ્રપતિનાં ચરણ સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેથી, રાજસ્થાન સિવિલ સર્વિસિસ નિયમો હેઠળ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે."

    અંબા સિયોલ કાર્યક્રમમાં પાણીની વ્યવસ્થા અંબા જોઈ રહ્યાં હતાં. પરંતુ, રાષ્ટ્રપતિની સુરક્ષા કોર્ડન તોડીને તેઓ રાષ્ટ્રપતિને આવકારવાં ઊભેલા અધિકારીઓ પાસે પહોંચી ગયાં હતાં. તેમણે અચાનક આગળ વધીને રાષ્ટ્રપતિનાં ચરણ સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સુરક્ષાકર્મીઓએ તેમને અટકાવ્યાં હતાં.

  12. ઈરાનના ભૂતપૂર્વ નાયબ સંરક્ષણમંત્રી અલીરેઝા અકબરીને ફાંસી

    ઈરાનના સરકારી મીડિયા અનુસાર, બ્રિટિશ અને ઈરાનની બેવડી નાગરિકતા ધરાવતા ઈરાનના ભૂતપૂર્વ નાયબ ઈરાની સંરક્ષણમંત્રી અલીરેઝા અકબરીને ઈરાનમાં મૃત્યુદંડની સજા કરવામાં આવી છે.

    અલીરેઝા અકબરીની 2019માં ધરપકડ કરવામાં આવી હતી અને યુકે માટે જાસૂસી કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા.

    જોકે અલીરેઝાએ આ આરોપનો ઇનકાર કર્યો હતો.

    અલીરેઝા અકબરીના પરિવારને બુધવારે "અંતિમ મુલાકાત" માટે તેમની જેલમાં જવા દેવાયા હતા અને તેમનાં પત્નીએ જણાવ્યું હતું કે તેમને એકાંત કેદમાં ખસેડવામાં આવ્યા હતા.

    યુકેએ ઈરાનને ફાંસીની સજા અટકાવવા અને તેમને તાત્કાલિક મુક્ત કરવા વિનંતી કરી હતી.

  13. ભારત જોડો યાત્રામાં કૉંગ્રેસ સાંસદ સંતોખસિંહનું મૃત્યુ, યાત્રા રોકાઈ

    ભારત જોડો યાત્રામાં સામેલ કૉંગ્રેસના સાંસદ સંતોષસિંહ ચૌધરીનું નિધન થઈ ગયું છે.

    લુધિયાણામાં તબિયત ખરાબ થયા બાદ તેમને ઍમ્બુલન્સ મારફતે હૉસ્પિટલ લઈ જવાયા હતા.

    સાંસદના મૃત્યુ બાદ ભારત જોડો યાત્રા રોકી દેવાઈ છે.

    પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માને ટ્વીટ કરીને સંતોખસિંહના મૃત્યુની જાણકારી આપી છે.

    રિપોર્ટો અનુસાર સાંસદ સંતોખસિંહને યાત્રા દરમિયાન ફિલ્લૌરમાં હાર્ટ ઍટેક આવ્યો હતો.

    તેમને તરત જ ઍમ્બુલન્સ મારફતે હૉસ્પિટલ લઈ જવાયા પરંતુ તેમને બચાવી ન શકાયા.

  14. ગુજરાત સરકારની હેલ્પલાઈન પર ચાઇનીઝ દોરી સામે ચાર દિવસમાં 68 ફરિયાદો મળી

    રાજ્ય સરકારે શુક્રવારે હાઇકોર્ટને જાણ કરી હતી કે તેને 9 જાન્યુઆરીથી હેલ્પલાઈન પર ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગને લગતી 68 ફરિયાદો મળી છે.

    ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, રાજ્ય સરકારે એમ પણ રજૂઆત કરી હતી કે ગુજરાત પોલીસના સાઇબર ક્રાઈમ વિભાગને એમેઝોન જેવા ઓનલાઈન માર્કેટપ્લેસ દ્વારા આવા પ્રતિબંધિત માલના વેચાણ અને ખરીદી સામે યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

    રાજ્યના 2016ના પરિપત્રના અસરકારક અમલીકરણ અને ચાઇનીઝ પતંગના દોરી અને ચાઇનીઝ ફાનસના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા કોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ના આદેશોના પાલનની માંગ કરતી જાહેર હિતની અરજી (પીઆઈએલ)માં આ જવાબી સોગંદનામું દાખલ કર્યું હતું.

    સોગંદનામું દર્શાવે છે કે 1 જાન્યુઆરી, 2022 થી 12 જાન્યુઆરીની વચ્ચે કુલ 1,635 એફઆઈઆર નોંધવામાં આવી છે અને 1,130 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

    સૌથી વધુ એફઆઈઆર સુરત ગ્રામીણ (22) પછી નવસારી (21), સુરત શહેર (12) અને મહેસાણા અને અમદાવાદ (બંને શહેરમાં નવ)માં નોંધાઈ હતી.

