You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

PM નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહ્લાદ મોદીની કારને કર્ણાટકમાં અકસ્માત નડ્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહ્લાદ મોદીની કારને કર્ણાટકમાં અકસ્માત નડ્યો હોવાનું 'ઇન્ડિયન એક્સ્પ્રેસ'ના એક અહેવાલમાં જણાવાયું છે.

લાઇવ કવરેજ

  1. PM નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહ્લાદ મોદીને કર્ણાટકમાં અકસ્માત નડ્યો

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહ્લાદ મોદીની કારને કર્ણાટકમાં અકસ્માત નડ્યો હોવાનું 'ઇન્ડિયનએક્સ્પ્રેસ'ના એક અહેવાલમાં જણાવાયું છે.

    અહેવાલમાં જણાવ્યા અનુસાર મૈસુરથી 13 કિલોમીટર દૂર કદકોલામાં આ અકસ્માત થયો હતો.પ્રહ્લાદ મોદી તેમના પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર સાથે પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે તેમની કાર ડિવાઇડર સાથે અથડાઈ ગઈ હતી.

    અકસ્માત બાદ ડ્રાઇવર સહિત તમામને મૌસુરની જે.એસ. હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે.

    પ્રહ્લાદ મોદીના પૌત્રને માથામાં મામૂલી ઈજા થઈ છે અને હાલ કોઈ જોખમ ના હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

  2. અમેરિકામાં હિમવર્ષાએ વિનાશ વેર્યો, ગવર્નરે કહ્યું 'યુદ્ધ જેવી સ્થિતિ'

    હિમવર્ષાને કારણે ઉત્તર અમેરિકામાં ભારે તબાહી સર્જાઈ છે. તોફાનની અસરને કારણે અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 60 લોકોના મોત થયા છે.

    આ તોફાનની અસર દક્ષિણના ટેક્સાસ પ્રાંતથી લઈને કેનેડા સુધી જોવા મળી રહી છે.

    પરંતુ સૌથી વધુ અસર ન્યૂયૉર્ક સ્ટેટના બફેલો શહેર પર પડી છે, જ્યાં હીમવર્ષાને કારણે ઘણા લોકોના મોત થયા છે.

    સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું છે કે કેટલાક લોકો તેમના વાહનોમાં 48 કલાકથી વધુ સમયથી અટવાયેલા છે.

    તો હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું છે કે ન્યૂયૉર્ક પ્રાંતના ઘણા વિસ્તારોમાં નવ ઇંચ સુધી બરફ પડવાની સંભાવના છે.

    આ કુદરતી આફતને ધ્યાનમાં રાખીને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડને ન્યૂયૉર્ક માટે કટોકટી જાહેર કરવાની મંજૂરી આપી છે જેથી પ્રાંતને સંઘીય સહાય મળી શકે.

    એરી કાઉન્ટી ઓફિસર માર્ક પોલોનકાર્ઝે કહ્યું, "અમને થોડી આશા જાગી છે. પરંતુ આ મુશ્કેલીઓનો અંત નથી. આ પેઢીઓમાં આવેલું સૌથી ભયાનક તોફાન છે.”

    પોલોનકાર્ઝે સ્થાનિક આરોગ્ય વિભાગને ટાંકીને જણાવ્યું હતું કે બરફને હટાવતી વખતે ઘણા લોકો હૃદયની સમસ્યાઓથી મૃત્યુ પામ્યા હતા અને કેટલાક તેમના વાહનોમાં મૃત મળી આવ્યા હતા.

    ન્યૂયૉર્કના ગવર્નર કેથી હોચુલે કહ્યું હતું કે,“યુદ્ધ પ્રભાવિત વિસ્તાર જેવી સ્થિતિ છે અને રસ્તાની બાજુમાં પાર્ક કરાયેલા વાહનોની હાલત હૃદયદ્રાવક છે.”

  3. સુરતની કાપડ મિલો કેમ બંધ થઈ રહી છે?

  4. કોવિડ: દેશભરની હૉસ્પિટલોમાં આજે મોકડ્રીલ યોજાઈ

    ચીન સહિત દુનિયાના ઘણા દેશોમાં કોવિડ-19ના વધતા જતા કેસ વચ્ચે ભારત સરકારે આજે સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડાયેલા લોકો માટે મોકડ્રીલ કરી હતી.

    આ દરમિયાન દિલ્હીથી લઈ જમ્મૂ કાશ્મીર અને ઉત્તર પ્રદેશથી લઈ તેલંગાના સુધી દેશની વિવિધ હૉસ્પિટલોમાં કોરોના વિશે ટેસ્ટિંગ અને સારવારની તૈયારીઓની ચકાસણી કરવામાં આવી હતી.

    આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં મોકડ્રિલનું નિરીક્ષણ કર્યું હતું.

    તેમણે કહ્યું, "આજે દેશની ઘણી હોસ્પિટલોમાં મોકડ્રિલનું આયોજન થયું, મેં કોવિડ વૉર્ડનું અવલોકન કર્યું. જેવી વ્યવસ્થા અહીં છે. તેવી જ વ્યવસ્થા બાકીની હૉસ્પિટલોમાં છે. આવનારા દિવસોમાં જો કોરોનાના કેસો વધે તો તેના માટે આપણે પૂર્ણરૂપે તૈયાર રહેવું જોઈએ."

