You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

કોરોનાનું ફરીથી જોખમ : ભારતમાં આગામી 40 દિવસો મહત્ત્વના?

સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર ભારતમાં કોરોનાને લઈને આગામી 40 દિવસ મહત્ત્વના હોવાનું કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રાલયનાં સૂત્રોએ જણાવ્યું છે.

લાઇવ કવરેજ

  1. કોરોનાનું ફરીથી જોખમ : ભારતમાં આગામી 40 દિવસો મહત્ત્વના?

    સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર ભારતમાં કોરોનાને લઈને આગામી 40 દિવસ મહત્ત્વના હોવાનું કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રાલયનાં સૂત્રોએ જણાવ્યું છે.

    સૂત્રોએ એએનઆઈને જણાવ્યું છે કે ભારતમાં આવેલી કોરોનાની લહેરોનું વિશ્લેષણ કર્યા બાદ સંબંધિત મૂલ્યાંકન કરાયું છે.

    ચીન સહિત વિશ્વનાં કેટલાંક રાષ્ટ્રોમાં કોરોનાની નવી લહેર આવી હોવાના અહેવાલોને પગલે દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મહામારી સંબંધિત તૈયારીઓની સમિક્ષા પણ કરાઈ છે.

    આ ઉપરાંત સંબંધિત બાબતે દેશભરની હૉસ્પિટલોમાં મોકડ્રિલનું આયોજન પણ કરાયું છે. આવી જ એક મોકડ્રિલ વખતે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયા દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલ પહોંચ્યા હતા.

    આ દરમિયાન AIIMSના મહામારી રોગ વિશેષજ્ઞ ડૉ. સંજય કે. શાહે સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું હતું કે 'નવા કોવિડનો સંક્રમણદર વધારે છે અને સંક્રમિત વ્યક્તિ 10-18 લોકોને ચેપ લગાડી શકે છે. આ પહેલાંનો વૅરિયન્ટ પાંચથી છ લોકેને ચેપ લગાડી શકતો હતો. જેમને પહેલાં કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે કે જેમણે રસી લઈ લીધી છે એમને પણ ચેપ લાગી શકે છે.'

  2. માતાના ખબરઅંતર પૂછ્યા બાદ પીએમ મોદી અમદાવાદથી રવાના

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાની તબિયત નાજુક થતા તેઓ દિલ્હીથી અમદાવાદ આવી પહોંચ્યા હતા.

    સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, માતાના ખબરઅંતર પૂછ્યા બાદ વડા પ્રધાન મોદી યુ. એન. મહેતા હૉસ્પિટલમાંથી રવાના થયા હતા.

    વડા પ્રધાન મોદી યુ. એન. મહેતા હૉસ્પિટલમાં એક કલાક જેટલો સમય રોકાયા હતા. તેમના સિવાય ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ ઘણા મંત્રીઓ અને અમદાવાદના ધારાસભ્યો પણ સવારથી હૉસ્પિટલમાં હાજર હતા.

    એએનઆઈએ હૉસ્પિટલને ટાંકીને જણાવ્યું છે કે હીરાબાની તબિયત સ્થિર છે.

  3. શ્રીલંકા સામેની ભારતીય ટીમમાં કોનોકોનો સમાવેશ કરાયો?

    શ્રીલંકા સામેની ટી20 શ્રેણી માટે ભારતીય ટીમમાં હાર્દિકકૅપ્ટન રહેશે જ્યારે રોહિત શર્મા વન-ડે માટે કપ્તાન રહેશે. ઋષભ પંત અને શિખર ધવનને પડતા મુકાયા છે. શિવમ માવીને પ્રથમ વખત સ્થાન અપાયું છે

    હાર્દિક પંડ્યા 3 જાન્યુઆરીથી મુંબઈમાં શરૂ થનારી શ્રીલંકા સામેની ત્રણ મૅચની ટી20 શ્રેણીમાં ભારતનું નેતૃત્વ કરશે જ્યારે રોહિત શર્મા વનડેનું નેતૃત્વ કરશે.

