You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ફિફા વર્લ્ડકપ 2022: કતારમાં રંગારંગ કાર્યક્રમ સાથે ફૂટબૉલ વિશ્વકપનો શુભારંભ

કતારમાં રંગારંગ કાર્યક્રમ સાથે ફૂટબૉલ વર્લ્ડકપ શરૂ થઈ ગયો છે. કે પોપ બૅન્ડ બીટીએસના જંગ કૂક અને પ્રખ્યાત અભિનેતા મૉર્ગન ફ્રીમૅને કાર્યક્રમમાં ભાગ લીધો.

લાઇવ કવરેજ

  1. તુર્કીએ ઇરાક અને સીરિયામાં કુર્દિશ ઠેકાણાં પર કર્યો હવાઈ હુમલો, 30થી વધુનાં મૃત્યુ

    તુર્કીએ ઇરાક અને સીરિયામાં કુર્દિશ ઠેકાણાં પર હવાઈ હુમલા શરૂ કર્યા છે. તુર્કીએ ગયા અઠવાડિયે જ ઇસ્તંબૂલમાં થયેલા બ્લાસ્ટ બાદ આ કાર્યવાહી શરૂ કરી છે.

    તુર્કીએ આ બ્લાસ્ટ માટે કુર્દિશ ચરમપંથીઓને જવાબદાર ઠેરવ્યા હતા.

    બ્રિટનસ્થિત સીરિયન ઑબ્ઝર્વેટરી ફૉર હ્યુમન રાઇટ્સે કહ્યું કે હુમલામાં માત્ર સીરિયામાં જ 31 લોકોનાં મૃત્યુ થયાં છે.

    ઇસ્તંબૂલમાં થયેલા બૉમ્બબ્લાસ્ટમાં છ લોકોનાં મૃત્યુ થયાં અને 80થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

    જોકે, કુર્દિશ સંગઠન પીકેકેએ આ હુમલામાં પોતાનો હાથ હોવાનો ઇનકાર કર્યો હતો. તુર્કીએ આ ઑપરેશનને 'ક્લૉ સોર્ડ' નામ આપ્યું છે.

    તુર્કીના સંરક્ષણ મંત્રાલય મુજબ એ કુર્દિશ ઠેકાણાં પર હુમલા કર્યા છે, જ્યાંથી તુર્કી વિરુદ્ધ હુમલા કરવામાં આવ્યા હતા.

    સીરિયન-કુર્દિશ પ્રવક્તાએ જણાવ્યું કે આંતરિક રૂપે વિસ્થાપિત લોકોનાં બે ગામ પર હુમલો કરવામાં આવ્યો છે.

  2. ફિફા વર્લ્ડકપ 2022: કતારમાં રંગારંગ કાર્યક્રમ સાથે ફૂટબૉલ વિશ્વકપનો શુભારંભ

    કતારમાં રંગારંગ કાર્યક્રમ સાથે ફૂટબૉલ વર્લ્ડકપ શરૂ થઈ ગયો છે.

    કે પોપ બૅન્ડ બીટીએસના જંગ કૂક અને પ્રખ્યાત અભિનેતા મૉર્ગન ફ્રીમૅને કાર્યક્રમમાં ભાગ લીધો.

    1978માં આર્જેન્ટિનામાં યોજાયેલા વર્લ્ડકપ બાદ આ અત્યાર સુધીનો સૌથી ઓછો સમય ધરાવતો વર્લ્ડકપ હશે. એટલે કે શરૂ થવાથી પૂર્ણ થવા સુધી માત્ર 29 દિવસોનો.

    આ ફૂટબૉલ વિશ્વકપની પ્રથમ મૅચ કતાર અને ઍક્વાડોર વચ્ચે શરૂ થઈ ગઈ છે.

  3. અમેરિકાની ગે ક્લબમાં ફાયરિંગ, પાંચ લોકોનાં મોત

    અમેરિકાના કોલોરાડોમાં એક ગે ક્લબમાં એક બંદૂકધારીએ અંધાધૂંધ ગોળીઓ ચલાવી હતી.

    આ ઘટનામાં પાંચ લોકોનાં મોત થયાં છે અને 18 લોકો ઘાયલ થયા છે.

