તુર્કીએ ઇરાક અને સીરિયામાં કુર્દિશ ઠેકાણાં પર કર્યો હવાઈ હુમલો, 30થી વધુનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, TURKISH DEFENCE MINISTRY
તુર્કીએ ઇરાક અને સીરિયામાં કુર્દિશ ઠેકાણાં પર હવાઈ હુમલા શરૂ કર્યા છે. તુર્કીએ ગયા અઠવાડિયે જ ઇસ્તંબૂલમાં થયેલા બ્લાસ્ટ બાદ આ કાર્યવાહી શરૂ કરી છે.
તુર્કીએ આ બ્લાસ્ટ માટે કુર્દિશ ચરમપંથીઓને જવાબદાર ઠેરવ્યા હતા.
બ્રિટનસ્થિત સીરિયન ઑબ્ઝર્વેટરી ફૉર હ્યુમન રાઇટ્સે કહ્યું કે હુમલામાં માત્ર સીરિયામાં જ 31 લોકોનાં મૃત્યુ થયાં છે.
ઇસ્તંબૂલમાં થયેલા બૉમ્બબ્લાસ્ટમાં છ લોકોનાં મૃત્યુ થયાં અને 80થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
જોકે, કુર્દિશ સંગઠન પીકેકેએ આ હુમલામાં પોતાનો હાથ હોવાનો ઇનકાર કર્યો હતો. તુર્કીએ આ ઑપરેશનને 'ક્લૉ સોર્ડ' નામ આપ્યું છે.
તુર્કીના સંરક્ષણ મંત્રાલય મુજબ એ કુર્દિશ ઠેકાણાં પર હુમલા કર્યા છે, જ્યાંથી તુર્કી વિરુદ્ધ હુમલા કરવામાં આવ્યા હતા.
સીરિયન-કુર્દિશ પ્રવક્તાએ જણાવ્યું કે આંતરિક રૂપે વિસ્થાપિત લોકોનાં બે ગામ પર હુમલો કરવામાં આવ્યો છે.











