You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

જાણીતાં બોલીવૂડ અભિનેત્રી તબસ્સુમ ગોવિલનું નિધન

બોલીવૂડનાં પીઢ અભિનેત્રી તબસ્સુમ ગોવિલનું 18 નવેમ્બરે રાત્રે નિધન થયું છે. તેમણે સૌથી પહેલી ફિલ્મ નરગિસ સાથે કરી હતી.

લાઇવ કવરેજ

  1. વલસાડમાં PM મોદીએ કહ્યું, 'ગુજરાતને રિવર્સ ગિયરમાં નાખનારાઓથી ચેતજો'

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સાંજે દમણ ઍરપૉર્ટ આવી પહોંચ્યા હતા.

    વડા પ્રધાન મોદીએ દમણ ઍરપૉર્ટથી વાપી સુધી 11 કિલોમિટર લાંબો રોડ-શો યોજ્યો હતો. આ રોડ-શો બાદ વલસાડમાં તેમણે જાહેર સભા સંબોધી હતી.

    પોતાના સંબોધનમાં તેમણે કહ્યું, "ગુજરાતને બદનામ કરનારી ટોળકી સક્રિય થઈ છે. તેઓ દૂધમાં જે રીતે સાકર ભળે તેમ ભળી ગયા છે. પણ ગુજરાતને રિવર્સ ગિયરમાં નાખવાનો જે લોકો પ્રયત્ન કરી રહ્યા છે તેમને આપણે કોઈ પણ ભોગે સ્વીકારવાના નથી."

    કૉંગ્રેસ પર નિશાન સાધતા તેમણે કહ્યું, "કૉંગ્રેસની સરકારમાં એક જીબી મોબાઇલ ડેટાના 300 રૂપિયા ખર્ચવા પડતા હતા. આજે 10 રૂપિયામાં એક જીબી ડેટા મળે છે. જો પહેલાંની સરકાર હોત તો તમારું બિલ ચારથી પાંચ હજાર રૂપિયા આવતું હોત."

    આ ઉપરાંત વડા પ્રધાન મોદીએ પ્રથમ વખત મત આપનારા મતાદાતાઓને વોટિંગ માટે વિશેષ અપીલ કરી હતી.

  2. વડગામ : ચૌધરી અને મુસ્લિમ સમાજના મતોમાં ગાબડું પડે તો કોને ફળે, કોને નડે?

  3. બ્રેકિંગ, નિવૃત્ત આઈએએસ અધિકારી અરુણ ગોયલ નવા ચૂંટણી કમિશનર

    નિવૃત્ત આઈએએસ અધિકારી અરુણ ગોયલને નવા ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

    પ્રેસ ઇન્ફૉર્મેશન બ્યૂરો અનુસાર, રાષ્ટ્રપતિએ 1985ની બેચના નિવૃત્ત આઈએએસ અધિકારી અરુણ ગોયલને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે.

    તેઓ તત્કાળ પોતાનો પદભાર સંભાળશે.

  4. યુવાનોને કટ્ટર બનાવતી સંસ્થાઓ પર પ્રતિબંધ લાદ્યો, દરેક દેશે આમ કરવું જોઈએ : અમિત શાહ

    મિનિસ્ટીરિયલ કૉન્ફરન્સ ઑન કાઉન્ટર ટૅરેરિઝમ ફાઇનાન્સિંગના ત્રીજા 'નો મની ફૉર ટૅરર'ના સમાપન સમારોહમાં શનિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે "મારું સ્પષ્ટપણે માનવું છે કે આતંકવાદ લોકતંત્ર, માનવાધિકાર, આર્થિક પ્રગતિ અને વિશ્વ શાંતિ માટે અડચણરૂપ છે, જેને આપણે જીતવા દેવાય નહીં. કોઈ પણ એક દેશ કે સંગઠન આતંકવાદને એકલો હરાવી શકે નહીં."

    તેમણે કહ્યું, "હાલમાં જ સામાજિક ગતિવિધિની આડમાં યુવાઓને કટ્ટર બનાવીને તેમને આતંકના રસ્તે ધકેલવાનું કાવતરું કરતી એક સંસ્થાને બૅન કરી છે. મારું માનવું છે કે દરેક દેશે આવી સંસ્થાઓને શોધીને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ."