    ઘાયલોની સારવાર ચાલી રહી છે. આ મામલે એક સંદિગ્ધની ધરપકડ પણ કરવામાં આવી છે.

    કોલોરાડો સ્પ્રિંગ્સમાં આવેલી આ ક્લબનું નામ 'ક્યૂ' છે.

    ક્લબ 'ક્યૂ'એ ફેસબુક પર જારી કરેલ એક નિવેદનમાં કહ્યું, "અમારા સમુદાય પરના આ મૂર્ખતાપૂર્ણ હુમલાથી અમે આઘાતમાં છીએ. અમે એ ગ્રાહકોના આભારી છીએ, જેમણે આ બંદૂકધારીને કાબૂ કરવામાં મદદ કરી."

    2016માં ફ્લોરિડામાં એક ગે ક્લબમાં ગોળીબારમાં 49 લોકોનાં મોત થયાં હતાં.

  4. મેધા પાટકર NGOનાં પ્રતિનિધિ તરીકે આવ્યાં હતાં : અશોક ગેહલોત

    વડા પ્રધાન મોદીએ રવિવારે ધોરાજીમાં કૉંગ્રેસની ભારત જોડો યાત્રામાં મેધા પાટકરની હાજરીને લઈને કૉંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. જેના જવાબમાં રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે કહ્યું કે મેધા પાટકર એનજીઓનાં પ્રતિનિધિ તરીકે આવ્યાં હતાં. અમે તેમને રોકી ન શકીએ.

    સોમવારે રાજકોટમાં કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સભા પહેલાં કૉંગ્રેસ હાઇકમાન્ડથી ઉચ્ચ નેતાઓ રાજકોટમાં આવી પહોંચ્યા છે.

    સભાસ્થળની મુલાકાતે આવેલા રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે પત્રકારપરિષદને સંબોધતી વખતે આ વાત કહી હતી.

    અશોક ગેહલોતે આગળ કહ્યું, "મેધા પાટકર માત્ર રાહુલ ગાંધીને મોરલ સપોર્ટ આપવા માટે આવ્યાં હતાં. ભાજપે મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દે વાત કરવી જોઈએ. ન કે આ પ્રકારના મુદ્દા વિશે."

    અશોક ગેહલોતે જણાવ્યું, "ભાજપ અત્યારે ગભરાઈ ગયો છે. મોદી અને શાહના રાજ્યમાં પુલ તૂટવાથી 135 લોકો માર્યા ગયા. ઝેરી દારૂ પીવાથી 70 લોકો માર્યા ગયા. તેમ છતાં સરકાર નક્કર પગલાં લેતી નથી."

    તેમણે વધુમાં કહ્યું, "27 વર્ષ શાસનમાં રહ્યા બાદ ભાજપ ગુજરાતમાં ગૌરવયાત્રા કાઢે છે અને તે નિષ્ફળ જાય છે. જ્યારે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને મળી રહેલી સફળતાને કારણે તેઓ હેરાન થઈ ગયા છે. આથી આ પ્રકારના નિવેદનો આપે છે."

  5. ધોરાજીમાં PM મોદીએ કહ્યું, "કૉંગ્રેસ ગુજરાતવિરોધી છે"

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાત પ્રવાસે છે. આજે રવિવારે તેમણે ચૂંટણીપ્રચાર દરમિયાન કૉંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.

    ધોરાજીમાં એક જાહેરસભાને સંબોધતી વખતે વડા પ્રધાન મોદીએ કહ્યું, "ગઈ કાલના અખબારમાં એક કૉંગ્રેસ નેતાની તસવીર છપાઈ છે. તેઓ એ લોકો સાથે ઊભા છે, જેમણે નર્મદા પ્રોજેક્ટનો વિરોધ કર્યો."

    "તેમણે દાયકાઓ સુધી આ પ્રોજેક્ટને રોકવા માટે તમામ પ્રયત્નો કર્યા. તેઓ એ સુનિશ્ચિત કરવામાં લાગ્યા હતા કે અહીં વર્લ્ડ બૅન્ક સહિત કોઈના પણ પૈસા ન પહોંચે."