    ભારતીય ઓપનર શિખર ધવનને તાજેતરની સિરીઝમાં નબળા પ્રદર્શન બદલ વનડે ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે.

    જ્યારે કે.એલ. રાહુલ અને વિરાટ કોહલી વનડે ટીમાં વાપસી કરશે, ડિસેમ્બરની શરૂઆતમાં ખભાની ઈજા બાદ બહાર થયેલા મોહમ્મદ શમી પણ પુનરાગમન કરશે.

    શ્રીલંકા સામેની ટી20 સિરીઝ માટે ભારતની ટીમમાંહાર્દિક પંડ્યા (કપ્તાન), ઈશાન કિશન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (ઉપકપ્તાન), દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સૅમસન, વૉશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપસિંહ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, શિવમ માવી, મુકેશ કુમારનો સમાવેશ કરાયો છે.

    જ્યારે શ્રીલંકા સામેની વન-ડે સિરીઝ માટે ભારતની ટીમમાં રોહિત શર્મા (કપ્તાન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકિપર), ઇશાન કિશન, હાર્દિક પંડ્યા (ઉપકપ્તાન), વૉશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ. શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને અર્શદીપસિંહનો સમાવેશ કરાયો છે.

  4. રાહુલ અને પ્રિયંકા ગાંધીએ હીરાબાનાં સ્વાસ્થ્ય માટે કરી પાર્થના

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાને અમદાવાદની યુએન હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ અમદાવાદ આવી રહ્યા છે.

    ત્યારે કૉંગ્રેસના રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને હીરાબા જલદી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના કરી છે.

    રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું, "એક માતા અને પુત્ર વચ્ચેનો પ્રેમ અનંત અને અનમોલ હોય છે."

    "મોદીજી, આ કઠિન સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે. હું આશા રાખું કે તમારાં માતાજી જલદીથી જલદી સાજાં થઈ જાય."

    આ સિવાય કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પણ ટ્વીટ કરીને હીરાબાના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી છે.

    તેમણે ટ્વીટ કર્યું, “વડા પ્રધાનજીનાં માતાજી અસ્વસ્થ હોવાના સમાચાર મળ્યા. આ સમયમાં અમે સૌ તેમની સાથે છીએ. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તેમને જલદી સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય.”

  5. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાની તબિયત સુધારા પર

  6. ભારતમાં 24 કલાકમાં કોરોનાના કેટલા કેસ આવ્યા?

    છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 188 કેસ નોંધાયા છે. આ સાથે દેશભરમાં કોરોનાના 3468 સક્રિય કેસ નોંધાયા છે.

    સમાચાર એજન્સી પીટીઆઈએ આ આંકડા આરોગ્ય મંત્રાલયને ટાંકીને જાહેર કર્યા છે.

    આ સાથે દેશમાં કોરોના સંક્રમણના કુલ ચાર કરોડ 46 લાખ કેસ થઈ ગયા છે.

    છેલ્લા એક દિવસમાં કોરોનાને કારણે એક પણ મૃત્યુ થયું નથી, પરંતુ અત્યાર સુધીમાં દેશભરમાં સંક્રમણના કારણે કુલ 5,30,696 લોકોનાં મૃત્યુ થયાં છે.

    દેશમાં દૈનિક પૉઝિટિવ દર 0.14 ટકા પર યથાવત્ છે. એક દિવસમાં કોરોના સંક્રમણની તપાસ માટે એક લાખ 34 હજાર ટેસ્ટ કરવામાં આવ્યા છે.

    કોવિડ વૅક્સિનની વાત કરીએ તો, અત્યાર સુધીમાં દેશભરમાં 220.07 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

  7. રાહુલ ગાંધીની ભગવાન રામ સાથે તુલના કરવા પર સલમાન ખુર્શીદની સ્પષ્ટતા

    કૉંગ્રેસ નેતા સલમાન ખુર્શીદે રાહુલ ગાંધીને ભગવાન રામ કહેવા અંગેના પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરી છે.

    સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, સલમાન ખુર્શીદે કહ્યું “રાહુલ ગાંધી ભગવાન રામ નથી પણ તેઓ ભગવાન રામે બતાવેલા માર્ગ પર ચાલી શકે છે.”

    “તેઓ (ભાજપ) કહી રહ્યા છે કે તમને એ માર્ગ પર ચાલવાનો કોઈ અધિકાર નથી. અમારો વાંધો એટલા માટે છે કે તેઓ રામના માર્ગે નહીં પણ રાવણના માર્ગે છે.”

    આ પહેલાં સલમાન ખુર્શીદે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની તુલના ‘ભગવાન રામ’ સાથે કરી હતી.

    ‘ભારત જોડો યાત્રા’ના ભાગરૂપે ઉત્તર પ્રદેશના હાપુડમાં મીડિયાને સંબોધતી વખતે ખુર્શીદે રાહુલ ગાંધીને મહાન વ્યક્તિ અને યોગી ગણાવ્યા હતા.

    સલમાન ખુર્શીદના નિવેદનનો ભાજપે વિરોધ કર્યો હતો.

    મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું, “નરની તુલના નારાયણ સાથે કરવાને કોઈ સાચી નહીં માને. ક્યાં 10, જનપથમાં રહેનારા રાહુલ ગાંધી અને ક્યાં પિતાની આજ્ઞા પર જંગલોમાં ફરનારા રામ.”

    "ક્યાં તેમણે (રામ) રીંછ અને વાનરોની સેનાને લઈને રાષ્ટ્રને વંદન કર્યું અને લંકાને નેસ્તનાબૂદ કરી અને સરહદ પર આપણા જવાનો માટે અપમાનની ભાષાનો પ્રયોગ કરનારાની આપ રામ સાથે તુલના કરો છો.”

  8. ભારત-શ્રીલંકા સિરીઝમાં સૂર્યકુમાર યાદવને મોટી તક

    બીસીસીઆઈએ આવતા વર્ષે જાન્યુઆરીમાં શ્રીલંકા સાથે યોજાનારી ટી-20 અને વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે.

    બંને સિરીઝ માટે અલગ-અલગ કપ્તાન અને ઉપકપ્તાન બનાવવામાં આવ્યા છે.

    3થી 7 જાન્યુઆરી દરમિયાન ટી20 સિરીઝનું આયોજન કરવામાં આવશે. તેના માટે હાર્દિક પંડ્યાને કપ્તાન અને સૂર્યકુમાર યાદવને ઉપકપ્તાન બનાવામાં આવ્યા છે.

    સૂર્યકુમાર યાદવ પ્રથમ વખત ઉપકપ્તાન તરીકે ભારતીય ટીમમાં રમશે.

    ટી-20 ટીમમાં હાર્દિક પંડ્યા (કપ્તાન), સૂર્યકુમાર યાદવ (ઉપકપ્તાન), ઈશાન કિશન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, સંજુ સૅમસન, વૉશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, અર્શદીપસિંહ, હર્ષલ પટેલ, ઉમરાન મલિક, શિવમ માવી, મુકેશકુમાર સામેલ છે.

    વનડે સિરીઝની વાત કરીએ તો, તે 10થી 15 જાન્યુઆરી દરમિયાન રમાશે.

    આ મૅચમાં રોહિત શર્માને કપ્તાન અને હાર્દિક પંડ્યાને ઉપકપ્તાન બનાવાયા છે.

    વનડે ટીમમાં રોહિત શર્મા (કપ્તાન), હાર્દિક પંડ્યા (ઉપકપ્તાન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), વૉશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, અર્શદીપસિંહ સામેલ છે.

