You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 20નાં મૃત્યુ

તાલિબાન પ્રશાસને જણાવ્યું છે કે અફઘાનિસ્તાનના વિદેશમંત્રાલય પાસે એક આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 20 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.

લાઇવ કવરેજ

  1. અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 20નાં મૃત્યુ

    તાલિબાન પ્રશાસને જણાવ્યું છે કે અફઘાનિસ્તાનના વિદેશમંત્રાલય પાસે એક આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 20 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.

    ઇસ્લામિક સ્ટેટે પાછલા એક વર્ષમાં અફઘાનિસ્તાનમાં ઘણા ધડાકા કર્યા હોવાની વાતની જવાબદારી લીધી છે.

    જોકે આજે થયેલ હુમલાની જવાબદારી કોઈ સંગઠને હાલ લીધી નથી.

  2. બ્રેકિંગ, અમેરિકામાં વિમાન સેવા ઠપ કેમ થઈ ગઈ?

    અમેરિકામાં વિમાનસેવા ઠપ થઈ ગઈ છે અને તમામ વિમાનોને ઊડતાં અટકાવી દેવાયાં છે.ફેડરલ ઍવિએશન ઍડમિનિસ્ટ્રેશનની કમ્પ્યુટર સિસ્ટમાં આવેલી ખામીને લીધે આવું થયું છે.

    ફેડરલ ઍવિએશ ઍડમિનિસ્ટ્રેશન અનુસાર ખામીને સરખી કરવાો પ્રયાસ કરાઈ રહ્યો છે.

    આ એ સિસ્ટમ છે જે પાઇલટને એના રૂટના કોઈ પણ જોખમની આશંકા પર ઍલર્ટ મોકલે છે. એફએએએ કહ્યું છે, "આના લીધે સમગ્ર દેશના ઍરસ્પેસના ઑપરેશન પર અસર પડી છે."

  3. આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું, “ભારતમાં ઇસ્લામને ખતરો નથી પરંતુ...”

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું છે કે ઇસ્લામને ભારતમાં કોઈ ખતરો નથી, પરંતુ તેને “અમે સર્વોચ્ચ છીએ”નો ભાવ છોડવો પડશે.

    આરએસએસ સાથે સંકળાયેલા મેગેઝિનો ‘પાંચજન્ય’ અને ‘ઑર્ગનાઇઝર’ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં મોહન ભાગવતે એલજીબીટી સમુદાયનું પણ સમર્થન કર્યું અને કહ્યું કે તેમની નિજતાનું સમ્માન કરવું જોઈએ.

    સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ભાગવતે કહ્યું, “હિંદુ આપણી ઓળખ, રાષ્ટ્રીયતા અને સહુને પોતાના માનવા, સાથે લઈને ચાલવાની પ્રવૃત્તિ છે. હિંદુસ્થાન, હિંદુસ્થાન બનેલું રહે, સીધી વાત છે. એનાથી આજ ભારતમાં જે મુસલમાન છે તેમને કોઈ નુકસાન નથી. તેઓ છે. રહેવા માગે છે, રહે. પૂર્વજ પાસે પરત જવા માગે છે, આવે. તેમની ઇચ્છા છે.”

    ભાગવતે કહ્યું, “ઇસ્લામને કોઈ ખતરો નથી, પરંતુ મુસલમાનોએ અમે મોટા છીએ, અમે એક સમયે રાજા હતા, અમે ફરીથી બનીએ... એ (ભાવ) છોડવો પડશે, કમ્યુનિસ્ટ (સામ્યવાદી) છે, તેમણે પણ છોડવો પડશે.”

    આ ઉપરાંત વસતીની સંખ્યાની નીતિ વિશે ભાગવતે કહ્યું, “વસતીની સંખ્યા એક ભાર પણ છે અને એક ઉપયોગી બાબત પણ છે, એવામાં દૂરગામી અને ઊંડા વિચાર સાથે એક નીતિ બનવી જોઈએ. એ નીતિ બધા પર સમાનરૂપે લાગૂ થવી જોઈએ, પરંતુ એના માટે જબરદસ્તીથી કામ નહીં ચાલે. એના માટે શિક્ષિત કરવા પડશે.”