    'નર્મદા બચાવો આંદોલન'નાં મેધા પાટકર 17 નવેમ્બરે મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં જોવાં મળ્યાં હતાં.

    આ દરમિયાન રાહુલ મેધા પાટકરના ખભે હાથ મૂકીને વાત કરતા નજરે પડ્યા હતા. ત્યાર બાદ ભાજપ નેતાઓ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા નજરે પડ્યા હતા.

  6. બ્રેકિંગ, ભારતે ન્યૂઝીલૅન્ડને 65 રનથી હરાવ્યું

    ભારત-ન્યૂઝીલૅન્ડ ટી20 સિરીઝની બીજી મૅચમાં ભારતે ન્યૂઝીલૅન્ડને 65 રનથી હરાવી દીધું છે. માઉન્ટ મૉન્ગાનુઈમાં રમાયેલી મૅચમાં ભારતે ન્યૂઝીલૅન્ડને 192 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.જોકે, ન્યૂઝીલૅન્ડની ટીમ 18.5 ઓવરમાં જ 126 રન પર ઑલઆઉટ થઈ ગઈ હતી.

    ભારતે પ્રથમ બેટિંગ કરતાં 6 વિકેનના નુકસાને 191 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૂર્યકુમારે પોતાની ટી20 કારકિર્દીની બીજી સદી ફટકારી. તેમણે 49 બૉલમાં 100 રન કર્યા અને છેલ્લે સુધી નોટ આઉટ રહ્યા.

    આ પહેલાં ન્યૂઝીલૅન્ડે ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

  7. ઈસુદાન ગઢવી માટે જામખંભાળિયાથી લડવું કેટલું મુશ્કેલ?

    આમ આદમી પાર્ટીના મુખ્ય મંત્રીપદનો ચહેરો એવા ઈસુદાન ગઢવી જામખંભાળિયાથી ચૂંટણી લડી રહ્યા છે.

    40 વર્ષની ઉંમરે તેઓ રાજ્યના મુખ્ય મંત્રી પદની રેસમાં છે.ત્યારે જામખંભાળિયાની બેઠકપર તેમના માટે કેવા પડકારો છે?

  8. શાનદાર સદી ફટકારનારા સૂર્યકુમારને સદી પહેલાં હાર્દિક પંડ્યાએ શું કહ્યું હતું?

    ન્યૂઝીલૅન્ડ સામેની મૅચમાં સૂર્યકુમારે શાનદાર સદી ફટકારી અને 51 રનમાં 111 રન કર્યા.217.64ની સ્ટ્રાઇક રેટથી કરેલા આ રનમાં સાત સિક્સર અને 11 ફૉર સામેલ છે.

    સૂર્યકુમારની ધૂંઆધાર સદીની મદદથી ટીમ ઇન્ડિયા ન્યૂઝીલૅન્ડ સામે 192 રનનો લક્ષ્યાંક મૂકી શકી હતી.

    ભારતની ઇનિંગ બાદ સૂર્યકુમારે પોતાના દાવની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું, "ટી20 ક્રિકેટમાં સદી ખરેખર ખાસ છે પણ અંત સુધી બેટિંગ કરવી પણ મારા માટે મહત્ત્વની છે એવું મને હાર્દિકે કહ્યું હતું."

    "16મી ઓવરમાં અમારી વાત થઈ હતી કે અમે છેલ્લે સુધી રમીશું કેમ કે એ બાદ હુડા અને વૉશિંગ્ટન જ હતા(બેટરો).હું નેટમાં અને તમામ પ્રેક્ટિસ સેશનમાં આવું જ કરી રહ્યો હતો. "

    સૂર્યકુમારે જ્યારે આ વાત કરી ત્યારે ઋષભ પંત તેમના કાનમાં 'અકલ્પનીય' કહેતાં સંભળાયા હતા. રસપ્રદ વાત એ છે કે જબરદસ્ત સ્ટ્રાઇક રેટથી સદી ફટકારનારા સૂર્યકુમારને છેલ્લી ઓવરનો એક પણ મૅચ રમવાની તક નહોતી મળી. 20મી ઓવરમાં સાઉધીએ હૅટ્રિક લીધી હતી.

