You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં 16 વર્ષીય છોકરી પર ગૅંગરેપ, આઠની ધરપકડ

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં 16 વર્ષની કિશોરી પર ગૅંગરેપ મામલે આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના સતપતી પોલીસ સ્ટેશન વિસ્તારના એક બંધ બંગલામાં બની હતી.

લાઇવ કવરેજ

  1. મેસ્સી રચી શકશે ઇતિહાસ અને કરી શકશે મૅરાડોનાની બરોબરી?

  2. મહારાષ્ટ્ર: પાલઘર જિલ્લામાં 16 વર્ષની કિશોરી પર સામૂહિક બળાત્કાર કેસમાં આઠની ધરપકડ

    મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં 16 વર્ષની કિશોરી પર ગૅંગરેપ મામલે આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

    આ ઘટના સતપતી પોલીસ સ્ટેશન વિસ્તારના એક બંધ બંગલામાં બની હતી.

    આ ઘટના બાદ પાલઘરમાં લોકો ગુસ્સામાં છે. પોલીસે તમામ આઠ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તેમની સામે પોક્સો હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે.

    પીડિત કિશોરી 16 ડિસેમ્બરે ગુમ થઈ ગઈ હતી. 17 ડિસેમ્બરે તેમના પરિવારજનોએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

    પરિવારજનોએ પોલીસને જણાવ્યું કે જ્યારે કિશોરીને ફોન કર્યો ત્યારે તે કાંઈ બોલી નહોતી, તે માત્ર રડી રહી હતી. ફરિયાદના થોડા સમય બાદ પોલીસે કિશોરીને પાનેરી વિસ્તારમાં ટ્રેસ કરી લીધી હતી.

    પીડિત કિશોરીએ પોલીસને જણાવ્યું છે કે 16મીએ શુક્રવારે માહિમ બીચ પર અને 17મી તારીખે બંધ બંગલામાં આઠ લોકોએ તેમની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો.

    પોલીસના જણાવ્યા અનુસાર, આઠમાંથી એક આરોપી કિશોરીને ઓળખતો હતો, તેણે કિશોરીને બોલાવી હતી.

    પોલીસનું કહેવું છે કે પકડાયેલા તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરવામાં આવશે.

  3. કમલેશ મકવાણા : એ ગુજરાતી ક્રિકેટર જેમની બૉલિંગ સામે 'ધ વૉલ' દ્રવિડ પણ 'બેચેન' રહેતા

  4. બ્રેકિંગ, આઈએનએસ મોરમુગાઓ: સ્વદેશી બનાવટનું મિસાઈલ યુદ્ધ જહાજ નૅવીને સોંપવામાં આવ્યું

    સ્વદેશમાં નિર્મિત મિસાઈલ યુદ્ધ જહાજ આઈએનએસ મોરમુગાઓને રવિવારે મુંબઈમાં ભારતીય નૌકાદળને સોંપી દેવામાં આવ્યું.

    આઈએનએસ મોરમુગાઓના કમીશનિંગ સમારોહમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે, "આઈએનએસ મોરમુગાઓ ભારતમાં બનેલા સૌથી શક્તિશાળી યુદ્ધ જહાજો પૈકીનું એક છે. તે ભારતની દરિયાઈ ક્ષમતામાં વધારો કરશે."

    "મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા નિર્મિત આ યુદ્ધ જહાજ આપણી સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન ક્ષમતાનું એક ઉમદા ઉદાહરણ રજૂ કરે છે. એમાં કોઈ શંકા નથી કેઆવનારા સમયમાં આપણે માત્ર આપણી પોતાની જરૂરિયાતો જ નહીં, પણ દુનિયાભરની જરૂરિયાતો માટે જહાજો બનાવી શકીશું."

    સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, હિંદ મહાસાગરમાં ચીનની વધતી હાજરી જોતા આઈએનએસ મોરમુગાઓની હાજરીથી ભારતની દરિયાઈ ક્ષમતામાં વધારો થશે.

    ભારતીય નૌકાદળના જણાવ્યા અનુસાર, આ યુદ્ધ જહાજમાં વિવિધ પ્રકારના આધુનિક સેન્સર લાગેલાં છે, તે આધુનિક રડારથી સજ્જ છે અને તેમાં જમીનથી જમીન અને જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ સિસ્ટમ્સ પણ લગાવવામાં આવી છે.

    આઈએનએસ મોરમુગાઓ 163 મીટર લાંબુ છે અને તેની પહોળાઈ 17 મીટર છે. 7400 ટનની વહન ક્ષમતા સાથે તે ભારતમાં બનેલા સૌથી શક્તિશાળી યુદ્ધ જહાજો પૈકીનું એક બની ગયું છે.