    આ વર્ષે સપ્ટેમ્બરમાં કેન્દ્ર સરકારે પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા એટલે કે પીએફઆઈ સંગઠન પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ લાદ્યો હતો.

    ગૃહમંત્રીએ આ દરમિયાન એક પણ દેશનું નામ લીધા વગર કહ્યું કે કેટલાક દેશો સતત ચરમપંથીઓનું સમર્થન કરી રહ્યા છે અને આતંકવાદને આશરો આપી રહ્યા છે.

    તેમણે કહ્યું, "મારું માનવું છે કે આતંકવાદની કોઈ આંતરરાષ્ટ્રીય સીમા નથી, તેથી તમામ દેશોએ રાજનૈતિક એકસૂત્રતા રાખીને આતંકવાદ સામે લડવા માટે એકબીજાનો સાથ આપવો જોઈએ."

  5. પીઢ અભિનેત્રી તબસ્સુમ ગોવિલનું નિધન

    બોલીવૂડનાં પીઢ અભિનેત્રી તબસ્સુમ ગોવિલનું 18 નવેમ્બરે રાત્રે નિધન થયું છે. સમાચાર એજન્સી પીટીઆઈએ તેમના નિધનની પુષ્ટિ કરી છે.

    તેમના પુત્ર હોશાંગ ગોવિલે 'ઇન્ડિયન એક્સપ્રેસ' સાથેની વાતચીતમાં કહ્યું, "શુક્રવારે સાંજે તેમને હૉસ્પિટલમાં બે મિનિટના ગાળામાં બે વખત કાર્ડિઆક ઍરેસ્ટ આવ્યો હતો. બાદમાં તેમનું નિધન થયું છે."

    78 વર્ષીય તબસ્સુમે વર્ષ 1947માં બાળકલાકાર તરીકે બોલીવૂડમાં કારકિર્દી શરૂ કરી હતી. તેમણે સૌથી પહેલી ફિલ્મ નરગિસ સાથે કરી હતી.

    ત્યાર બાદ તબક્કા વાર તેઓ ઘણી બોલીવૂડ ફિલ્મોમાં જોવાં મળ્યાં હતાં. તેમની અંતિમ ફિલ્મ વર્ષ 1990માં આવેલી 'સ્વર્ગ' હતી.

    બોલીવૂડની કારકિર્દી સિવાય તેઓ દૂરદર્શનના ટૉક શો 'ફૂલ ખીલે હૈ ગુલશન ગુલશન'ને વર્ષ 1972થી 1993 સુધી હોસ્ટ કરતાં હતાં.

  6. 'મને રાતના અંધારામાં હત્યા કરવાનું પસંદ નથી. હું સૂર્યોદય થવાની રાહ જોઉં છું' - પેદ્રો લોપેઝ

  7. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન પહેલી વખત પુત્રી સાથે જોવા મળ્યા

    ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન દેશની સૌથી મોટી ઇન્ટરકૉન્ટિનેંટલ બૅલેસ્ટિક મિસાઇલના લૉન્ચિંગ વખતે પોતાનાં પુત્રી સાથે જોવા મળ્યા છે.

    તેમનાં પુત્રીનું નામ કિમ ચૂ-અએ હોવાનું જણાવાઈ રહ્યું છે.

    મિસાઇલ લૉન્ચ સમયે ઉત્તર કોરિયાના નેતા અને તેમનાં પુત્રી હાથ પકડીને ફરતાં નજરે પડ્યાં હતાં. અમેરિકાએ આ લૉન્ચની ટીકા કરી છે.

    કિમ જોંગ ઉન વિશ્વના સૌથી ગુપ્ત રહેતા દેસોમાંના એક ઉત્તર કોરિયાના નેતા છે. તેમના અંગત જીવન વિશે ઘણી ઓછી માહિતી સાર્વજનિક છે.

    ઉત્તર કોરિયાની સરકારી ન્યૂઝ એજન્સી કેસીએનએએ કિમ જોંગ ઉન અને તેમનાં પુત્રીની કેટલીક તસવીરો જાહેર કરી છે.

    ઉત્તર કોરિયાની આગેવાની કરનારા કિમ જોંગ ઉન તેમના પરિવારની ત્રીજી પેઢીના છે.