  9. ભારતે ન્યૂઝીલૅન્ડને આપ્યો 192 રનનો ટાર્ગેટ, સૂર્યકુમારની શાનદાર સદી

    સૂર્યકુમારની તોફાની ઇનિંગને પગલે ભારતે ન્યૂઝીલૅન્ડ સામે જીતવા માટે 192 રનનો તોતિંગ લક્ષ્યાંક મૂક્યો છે.સૂર્યકુમારે 51 બૉલમાં શાનદાર નોટાઉટ 111 ફટકાર્યા છે.

    સૂર્યકુમારે કેવી તોફાની ઇનિંગ રમી એનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય તેમણે પોતાની બીજા 50 રન માત્ર 17 બૉલમાં જ કરી નાખ્યા. સૂર્યકુમારે ટીટ0 કૅરિયરની આ બીજી સદી ફટકારી છે.

  10. વરસાદ બન્યો વિઘ્ન, મૅચ અટકાવાઈ

    ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટીટ0 મૅચમાં વરસાદ વિઘ્ન નાખી રહ્યો છે.ટી20 સિરીઝની આ બીજી મૅચ વરસાદને લીધે અટકી પડી છે.

    મૅચ અટકાવી દેવાઈ એ વખતે ભારતે એક વિકેટ ગુમાવીને 50 રન કરી લીધા હતા.પણ સાતમી ઓવરના ચોથા બૉલે મૅચ અટકાવી દેવી પડી હતી. ભારત તરફથી ઇશાન કિશન (29 રન) અને સૂર્યુકુમાર યાદવ (6 રન) રમી રહ્યા હતા.

    ન્યૂઝીલૅન્ડ સામેની મૅચમાં ભારતે ઋષિભ પંત અને ઇશાન કિશન પાસે ઑપનિંગ કરાવી હતી.જોકે, ભારતની આ રણનીતિ નિષ્ફળ નીવડી હતી અને પંત માત્ર છ રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થઈ ગયા હતા. છ રન કરવા માટે પંતને 13 બૉલ રમ્યા હતા.

    આ પહેલાં યજમાન ટીમે જીત્યો હતોઅને ભારતીય ટીમને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. નોંધનીય છે કે ન્યૂઝીલૅન્ડ સામેની પ્રથમ ટી20 મૅચ વરસાદને લીધે રદ કરવી પડી હતી.

  11. હાર્દિક પંડ્યાની એ રણનીતિ જે ન્યૂઝીલૅન્ડ સામે નિષ્ફળ રહી

    ઋષભ પંત ટી20 ક્રિકેટ માટે જ બન્યા હોવાનું કેટલાય જાણકારો માને છે અને એમને કેટલાય સમયથી ઑપનિંગમાં રમાડવાની ચર્ચા થતી રહી છે. આ બધી ચર્ચાઓ વચ્ચે ન્યૂઝીલૅન્ડ સામેની મૅચમાં ભારતે ઋષિભ પંત અને ઇશાન કિશન પાસે ઑપનિંગ કરાવી હતી.

    જોકે, ભારતની આ રણનીતિ નિષ્ફળ નીવડી હતી અને પંત માત્ર છ રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થઈ ગયા હતા. છ રન કરવા માટે પંતને 13 બૉલ રમ્યા હતા.

    ન્યૂઝીલૅન્ડ સામે ટૉસ હારીને બેટિંગ કરવા માટે ઊતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી અને પંત તથા કિશનની જોડી મક્કમ બેટિંગ કરવા લાગી હતી.જોકે, છઠ્ઠી ઓવરની શરૂઆતમાં જ પંત પાસે ઑપનિંગ કરાવવાની કૅપ્ટન હાર્દિક પંડ્યાની રણનીતિ નિષ્ફળ સાબિત થઈ ગઈ હતી.

    ફર્ગ્યુસને ઓવરના પ્રથમ બૉલ પર પંતની વિકેટ ઝડપી હતી.ઑફમાંથી બહાર નીકળી રહેલા શૉર્ટ બૉલને રમવા માટે પંતે પ્રયાસ કર્યો હતો અને સાઉધીએ તેમનો કૅચ ઝડપી લીધો હતો.36 રને ભારતની પ્રથમ વિકેટ પડી હતી.