    ગૃહવિભાગનાં સચિવ નિપુણા તોરવણે દ્વારા આ સોગંદનામું દાખલ કરવામાં આવ્યું હતું.

  15. સાબરમતી પ્રદૂષણ : ગુજરાત હાઇકોર્ટે જીપીસીબીને 'દૂષિત પાણીના નિકાલના વિકલ્પો' શોધવા કહ્યું

    ઈન્ડિયન એક્સપ્રેસઅનુસાર, ગુજરાત હાઇકોર્ટે શુક્રવારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)ને કાપડઉદ્યોગો અને અન્ય હિતધારકો સાથે દૂષિત પાણીના નિકાલના વિકલ્પો શોધવા માટે બેઠક યોજવાનો નિર્દેશ આપ્યો હતો. કાપડઉદ્યોગોએ તેમના ઔદ્યોગિક એકમોના પ્રદૂષિત પાણીને છોડવા માટે મેગા પાઇપલાઇન સાથે જોડાણની માંગણી કર્યા પછી હાઇકોર્ટે આ આદેશ કર્યો છે જેથી એકમો ફરીથી કામગીરી શરૂ કરી શકે.

    હાઇકોર્ટની ખંડપીઠે અવલોકન કર્યું હતું કે, "સાબરમતી નદીમાં પાણી છોડતી વખતે જરૂરી પરિમાણો"ને "તાકીદે ધ્યાનમાં લેવા" જરૂરી છે. કોર્ટે એમ પણ સૂચન કર્યું હતું કે જીપીસીબી આગામી સપ્તાહે યોજાનારી તેની બેઠક દરમિયાન ટેક્સટાઇલ ફર્મ આશિમા લિમિટેડને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે મેગા પાઇપલાઇનમાં તેના એફ્લૂઅન્ટને છોડવાની મંજૂરી આપી શકે કે કેમ તે અંગે વિચારણા કરે.

    કોર્ટે એ પણ નિર્દેશ આપ્યો છે કે 20 જાન્યુઆરીએ આગામી સુનાવણીની તારીખ પહેલાં મિટિંગના પરિણામ અંગેનો રિપોર્ટ કોર્ટને સુપરત કરવામાં આવે.

    સાબરમતી નદીમાં ટ્રીટમેન્ટ વગરના ગંદા પાણીના નિકાલના ઘટસ્ફોટને પગલે હાઈકોર્ટના નિર્દેશો બાદ ગત વર્ષે ઘણા ટેક્સટાઈલ ઉદ્યોગો બંધ કરવામાં આવ્યા હતા. ત્યારથી ઉદ્યોગો બંધ છે અને હાલમાં ફરી શરૂ કરવા માટે હાઇકોર્ટની મંજૂરી માંગી રહ્યા છે.

    આવા જ એક એકમ, આશિમા લિમિટેડે જસ્ટિસ સોનિયા ગોકાણી અને વૈભવી નાણાવટીની ડિવિઝન બેન્ચને જાણ કરી હતી કે જ્યારે તેમને જીપીસીબી તરફથી ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ (ઝેડએલડી) એફ્લૂઅન્ટ પ્લાન્ટ સ્થાપવાની ઔપચારિક પરવાનગી મળી છે, ત્યારે તેણે કોર્ટને વિનંતી કરી હતી કે ફર્મને તેના બદલે આર્થિક પાસાને ધ્યાનમાં લઈને એફ્લૂઅન્ટના નિકાલ માટે મેગા પાઇપલાઇનમાં જોડાણ કરવાની પરવાનગી આપવામાં આવે. સમગ્ર અમદાવાદ શહેરમાં 27 કિલોમીટરના વિસ્તારમાં મેગા પાઇપલાઇન નાખવામાં આવી છે.

    દરમિયાન, અમદાવાદ મેગા ક્લીન ઍસોસિયેશન (એએમસીએ) જે પાઇપલાઇનના સ્પેશિયલ પર્પઝ વિહિકલ (SPV)નું સંચાલન કરે છે તે રાજ્ય સરકારનું સાહસ છે અને તેણે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે તેમાં અનધિકૃત પાઇપલાઇન જોડાઈ હોવાનો મુખ્ય મુદ્દો છે. એએમસીએ વતી વરિષ્ઠ વકીલ રસેશ સંજનવાલાએ રજૂઆત કરી હતી કે તેઓ જરૂરી માનવબળના અભાવે આ મુદ્દાને યોગ્ય રીતે સંબોધવા અસમર્થ છે.

