બીજી વનડેમાં પણ શ્રીલંકા પર ભારે પડ્યું ભારત, ચાર વિકેટે નોંધાવ્યો વિજય
કોલકાતામાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલ બીજી વનડે મૅચમાં ભારતે શ્રીલંકાને ચાર વિકેટ હરાવી દીધું હતું.
શ્રીલંકાના 215 રનોનું લક્ષ્ય ભારતે 43.1 ઓવરમાં હાંસલ કરી લીધું હતું.
જોકે ભારતની શરૂઆત સારી નહોતી રહી. 33 રનના સ્કોર પર ભારતની પ્રથમ વિકટ અને 41 રનના સ્કોરે બીજી વિકેટ પડી ગઈ હતી. રોહિત શર્મા 17 અને શુભમન ગિલ 21 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થઈ ગયા હતા.
વિરાટ કોહલી પણ માત્ર ચાર રન કરીને આઉટ થઈ ગયા હતા. 86 રન પર ભારતની ચોથી વિકેટ શ્રેયસ અય્યર સ્વરૂપે પડી.
જે બાદ હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલે ઇનિંગ સંભાળી, તેઓ સ્કોરને 150 પાર લઈ ગયા. 161ના સ્કોરે હાર્દિક પંડ્યા 36 રન બનાવીને આઉટ થઈ ગયા.
કેએલ રાહુલે અર્ધ સદી ફટકારી, તેઓ 64 રન બનાવીને અણનમ રહ્યા હતા.
આ પહેલાં શ્રીલંકાની આખી ટીમ ભારત વિરુદ્ધ 40 ઓવર પણ નહોતી ટકી શકી અને 215 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. મહેમાન ટીમના ઓપનિંગ બૅટ્સમૅન નુવાનિદુ ફર્નાંડોએ પોતાની કારકિર્દીની પ્રથમ મૅચમાં અર્ધ સદી ફટકારી.
ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી શ્રીલંકાની ટીમ કુલદીપ યાદવની આગેવાનીવાળા ભારતીય બૉલિંગ આક્રમણ સામે ટકી ન શકી.
યુજવેન્દ્ર ચહલની જગ્યાએ રહેલ લેફ્ટ આર્મ સ્પિનર કુલદીપ યાદવે 51 રન આપીને ત્રણ વિકેટ લીધી. ભારત તરફથી મોહમ્મદ સિરાજે પણ 30 રન આપીને ત્રણ વિકેટ લીધી અને અને ઉમરાન મલિકે 48 રન આપીને બે વિકેટ ઝડપી હતી.
63 બૉલ પર 50 રન બનાવનાર નુવાનિદુ ફર્નાંડો સિવાય શ્રીલંકા તરફથી કુશલ મેંડિસે 34 રન તો દુનિથ વેલ્લાલાગેએ 32 રન બનાવ્યા. શ્રીલંકાની સમગ્ર ટીમ 39.4 ઓવરમાં માત્ર 215 રન બનાવી શકી.