    પંત આ પહેલાં પણ ત્રણ વખત ઇનિંગની શરૂઆત કરી ચૂક્યા છે અને પ્રથમ 10 બૉલ પર 112થી વધારે સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી રહ્યા હતા. આ સ્ટ્રાઇક રેટ બાદમાં વધી જતી હોય છે.પ્રથમ બૉલથી જ આક્રમક બેટિંગ કરવાની એમની ક્ષમતા એમને ખાસ બનાવે છે અને આ જ ક્ષમતાનો ફાયદો લેવા હાર્દિક પંડ્યાએ પંતને ઑપનિંગમાં રમવા માટે ઉતાર્યા હતા. જોકે, હાર્દિકનો આ નિર્ણય ખોટો સાબિત થયો હતો.

  12. ભારત વિ. ન્યૂઝીલૅન્ડ : યજમાન ટીમે ટૉસ જીત્યો, ભારતની બેટિંગ

    ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટી20 મૅચમાં ટૉસ યજમાન ટીમે જીત્યો અને ભારતીય ટીમને બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે.

    ભારત તરફથી ઇશાન કિશન અને ઋષભ પંતની જોડીએ ઑપનિંગ કર્યું છે.પંતને લાંબા સમયથી ઑપનિંગમાં લાવવા માટેની ચર્ચા હતી અને આજે પંતે ઑપનિંગ બૅટ્સમૅન તરીકે શરૂઆત કરી છે.

    ભારતીય ટીમ : ઇશાન કિશન, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, શ્રેયાંસ અય્યર, દીપક હુડા, હાર્દિક પંડ્યાં,વૉશિંગ્ટન સુંદર, ભૂવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ,મહમદ સિરાજ, યુજવેન્દ્ર ચહલ

    ન્યૂઝીલૅન્ડ ટીમ : ફિન ઍલન, ડિવોન કૉનવે,કૅન વિલિયમસન,ગ્લૅન ફિલિપ્સ, ડિરેલ મિચેલ, ,જૅમ્સ નિશમ,મિચેલ સૅટનર, ઈશ સોઢી, ટીમ સાઉદી, ઍડમ મિલ્ને, લૉકી ફર્ગ્યુસન

  13. ગુજરાત ચૂંટણી : બીજા તબક્કા માટે કૉંગ્રેસે કોને બનાવ્યા સ્ટારપ્રચારક?

    હિંદુસ્તાન ટાઇમ્સ ડોટ કૉમના એક અહેવાલ અનુસાર રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગહેલોત, છત્તીસગઢના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલ અને પાર્ટીના અન્ય સિનિયર નેતાઓ દિગ્વિજયસિંહ અને રમેશ ચેન્નીથલા ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે કૉંગ્રેસ માટે પ્રચાર કરી શકે છે.

    મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી કમલનાથ અને અશોક ચવ્હાણ પણ 5 ડિસેમ્બરના રોજ યોજાનાર 93 બેઠકો પરના મતદાન અગાઉ બીજા તબક્કામાં પ્રચારાર્થે ઊતરી શકે છે.

    ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે બીજા તબક્કા માટેના પોતાના સ્ટાર પ્રચારકોની યાદીમાં ઉપરોક્ત નામો સમાવિષ્ટ કર્યાં છે.

    નોંધનીય છે કે ભારતના ચૂંટણીપંચના નિયમો અનુસાર આ સ્ટાર પ્રચારકોનો પ્રચારખર્ચ જે તે ઉમેદવારના પ્રચારખર્ચમાં ગણવામાં આવે છે. શનિવારે 40 નામોવાળી આ યાદી બહાર પડાઈ હતી.

    ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન યોજાવા જઈ રહ્યું છે. જેનું પરિણામ 8 ડિસેમ્બરના રોજ આવશે.