    વૉશિંગ્ટનમાં સ્ટિમસૉન સેન્ટરમાં ઉત્તર કોરિયા વિશેષજ્ઞ માઇકલ મૅડન કહે છે કે આ તસવીરો દ્વારા કિમ જોંગ ઉન કોઇકને કોઇક રીતે સ્થાપિત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે દેશના આગામી ઉત્તરાધિકારી તેમના પરિવારની ચોથી પેઢીમાંથી જ હશે.

  8. નરેન્દ્ર મોદીએ 'કાશી તમિલ સંગમમ'નું ઉદઘાટન કર્યું

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં 'કાશી તમિલ સંગમમ'નું ઉદઘાટન કર્યું. કાર્યક્રમમાં મોદીએ કાશી અને તામિલનાડુની સંસ્કૃતિ વચ્ચે સમાનતાનો ઉલ્લેખ કર્યો હતો.

    તેમણે કહ્યું, "આપણા દેશમાં સંગમોનું મોટું મહત્ત્વ રહ્યું છે. નદીઓ અને ધારાઓના સંગમથી લઈને વિચારો, વિચારધારાઓ, જ્ઞાનવિજ્ઞાન અને સમાજો તેમજ સંસ્કૃતિઓનાં દરેક સંગમની આપણે ઉજવણી કરી છે. આથી કાશી તમિલ સંગમમ પોતાની રીતે વિશેષ અને અદ્વિતીય છે."

    તેમણે કહ્યું, "એક તરફ આખા ભારતને પોતાનામાં સમાવનાર આપણી સાંસ્કૃતિક રાજધાની કાશી છે, તો બીજી તરફ ભારતની પ્રાચીનતા અને ગૌરવનું કેન્દ્ર આપણી તામિલનાડુ અને તમિલ સંસ્કૃતિ છે. આ સંગમ પણ ગંગા-જમુનાના સંગમ જેટલું પવિત્ર છે."

    મોદીએ કહ્યું કે, "કાશીમાં બાબા વિશ્વનાથ છે, તો તામિલનાડુમાં ભગવાન રામેશ્વરના આશીર્વાદ છે. કાશી અને તામિલનાડુ બંને શિવમય છે, બંને શક્તિમય છે. એક સ્વયં કાશી છે, તો તામિલનાડુમાં દક્ષિણ કાશી છે. 'કાશી-કાંચી'ના રૂપમાં બંનેની સપ્તપુરીઓમાં પોતાની મહત્તા છે."

    મોદીએ કહ્યું કે, "કાશી તમિલ સંગમમનું આયોજન આઝાદીના અમૃતકાળમાં થઈ રહ્યું છે. ભારત એ રાષ્ટ્ર છે, જેણે સ્વાભાવિક સાંસ્કૃતિક એકતાને જીવી છે."

  9. જામનગર ગ્રામ્યના ભાજપના ઉમેદવાર રાઘવજી પટેલનો વિરોધ

    ગુજરાતના કૃષિમંત્રી અને ભાજપના વર્તમાન ધારાસભ્ય અને જામનગર ગ્રામ્ય બેઠકના ઉમેદવાર રાઘવજી પટેલનો નવા નાગના ગામે વિરોધ થયો છે.

    રાઘવજી પટેલ ગઈ રાત્રે જામનગરની ભાગોળે આવેલા નવા નાગના ગામે ચૂંટણીપ્રચાર માટે પહોંચ્યા હતા.

    તેઓ પ્રચાર કરે તે પહેલાં જ ગામના સરપંચની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ગ્રામજનોએ ધાંધલ-ધમાલ શરૂ કરી હતી.

    નવા નાગના ગામે પડતર પ્રશ્નોની અનેક રજૂઆતો બાદ પણ નિકાલ ન આવ્યો હોવાનું જણાવીને ગામલોકોએ વિરોધ કર્યો હતો.

    ગામલોકોએ એટલી હદે વિરોધ કર્યો હતો કે રાઘવજી પટેલ પોતાની વાત પણ રજૂ કરી શક્યા ન હતા અને તેમને પાછા જવું પડયું હતું.