    તેમના ટ્વીટર પર આ વિશે માહિતી આપતા તેમણે લખ્યું હતું કે, “આજે દેશભરના લગભગ 100 પબ્લિક હેલ્થ એક્સપર્ટ અને ક્લિનિકના લોકો સાથે કોવિડ-19ના મૅનેજમૅન્ટના સંદર્ભે વાતચીત કરી છે.”

    “કાલે દેશમાં કોવિડ સંબંધિત હૉસ્પિટલોમાં મોકડ્રીલ થશે. તમામ રાજ્યના આરોગ્ય મંત્રી પણ તેમાં ભાગ લેશે.”

    સરકાર દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, “મહામારીના આપણા ભૂતકાળના અનુભવમાંથી શીખીને, અમે ઘણું સંશોધન કરી રહ્યા છે, દેશભરમાં આવતીકાલે મોકડ્રીલ યોજવામાં આવશે. આ સંશોધન અમને તૈયાર કરવામાં મદદ કરશે અને જો કોઈ કમી હશે તો, અમે તેને દૂર કરી શકીશું. આ સાથે જ તે અમારી સરકારી આરોગ્ય સેવાઓને વધુ સારી બનાવવામાં મદદ કરશે.”

  5. યૂક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને વડા પ્રધાન મોદી વચ્ચે ફોન પર થઈ વાતચીત

    યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ સોમવારે કહ્યું હતું કે, “તેઓએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી.”

    ઝેલેન્સ્કીના કહેવા અનુસાર, તેઓએ વડા પ્રધાન મોદીને કહ્યું કે, “જી-20ના પ્રમુખ તરીકે ભારતે તેમના દ્વારા નિર્ધારિત ‘શાંતિ સૂત્ર’ને લાગુ કરવા માટે કામ કરવું જોઈએ.”

    તેઓએ એક ટ્વિટમાં લખ્યું છે કે, “મેં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી અને એક સફળ જી-20 પ્રમુખપદની શુભેચ્છા પાઠવી હતી. આ મંચ પર મેં શાંતિ સૂત્રની જાહેરાત કરી હતી અને હવે હું તેના અમલીકરણમાં ભારતની ભાગીદારી પર વિશ્વાસ રાખું છું. મેં સંયુક્ત રાષ્ટ્રમાં માનવતાવાદી સહાય અને સમર્થન માટે પણ તેમનો આભાર માનું છું.”

    વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વચ્ચે અગાઉ પણ ફોન પર વાતચીત થઈ હતી. વડા પ્રધાન મોદીએ ત્યારે કહ્યું હતું કે, “યૂક્રેનમાં યુદ્ધનું કોઈ સૈન્ય સમાધાન થઈ શકતું નથી અને ભારત કોઈ પણ શાંતિ પ્રયાસોમાં યોગદાન આપવા તૈયાર છે.”

  6. કોરોના: ચીન વિદેશી પ્રવાસીઓ માટે ક્વોરૅન્ટીનનો નિયમ પાછો ખેંચશે

    ચીને એલાન કર્યું છે કે, આગામી 8મી જાન્યુઆરીથી ચીનમાં આવનારા વિદેશી યાત્રીઓને ક્વોરૅન્ટીન નહીં રહેવું પડે.

    ચીને તેની ઝીરો-કોવિડ નીતિમાં છૂટછાટ આપીને આ નિર્ણય લીધો છે.

    ચીનની સરકાર છેલ્લા કેટલાક દિવસોથી સતત કોરોના સંબંધિત પ્રતિબંધોમાં છૂટછાટ આપી રહી છે.

    આ દરમિયાન ચીનમાં કોરોનાના કેસમાં એક મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.

    સ્વાસ્થ્ય ક્ષેત્રના કર્મચારીઓએ કહ્યું છે કે, “બદલાયેલી સ્થિતિને સંભાળવા માટે તેઓ ઘણા પડકારોનો સામનો કરી રહ્યા છે.”

    ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ મુદ્દા પર તેમના અધિકારીઓને કહ્યું છે કે, “તેઓ લોકોના જીવન બચાવવા માટે શક્ય તેવા તમામ પ્રયાસ કરે.”

    આ સાથે જ ચીનની સરકારી મીડિયા અનુસાર, જિનપિંગે કહ્યું છે કે, “બદલાયેલી પરિસ્થિતિ સામે સામનો કરવા માટે વધુ પ્રભાવશાળી ઉપાયોની જરૂર છે.”

    છેલ્લા કેટલાક દિવસથી ચીને કોવિડ સંબંધિત આંકડા જાહેર કરવાનું બંધ કરી દીધું છે, પરંતુ ચીનમાં રોજ હજારો લોકોના મૃત્યુ થવાની આશંકા છે.

    વર્ષ 2020ના માર્ચ મહિના પછી ચીનમાં આવનારા દરેક વિદેશી યાત્રીઓ માટે ક્વોરૅન્ટીન રહેવું અનિવાર્ય હતું.

  7. નમસ્કાર, બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    26 ડિસેમ્બરનાસમાચાર વાંચવા માટે ક્લિક કરો.