  5. શેબિયા છેલ્લાં ત્રણ વર્ષથી ગળાથી શ્વાસ લેવા મજબૂર કેમ છે?

    તામિલનાડુના કોઈમ્બતૂરના સૌરીપાલયમમાં રહેતાં શેબિયા છેલ્લા ત્રણ વર્ષથી નાકથી નહીં, પરંતુ ગળા મારફત શ્વાસ લઈ રહ્યાં છે. તેમણે કોઈમ્બતૂરના જિલ્લા કલેક્ટરને અરજી કરીને જણાવ્યું છે કે ઑપરેશન દરમિયાન તબીબી બેદરકારીને કારણે આવું થયું છે અને તેને વળતર મળવું જોઈએ.

    શું આ તબીબી બેદરકારીનો કેસ છે?

    તેમની કહાણી વાંચવા અહીંક્લિકકરો

  6. ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ: પ્રથમ ટેસ્ટ મૅચમાં ભારતે બાંગ્લાદેશને 188 રનથી હરાવ્યું

    ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી ટેસ્ટ મૅચની સિરીઝની પ્રથમ ટેસ્ટ મૅચના પાંચમા દિવસે ભારતે બાંગ્લાદેશને 188 રનથી હરાવી દીધું છે.

    આ સાથે જ ભારત આ બે ટેસ્ટ મૅચની સિરીઝમાં 1-0થી આગળ થઈ ગયું છે.

    ભારતે બાંગ્લાદેશના ચટ્ટોગ્રામના ઝહુર અહમદ ચૌધરી સ્ટેડિયમમાં રમાયેલી મૅચમાં ટૉસ જીતીને પહેલાં બેટિંગ પસંદ કરી હતી. પ્રથમ ઇનિંગમાં ભારતે 404 રન બનાવ્યા હતા અને બીજી ઇનિંગમાં 258 રન બનાવ્યા હતા.

    બીજી ઇનિંગમાં બાંગ્લાદેશ તરફથી બેટિંગ કરતા ઝાકિર હસને 100, શાકિબ અલ હસને 84 અને નજમુલ હોસૈન શન્ટોએ 67 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઇનિંગમાં ભારત તરફથી બૉલર અક્ષર પટેલે 32.2 ઓવરમાં 77 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી, જ્યારે કુલદીપ યાદવે 20 ઓવરમાં 72 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાજે એક-એક વિકેટ ઝડપી હતી.

  7. આર્જેન્ટિના વિ. ફ્રાન્સ : રવિવારે ફિફા વર્લ્ડકપફાઇનલ, મેસ્સી અને ઍમ્બાપે ‘ઇતિહાસ રચવા’ રમશે

    કતારમાં આયોજિત ફિફા વર્લ્ડકપની રવિવારે ફાઇનલ મૅચ રમાવા જઈ રહી છે.

    ડિફેન્ડિંગ ચૅમ્પિયન ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચેના આ મુકાબલા સાથે વિશ્વને ફૂટબૉલ ચૅમ્પિયન મળી જશે.

    આર્જેન્ટિના અને ફ્રાન્સ બંને ત્રીજી વખત આ ખિતાબ મેળવવા માટે રમી રહ્યાં છે.

    આર્જેન્ટિનાના સુપરસ્ટાર ફૂટબૉલર મેસ્સી પેલે અને ડિએગો મેરોડોના જેવા દિગ્ગજ ફૂટબૉલરોની ક્લબમાં સામેલ થવા માટે આ ફાઇનલમાં પોતાના દેશની જીત સુનિશ્ચિત કરવા રમશે. આજ દિન સુધી તેઓ ક્યારેય વિશ્વકપમાં જીત મેળવનાર ટીમના સભ્ય નથી બની શક્યા.

    પરંતુ તેમના અને આ સિદ્ધિ વચ્ચે ફ્રાન્સના કિલિયન ઍમ્બાપે છે. 23 વર્ષીય ફૂટબૉલર ગત વર્લ્ડકપમાં 19 વર્ષની વયે વિશ્વકપ જીતનારી ટીમના સભ્ય હતા. હવે તેઓ સતત બીજા વર્લ્ડકપમાં પોતાના દેશની ટીમની જીત સુનિશ્ચિત કરીને ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવવા માટે રમશે.

    મેસ્સી અને ઍમ્બાપેના નામે અત્યાર સુધી આ વર્લ્ડકપના સૌથી વધુ ગોલ કરવાનો રેકૉર્ડ પણ છે. બંને ખેલાડીઓ પાંચ-પાંચ ગોલ કરીને ગોલ્ડન બૂટ ઍવૉર્ડના ઉમેદવાર બન્યા છે.

    ભારતીય સમય અનુસાર આ મૅચ રાત્રે સાડા આઠ વાગ્યે શરૂ થશે.