    નવા નાગના ગામમાં સતવારા સમાજની બહુમતી છે, ગામની ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

  10. વડા પ્રધાનની આજે વલસાડમાં રેલી, ભાજપના 29 નેતા પ્રચારમાં લાગ્યા

    ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પહેલી અને પાંચ ડિસમ્બરે મતદાન થવાનું છે, ત્યારે ભાજપની કેન્દ્રીય નેતાઓની ફોજ ગુજરાતમાં ઉતારી દેવાઈ છે.

    આજે વલસાડમાં નરેન્દ્ર મોદીની સભા યોજાશે પછી તેમનો અન્ય કાર્યક્રમ શરૂ થશે.

    પ્રથમ તબક્કામાં 89 સીટ માટે મતદાન થવાનું છે અને તેમાંથી 82 સીટ પર ભાજપના અંદાજે 29 નેતાઓ ચૂંટણીપ્રચાર કરશે.

    પ્રચાર માટે છ કેન્દ્રીય મંત્રી અને ત્રણ મુખ્ય મંત્રીને પણ પ્રચારમાં ઉતાર્યા છે.

    પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક ભાજપના નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરશે.

    ગોરખપુરના સાંસદ રવિકિશન પણ પ્રચાર માટે ગુજરાત પહોંચી ગયા છે.

  11. ભાજપ તરફથી PM મોદી પ્રચાર મેદાને, આપ ચૂપ, કૉંગ્રેસ તરફથી કોણ ઝંપલાવશે?

  12. દિલ્હીની તિહાડ જેલમાં સત્યેન્દ્ર જૈનને ‘મસાજ’ અંગે ભાજપ-આપમાં તકરાર, આ અઠવાડિયે દિલ્હીની તિહાડ જેલના સુપરિન્ટેન્ડેન્ટને સત્યેન્દ્ર જૈનને વીઆપી ટ્રીટમેન્ટ આપવાના આરોપમાં સસ્પેન્ડ કરી દેવાયા છે.

    દિલ્હી સરકારમાં મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનની તિહાડ જેલમાં મસાજ કરાઈ રહી હોવાના બે વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ છે.

    સત્યેન્દ્ર જૈનની મની લૉન્ડ્રિંગ મામલે પ્રવર્તન નિદેશાલય (ઈડી)એ 30 મેના રોજ ધરપકડ કરી હતી.

    તિહાડ જેલમાં સત્યેન્દ્ર જૈનની સેલના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સત્યેન્દ્ર જૈન પથારી પર આડા પડીને અમુક કાગળ દેખાડી રહ્યા છે અને એક શખ્સ તેમના પગની માલિશ કરી રહ્યો છે.

    જણાવી દઈએ કે આ અઠવાડિયે દિલ્હીની તિહાડ જેલના સુપરિન્ટેન્ડેન્ટને સત્યેન્દ્ર જૈનને વીઆપી ટ્રીટમેન્ટ આપવાના આરોપમાં સસ્પેન્ડ કરી દેવાયા છે.

    સત્યેન્દ્ર જૈનનો વીડિયો સામે આવ્યો ત્યારે ભાજપે આમ આદમી પાર્ટીને ઘેરવાનું શરૂ કરી દીધું છે. જોકે, આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે તેઓ બીમાર છે અને ડૉક્ટરોએ તેમને ફીઝિયોથેરપીની સલાહ આપી છે.

    ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયએ કહ્યું કે કેજરીવાલે તિહાડ જેલને મસાજ પાર્લરમાં પલટી દીધી છે.

    તેમણે એક ટ્વીટમાં લખ્યું કે, “અરવિંદ કેજરીવાલે તિહાડ જેલને મસાજ પાર્લરમાં પલટી નાખી છે. જેલમાં બંધ તેમના મંત્રી સત્યેન્દ્ર જૈનને એક મસાજ કરનાર મળશે, જે જેલના તમામ નિયમોનું ઉલ્લંઘન કરતાં, દિલ્હીના મુખ્ય મંત્રીથી નિકટતાના કારણે કેદીની સેવા કરે છે. દિલ્હી સરકાર તિહાડ જેનું પ્રબંધન જુએ છે. આ ભ્રષ્ટાચારી રાજકારણ બદલવા આવ્યા હતા."