    પાર્ટીના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, ભૂતપૂર્વ પાર્ટીપ્રમુખ સોનિય ગાંધી અને રાહુલ ગાંધી, પાર્ટીનાં જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વાડ્રા અને અન્ય સિનિયર નેતાઓ બીજા તબક્કા માટે ચૂંટણીપ્રચાર કરી શકે છે.

  14. ટ્વિટર પર અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વાપસી, અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્વિટર પર વાપીસ થઈ ગઈ છે.

    કંપનીએ તેમના સસ્પેન્ડેડ ઍકાઉન્ટને બહાલ કર્યું છે.

    આ પહેલાં કંપનીના નવા પ્રમુખ એલન મસ્કે ટ્વિટર પર ડોનાલ્ડ ટ્રમ્પની વાપસીને લઈને એક પોલ કર્યો હતો.

    પોલમાં યુઝરોએ નક્કી કરવાનું હતું કે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર ડોનાલ્ડ ટ્રમ્પની વાપસી થવી જોઈએ કે નહીં.

    આ પોલમાં ટ્રમ્પને લગભગ 52 ટકા સમર્થન સાથે 15 મિલિયન મત મળ્યા હતા.

    એલન મસ્કે લોકોના નિર્ણયનું સ્વાગત કર્યું છે.

    જોકે, ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે તેમને ટ્વિટર પર પરત ફરવામાં કોઈ રસ નથી, આના સ્થાને તેઓ પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર રહેવાનું પસંદ કરે છે.

    ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને ગત વર્ષે જાન્યુઆરીમાં વૉશિંગટનમાં કૅપિટલ બિલ્ડિંગ પર થયેલ હુમલાને જોતાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પરથી પ્રતિબંધિત કરાયા હતા.

    જે બાદ તેમણે પોતાનું અંગત સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ‘ટ્રુથ સોશિયલ’ શરૂ કર્યું હતું.

  15. ગુજરાત ચૂંટણીમાં આ વખત લગભગ અડધા મતદારોની ઉંમર 40થી ઓછી, જોકે, આ વખત નવા વોટરોની સંખ્યામાં ઘટાડાનું વલણ ચાલુ રહ્યું છે.

    ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખત કુલ માન્ય વોટરો પૈકી લગભગ અડધાની ઉંમર 40 કરતાં ઓછી હોવાનું સામે આવ્યું છે.

    જોકે, આ વખત નવા વોટરોની સંખ્યામાં ઘટાડાનું વલણ ચાલુ રહ્યું છે. નોંધનીય છે કે પાછલાં દસ વર્ષથી દરેક ચૂંટણીમાં નવા વોટરોની સંખ્યા ઓછી નોંધાઈ રહી છે.

    ચૂંટણીપંચ દ્વારા શૅર કરાયેલ તાજેતરના ડેટા અનુસાર 4.9 કરોડ નોંધાયેલ મતદારો પૈકી 2.35 કરોડની ઉંમર 40 વર્ષ કરતાં ઓછી છે. નોંધનીય છેકે આમાં 11.74 લાખ નવા મતદારો પણ સામેલ છે. જે વર્ષ 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણીઓમાં નોંધાયેલ નવા મતદારોની સંખ્યા કરતાં ઓછી સંખ્યા છે.

    40 વર્ષ કરતાં ઓછી ઉંમર ધરાવતા મતદારોમાંથી 30-39ના વયજૂથમાં આવતા 1.21 કરોડ મતદારો છે.

  16. ગુજરાત : ગુલબર્ગ હત્યાકાંડના સાક્ષી ઇમ્તિયાઝ પઠાણ ચૂંટણીમાં ઝંપલાવશે, અગાઉ અસદુદ્દીન ઓવૈસીના પક્ષ એઆઈએમઆઈએમ સાથે સંકળાયેલ પઠાણ પાર્ટી છોડવાનું કારણ જણાવતાં કહે છે કે તેમને પાર્ટીના પાયાના કાર્યકરો પસંદ નહોતા.

    ઇન્ડિયાટુડે ડોટ ઇનના એક અહેવાલ અનુસાર અમદાવાદમાં વર્ષ 2002નાં રમખાણો દરમિયાન થયેલ ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડના એકમાત્ર સા7 ઇમ્તિયાઝ પટેલ જનતા દળ યુનાઇટેડની ટિકિટ પરથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવવા જઈ રહ્યા છે.