  8. બિલાવલ ભુટ્ટોના નિવેદન બાદ પાકિસ્તાની મંત્રીએ ભારતને આપી પરમાણુ બૉમ્બની ધમકી

    પાકિસ્તાનનાં મંત્રી શાઝિયા મર્રીએ ભારતને પરમાણુ બૉમ્બની ધમકી આપી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનનું ન્યુક્લિયર સ્ટેટસ ચૂપ રહેવા માટે નથી.

    સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીનાં નેતા શાઝિયા મર્રીએ બોલ ન્યૂઝ સાથે એક વાતચીતમાં આ નિવેદન આપ્યું હતું.

    શાઝિયાએ કહ્યું, “ભારતે એ ન ભૂલવું જોઈએ કે અમારી પાસે પરમાણુ બૉમ્બ છે. અમારું ન્યુક્લિયર સ્ટેટસ ચૂપ રહેવા માટે નથી. જરૂરિયાત હશે ત્યારે અમે પીછેહઠ નહીં કરીએ.”

    તેમણે કહ્યું, “ભારતનો કોઈ મંત્રી ગમે તે ફોરમ પર મોદી સરકારમાં એટલો અંધ થઈ જશે કે તે એવું વિચારશે કે તે પાકિસ્તાન જેવા એક ન્યુક્લિયર દેશ માટે ગમે તેવું બોલી શકે છે, તો આ તેની ભૂલ છે.”

    “મેં ઘણી ફોરમમાં મોદી સરકાર દ્વારા મોકલાવાયેલા રાજદ્વારીઓનો મુકાબલો કર્યો છે. ત્યારે પણ યુએનમાં હાલ ભારતના મંત્રીએ કરેલાં નિવેદનો જ અપાયાં હતાં. જેમાં તેઓ પાકિસ્તાનને આતંકવાદનું કેન્દ્ર ગણાવે છે. આ તેમનો પ્રૉપેગૅન્ડા છે.”

    જોકે શાઝિયાએ પોતાના નિવેદન બાદ એએનઆઈના સામાચારને રિટ્વીટ કરતાં લખ્યું કે, “પાકિસ્તાન એક જવાબદાર ન્યુક્લિયર દેશ છે. ભારતીય મીડિયામાં કેટલાંક તત્ત્વો હંગામો ઊભો કરવાની કોશિશ કરી રહ્યાં છે. પાકિસ્તાનનાં વિદેશમંત્રીએ ભારતીય મંત્રીનાં છંછેડતાં નિવેદનો પર પ્રતિક્રિયા આપી હતી. આતંકવાદ સાથે લડાઈમાં પાકિસ્તાને ભારત કરતાં વધુ ગુમાવ્યું છે. મોદી સરકાર અતિવાદ અને ફાસીવાદને પ્રોત્સાહન આપી રહી છે.”

    શાઝિયાનું આ નિવેદન પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો દ્વારા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંગે અપાયેલ વિવાદિત નિવેદન બાદ આવ્યું છે. તેમણ ભુટ્ટોના નિવેદનનું સમર્થન કર્યું છે.

    બિલાવલ ભુટ્ટોએ કહ્યું હતું કે,“ઓસામા બિન લાદેન મરી ચૂક્યો છે પરંતું ‘બૂચર ઑફ ગુજરાત’ જીવિત છે. અને તે ભારતના વડા પ્રધાન છે. જ્યાં સુધી તે વડા પ્રધાન નહોતા બન્યા ત્યાં સુધી તેમના અમેરિકા જવા પર પાબંદી હતી.”

    આ નિવેદનનું ભારતમાં ઉગ્ર વિરોધ થયો અને ભાજપે પાકિસ્તાની દૂતાવાસ સામે વિરોધપ્રદર્શન પણ કર્યું.

    આ પહેલાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર દ્વારા પાકિસ્તાનને આતંકવાદનું કેન્દ્ર ગણાવ્યાની ટીકા થઈ હતી.

    ભારતીય વિદેશમંત્રાલયે બિલાવલ ભુટ્ટોના નિવેદનના જવાબમાં કહ્યું, “પાકિસ્તાનના હિસાબે પણ આ નિવેદન ઘણું નીચલા સ્તરનું છે. પાકિસ્તાનના લઘુમતીઓ પ્રત્યેના વલણમાં કોઈ ખાસ ફરક આવ્યો નથી. તેને ભારત પર લાંછન લગાડવાનો કોઈ અધિકાર નથી.”

  9. ગુજરાતમાં કથિતપણે પુત્રીની કૉલેજ ફી બાબતે ‘ચિંતાતુર’ પિતાનો આપઘાત, ભાજપ-આપ વચ્ચે શાબ્દિક જંગ શરૂ

    ઇન્ડિયા ટુડે ડોટ ઇનના એક અહેવાલ અનુસાર ગુજરાતના તાપી જિલ્લાની એક વ્યક્તિએ શનિવારે કથિતપણે પોતાની પુત્રીની કૉલેજની ભરવાની ‘ચિંતામાં’ આત્મહત્યા કરી લીધી હતી.