  13. 7 ડિસેમ્બરથી શરૂ થશે સંસદનું શિયાળુ સત્ર, કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ આ વાતની જાણકારી આપી હતી.

    સંસદનું શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર વચ્ચે યોજાશે, કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ આ વાતની જાણકારી આપી હતી.

    શિયાળુ સત્ર કુલ 17 દિવસ લાંબું હશે.

    ટ્વિટર પર તેમણે લખ્યું, “સંસદનું શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર વચ્ચે યોજાશે. આ દરમિયાન 23 દિવસમાં 17 બેઠકો થશે. અમૃતકાળ દરમિયાન યોજાઈ રહેલ આ સત્રમાં ધારાકીય કામકાજ અને બીજા મુદ્દા પર ચર્ચા થશે. રચનાત્મક વાદવિવાદ થશે તેવી આશા.”

    એવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે કે શિયાળુ સત્રનો પ્રથમ દિવસ સ્થગિત થઈ શકે છે, કારણ કે પાછલા કેટલાક દિવસોમાં ઘણા સભ્યોનાં મૃત્યુ થયાં છે. હાલમાં જ જે સાંસદો મૃત્યુ પામ્યા તેમાં સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમસિંહ યાદવ પણ સામેલ છે.

    મોનસૂન સત્ર 18 જુલાઈથી 8 ઑગસ્ટ સુધી ચાલ્યું હતં. આ દરમિયાન ગૃહમાં 16 સત્ર ચાલ્યાં. આ સત્રમાં લોકસભામાં છ બિલ રજૂ કરાયાં હતાં.

    રાહુલ ગાંધી નહીં થાય સામેલ

    કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ વખત સંસદના શિયાળુ સત્રમાં હાજર નહીં રહે. કૉંગ્રેસનેતા જયરામ રમેશે જણાવ્યું કે રાહુલ ગાંધી ભારત જોડો યા6ના કારણે આ સત્રમાં ભાગ નહીં લઈ શકે.

  14. ઈરાનમાં અયાતુલ્લાહ ખોમૈનીના ઘરને વિરોધ પ્રદર્શનકારીઓએ આગ ચાંપી

    ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં એક મોટી ઘટના બની છે. વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોએ ઈરાનના ઇસ્લામિક પ્રજાસત્તાકના સ્થાપક અયાતુલ્લાહ રુહોલ્લા ખોમૈનીના પેઢીઓ જૂના ઘરને આગ લગાવી દીધી. સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી રહેલી તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે કે, ખોમૈન શહેરમાં આવેલા એ મકાનના એક ભાગમાં આગ લગાડવામાં આવી રહી છે.

    સમાચાર સંસ્થાઓેએ વીડિયો લોકેશનની પુષ્ટિ કરી છે, જોકે, ક્ષેત્રિય વહીવટીતંત્રએ કોઈ પણ પ્રકારના હુમલાનો ઇનકાર કર્યો છે. કહેવાય છે કે, અયાતુલ્લાહ ખોમૈની આ ઘરમાં જન્મ્યા હતા અને હવે તેને મ્યુઝિયમમાં તબદીલ કરી દેવામાં આવ્યું છે.

    ખોમૈની 1979માં ઈરાનમાં થયેલી ઇસ્લામિક ક્રાંતિના નેતા હતા. તેમણે દેશમાં પશ્ચિમી દેશો તરફ કૂણું વલણ ધરાવતા નેતા શાહ મોહમ્મદ રઝા પહલવીને પદ પરથી હટાવી દીધા હતા અને ઇસ્લામિક પ્રજાસત્તાકની શરૂઆત કરી હતી.

    તેઓ વર્ષ 1989માં અવસાન પામ્યા ત્યાં સુધી ઈરાનના સર્વોચ્ચ નેતાપદે રહ્યા.

    ખોમૈનથી સોશિયલ મીડિયા પર આવી રહેલા વીડિયોમાં ડઝનબંધ લોકો જોશ સાથે સૂત્રોચ્ચાર કરતા જોઈ શકાય છે. એક ઍક્ટિવિસ્ટ નેટવર્કનું કહેવું છે કે આ વીડિયો ગુરુવાર સાંજનો છે.