    બાંગ્લાદેશ સાથેની ટેસ્ટ અને વનડે સિરીઝમાં કૅપ્ટન બનાવવામાં આવેલા કેએલ રાહુલને આ વખતે મૅચના કોઈ પણ ફોર્મેટમાં કપ્તાન અથવા ઉપકપ્તાન બનાવાયા નથી.

  9. અમરેલીના ગુરુકુળમાં વિદ્યાર્થીઓને માર માર્યાની આચાર્ય સામે ફરિયાદ

    અમરેલીમાં આવેલા એક ગુરુકુળમાં તાજેતરમાં એક વિદ્યાર્થીને આચાર્યે 'તામિલ ગીત ગાવા બદલ' માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

    'ડૅક્કન હૅરાલ્ડ'ના અહેવાલ પ્રમાણે, થોડા દિવસ પહેલાં બપોરે ત્રણ વાગ્યાની આસપાસ 12મા ધોરણમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી તામિલ ગીત 'રામૂલો' ગાઈ રહ્યો હતો.

    ત્યારે ક્લાસરૂમની બાજુમાં જ કૅબિન ધરાવતા આચાર્ય ભાવેશ અમરેલિયા વર્ગખંડમાં આવ્યા હતા અને કહ્યું હતું કે 'આ ગીત ગાઈને તે સ્વામીનું અપમાન કર્યું છે.'

    અહેવાલમાં પોલીસ ફરિયાદને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે બાદમાં આચાર્ય વિદ્યાર્થીને પોતાના કૅબિનમાં લઈ ગયા હતા. જ્યાં ચપ્પલ અને લાકડી વડે માર માર્યો હતો.

    ગુરુકુલના વડા હિરેન ચોરથાએ જણાવ્યું, "75 વર્ષથી ચાલતા આ ગુરુકુળમાં આવી ઘટના પ્રથમ વખત બની છે. વિદ્યાર્થીઓએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. જો વિદ્યાર્થીએ કરેલા આક્ષેપો સાચા સાબિત થશે તો આચાર્ય વિરુદ્ધ યોક્કસ પગલાં ભરવામાં આવશે."

  10. અમેરિકામાં બરફના તોફાનથી 60થી વધુ લોકોનાં મોત, બર્ન્ડ ડેબસમેન જુનિયર

    અમેરિકા સહિતના દેશોમાં હિમવર્ષા થતા વીજળીની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે.

    ન્યૂયૉર્કના બફેલોમાં વાવાઝોડાના કારણે મૃત્યુઆંક વધીને 28 પર પહોંચી ગયો છે, જ્યારે ઉત્તર અમેરિકામાં શિયાળુ તોફાનની વચ્ચે હજારો લોકો હજુ પણ વીજળી વગર રહી રહ્યા છે.

    સમગ્ર અમેરિકામાં હવામાન સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 62 લોકોનાં મોત થયાં છે.

    આ શિયાળુ તોફાન દરમિયાન શહેરના કેટલાક વિસ્તારોમાં લૂંટની ઘટનાઓની પણ માહિતી મળી છે.

    શિયાળુ વાવાઝોડાના કારણે મંગળવારે સવારે લગભગ 4,800 સહિત હજારો ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી છે, જેના કારણે ઍરપૉર્ટ પર હજારો મુસાફરો ફસાયેલા છે.

    મંગળવારે એક ન્યૂઝ કૉન્ફરન્સમાં ન્યૂયૉર્કની એરી કાઉન્ટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, “બચાવ કામગીરી ચાલુ હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતાઓ છે. જે 28 મૃતકોની પૃષ્ટિ થઈ છે, તે તમામ બફેલોમાં હતા.”

    બફેલોના મેયર બાયરોન બ્રાઉને જણાવ્યું હતું કેતોફાન બાદ વિસ્તારમાં 4,000થી વધુ લોકો વીજળી વગર રહે છે, કદાચ મોટા ભાગના રહેવાસીઓના જીવનકાળમાં આ સૌથી ખરાબ સ્થિતિ હતી. તોફાનની શરૂઆતમાં આશરે 20,000 લોકો વીજળી વગરના હતા.