  4. તૃણમૂલ કૉંગ્રેસના નેતા સાકેત ગોખલે તેમને મળેલા રૂ. 500 માટે ગુજરાતની જેલમાં કેમ બંધ છે?

  5. જોશીમઠ બાદ હવે કર્ણપ્રયાગ અને લૅંડોરમાં પણ જમીન ધસી

    ઉત્તરાખંડના જોશીમઠ શહેરમાં જમીન ધસવાને કારણે ક્ષતિગ્રસ્ત ઘરોની સંખ્યા 723 થઈ ગઈ છે. તેમજ અસુરક્ષિત જાહેર કરાયેલા વિસ્તારમાં ધસી પડનાર ઘરોની સંખ્યા 86 થઈ ગઈ છે.

    કેન્દ્ર સરકારથી લઈને રાજ્ય સરકારની સંસ્થાઓ જોશીમઠ સંકટને નિવારવાના પ્રયાસોમાં લાગી છે.

    આ દરમિયાન હવે ઉત્તરાખંડના અન્ય વિસ્તારોમાં પણ જમીન ધસવાના સમાચાર આવ્યા છે.

    જોશીમઠથી 82 કિલોમીટર દૂર ચમોલી જિલ્લાના દક્ષિણ-પશ્ચિમ આવેલા કર્ણપ્રયાગમાં પણ ઘરોમાં તિરાડો પડવાના વાત સામે આવી છે.

    અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, અલકનંદા અને પિંડર નદીના સંગમ પર વસેલા શહેરનાં કેટલાંક ઘરોમાં તિરાડો એટલી પહોળી થઈ ગઈ છે કે ત્યાં રહેલા અનેક પરિવારોને નગરપાલિકા પરિષદ દ્વારા બનાવાયેલી રાહતશિબિરમાં રાત ગુજારવી પડી.

    ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની ટીમે આ વિસ્તારની મુલાકાત લીધી હતી અને જાણ્યું કે બદરીનાથ હાઈવે પાસે આવેલા કર્ણપ્રયાગના બહુગુણાનગરમાં બે ડઝન ઘરોમાં તિરાડો પહોળી થઈ ગઈ છે અને છત હવામાં લટકી રહી છે.

    1975થી અહીં રહેતા પૂર્વ સૈનિક ગબ્બરસિંહ રાવત કહે છે, 'મારું ઘર ધસવાની અણી પર છે. એ ઘર જે થાંભલા પર ઊભું છે, એ વળવા લાગ્યા છે અને ગત વર્ષે થયેલા વરસાદ બાદ આ સમસ્યા વધવા લાગી છે.

    85 વર્ષીય રાવત કહે છે કે તેમને 14 લાખ રૂપિયાની સહાયનો વાયદો કરવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી તેમને એક પણ રૂપિયો મળ્યો નથી.

    તેઓ કહે છે, આો આખો પરિવાર રાત થતા શિબિરમાં જઈને સૂઈ જાય છે અને સવારે પાછો આવી જાય છે. હું અહીં આખી રાત એકલો રહું છું. હું મારું ઘર મર્યા પછી જ છોડીશ.'

  6. બ્રાઝિલની સંસદ પર હલ્લો કયા કોડવર્ડથી 50 લાખ લોકોને સંદેશો મોકલાયો?

  7. બ્રેકિંગ, ગોલ્ડન ગ્લોબ ઍવૉર્ડમાં ફિલ્મ RRRની ધૂમ, 'નાટૂ-નાટૂ' ગીતને ખિતાબ

    એસએસ રાજામૌલીની ફિલ્મ 'આરઆરઆર'ના 'નાટૂ-નાટૂ' (નાચો-નાચો) ગીતને ગોલ્ડન ગ્લોબ ઍવૉર્ડમાં બેસ્ટ ઓરિજિનલ સૉંગ મોશન પિક્ચરનો ખિતાબ અપાયો છે.