    જોકે ખોમૈનનાં પ્રેસ કાર્યાલયે કોઈ પણ પ્રકારના હુમલાનો ઇનકાર કર્યો છે.

    અર્ધ સરકારી સંસ્થા તસનીમ સમાચાર એજન્સીએ જણાવ્યું છે કે કેટલાક લોકો ઘરની બહાર એકઠા થયા હતા અને પછી ઘરનો વીડિયો શૅર કરીને કહ્યું કે, "ઘર પર્યટકો અને ખોમૈનીના ચાહકો માટે ખુલ્લું છે."

    એજન્સીએ કહ્યું કે, "મહાન ક્રાંતિના દિવંગત સ્થાપકના ઘરના દરવાજા સામાન્ય જનતા માટે ખુલ્લા છે."

  15. ગુજરાત હાઇકોર્ટના જજની બદલીનો મુદ્દો ઉઠાવવા વકીલો CJIને મળશે, શુક્રવારે ગુજરાત હાઇકોર્ટ ઍડ્વોકેટ્સ ઍસોસિયેશનના સેક્રેટરી હાર્દિક ડી. બ્રહ્મભટ્ટે આ વાતની જાણકારી આપી હતી.

    ટાઇમ્સઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ગુજરાત હાઇકોર્ટના જજ નિખિલ એસ. કરિયલની પટણા ખાતે બદલી મુદ્દે ગુજરાત હાઇકોર્ટ ઍડ્વોકેટ્સ ઍસોસિયેશનના વકીલોની રજૂઆત સાંભળવા ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ સંમત થયા છે.

    નોંધનીય છે કે જસ્ટિસ કરિયલની બદલીના કૉલેજિયમની ભલામણ વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટ ઍડ્વોકેટ્સ ઍસોસિયેશન દ્વારા પ્રદર્શન કરાઈ રહ્યું હતું. આ પ્રદર્શનને અનુસંધાને ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે પ્રદર્શનકારી પક્ષને 21 નવેમ્બરે મુલાકાતનો સમય આપ્યો છે.

    શુક્રવારે ગુજરાત હાઇકોર્ટ ઍડ્વોકેટ્સ ઍસોસિયેશનના સેક્રેટરી હાર્દિક ડી. બ્રહ્મભટ્ટે આ વાતની જાણકારી આપી હતી.

    આ સિવાય તેમણે કહ્યું હતું કે, “અમારા ડેલિગેશન સિવાય ચીફ જસ્ટિસ તેલંગાણા હાઇકોર્ટના વકીલોને પણ તેમની ફરિયાદો બાબતે મળી શકે છે.”

    નોંધનીય છે કે વહીવટી કારણોસર કૉલેજિયમે તાજેતરમાં ત્રણ હાઇકોર્ટ જજોની બદલીની ભલામણ કરી હતી.

  16. મેધા પાટકર રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં દેખાતાં ભાજપનો શાબ્દિક હુમલો, કહ્યું – ગુજરાત સહન નહીં કરે, પાટકરે નર્મદા બચાઓ આંદોલન (એનબીએ) થકી ગુજરાતમાં સરદાર સરોવર પ્રોજેક્ટ સામે આંદોલન ઊભું કર્યું હતું.

    ઇન્ડિયન એક્સ્પ્રેસના એક અહેવાલ અનુસાર ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની ભારત જોડો યાત્રામાં મેધા પાટકર સાથે રાહુલ ગાંધીની તસવીરો સામે આવતાં ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.

    રાહુલ ગાંધીના વડપણમાં હાલ કૉંગ્રેસે ભારત જોડો યાત્રાનું આયોજન કર્યું છે, જે અંતર્ગત રાહુલ ગાંધી દેશનાં ઘણાં રાજ્યોનો પગપાળા પ્રવાસ કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાંથી પસાર થતી વખતે યાત્રામાં મેધા પાટકર સાથે રાહુલ ગાંધી ચર્ચા કરતા જોવા મળ્યા હતા.

  17. નમસ્કાર! બીબીસી ગુજરાતીના આ લાઇવ પેજમાં તમારું સ્વાગત છે.

    તમને અહીં ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર મળતા રહેશે.

    દિવસભર બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.

    18 નવેમ્બરના સમાચાર માટે અહીં ક્લિક કરો.