    હવે આ મુદ્દાને લઈને ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે શાબ્દિક જંગ શરૂ થયો છે.

    ગોધા ગામે 46 વર્ષીય બકુલ પટેલે 15 ડિસેમ્બરે જંતુનાશક દવા પીને પોતાના જીવનનો અંત આણ્યો હતો.

    પોલીસના જણાવ્યાનુસાર પટેલે “પોતાની દીકરીની કૉલેજ ફી ભરવાની ચિંતામાં આ પગલું ઉઠાવ્યું હતું.”

    આ મામલા અંગેના સમાચાર અહેવાલને ટાંકીને દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના સિનિયર નેતા મનીષ સિસોદિયાએ આ ઘટનાની ટીકા કરી હતી.

    તેમણે કહ્યું હતું કે, “21મી સદીમાં આવી ઘટના બને એ શરમજનક છે.”

    તેના જવાબમાંભાજપના મહુવાના ધારાસભ્ય મોહન ધોડીયાએ કહ્યું હતું કે તેઓ મૃતકને સારી રીતે જાણતા હતા અને તેઓ ક્યારેય પોલીસે જણાવ્યું તેવા કારણે ‘ચિંતામાં’ દેખાયા નહોતા.

  10. વડગામની જનતાએ જિજ્ઞેશ મેવાણીને ચૂંટીને ‘દેશદ્રોહ’ કર્યો : ગુજરાતના મંત્રી જગદીશ વિશ્વકર્મા

    ફ્રી પ્રેસજર્નલના એક અહેવાલ અનુસાર ગુજરાતના મંત્રી જગદીશ વિશ્વકર્માએ શનિવારે કૉંગ્રેસના ધારાસભ્ય ‘જિજ્ઞેશ મેવાણીને ચૂંટવા’ બદલ વડગામ વિધાનસભા બેઠકના ‘મતદારોની ટીકા’ કરી છે.

    વડગામ તાલુકાના વરનાવાડા ગામની મુલાકાત દરમિયાન તેમણે કહ્યું હતું કે, વડગામના લોકોએ આ બેઠક પર ભાજપની જીત સુનિશ્ચિત ન કરીને ‘દેશદ્રોહ’ કર્યો છે.

    નોંધનીય છે કે તેઓ ગુજરાતની નવી સરકારમાં રાજ્ય સહકાર, મીઠા ઉદ્યોગ, પ્રોટોકોલ અને એમએસએમઈ મંત્રી છે.

    ગામલોકોએ તેમનું સ્વાગત કર્યા બાદ અહેવાલ પ્રમાણે તેમણે પોતાનો ‘ગુસ્સો ઠાલવ્યો’ હતો.

    તેમણે કહ્યું હતું કે, “ભાજપના પરાજય માટે જવાબદાર લોકોએ ખરેખર તો દેશદ્રોહ કર્યો છે. તમે મારું સ્વાગત કર્યું, ફૂલહાર પહેરાવ્યા પરંતુ મારે એ જરૂર કહેવું જોઈએ કે આવું પાખંડ કર્યા કરતાં તમારે ભાજપને મત આપી પાર્ટી માટે પોતાનો પ્રેમ પ્રગટ કરવાનો હતો.”

    આ નિવેદન બાદ કૉંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ શાબ્દિક હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે, “ભાજપના મંત્રી એટલા માટે નારાજ છે કારણ કે કરોડો રૂપિયા વાપરવા છતાં અહીં ભાજપ હાર્યો. ગામના લોકોએ તેમનું સ્વાગત કર્યું છતાં તેમણે તેમનું અપમાન કર્યું. તેમણે પરાજય પચાવતા શીખવું જોઈએ.”

    નોંધનીય છે કે જિજ્ઞેશ મેવાણીએ તાજેતરમાં સંપન્ન થયેલ વિધાનસભાની ચૂંટણીમાં વડગામ બેઠક પરથી ભાજપના ઉમેદવારને ચાર હજાર મતોની સરસાઈથી હરાવ્યા હતા.

    તાજેતરમાં પૂરી થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપને ‘અભૂતપૂર્વ’ વિજય હાંસલ થયો છે.

    જ્યારે કૉંગ્રેસ પાર્ટી માત્ર 17 બેઠકો પર ‘સીમિત’ રહી ગઈ છે.

  11. નમસ્કાર, બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર જોડાયેલા રહો બીબીસી સાથે.

    17ડિસેમ્બરના સમાચાર વાંચવા માટે ક્લિક કરો.