સાનિયાએ ભીની આંખે ટેનિસને કહી અલવિદા, દુબઈ ઓપન હશે અંતિમ ટુર્નામેન્ટ
ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ ટેનિસમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે.
તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તેઓ પોતાનો અંતિમ ગ્રાન્ડ સ્લેમ ઑસ્ટ્રેલિયન ઓપન રમવા માટે તૈયાર છે અને ફેબ્રુઆરીમાં તેઓ દુબઈ ઓપન બાદ ટેનિસ નહીં રમે.
સાનિયા મિર્ઝાએ ટ્વિટર પર આ વાતની જાણકારી આપી.
ટ્વિટર પર આને ‘લાઇફ અપડેટ’ ગણાવતાં તેમણે લખ્યું, “30 વર્ષ પહેલાં, હૈદરાબાદની નસ્ર સ્કૂલની છ વર્ષની છોકરી, પોતાની મા સાથે પ્રથમ વખત નિઝામ ક્લબના ટેનિસ કોર્ટ પર પહોંચી અને પોતાના કોચ સાથે ટેનિસ શીખવા માટે ઝઘડવા લાગી, કારણ કે કોચને એ સમયે લાગ્યું તે ખૂબ નાની છે.”
“સપનાંને હાંસલ કરવાની આ લડાઈ છ વર્ષની ઉંમરથી જ શરૂ થઈ ગઈ.”
“ઘણી આશાઓ સાથે, અને ઘણી મુશ્કેલીઓ છતાં અમે એક દિવસ ગ્રાન્ડ સ્લેમ રમવાની અને દેશને ઉચ્ચતમ સ્તરે સન્માન અપાવાનું સપનું જોવાની હિંમત કરી.”
“હવે જ્યારે હું મારી કારકિર્દીમાં પાછી ફરીને જોઉં છું, તો મને દેખાય છે કે મને ન માત્ર 50 ગ્રાન્ડ સ્લેમ રમવાની તક મળી, પરંતુ હું ભાગ્યશાળી હતી કે ભગવાનની કૃપાથી મેં તેમાંથી કેટલાકમાં જીત પણ હાંસલ કરી હતી.”
“દેશ માટે મેડલ જીતવો એ મારા માટે સૌથી મોટું સન્માન રહ્યું છે અને પોડિયમ પર ઊભાં રહીને મેં કૃતજ્ઞ અનુભવ્યું, ત્રિરંગો ઊંચાઈએ ફરકી રહ્યો હતો અને વિશ્વના લોકો આ ક્ષણને ઇજ્જત બક્ષી રહ્યા હતા – આ બધું થયું કારણ કે હું કંઈક હાંસલ કરવામાં ભાગ્યશાળી રહી.”
“આ લખી રહી છું ત્યારે મારી આંખમાં આંસુ છે.”
તેમણે લખ્યું કે તેમના દીકરાને તેમની વધુ જરૂરિયાત છે અને તેઓ તેને વધુ સમય ફાળવવા માગે છે.