  11. નલિયામાં તાપમાન 5.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું

    ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ધીમેધીમે વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, કચ્છ જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાઈ છે.

    આ ક્ષેત્રમાં ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યાં છે અને આ સ્થિતિ મંગળવારે પણ રહે તેવી શક્યતા છે.

    ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, ગુજરાતમાં લઘુતમ તાપમાન ઘટીને નલિયામાં 5.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સોમવારે રાજ્યનો સૌથી ઠંડો જિલ્લો હતો, અહીં તાપમાન સામાન્ય કરતાં 6 ડિગ્રી ઓછું હતું.

    10 ડિગ્રી સેલ્સિયસથી ઓછા લઘુતમ તાપમાન ધરાવતાં અન્ય કેન્દ્રો પાટણ અને ડીસા હતાં, જ્યાં તાપમાન 9.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

    ભુજમાં 10 ડિગ્રી, રાજકોટમાં 10.2 અને ગાંધીનગરમાં 11.7, કંડલા અને પોરબંદરમાં 13, અમદાવાદમાં 13.2, ભાવનગરમાં 13.9, સુરતમાં 14.1, વડોદરામાં 14.4, દ્વારકામાં 15.2 અને વેરાવળમાં 15.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

    ઘણા સમય પછી રાજ્યભરમાં મહત્તમ તાપમાન ઘટીને 30 ડિગ્રીથી નીચેનું રહ્યું હતું. જેમાં સૌથી ઓછું તાપમાન ઓખા (25 ડિગ્રી)માં નોંધાયું હતું, જ્યારે સૌથી વધુ તાપમાન સુરત અને મહુવામાં 29.8 ડિગ્રી નોંધાયું હતું.

  12. ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુર સામે ફરિયાદ, વિવાદિત નિવેદન આપ્યું હતું

    ભાજપ સાંસદ પ્રજ્ઞા ઠાકુર વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપવા મુદ્દે ફરિયાદ નોંધાઈ છે.

    તહસીન પૂનાવાલાએ શિવમોગા પોલીસના એસપી જીકે મિથુનકુમારને ઈમેલ દ્વારા ફરિયાદ કરી હતી.

    તેઓએ તેને ‘લઘુમતી સમુદાય વિરુદ્ધ અત્યંત નિંદનીય અને અપમાનજનક ભાષણ’ ગણાવ્યું છે.

    શિવમોગા પોલીસે તહસીન પૂનાવાલાને 28મી ડિસેમ્બર બુધવારે પુરાવા સાથે હાજર થવાનું કહ્યું છે.

    પૂનાવાલાએ એક ટ્વીટમાં લખ્યું હતું કે, “મેં એસપી શિવમોગા, જીકે મિથુનકુમાર સાથે વાત કરી છે, તેમણે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે.”

    પ્રજ્ઞા ઠાકુરના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો શૅર થઈ રહ્યો છે.

    કર્ણાટકના શિવમોગામાં તેમણે હિન્દુઓને અપીલ કરી હતી કે, તેઓએ તેમનાં ઘરોમાં હથિયાર રાખવાં જોઈએ અને હથિયાર ન રાખી શકે તો “શાકભાજી કાપવા માટેની છરીઓ ધારદાર રાખવી જોઈએ.”

    દક્ષિણ ક્ષેત્રના ‘હિન્દુ જાગરણ’કાર્યક્રમમાં પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું કે, “લવ જેહાદ કરનારાઓને લવ જેહાદ જેવા જવાબ આપો, તમારી છોકરીઓને સુરક્ષિત રાખો.”

    શિવમોગાના હિન્દુ કાર્યકર્તા હર્ષાની હત્યાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, “લોકોએ પોતાની સુરક્ષા માટે ઘરમાં ધારદાર છરીઓ રાખવી પડશે.”

  13. નમસ્કાર, બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    27 ડિસેમ્બરના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.