ભારત અને
પાકિસ્તાન વચ્ચે એકબીજા સામે નિવેદનબાજી ચાલી રહી છે. હવે પાકિસ્તાનના વિદેશમંત્રાલયે
ભારતીય વિદેશમંત્રાલયના નિવેદનનો જવાબ આપ્યો છે.
પાકિસ્તાને
આરોપ લગાવ્યો છે કે ભારત પોતાના નિવેદનોથી વર્ષ 2002નાં ગુજરાત રમખાણોની હકીકત
છુપાવવા માગે છે.
પાકિસ્તાની
વિદેશમંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, “ભારત સરકારે પોતાના નિવેદનથી વર્ષ 2002ના ગુજરાતના
નરસંહારની હકીકતને છળ-કપટ પાછળ સંતાડવાની કોશિશ કરી છે. એ જનસંહાર, લિંચિંગ, રેપ અને
લૂંટની શરમજનક કહાણી છે. સત્ય તો એ છે કે ગુજરાત નરસંહારના માસ્ટરમાઇન્ડને સજા ન
મળી અને હવે તેઓ ભારતના વડા પ્રધાન છે.
“કોઈ પણ શબ્દાડંબર ભારતમાં ‘ભગવા આતંકવાદ’ના અપરાધોને છુપાવી નથી શકતો.
સત્તાધારી પાર્ટીની રાજકીય વિચારધારા હિંદુત્વે નફરત, અલગતાવાદ અ સજાથી બચાવના
માહોલને જન્મ આપ્યો છે.”
પ્રવક્તાએ કહ્યું, “ભારતના હિંદુત્વ આધારિત રાજકારણમાં સજાથી બચાવની
સંસ્કૃતિ ઊંડાણપૂર્વક જોડાયેલી છે. દિલ્હી-લાહોર સમઝૌતા એક્પ્રસેસ પર થયેલ હુમલાના
દોષિત અને માસ્ટરમાઇન્ડને છોડી દેવાયા. આ હુમલામાં ભારતની જમીન પર 40 પાકિસ્તાની
માર્યા ગયા હતા. એ આરએસએસ-ભાજપ પ્રમાણે ન્યાયના નરસંહારને દર્શાવે છે.”
“ભારત પીડિત હોવાનું જૂઠાણું ચલાવે છે
પંરતુ તે જાતે ભારતના ગેરકાયદેસર કબજાવાળા જમ્મુ અને કાશ્મીરમાં દમનનો ગુનેગાર છે.
તે જાતે દક્ષિણ એશિયામાં આતંકવાદી સમૂહોનું પ્રાયોજક અને ફાઇનાન્સર છે.”
આ વિવાદની શરૂઆત પાકિસ્તાનના વિદેશમંત્રી
બિલાવલ ભુટ્ટોના એક નિવેદનથી થઈ હતી.
તેમણે કહ્યું હતું કે, “ઓસામા બિન લાદેન મરી ચૂક્યો છે પરંતુ ‘બુચર ઑફ ગુજરાત’ જીવતો છે. અને તે ભારતનો વડા પ્રધાન
છે. જ્યાં સુધી વડા પ્રધાન નહોતો બન્યો ત્યાં સુધી તેના અમેરિકા પ્રવાસ પર પ્રતિબંધ
હતો.”
બિલાવલ ભુટ્ટોની આ ટિપ્પણીનો ભારતમાં ઘણો
વિરોધ થઈ રહ્યો છે.
આના જવાબમાં ભારતીય વિદેશમંત્રાલયે પ્રવક્તા
અરિંદમ બાગચીએ નિવેદન જાહેર કરીને કહ્યું, “પાકિસ્તાનના
હિસાબે પણ આ નિવેદન અત્યંત નીચલા સ્તરનું છે. પાકિસ્તાનના લઘુમતીઓ પ્રત્યેના
વલણમાં કોઈ ખાસ બદલાવ નથી આવ્યો. તેને ભારત પર લાંછન લગાડવાનો કોઈ અધિકાર નથી.”
“આતંકવાદને નાણાકીય સહાયતા આપવાની,
સંરક્ષણ આપવાની અને તેને સ્પૉન્સર કરવામાં પાકિસ્તાનની નિર્વિવાદિત ભૂમિકા હંમેશાં
ચર્ચામાં રહી છે. પાકિસ્તાનના વિદેશમંત્રીના અસભ્ય બોલ, એ દેશ દ્વારા આંતકવાદનો એક
પ્રૉક્સી સ્વરૂપે ઉપયોગ કરવાની અસફળતાનું પરિણામ છે.”