    અગાઉ અસદુદ્દીન ઓવૈસીના પક્ષ એઆઈએમઆઈએમ સાથે સંકળાયેલ પઠાણ પાર્ટી છોડવાનું કારણ જણાવતાં કહે છે કે તેમને પાર્ટીના પાયાના કાર્યકરો પસંદ નહોતા.

    પઠાણે તેમના નિવેદનમાં કહ્યું હતું કે તેઓ અહેસાન જાફરીના બાજુના બંગલામાં રહેતા હતા. તેમજ અહેસાન જાફરીએ તેમની હત્યા પહેલાં તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને મદદ માટે ફોન કર્યો હતો.

    પઠાણે ઇન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “મને અસદુદ્દીન ઓવૈસીને પણ ક્યારેય મળવાની તક ન મળી. મેં ખેડા અને જામનગરમાં પાર્ટીને મજબૂત કરવામાં ફાળો આપ્યો. મને કૉંગ્રેસ પાસેથી કોઈ આશા નથી. તેઓ પોતાના ભૂતપૂર્વ સાંસદ અહેસાન જાફરીને ન બચાવી શક્યા, તેઓ અમને કઈ રીતે બચાવશે? મુસ્લિમ સમાજ માટે અહીં કોઈ નથી.”

  17. ભીમા કોરેગાંવ કેસમાં જેલમુક્ત થયેલા ગૌતમ નવલખા એક મહિનો નજરકેદ રહેશે

    સુપ્રીમ કોર્ટના આદેશ પર તેમને એક મહિનાની નજરકેદ માટે મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યા છે. આ કેસ સાથે જોડાયેલા એક વકીલે બીબીસીને આ જાણકારી આપી છે.

    સુપ્રીમ કોર્ટે શુક્રવાર, 10 નવેમ્બરે પોતાનો એ આદેશ પાછો લેવાનો ઇનકાર કર્યો હતો, જેમાં કહેવાયું હતું કે નવલખાના ખરાબ સ્વાસ્થ્ય અને ઉંમરને જોઈને તેમને નજરકેદ રાખવા જોઈએ.

    સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જે મકાનમાં નજરકેદ દરમિયાન ગૌતમ નવલખા રહેશે તેમાં પ્રવેશવાના તમામ દરવાજાને એનઆઈ દ્વારા સીલ કરવામાં આવશે.

    સુપ્રીમ કોર્ટે કહ્યું, "અમે નવલખાની સુરક્ષાને લઈને જે આદેશ આપ્યો હતો તેના સિવાય પણ કેટલીક વધારાની વ્યવસ્થા કરવાની છે."

    ભીમા કોરેગાંવ કેસમાં ગોતમ નવલખા છેલ્લાં બે વર્ષથી જેલમાં હતા. 10 નવેમ્બરે તેમની ખરાબ તબિયતના આધારે તેમને મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

    શનિવારે તેમને મુક્ત કર્યા બાદ પોલીસ તેમને મુંબઈના બેલાપુર-અગ્રોલી વિસ્તારની એક બિલ્ડિંગમાં લઈ ગઈ હતી. જ્યાં તેઓ રહેશે.આ બિલ્ડિંગ સીપીઆઈની છે, જેના ભોંયરામાં પુસ્તકાલય આવેલું છે.

    10 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તેમને કેટલીક શરતો સાથે એક મહિના સુધી નજરકેદમાં રાખવામાં આવે. કોર્ટે કહ્યું હતું કે આ આદેશને 48 કલાકમાં લાગુ કરવામાં આવે.

  18. નમસ્કાર! બીબીસી ગુજરાતી સેવાના આ લાઇવ ન્યૂઝ કવરેજ પેજ પર આપનું સ્વાગત છે. અહીં ગુજરાત ઉપરાંત દેશ-વિદેશના મહત્ત્વના સમાચારો રજૂ કરાશે. ગઈકાલનું લાઇવ કવરેજઅહીં ક્લિકકરીને વાંચી શકશો.