  16. લાલુ યાદવ પર અન્ય એક મામલામાં કેસ ચલાવવાની મંજૂરી

    સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને નોકરીના બદલામાં જમીન કૌભાંડ કેસમાં બિહારના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને ભૂતપૂર્વ રેલવેમંત્રી લાલુ પ્રસાદ યાદવ સામે કેસ ચલાવવા માટે કેન્દ્ર તરફથી મંજૂરી મળી ગઈ છે.

    લાલુ પ્રસાદ યાદવ ઘાસચારા કૌભાંડ સહિત અનેક કેસોનો સામનો કરી રહ્યા છે. ગયા મહિને લાલુ પ્રસાદ યાદવનું સિંગાપોરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.

    ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર શુક્રવારે સીબીઆઈએ વિશેષ અદાલત સમક્ષ કેન્દ્રની મંજૂરી માટે દસ્તાવેજ રજૂ કર્યા હતા.

    સીબીઆઈએ ગયા વર્ષે 7 ઑક્ટોબરે લાલુ પ્રસાદ યાદવ, તેમનાં પત્ની રાબડી દેવી અને અન્ય 14 વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.

    ચાર્જશીટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે જમીન આપવા સામે કે તેમના પરિવારને વેચવા સામે રેલવેમાં નોકરી આપવામાં આવી છે.

    સીબીઆઈએ ચાર્જશીટમાં લાલુ પ્રસાદ યાદવનાં પુત્રી મીસા ભારતી, સેન્ટ્રલ રેલવેનાં પૂર્વ જનરલ મૅનેજર સૌમ્યા રાઘવન, પૂર્વ સીપીઓ રેલવે કમલ દીપ મેનરાઈ અને અન્ય 11 લોકોનાં નામ પણ સામેલ કરાયાં છે.

    એક નિવેદનમાં સીબીઆઈના પ્રવક્તાએ કહ્યું, "તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓએ મધ્ય રેલવેના તત્કાલીન જનરલ મેનેજર અને સીપીઓ સાથે મળીને કૌભાંડ આચર્યું હતું."

    ખરાબ તબિયતના શિકાર લાલુ યાદવ હાલમાં ઘાસચારા કૌભાંડ કેસમાં જામીન પર છૂટ્યા છે અને સિંગાપોરમાં તેમની સારવાર ચાલી રહી છે.

  17. હૉકી વર્લ્ડકપમાં ભારતની જીત સાથે શરૂઆત, સ્પેનને બે-શૂન્યથી હંફાવ્યું

    ભારતમાં યોજાઈ રહેલ હૉકી વર્લ્ડકપની ગ્રૂપ ડી મૅચમાં શુક્રવારે ભારતે સ્પેનની ટીમને બે-શૂન્યથી માત આપી હતી.

    ભારત માટે ગોલ અમિત રોહિદાસ અને હાર્દિકસિંહે કર્યા.

    મૅચ દરમિયાન બંને ટીમોને સ્કોર કરવાની ઘણી તકો મળી.

    હૉકીનો આ વર્લ્ડકપ ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમ અને રાઉરકેલાના બિરસા મુંડા સ્ટેડિયમમાં 13થી 29 જાન્યુરીરી 2023 સુધી રમાશે.

    રાઉરકેલાના બિરસા મુંડા સ્ટેડિયમમાં ભારત માટે પ્રથમ ગોલ ટીમના ઉપ-કપ્તાન અમિત રોહિદાસે કર્યો. તેમણે એક પેનલ્ટી કૉર્નરને ગોલમાં બદલ્યો.

    નોંધનીય છે કે પુરુષ હૉકી વર્લ્ડકપમાં આ ભારતનો 200મો ગોલ હતો.

    તે બાદ બીજો ગોલ હાર્દિકસિંહે ફટકાર્યો. ડાબા ફ્લૅંકથી એકલા દોડી આવી હાર્દિકે ઘણા ખેલાડીઓને ચકમો આપ્યો અને ગોલ સુધી પહોંચી ગયા.

    ત્યાં તેમની સ્ટિક વડે ફટકારાયેલ બૉલ સ્પેનના ખેલાડીના પગે અથડાઈને સીધી ગોલમાં ઘૂસી ગયો.

    ભારત આ વર્લ્ડકપના ગ્રૂપ ડીમાં છે. ભારત અને સ્પેન સિવાય આ ગ્રૂપમાં ઇંગ્લૅન્ડ અને વેલ્સ પણ છે.

    આ જ ગ્રૂપના અન્ય એક મુકાબલામાં ઇંગ્લૅન્ડે વેલ્સને પાંચ-શૂન્યથી હરાવ્યુ હતું.

    ભારત આગામી મૅચ રવિવારે ઇંગ્લૅન્ડ સામે રમશે.

  18. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    13 જાન્યુઆરીના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.