    ફિલ્મમાં જુનિયર એનટીઆર અને રામચરણે મુખ્ય ભૂમિકા નિભાવી છે. આ ગીત પણ એ બંને પર ફિલ્માવાયું છે.

    અમેરિકાના કૅલિફોર્નિયામાં 80મો ગોલ્ડન ગ્લોબ ઍવૉર્ડ સમારોહ થઈ રહ્યો છે.

    આ સમારોહ ભારત માટે ખાસ છે, કેમ કે 'આરઆરઆર' બે કૅટેગરીમાં નૉમિનેટ થઈ છે.

    આ તેલુગુ ગીતને એમએમ કિરવાણીએ કમ્પોઝ કર્યું છે અને ચંદ્રબોઝે લખ્યું છે. રાહુલ સિપલિંગજ અને કાલભૈરવે ગીતને અવાજ આપ્યો છે.

    આરઆરઆરને સર્વશ્રેષ્ઠ બિનઅંગ્રેજી ફિલ્મની શ્રેણીમાં પણ નૉમિનેટ કરાઈ હતી.

    ગોલ્ડન ગ્લોબ જીતી ચૂકેલું આ ગીત પ્રતિષ્ઠિત ઍકેડૅમી ઍવૉર્ડ માટે 'ઓરિજિનલ સૉંગ' કૅટેગરીની સ્પર્ધા પણ છે.

    શૉર્ટલિસ્ટ ગીતની સૂચિ હાલમાં જાહેર કરાઈ છે.

  8. ભારતમાં કોરોના વાઇરસના કેસ વધવા મુદ્દે સરકારનું શું અનુમાન છે?

    ભારતમાં કોવિડ વર્કિંગ ગ્રૂપના ચૅરમૅન ડૉક્ટર એનકે અરોડાએ કહ્યું કે કોરોના વાઇરસ દેશમાં હાજર છે, પણ બહુ ઝડપી ફેલાઈ રહ્યો નથી.

    સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા તેમણે કહ્યું કે "અમે જીનોમ સિક્વેન્સિંગ વધારી દીધું છે અને ઍરપૉર્ટ પર સ્ક્રિનિંગ થઈ રહ્યું છે. અમને કોઈ નવો વૅરિયન્ટ મળ્યો નથી."

    "અમે સીવેજ સૅમ્પલિંગ પણ કરાવ્યું છે, પણ કોઈ નવો વૅરિયન્ટ મળ્યો નથી અને આવનારા દિવસોમાં કેસ ઝડપથી વધવાની શક્યતા ઓછી છે. જે ઓમિક્રૉન વૅરિયન્ટ ભારતમાં છે, તો દુનિયાના અન્ય ભાગમાં પણ જોવા મળી રહ્યો છે."

    તેમણે કહ્યું કે કોવિડનો વૅરિયન્ટ અહીં ખાસ પ્રભાવિત જોવા મળતો નથી અને તેના કારણે હૉસ્પિટલમાં ભરતી થનારની સંખ્યા વધી નથી રહી."

    "આથી ગભરાવાની જરૂર નથી, પણ યુરોપ, નૉર્થ અમેરિકા અને પૂર્વ એશિયાના અન્ય દેશો પર નજર રાખવાની જરૂર છે."

    ઉલ્લેખનીય છે કે ચીનમાં ગત મહિનામાં કોરોનાના કેસમાં વધારો થતા ભારતમાં પણ સતર્કતા વધી છે. ચીનમાં ઝડપથી કેસ વધી રહ્યા છે, પણ ત્યાંના ચોક્કસ આંકડા હાલ મળી શકતા નથી.

  9. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    10 જાન્યુઆરીના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.